- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- આ જગતમાં પ્રત્યેક માણસ ચાહવા જેવો છે. હાથ મેળવવા જેવો છે
હાથ મેળવીએ
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી) !
કહો શું મેળવી લેવું હશે મારે ?
તમારા હાથમાં તો કેટલુંયે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે....
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ....
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હ્ય્દયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલું યે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ !
- નિરંજન ભગત.
દુનિયામાં તમે કોઈનેય વગર કારણે નથી મળી શકતા. પ્રત્યેક માણસ એટલો વ્યસ્ત હોય છે કે એની પાસે કોઈને મળવાનો સમય નથી. અને જાણે સતત મનમાં એક શંકા રહે છે કે આ સામેનો માણસ ક્યા સ્વાર્થથી મને મળતો હશે. અને આવી શંકા થવી સ્વાભાવિક છે. કારણ કે કોઈ તમારો હાથ મેળવે અને તમે હાથ પાછો લો ત્યાં સુધીમાં તમારા કાંડા કપાઈ ગયા હોય એવું બને. તમે હાથ મેળવો અને સામેના માણસના મનમાં થાય કે જરૂર આને કોઈ લાભ લેવો હશે. પણ ના આ જગતમાં પ્રત્યેક માણસ ચાહવા જેવો છે. હાથ મેળવવા જેવો છે. એવી શુભમાં શ્રધ્ધા તો લાગણીશીલ વ્યક્તિ જ રાખી શકે. 'હાથ મેળવીએ' એ કાવ્ય અજાણ્યા દેશોમાં કે અપરિચિત પરિચિતોની વચ્ચે બહુ મોટી હૂંફ આપી જાય તેવું કાવ્ય છે. આપણે કવિતાના ભાવજગતમાં ડોકિયું કરીએ.
કવિ કહે છે લાવો તમારો હાથ મેળવીએ અહીં લાવો કહ્યું છે ત્યારે કવિએ તો હાથ લંબાવી જ દીધો છે. આજની વાતચીતની ભાષામાં કહું તો બહુ સહજતાથી કહેવાયું છે કે અરે યાર લાવોને તમારો હાથ મેળવીએ. અને જાણે સામે વ્યક્તિ પોતાનું પદ, સત્તા, પૈસો, જ્ઞાન પ્રસિધ્ધિમાં ફૂલાયેલી હશે. કદાચ પેલાના મનમાં એમ હોય કે આ માણસ મારા પૈસાને લીધે તો હાથ મેળવવા નહીં આવ્યો હોય ? મારા હોદ્દાને લીધે તો ઓળખાણ નહીં કરવી હોય ને ? હું આટલો Famous છું તો મારી પ્રસિધ્ધિને લીધે આ સંબંધો બાંધવા આવ્યો હશે ? અને કવિ એટલે જ તરત કહે છે તમારા હાથમાં તો ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, તમારા હાથમાં શું-શું નથી હોતું. પણ, ના મારે એમાંથી કશાનું કામ નથી. માત્ર તમારો ખાલી હાથ મેળવવો છે.
કોઈ વ્યક્તિ માત્ર હાથ મેળવવાની વાત કરે. કોઈ કારણવગર, કોઈ કામવગર, કોઈ સ્વાર્થ વગર એ વાત ગળે નથી ઉતરતી. અને એટલે જ જાણે પેલી સામેની વ્યક્તિના ચહેરાના પ્રત્યેક ભાવ કવિ જાણે વાંચી લેતા હોય એમ આગળ કહેતા જાય છે. ખાલી હાથ ? અને પોતે જ જવાબ આપે છે ના....ના. આપણા બંનેના હાથ ભલે સાવ ખાલી હોય તોય એ ખાલી હાથમાં કેટકેટલું ભરેલું છે. આ હાથ મેળવવાની વાત માત્ર ઔપચારિકતામાં હાથ મેળવવાની વાત નથી. આ હાથ મેળવવાની વાતમાં તો હ્ય્દયના ભાવ કેળવવાની વાત છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણા બે હાથમાં ઉષ્મા હોય છે. એક સ્પર્શનો થડકો હોય છે. આપણે તો શિયાળામાં ય હવે ભૂલી ગયા છીએ કે બે હાથ ઘસીએ તો હૂંફ પ્રગટતી હોય છે. હાથ મેળવીને આપણા હાથમાં જે ઉષ્મા છે એ એકબીજા અનુભવીએ એ વાત કવિ કરી રહ્યા છે. અને હાથ મેળવતા વખતે માત્ર હાથ જ નથી મેળવવાનો એમાં હ્ય્દયના ભાવને ભેળવવાની વાત છે અને સાવ નકામા બિનઆવડતવાળા સારા-નકારા કામ કરતા આ હાથને ચલો સાથે મળીને કેળવીએ એમ કવિ નિમંત્રે છે.
