Get The App

બોરાં લઇ બેઠો છું બજારમાં .

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
બોરાં લઇ બેઠો છું બજારમાં                                     . 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- લોકોના ભોળપણનો લાભ ઉઠાવીને તોલમાં અને તાજગીમાં ગોલમાલ કરીને સૌ પોતપોતાના બોર વેચી રહ્યા છે

ગામ નાનું માણસ ઝાઝું

તે બોરીઓ ભરી ભરીને

ઠલવાયાં છે બોર ખચોખચ સુંડલાઓમાં.

બોલે છે તે બોર વેચે છે

બૂમો પાડે તેવધુ બોર વેેેચે છે

ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે

કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે

કોઈ જોડકણાંનો શોર મચાવે

કોઈ ટુચકાઓ વેરે છે

કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો

નાચી લે છે

રંગબેરંગી ચળકતાં પડીકામાં વીંટાળેલાં

બોર વચ્ચે ઠળિયાં

ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં,

ક્યાંક ક્યાંક તો શરમ મૂકી

ભેળાભેળા કાંકરા પણ વેચાય છે

ભોળિયું લોક હોંશે - હોંશે

મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે

તોલ તાજગીમાં ગોલમાલથી

બજાર ઊભરાય છે

ને સહુને બોર વેચવાં છે

હુંય મારાં બોર લઇ આવ્યો છું ને

ચાખી ચાખી

એકેક બોર અલગ કરતો જતો

બેઠો છું બજારમાં

ચૂપચાપ     - કમલ વોરા

ઘ ણી કવિતાઓ વાંચતાની સાથે ગમી ગઈ હોય અને અચાનક ઘણાં લાંબા સમય પછી કોઈ ઘટના કે અનુભવાના સંદર્ભમાં યાદ આવી જાય એવું બનતું હોય છે. કમલ વોરાના અછાંદસ કાવ્યો જ્યારે જ્યારે વાંચું છું ત્યારે ત્યારે તે કાવ્યો હૃદયને સીધા સ્પર્શી ગયા છે. કમલ વોરા અછાંદસ કવિતાઓમાં નિષ્ઠાથી કામ કરતાં એક કિંમતી કવિ છે. તેમની દ્રષ્ટિએ કવિતા એ જાત સાથેનો સંવાદ નથી, પરંતુ જાત સાથેનો કાવ્ય પદાર્થનો મૂકાબલો છે. તેમની એકલતા હળવી, પારદર્શક, ધુમ્મસ જેવી નિરાકાર છતાં દ્રશ્યમાન અને પરમ આહલાદક હોય છે. તેઓ જણાવે છે તેમ પશ્ચિમની પ્રખ્યાત હતાશા અને અર્થશૂન્યતા કરતા વિપરીત અનુભૂતિના તે માણસ છે. તેમની દ્રષ્ટિએ કવિતા એ જે પહેલા હતું તેની શોધ નથી પણ પહેલા નહોતું તેનું સર્જન છે. કવિતામાં નોખી કેડી કંડારતા કમલ વોરાની કવિતા 'બજાર'માંથી પસાર થઉં છું અને પછી તો એક ચોક્કસ સ્થળે ભરાતું બજાર જ નથી દેખાતું. આખું શહેર, દરેક વિસ્તાર, દરેક ગલી, રાજકીય ક્ષેત્ર નહીં દરેક ક્ષેત્ર બધે જ બજાર દેખાય છે. જાણે આખી દુનિયા બજાર છે. સકળ બ્રહ્માંડમાં આમ તો આપણી આ પૃથ્વી અને આપણું આ શ્હેર નાનું ગામ જ કહેવાય. કવિતાની આ નાનકડા ગામથી શરૂઆત થાય છે.

'બોલે તેના બોર વેચાય' એ કહેવત તો જાણીતી છે. બોર એ આમ તો ફળનું નામ છે. વધારે વિચારીએ તો સોનાનું ઘરેણું હોય તેને બોર કે બોરમાળા કહે છે. પરંતુ આપણે કવિતાના આરંભમાં એટલું બધું નથી વિચારવું. કારણ કે આ કવિતા પૂરી થાય છે ત્યાં સુધીમાં આપણને ઘણું બધું વિચારતા કરી મૂકે છે. કહેવત છે કે બોલે તેના બોર વેચાય. અહીં પ્રત્યેક માણસ બોર વેચવા બેઠા છે. કવિ પણ બોર લઇને જ બજારમાં બેઠા છે. નાનકડું ગામ અને માણસો વધારે છે એટલે બજારમાં ગીડદી પણ ખાસ્સી હશે. કોથળાઓ ભરી ભરીને બોર બજારમાં ઠલવાયા છે. એક જ ટ્રકમાંથી ઉતરેલા મોટા વેપારી પાસેથી ખરીદેલા બોર નાના વેપારીઓએ પોતપોતાના સૂંડલાઓમાં ગોઠવી દીધા છે અને વેચવા માટે તેના ભાવ, તેની મીઠાશ વિશે મોટે મોટેથી બૂમો મારી રહ્યા છે. હવે જમાનો બદલાઈ ગયો છે. Marketing નો જમાનો છે. તમારા બોર ગમે તેવા હોય પરંતુ જો સારું Marketing કરતાં આવડતું હોય તો મોટું નામ પણ થાય અને મોટા કામ પણ મળે. ગ્રાહકોને આકર્ષવા માટે કોઈ કોઈ બોરવાળા તો જાત જાતના રાગ કાઢીને ભીડ એકઠી કરીને ટપોટપ બોર વેચી રહ્યા છે. કોઈક તો ગળામાં પેટીવાજુ એટલે કે હાર્મોનિયમ ભરાવીને વગાડતા વગાડતા ચારેબાજુ, દોડાદોડ કરીને બોર વેચી રહ્યા છે... હવે આપણને ખ્યાલ આવે છે કે આ બોર અને બોર વેચનારા જુદા છે. આવા બોર વેચનારા તો દરેક ગામમાં છે. વળી કોઇ તો જોડકણા એટલે કે શુધ્ધ કવિતા નહિ, માત્ર ઇરઅ સી. પ્રાસ ગોઠવીને જોડકણાઓ બોલી રહ્યા છે. ઘણાં ટૂચકાઓ કહી કહીને ચારેબાજુ વાતાવરણ જમાવી રહ્યા છે. કોઈ તો વળી તાળી પાડી ઠૂમકા લેતા નાચી પણ લે છે. અહીં સુધી પહોંચતા આપણને ખ્યાલ આવે છે કે આ બોર વેચનારા કહેવાતા બાબા બેબીઓની તો વાત નથી કરતા ને ? પણ આ બધું વિચારવાનું કવિએ વાચક ઉપર છોડયું છે.

ડીસ્કવરી ચેનલ ઉપર હમણાં જ Marketing માં ગ્રાહકના મન ઉપર રંગની અને પેકીંગની કેવી અસર હોય છે તેનો કાર્યક્રમ જોતો હતો.  Colours of Mood  અને Moods of colour બહુ મહત્ત્વ છે હવે બજારની અંદર બોર કેવી રીતે વેચાય છે તેની પંક્તિઓ જોઇએ. આપણે Packingથી આકર્ષાઈ જનારા છીએ. બહારના દેખાવ ઉપરથી નિર્ણયો લેનારા છીએ. એટલા માટે જ ઘણાએ તો રંગબેરંગી ચળકતા પડીકાઓમાં આ બોર વિંટાળીને મૂક્યા છે. બોરની વચ્ચે વચ્ચે ઠળિયા પણ ગોઠવી દીધા છે. અને ક્યાંક ક્યાંક તો માણસાઈની હદ ચૂકીને બોરની સાથે કાંકરા પણ ગોઠવી દીધા છે અને આ બધું ધોધમાર વેચાય છે. દૂરથી જોઇને તો લાગે કે આખું બજાર બનાવટ ઉપર ચાલી રહ્યું છે.

લોકોના ભોળપણનો લાભ ઉઠાવીને તોલમાં અને તાજગીમાં ગોલમાલ કરીને સૌ પોતપોતાના બોર વેચી રહ્યા છે. ભોળા લોકો, ભોળી પ્રજા હોંશે હોંશે બોર ખરીદીને હરખાય છે કે તેને ખૂબ મારા બોર સસ્તા ભાવે મળી ગયા. ખરીદનારને ક્યાં ખબર છે કે કેટલા કાચા, કેટલા સડી ગયેલા અને કેટલા વાસી બોર તે લઇ જાય છે ! બોરના નામે કાંકરા લઇ જાય છે. વજન કરતાં ઓછા લઇ જાય છે.

કવિતામાં અહીં સુધી પહોંચતા પહોંચતા આપણી આજુબાજુ બોરનું બજાર ઊભું થઇ ગયું છે. કવિની સાથે આપણે પણ બોર વેચવા મંડી પડીએ છીએ. કવિ કહે છે કે હું પણ મારા બોર લઇને આવ્યો છું. હવે કવિની નિષ્ઠા જોઇએ. કોઇને ખાટું બોર ન જાય, કાચું બોર ન જાય એને માટે એ બોર ચાખી ચાખીને જે મીઠ્ઠા છે એને અલગ કરતા જાય છે. કવિ બજારમાં બોર વેચવા બેઠા છે. બોર ચાખી ચાખીને અલગ રાખવા એ સંદર્ભ તો ખૂબ જાણીતો છે. તરત યાદ આવે શબરીની. પણ કવિ તો શબરી નથી. કદાચ બોર વેચનારને માટે બોર ખરીદનાર પ્રત્યેક વ્યક્તિ રામ છે પણ એંઠા બોર કોણ લે ? 

Tags :