- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- તમે જો કોઈના આંસુ લૂછી શકતા હો તો અંદરથી જાણી લેજો કે ઇશ્વરીય વરદાન તમારી ઉપર છે
આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે ?
બારીઓ થોડી ઉઘાડી રાખીએ,
લહેરખી શીળી ઝૂમીને આવશે.
ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે,
જે વિવેકી છે, ઝૂકીને આવશે.
ઇશ્વરી વરદાન હો જે હાથને,
કોઈના અશ્રુ લૂછીને આવશે.
ટીખળી બાળક સમો તડકો ફરે,
એ તિરાડેથી છૂપીને આવશે !
અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
સ્કૂલથી જ્યારે છૂટીને આવશે.
મહેંક માટીની ગમે ત્યાંથી ય પણ,
સરહદો કપરી કૂદીને આવશે !
- શૈલેન રાવલ
ક વિતાની સાથે અનુસંધાન હોવું એને પોતાનું સદ્ભાગ્ય ગણતા અને શબ્દોના પ્રાગટયને ઉત્સવની જેમ ઉજવતા વાંકાનેરના કવિ શૈલેન રાવલ ઓછું લખે છે પરંતુ નિષ્ઠાથી લખતા ખૂણાના ગઝલકારોમાં એક છે. પ્રારંભથી ગઝલનું સર્જન કરતા અને ગઝલના સ્વરૂપ ઉપર આંખ ઠરવાથી ગઝલના ખૂણેખૂણાને અભ્યાસીની નજરે જોતા આ ગઝલકારની ગઝલો માણસ જેવી છે. આપણે આંગણે આપણું ઘર પૂછીને આવતા સમયની અનુકૂળતાને પૂછીને મોટાભાગના સંબંધીઓ આવતા હોય છે. પરંતુ મન મૂકીને આવે, મન મૂકીને રહે એવા સંબંધ ઓછા હોય છે. પણ... તમે જો તમારા બગીચામાં, તમારા આંગણામાં અચાનક જઈ ચડો કે પછી રોજ થોડો સમય કાઢતા હો તો તમને દેખાય છે કે અચાનક ક્યાંકથી પક્ષીઓ આવી ચઢે છે. ચણ ચણે છે, પરબમાંથી પાણી પીવે છે. ઝાડ અને છોડ ઉપર બેસીને તેમના મીઠા અવાજોથી કલરવ કરી લે છે. આખા વાતાવરણને ભર્યું ભર્યું બનાવી દે છે. આપણી ઉપર કોઈ ઉપકારના ભાવ વગર આનંદ વહેંચીને પાછા ઊડી એ જાય છે. પહેલા શેરમાં એમણે માણસની વાત નથી કરી વાત કરી છે પક્ષીઓની પણ આપણાથી સહજ માણસ સાથે આ બંને પંક્તિઓ મૂકીને સરખામણી થઈ જાય છે.
આપણે આપણા તમામ બારી-બારણા બંધ કરી દીધા છે. એ ઘરના હોય કે મનના હોય. અંદરને અંદરનું વાતાવરણ આપણને ઘૂંટી રહ્યું છે. ગૂંગળામણ થાય એ હદે એની એ જ હવામાં શ્વાસ લેતા રહીએ છીએ. આપણા વિચારોની, આપણા ઓરડાઓની બારીઓ થોડી ઊઘાડી રાખી હોય તો ? તાજી, શીતળ હવાની લહેરખીઓ ચૂપચાપ આવીને આપણા જીવનમાં તાજગી ભરી દેશે. આપણને વધારે સ્વસ્થ બનાવી દેશે. આપણે અંદરથી કેટલા વિવેકી છીએ કે અહંકારી છીએ એ આપણી બોડી લેંગવેજ, આપણું વર્તન પ્રગટ કરતું હોય છે. બારણા ઊંચા અને મોટા રાખ્યા હોય એનો અર્થ એ નથી કે એમાં અકડાઈને પ્રવેશ કરવો. જે વિવેકી વ્યક્તિ છે તે તો હંમેશા ઝૂકીને જ પ્રવેશ કરે છે.
અચાનક સંજોગોવશાત્ અભ્યાસને રામ-રામ કરનાર કવિને નોકરી, કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે સાંત્વના ગઝલ સર્જને આપી છે. અંગત રીતે જણાવું તો કલાના કોઈ પણ ક્ષેત્રમાં તમે હો કે પછી જીવનના કોઈ પણ ક્ષેત્રાં તમે જ્યારે મન પરોવી લો છો ત્યારે જીવવાનું અખૂટ બળ તમારી સર્જનાત્મક શક્તિ આપતી હોય છે. અને એટલા માટે જ આ કવિએ બહુ સરસ વાત કરી છે. તમને જો કોઈના આંસુ લૂછતા આવડે, તમે જો કોઈના આંસુ લૂછી શકતા હો તો અંદરથી જાણી લેજો કે ઇશ્વરીય વરદાન તમારી ઉપર છે. પરમ ચૈતન્ય, પરમ શક્તિની કૃપા આપણને ઝીલતા આવડી હોય તો જ આપણે કોઈના આંસુ લૂછી શકીએ છીએ.
તડકો જાણે તોફાની બાળક જેવો હોય છે. બારણાની તિરાડ હોય કે બારી કે દિવાલની તિરાડ હોય જ્યાંથી તક મળે ત્યાંથી તડકો આપણા ઘરમાં કે પછી આપણી સાથે રમવા જાણે દોડી આવતો હોય છે. ગઝલના પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે, જેમ માળામાં પ્રત્યેક મણકા સ્વતંત્ર હોય છે. માળાના પ્રત્યેક મણકા સ્વતંત્ર હોવા છતાં તે બધા જ મણકા એક અદ્રશ્ય દોરાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. ગઝલકારનું ભાવવિશ્વ પણ આ દોરા જેવું જ છે. ગઝલના પ્રત્યેક શેર સ્વતંત્ર હોવા છતાં તેનું ભાવવિશ્વ એકબીજા સાથે જોડાયેલું તો હોય છે જ. તડકા વિશેનો આવો રમતિયાળ શેર કહ્યા પછી નાનકડી દીકરી પાછી ન આવે તો જ નવાઈ. ઘરની અસલ વસ્તી બાળકો છે. બાળકોથી ઘર ભર્યું ભર્યું બની જતું હોય છે. ઘરનો અર્થ ઘર તરીકે ત્યારે સમજાય છે જ્યારે દીકરી સ્કૂલેથી છૂટીને ઘેર આવે છે. સ્કૂલેથી છૂટીને સાંજે જેવી દીકરી આવશે અને ઘર પાછું ઘર લાગવા માંડશે એના અવાજથી, એની હરફરથી, એની મસ્તીથી ઘર વધારે દીપી ઉઠશે. શૈલેનભાઈની ગઝલોમાં દીકરીનો સંદર્ભ અવારનવાર આવતો હોય છે. દીકરી વિશેના બે શેર જોઈએ.
દીકરીનું વ્હાલ ચંદન છે,
મ્હેંકવું ચોમેરથી આવે.
***
એ રીતે રોફથી ઠપકો આપ્યા કરે,
દીકરી બાપની જાણે નાની બને.
મને એક ડૉક્ટર મિત્રએ કહ્યું હતું કે મોતિયાના ઓપરેશન કરાવવા માટે વૃદ્ધ માતા-પિતા સાથે મોટાભાગે દીકરીઓ આવતી હોય છે. દીકરો પરણે નહીં ત્યાં સુધી મા-બાપનો પરંતુ દીકરી તો જીવનભર મા-બાપની. દીકરીનો પ્રેમ ચંદન જેવો છે. ચંદન એવું છે કે જે આરપાર મહેકતું હોય છે. ચારેબાજુથી મ્હેંકતું હોય છે. દીકરીનું વ્હાલ પણ શીતળ હોય છે અને મ્હેંકતું હોય છે. દીકરીને પિતાને ચિંતા વિશેષ હોય છે અને એટલે જ તો પૂરા અધિકારના ભાવ સાથે દીકરી પિતાને એવી રીતે ઠપકો આપે છે જાણે એમની દાદી હોય, નાની હોય. હર્ષદ ચંદારાણાની દીકરી કવિતામાં પણ અંતે આવી જ સુંદર વાત આવે છે કે દીકરી ક્યારે અચાનક મા બની ગઈ એ ખબર જ નથી પડતી.