આ બધું કોને કહ્યું ? કદાચ પેલાના મનમાં એમ થયું હશે કે હું તો સાવ અજાણ્યો છું. કવિ સહજતાથી કહે છે તેમ અજાણ્યા છો તો ભલે અજાણ્યા રહ્યા ચાલો હાથ લંબાવી શરૂઆત કરીએ, હાથ મેળવવાની હ્ય્દયના ભાવ ભેળવવાની, થોડીક સારી આવડત કેળવવાની... સમગ્ર કવિતા ફરી-ફરી વાંચવી ગમે તેવી છે. હાથ લંબાવાની જો આપણે પહેલ કરીશું તો શક્ય છે કે આપણને લાગે કે આખુંય જગત આપણી સાથે હાથ લંબાવવા રાહ જોઈને ઊભું છે. મોટી મુશ્કેલી તો એ છે કે સામેનો માણસ શા માટે આપણી સાથે હાથ મેળવવા માંગે છે, નક્કી એને કોઈ સ્વાર્થ હશે એવા અઢળક વિચારો અને શંકામાંથી આપણે બ્હાર નથી આવી શકતા. કોઈ સ્વાર્થ વગર પણ આપણને વહાલ કરી શકે એ વિચારની બારી કવિ જાણે આ કવિતા દ્વારા ખોલી આપે છે.
નિરંજન ભગતના કાવ્યોનો જે સંગ્રહ છે એનું નામ છે છંદોલય. ગુજરાતી ભાષાનો એક બહુ મોટો વળાંક એટલે નિરંજન ભગતના કાવ્યો. નિરંજન ભગતનું એક બીજું કાવ્ય આ ક્ષણે સહજ યાદ આવી રહ્યું છે. માણસ નિરુદેશે આ જગતમાં ફરવા નીકળી શકે છે. જુઓ નિરુદેશ શબ્દ સાથે જ નિરંજન ભગતની સાથે જ જેનું નામ સહજ યાદ આવી ચડે તેવા રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ આવી ગઈ.
નિરુદેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે.
રાજેન્દ્ર-નિરંજન યુગથી ગુજરાતી કવિતાને એક નવી ગતિ, એક નવું વ્હેણ મળ્યું છે. આ સંસારમાં હું નિરુદેશે ભ્રમણ કરવા આવ્યો છું એવું રાજેન્દ્ર શાહ કહે છે. રાજેન્દ્ર શાહ ભક્તયોગી છે એટલે સંસાર શબ્દ આવી જાય. જ્યારે નિરંજન ભગતની કવિતામાં તો સીધી જ વાત જણાવી દેવામાં આવી છે કે હું તો બસ આ પૃથ્વી ઉપર ફરવા આવ્યો છું. મારું કે તારું કામ કરવા માટે નથી આવ્યો. સાવ નિરુદેશે. ઘરથી કામના સ્થળે અને કામના સ્થળેથી ઘેર આપણે આવ-જા કરીએ છીએ પણ ક્યારેય આજુબાજુ જોવાની તસ્દીએ નથી લીધી હોતી. એટલી હદે વર્કોલિક થઈ ગયા છીએ કે કામ સિવાયનું કશું સૂઝતું જ નથી. આ સૃષ્ટિ સુંદર છે. પ્રત્યેક ચહેરો ચાહવા જેવો છે. રસ્તે ચાલતા જે મધુર હવા વહી રહી છે એ માણવા જેવી છે. હું તો બસ આ જગતમાં ફરવા આવ્યો છું.
કોઈ એવા જાદુની શોધ છે કે હ્ય્દયથી બે-ચાર ઘડી લોકોને ચાહી શકાય. કોઈ સુંદર ગીતની બે-ચાર કડીઓ, કોઈ પ્રેમનું ગીત આ પૃથ્વીવાસીઓના કાને સંભળાવીને ચાલ્યા જવાની ઈચ્છા છે. આપણી સંપત્તિ, સત્તા પડયા રહેશે. કદાચ ઝાંખા પણ પડે પરંતુ લોકોના હ્ય્દયમાં આપણા માટે જો પ્રેમ હશે, આપણે લોકોને ચાહ્યા હશે તો એ સુગંધ લાંબા સમય સુધી સચવાયેલી રહે છે. એ જ ભાવ વ્યક્ત કરતું ગીત જોઈએ.
ફરવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા !
- રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન નહીં સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !


