- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જે છીછરા છે, જે અલ્પ છે, જે બોદા છે એ આપમેળે સાબિત થઇ જતા હોય છે મોતી જેમ ઊંડાણમાં મળે છે એમ પરપોટાઓ, બુદબુદાઓ હંમેશા સપાટી ઉપર જ તરતા હોય છે અને એમને ફૂટી જવાનું જ હોય છે
મરવું પડે છે
જમાનાનું ધાર્યું યે કરવું પડે છે,
કમોતે ઘણીવાર મરવું પડે છે
નથી જેવી તેવી કૃપા પ્રેમ કેરી,
પ્રથમ એને સર્વસ્વ ધરવું પડે છે.
પ્રગટ થાય છે અલ્પતા આપમેળે,
સદા બુદબુદાને ઉભરવું પડે છે.
જીવનપંથનો થાક પૂછો ન અમને,
ઉતારે ઉતારે ઉતરવું પડે છે.
ન સમજો ન સમજો ઇશારો જીવનનો,
ફના કેરા પંથે વિહરવું પડે છે.
ન કરજો કદી પણ સુખોની તમન્ના,
જે વીતે છે સઘળું વિસરવું પડે છે.
છૂપાં છે પરિવર્તનો શૂન્ય એમાં,
દુ:ખી દિલની આહોથી ડરવું પડે છે.
- શૂન્ય પાલનપુરી
અ લીખાન ઉસ્માનખાન બલોચ આ નામ કદાચ સાવ અજાણ્યું લાગે પણ જેવું શૂન્ય પાલનપુરી કહીએ કે તરત ઘણાં શેર એક સામટા યાદ આવી જાય. શૂન્ય પાલનપુરી એ એવા ગઝલકારનું નામ છે જેમણે ગુજરાતી ગઝલના પાયામાં ઘણાં મહત્ત્વનાં કામો કર્યા છે. ગુજરાતી ગઝલના વિકાસમાં તેમનો સિંહફાળો છે. શૂન્ય પાલનપુરી કઇ રીતે થયા તેની વાત જાણવા જેવી છે. પાલનપુરના નવાબને તેઓ ડીસા ખાતે મળવા ગયા ત્યારે નવાબઝાદા સાહેબે પોતાની મનોવેદના વ્યક્ત કરીને કહ્યું કે પાલનપુરમાં એવી કોઈ વિભૂતી પાકી નથી જેનાથી પાલનપુરનું નામ દુનિયામાં ગાજતું થાય. શૂન્ય સાહેબના હૈયામાં આ વાત સોંસરી ઉતરી ગઈ. તેઓ નોંધે છે કે કંઈક થવાના કોડ મને પણ હતા એટલે મનોમન નક્કી કર્યું કે ઉપનામની પાછળ પાલનપુરી શબ્દનો કાયમ ઉપયોગ કરવો. નામ ભૂંસીને ઉપનામ શૂન્ય રાખ્યું હતું. નામનો મોહ છોડી દીધો પણ અટક પાલનપુરી રાખી.
નામ નહીં પણ ઠામનું બંધન,
શૂન્ય થયો પણ પાલનપુરી
આપણા મનમાં તો અનેક રીતે જીવવાની ઇચ્છા હોય છે પણ આપણા મન મુજબ અને મરજી મુજબ બહુ ઓછું જીવી શકીએ છીએ. ખરેખર તો આ જમાનો, આ સમય, આ કાળ, આ ભાગ્ય ટૂંકમાં કોઇકનું ધાર્યું કરવું પડે છે અને આ એક જીવનમાં અનેકવાર કમોતે મરવું પડે છે. સૈફ પાલનપુરીનો એક શેર યાદ આવી રહ્યો છે.
કોઈ જીવનમાં મરેલા આદમીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નિભાવી જાય છે.
કશુંક મેળવવા માટે કશુંક ત્યાગવું પડે છે. પ્રેમની કૃપા શું છે, પ્રેમ કેવો વિરાટ છે એ જાણવા માટે પહેલા પોતાનું સર્વસ્વ ધરી દેવું પડે છે. અહંકાર છોડી દેવો પડે છે. જે છીછરા છે, જે અલ્પ છે, જે બોદા છે એ આપમેળે સાબિત થઇ જતા હોય છે. મોતી જેમ ઊંડાણમાં મળે છે એમ પરપોટાઓ, બુદબુદાઓ હંમેશા સપાટી ઉપર જ તરતા હોય છે અને એમને ફૂટી જવાનું જ હોય છે.
બેફામ તોય કેટલા થાકી જવું પડયું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
ઘરથી કબરના માર્ગ સુધીમાં કેટલીવાર થાકી જવું પડે છે ? જીવનના રસ્તે ચાલતા ચાલતા કેટલો થાક લાગે છે એ અમને ના પૂછો. પ્રત્યેક ઉતારે ઉતરવું પડયું છે. વારંવાર થાક ખઇને આગળ વધવું પડયું છે. જીવનનો ઇશારો તમે સમજો કે ન સમજો જીવન આપણે કોઇને માટે ફના કરી જ દેવાનું હોય છે. એ ઘર હોય, પ્રેમ હોય, દેશ હોય કે ધર્મ હોય.
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો
આ પંક્તિઓ ખૂબ જાણીતી છે. યુવાનીમાં લોકસાહિત્યના ડાયરામાં ઝવેરચંદ મેઘાણીના નામે પણ સાંભળેલી છે. વોટ્સ એપ આવ્યા પછી જ નહીં એની પહેલા ય પણ ઘણી સુંદર કવિતાઓ કંઇક ભળતા નામે લોક જીભે ચડી ગઈ હોય એવું બન્યું છે. દિનેશ ડોંગરે નાદાનની પંક્તિઓ પણ ઝવેરચંદ મેઘાણીના નામે ઘણાં લાંબા સમયથી ફરતી જોઉં છું.
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુધ્ધ થા.
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
કર હૃદય પાવન ભીતરથી શુધ્ધ થા.
- દિનેશ ડોંગરે 'નાદાન'
શૂન્ય પાલનપુરીના શિષ્યોની ઘણી લાંબી પરંપરા છે અમર પાલનપુરી, રજની પાલનપુરી, ઓજસ પાલનપુરી, ખામોશ પાલનપુરી, શૈલ પાલનપુરી. પરંતુ શૂન્ય પાલનપુરી કોઇના ચેલા નહોતા. તેમના જ શબ્દમાં એક વાત કરું તો, ''મારે કોઈ ઉસ્તાદ નથી, હું સ્વયંભૂ કવિ છું. ઉર્દૂમાં આવા કવિઓને 'તલામીઝૂર રહેમાન' અર્થાત્ ખુદાના ચેલા કહેવામા આવે છે. હું ધારું છું કે આટલો ખુલાસો બસ થશે.''
જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું?
એ તો નથી કસૂર કે હું બેકસૂર છું ?
છું શૂન્ય એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ !
તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું !
શૂન્ય પાલનપુરી વિશે લખતા જઇએ અને તેમની અનેક ગઝલોના અનેક શેર યાદ આવતા જ જાય. તેમની એક ખૂબ જાણીતી ગઝલના થોડા શેર જોઇએ.
મને ગર્વ છે કે આ મારી ગરીબી,
અમીરતાની અલ્પતાઓથી પર છે,
સિકંદરની મર્હૂમ કિસ્મતના સોગંદ,
રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.
તને એકમાંથી બહુની તમન્ના,
બહુથી મને એક જોવાની ઇચ્છા,
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી,
કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.
બધાં નામનો નાશ નક્કી છે કિંતુ,
અમર નામ છે શૂન્ય મારું જગતમાં,
ફના થઇને પણ શૂન્ય રહેવાનો હું તો,
નહીં થાય મુજ નામની પાયમાલી.


