- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- અજાણ્યા લોકોની સાથે પણ હાથ મેળવીને હૃદયને એક કરવાની વાત ઘણી અઘરી લાગે. પણ એ દિશામાં સાહસ કરવા જેવું છે
ઘર
ઘર તમે કોને કહો છો ?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે,
જેનું બધાને કામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો ?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને 'હાશ' કહો,
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી !
તે ઘર તમે કોને કહો છો ?
- નિરંજન ભગત
દરેકના મનમાં એક ઘરની કલ્પના હોય છે. દરેકને ઘરનું સપનું હોય છે અને દરેક મનમાં સપનાનું ઘર હોય છે. ગામડું છોડીને શહેરમાં આવતો માણસ ઈચ્છા રાખતો હોય છે કે આ શ્હેરમાં એનું ઘર હોય.. ઘર એટલે ? મહેલ... ટેર્નામેન્ટ... ફ્લેટ.. બંગલો.. ફાર્મ હાઉસ.. રો હાઉસ.. ઝૂંપડી... નાનકડું છાપરું.. ઘર કોને કહીશું ? માત્ર ચાર દિવાલો અને છત ભેગા થાય એટલે ઘર નથી બની જતું.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફક્ત આ ચાર દિવાલો જ નથી ઘરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી ખૂબ જરૂરી છે પણ હૂંફ અને હાજરી એટલે જ ઘર એમ ન કહી શકાય કોઈને ઘેર અધરાતે-મધરાતે ના જઈ શકાય. ગમે તે સમયે ન જવાય, કારણ વગર ન જવાય. બહુ ઓછા ઘર એવા હોય છે કે જ્યાં તમે હકથી જઈ શકો, હકથી જમી શકો, ગમે ત્યારે જઈ શકો. ક્યારેક જીંદગીભર એવા ઘરની શોધ રહ્યા જ કરે અને એવું એક ઘર જીંદગીભર ક્યાંય ના મળે.
એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
- માધવ રામાનુજ
જીંદગીભર માણસને શોધ એક એવા ઘરની હોય છે. ક્યારેક એ શોધમાં માણસ જીંદગીભર તરસતો જ રહે છે અને જુઓ પૈસો હોય તો એક પછી એક ઘર બનાવતો જ જાય છે... અને અચાનક ખબર પડે છે કે આ ઘર નહીં મકાનો બનાવ્યા. ઘરનો પ્રશ્ન જેટલો માણસને મૂંઝવે છે એટલો કોઈને નથી મૂંઝવતો. માળો, દર, રાફડો, ગુફા આ બધા ઘર જ છે. પણ માણસને એક મન મળ્યું છે અને એ મનની એક ચિરંતન શોધ ઘરની હોય છે. ઘર ખૂબ હોંશે હોંશે બનાવ્યું હોય છે પણ પ્રત્યેક ઘર પ્રત્યેકને સુખી નથી રાખી શકતા. ક્યારેક આખી દુનિયામાં ફરીને ઘેર આવો અને મનમાં થાય કે ક્યાં આવ્યા ? પૃથ્વીનો છેડો ઘર કહ્યો છે પણ એ એવું ઘર કે જ્યાં હૃદય ઠરે.
આપણી ગુજરાતી ભાષાના કવિઓમાંના એક શ્રી નિરંજન ભગતનું આ જાણીતું કાવ્ય આપણને ઘરની સીધી સરળ વ્યાખ્યા આપતું જાય છે. મારા ઘરના સરનામે મોકલી આપજો ને આવું આપણે ઘણાને કહ્યું હોય છે પણ કોઈવાર જાતને પૂછવા જેવું છે કયું ઘર ? કોનું ઘર ? ખરેખર ઘર કોને કહીએ છીએ ? જ્યાં ટપાલી પત્ર લાવે એ ઘર ? જ્યાં મિત્રો-મહેમાનો આપણને શોધતા-શોધતા કે ખબર હોય ને આવી ચડે કે ક્યારેક આવીને માથે પડે... જેનું બધાને આપણે કામઠેકાણુ આપતા હોઈએ એને ઘર કહીએ છીએ !
