Get The App

આપણો મલક, આપણું ગુજરાત...

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
આપણો મલક, આપણું ગુજરાત... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- ગુજરાતીઓ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી ગયા છે. અને ગુજરાતીઓ જ્યાં-જ્યાં ગયા છે ત્યાં-ત્યાં તેમણે ગુજરાત ઊભું કર્યું છે 

આપણા મલકમાં

આપણા મલકમાં માયાળુ માનવી,

માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગરવો ગિરનાર છે,

દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ !

આપણા મલકમાં રતનાગર સાગર,

ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ !

આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,

કેરીમાં કેસર ધોળ્યાં મારા ભાઈબંધ !

આપણા મલકમાં પાણિયાળાં ઘોડલાં,

અસવાર આડો આંક, મારા ભાઈબંધ !

આપણા મલકમાં પંખીરાજ મોરલો,

પીંછડે ટાંક્યા હીરા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગામેગામ ખાંભીયું,

મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,

જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ !

- જ્યંતીલાલ સોમનાથ દવે

ઘ ણીવાર એવું બને છે કે કવિતા, ગીત, ગઝલ ખૂબ જાણીતા થઈ ગયા હોય, એ લોકસાહિત્યની ભૂમિકાએ પહોંચી ગયા હોય અને તેના કવિનું નામ સાવ ભૂલાઈ ગયું હોય 'આપણા મલકમાં માયાળુ માનવી....આ કાવ્ય ખૂબ જાણીતું છે. પણ તેના કવિ જ્યંતીલાલ સોમનાથ દવેએ માત્ર સાહિત્યરસિકો સિવાય કોઈને પરિચીત ન લાગે. ગુજરાતીઓ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી ગયા છે. અને ગુજરાતીઓ જ્યાં-જ્યાં ગયા છે ત્યાં-ત્યાં તેમણે ગુજરાત ઊભું કર્યું છે પણ જેવું ગુજરાત યાદ આવે કે તરત લીમડાની છાંયાથી લઈને ઝીણી-ઝીણી વાતનું સ્મરણ થઈ આવે છે. વતન એટલે વતન અરે તમે એકાદ મહીના માટે પરદેશ ગયા હોય તો પણ જેવા ભારતની ભૂમિ ઉપર પગર મૂકો કે તરત ભારતને ગમે તેટલું વખોડયું હોય તો પણ એની માયા અને માયાળુ લોકોની સુગંધ પ્રત્યેક શ્વાસને છલકાવી દે છે. અમેરિકામાં શું છે અને ભારતમાં શું નથી ? એની સરખામણીઓ પ્રત્યેક વ્યક્તિએ હજારોવાર કરી હશે છતાં ભારત એટલે ભારત, ગુજરાત એટલે ગુજરાત અને આપણો મલક એટલે આપણો મલક એ પ્રતિતી પણ એટલી જ સજ્જડ રહી છે.

ગીતની શરૂઆત જ થાય છે આપણા મલકમાં માયાળુ માનવી. આ એ મલક છે જ્યાં સાવ અજાણ્યો માણસ ગામમાં સામે મળે છે તો તેને રામ-રામ કહેવામાં આવે છે. અને એટલે જ કવિએ કહ્યું છે કે મારા ભાઈબંધ આ માયા છોડીને ક્યાં જવું ? અને બીજો અર્થ પ્રગટે છે આ માયા મૂકીને આપણે જવાનું છે. પણ વધુ અર્થ તો માયા મેલીને ક્યાં જવું મારા ભાઈબંધ એ બેસે છે. અને આપણો મલક પણ જેવો તેવો નથી. કેવી-કેવી વિશિષ્ટતા ધરાવે છે. આપણા મલકમાં ગરવો ગિરનાર આવેલો છે. જેની દેરીએ દેરીએ દેવ બેઠેલા છે. આપણા મલકમાં અનેક રત્નોથી સભર એવો સાગર આવેલો છે. ખારવાઓ સમંદરને ખેડયાં જ કરે છે. આપણા મલકમાં કેરીની અંદર કેસર ઘોળ્યાં હોય એવા તો આંબાના ઝાડ આવેલા છે. પાણીદાર ઘોડા છે. અને એટલા જ પાણીદાર એના અસવારો પણ છે. આપણા મલકમાં પંખીઓના રાજા જેવો મોર છે જેના એકે-એક પીંછામાં હીરા ટાંકેલા છે. આપણા મલકના એકે-એક ગામે પાદરમાં સૌથી પહેલી નજરે ચઢે એવી ખાંભીઓ છે. પ્રત્યેક ગામમાં કંઈક મૂંછાળા મર્દ થઈ ગયા છે જેમની વીરતાની દંતકથાઓ, જેમની શૂરવીરતાની વાત સાંભળીને પેઢીઓ ઉછરી રહી છે અને ગુજરાતની સૌથી મોટી વિશેષતા તો એ છે કે નવરાત્રીના ગરબા, રાસ, દુહાની રમઝટ આ દિવસોમાં જાણે જોબનિયું હેલે ચઢ્યું હોય છે. હે મારા ભાઈબંધ આ માયા મૂકીને બીજે ક્યાં જવું ? આ ગીત ખૂબ ગવાયું છે. તેના રાગને કારણે સાંભળતા સાથે જ હૃદયમાં રમવા લાગે તેવું છે. આ ગીતની સાથે આ ક્ષણે યાદ આવી રહ્યું છે. આજના સંદર્ભમાં કવિએ જે રીતે ગુજરાતને જોયું છે તે કાવ્ય 'હું એવો ગુજરાતી...' કવિ વિનોદ જોશીનું આ કાવ્ય અનેક રીતે ગુજરાતની સંસ્કાર-સમૃદ્ધિને અને ઐતિહાસિક વારસાને પ્રગટાવી આપે છે.