Get The App

પ્રત્યેક વ્યક્તિને એક અંગત વ્યક્તિ હોય છે...

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
પ્રત્યેક વ્યક્તિને એક અંગત વ્યક્તિ હોય છે... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આપણે આપણા બોલાયેલા શબ્દના ગુલામ છીએ. અને આપણે ન બોલાયેલા શબ્દના માલિક છીએ

ના રહી !

જીભથી સરકી પછી એ વાત 

અંગત ના રહી,

એટલી ચર્ચાઈ કે એની નજાકત 

ના રહી.

તે ક્ષણે મારો ચહેરો 

જોવા જેવો થૈ ગયો,

જે ક્ષણે એના ચહેરા પર 

શરાફત ના રહી.

એક વાવાઝોડું ફૂંકાયું'તું એના નામનું,

પગ તળે ધરતી અને 

માથા ઉપર છત ના રહી.

કલ્પનાથી પણ ભયાનક કૈં 

હકીકત નીકળી,

એમ લાગ્યું કે હવે બાકી 

કયામત ના રહી.

લૈ મને હું એટલો આવી ગયો છું 

દૂર કે,

કોઈ યાદો કે વિચારોથીય 

નિસ્બત ના રહી.

મેં કલમ તોડીને ફેંકી પણ 

દીધી આજે હરીશ,

કોઈની સામે હવે કોઈ 

બગાવત ના રહી.

- હરીશ ધોબી

બા ળપણથી મનમાં બે વાક્યો કહેવતની જેમ ઘૂંટાયેલા છે. એક બોલે તે બંધાય અને બીજું લખેલું વંચાય. એકવાર શબ્દ બોલાઈ ગયો, એકવાર લખેલા કાગળની નીચે સહી કરી નાંખી એટલે વાત પૂરી. તમે બંધાઈ ગયા. બોલતા પહેલા સો વાર વિચારીને બોલવું. મન એવું છે કે દલીલ તરત કરશે કે બોલે એના બોર વેચાય. જોકે સામા છેડાની એક બીજી દલીલ પણ છે કે ન બોલ્યામાં નવ ગુણ. જ્યારે મન દલીલો કરતું અટકી જાય છે. જ્યારે આપણી નમ્રતા સર્વનો સ્વીકાર કરતી થાય છે ત્યારે ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે. બોલવાની બાબતમાં મારો અંગત સ્વભાવ બોલકણો છે. બોલવામાં બફાઈ ના જાય, કશું ખોટું ના થઈ જાય એના માટે શું કાળજી રાખવી ? જીવનમાં બે નિયમો બનાવ્યા. અસત્ય ન બોલવું. અસત્ય બોલવાને લીધે આપણે વારંવાર જૂઠા સાબિત થતાં હોઈએ છીએ. ક્યારેક આપણે આપણને જ જૂઠા સાબિત કરતા હોઈએ છીએ. કોઈ પૂછે કે કાલે કેમ ન આવ્યા ? અને તરત તમે કોઈ બ્હાનું બતાવી દો છો. ફરીવાર એ માણસ બે-ચાર દિવસ પછી એની એ જ વાત પૂછે છે ત્યારે જો સાચું કારણ આપ્યું ના હોય તો ? જો શું બોલ્યા'તા એ યાદ ના રહ્યું હોય તો ? કંઈ ભળતું જ જૂઠું બોલાઈ જાય છે. સાચું બોલનારને કદી યાદ નથી રાખવું પડતું. બીજું એક વાક્ય જીવનમાં જોડાઈ ગયું છે કે આપણે આપણા બોલાયેલા શબ્દના ગુલામ છીએ. અને આપણે ન બોલાયેલા શબ્દના માલિક છીએ.

ક્યારેક વાત જીભથી સરકે છે અને કોઈને કહીએ છીએ અને એ વાત અંગત નથી રહેતી. આપણે એ યાદ હંમેશા રાખવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક વ્યક્તિ અંગત હોય છે. તમારી જે અંગત વાત તમે બીજાને કહી છે એ કોઈ ત્રીજા સુધી, ચોથા સુધી પહોંચવાની જ છે. હરીશ ધોબીએ તેમની પ્રસ્તુત ગઝલના પહેલા શેરમાં આ જ વાત કરી છે. વાત જ્યાં સુધી મનની મનમાં હતી ત્યાં સુધી એમાં નઝાકત હતી. સુંદરતા હતી. સત્યતા હતી. પણ એ જેવી જાહેર થઈ ગઈ પછી તો એટલી બધી ચર્ચાઈ કે ગળે ન ઉતરે તેવી વરવી હકિકત લાગી. અનુભવ શબ્દમાં મૂક્યા પછી પૂરેપૂરો પ્રગટતો તો નથી જ પણ તેની તીવ્રતા ગુમાવી બેસતો હોય છે.

ગઝલના બીજા શેરમાં એક આવા જ ભાવવિશ્વને ઉઘાડવામાં આવ્યું છે. જે મિત્રને હું મારો સજ્જન મિત્ર માનતો હતો, જે મિત્ર મને શરીફ લાગતો હતો એ મિત્રના ચહેરા ઉપર જે દિવસે હું મળવા ગયો અને શરાફત જોઈ નહીં ત્યારે બીજું કશું જ ના બન્યું હું છોભીલો પડી ગયો. મારો ચહેરો જોવા જેવો થઈ ગયો. જે મિત્રની શરાફત માટે ગૌરવ હોય, જે મિત્ર આખરી આધાર લાગતો હોય એ આધાર જ પોતાની બધી શરાફત છોડીને આપણા નિરાધાર હોવા પણા ઉપર હસે ત્યારે કોઈ શબ્દો આપણને જડતા નથી. મારો ચહેરો જોવા જેવો થઈ ગયો એટલું જ માંડ બોલી શકાય છે. હરીશ ધોબી ગુજરાતી ભાષાનો એક કિંમતી ગઝલકાર છે. મારી પેઢીનો ગઝલકાર છે. ત્રીસેક વર્ષ પહેલા તેનો સંગ્રહ પ્રગટ થયો હતો ત્યારે તે સંગ્રહ સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટ થયો હતો. એને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ગુજરાતી ગઝલના ગગનમાં માત્ર પાંચ-સાત સિતારાઓ જ નથી. એવા અનેક તેજસ્વી તારાઓ છે જેના અજવાળાની આપણને ખબર નથી. એવોર્ડ આપનારાઓની નજર ક્યારેક આવા સર્જકો તરફ પણ પડવી જોઈએ.

પ્રિય પાત્રના નામનું વાવાઝોડું ફૂંકાય પછી શું થાય ? ખરેખર પગ નીચેથી ધરતી અને માથા ઉપરથી છત ચાલ્યા જાય છે. પ્રેમ અને ભક્તિ બે એવા જુગાર છે જેમાં સર્વસ્વ ખોઈ નાંખવાનું હોય છે. હવેનો શેર જોઈએ તે પહેલા એ શેર સાથે સંબંધ ન હોવા છતાં આદિલ મન્સૂરીનો એક શેર યાદ આવી રહ્યો છે.

તને ભૂલી ન શકે કે તને સ્મરી ન શકે,

આ શક્યતાની કોઈ કલ્પના કરી ન શકે.

આમ તો આ પ્રિય પાત્રના સંદર્ભમાં લખાયેલો છે. પ્રિય પાત્ર ભૂલી પણ નથી શકાતું હોતું અને યાદ પણ કરી શકાતું નથી. આ એવી શક્યતાઓ છે, આ એવી હકીકત છે કે જેની બીજા માણસોને તો કલ્પનાય ન આવે. કલ્પના કરતા પણ ભયાનક હકીકત નીકળે ત્યારે એમ લાગે છે કે ભગવાન આનાથી તો વધારે ક્યો ન્યા કરવાનો હશે. કહેવાય છે કે કયામતના દિવસે ખુદા સૌનો ન્યાય કરવાના છે. સૌના હિસાબ-કિતાબ થવાના છે. ઘણીવાર તો દુ:ખ જ એવા પડે છે કે લાગે બધાય સુખદુ:ખના હિસાબો થઈ ગયા.

અબ ચલો ઐસી જગહ કી જહાં કોઈ ન હો,

હમ સફર કોઈ ન હો ઔર હમજુબા કોઈ ન હો.

ગાલિબનો આ શેર કેવી અવસ્થામાં લખાયો હશે. હવે કોઈ એવી જગ્યાએ ચાલ્યા જઉં છે જ્યાં કોઈ ન હો. 

કોઈ સંગાથી કોઈ હમસફર ના હોય અને કોઈ હું જે બોલું છું એ ભાષા સમજનારું ય ના હોય હરીશ તો એના કરતા ય એક ડગલું આગળની વાત કરે છે. હું મારી જાતને લઈને એટલો બધો દૂર નીકળી ગયો છું કે હવે મને કોઈ યાદ સતાવતી નથી કે કોઈ વિચારોથીએ નિસ્બત નથી રહી. ફૈઝ અહમદ ફૈઝ ભલે કહેતા હોય કે મારા હાથમાં કલમ છીનવી લેશો તો પણ હું મારા લોહીમાં આંગળી ડૂબાડીને લખીશ. ગઝલના અંતિમ શેરમાં કહેવાયું છે મેં તો મારી કલમ મારા હાથે જ તોડીને ફેંકી દીધી છે. હવે કોઈનીએ સામે બગાવત કરવાનો કોઈ અર્થ નથી. હરીશ ધોબીની એક બીજી ગઝલ જોઈએ.

વંટોળ છે

ઘૂમરાતા કૈં પુરાતન કાળના વંટોળ છે,

હું છું તરણાંમાં ને મારામાં હવે વંટોળ છે.

હું હજી પણ નીકળી શકતો નથી આ શ્હેરથી-

કૈક તારા શ્હેરની આ અટપટી ભૂગોળ છે !

કે ફરી તારા જ ઘર પાસે ચરણ અટકી પડે -

એટલું છે જાણમાં કે દોસ્ત, પૃથ્વી ગોળ છે !

કૈં વહી ચૂકી છે મારામાં નદીઓ રક્તની,

જો હવે વેરાન પટને આ ઊઠેલા સોળ છે !

ચાલ શોધીએ હવે પડતી વિશેનાં કારણો,

કે હરીશ, કિસ્સો ફરીને આજ ડામાડોળ છે !