ના જ્યાં આપણે પગરખા-ચંપલ-સેન્ડલ - માથાનો ભાર ઉતારીને બેસી શકીએ, હાથ ખુલ્લા કરીને હાશ કહી શકીએ, જ્યાં બધાના ચહેરાઓ જોઈને મલકી શકીએ, ખુશ થઈ જઈએ ત્યાં-ત્યાં બધે જ આપણા સાચૂકલા ઘર છે, જ્યાં હળવા થવાય, જ્યાં નિર્ભાર થવાય, જ્યાં પ્રસન્નતા પ્રગટે તે જ સાચું ઘર. ખરેખર તો આવા ઘરની એક કલ્પના જ મનમાં રહ્યા કરતી હોય છે. એક છત નીચે બધા રહેતા હોય છે પણ કોઇના ય મન એક નથી હોતા.
શરીર રહે છે એને ઘર કહીએ છીએ પણ ભીતરના પ્રવાસીઓ તો જાણે છે કે શરીર પણ ઘર છે. આપણે આપણી ભીતર એવી રીતે સ્થિર થતા જવાનું છે કે દેહની ય માયા ના રહે. હું શરીરમાં રહું છું પણ શરીર એટલે હું નહીં એ ભાવ જેમ-જેમ દ્રઢ થતો જાય છે તેમ-તેમ એક દિવસ અચાનક ખબર પડે છે કે આખું વિશ્વ આપણું ઘર બની ગયું છે.
ઘરને ત્યજી જનારને
મળતી વિશ્વ તણી વિશાળતા
- ઉમાશંકર જોષી
નિરંજનભાઈની બીજી કવિતા છે હાથ મેળવીએ. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે કોઈ પરિચિત પણ વધારે પડતું વ્હાલ કરવા મંડે તો આપણને તેના ઉપર શંકા જાય છે. ત્યાં જગતમાં સાવ અજાણ્યા લોકોની સાથે પણ હાથ મેળવીને હૃદયને એક કરવાની વાત ઘણી અઘરી લાગે. પણ એ દિશામાં સાહસ કરવા જેવું છે. કવિ એ દિશામાં પહેલ કરે છે. હાથ લંબાવીને કહે છે લાવો તમારો હાથ આપણે હાથ મેળવીએ.
કોઈ હાથ મેળવે એની સાથે જ આપણી સત્તા કે પછી આપણું ધન કે નહીં આપણી પ્રસિધ્ધિનો ઉપયોગ કરવો હશે એવો વિચાર આવે છે. કવિ તરત સહજ ભાવે કહી દે છે મારે એમાંના કશાનું કામ નથી,મારે તો તમારી સાથે માત્ર ખાલી હાથ મેળવવો છે. અને તરત એ પોતાની
જાતને જ પ્રશ્ન પૂછે છે કે શું ખાલી હાથ મેળવવો છે ? ક્યારેય આપણે એ વિચાર્યું જ નથી કે આપણા ખાલી હાથ પણ ખાલી નથી હોતા. આપણા હાથમાં ઉષ્મા હોય છે. હૃદયના ધબકારા હોય છે. આવો આપણે હાથ મેળવીને તેમાં હૃદયને ભેળવી જોઈએ. આપણા હાથ સાવ આવડત વગરના ભલે હોય, ભલે સારું-નઠારું ગમે તે કરતા હોય. ચાલો આપણે એ હાથને કેળવીએ. વધુ પ્રેમાળ બનાવીએ. અજાણ્યાની સામે હસવામાં પણ આપણને સંકોચ થતો હોય છે. કવિ કહે છે અજાણ્યા ભલે રહ્યા. આવો આપણે હાથ મેળવીએ ક્યારેક કોઈ અજાણ્યાને સ્મિત આપી જોજો. તેની સામે હસી જોજો હૃદયને એટલું સારું લાગશે કે કશુંક સરસ કાર્ય થયું.
હાથ મેળવીએ
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે-
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ...
ખાલી તમારો હાથ... ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંએ કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ !


