- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
બધા મિત્રોના દિલમાં તો વિભાજીત થઈ ગયો છું હું,
ને દુશ્મન એમ સમજે છે કે ખંડિત થઈ ગયો છું હું.
પ્રયત્નો લાખ એ કરશે મને વિખેરવા વંટોળ,
કે એને જાણ થઈ ગઈ છે સુવાસિત થઈ ગયો છું હું.
હવે એ વાત વાતોમાં ય મારું નામ લઈ લે છે,
એ પથ્થર દિલ છે ને એના પર અંકિત થઈ ગયો છું હું.
ઓ દુશ્મન ! આપનો આભાર ભુલાશે નહીં ક્યારેય,
બધેબધ ઘેર બેઠા આજ ચર્ચિત થઈ ગયો છું હું.
ખડક, જંગલ કે આવી ધોધના રૂપે મુસિબત છો,
નદી છું મારી રીતે ત્યાં પ્રવાહિત થઈ ગયો છું હું.
- રવિ દવે પ્રત્યક્ષ
જે બધાનો હોય એ કોઈનો ય ના હોય. ઠેર ઠેર કૂવાઓ ખોદવા કરતા એક જગ્યાએ ઊંડો કૂવો ખોદવો સારો. અનેક મિત્રો બનાવવા કરતા એકાદ સાચો મિત્ર કરવો એ મોટી વાત છે. આ વાક્યો ખૂબ જાણીતા છે. અને ક્યારેક આપણને એમ પણ લાગે છે કે જે બધાનો હોય એ કોઈનો પણ ના હોય પણ એ સાવ સાચું નથી. આ ક્ષણે કૃષ્ણ બિહારી નૂરનો શેર યાદ આવે છે.
ઈતને હિસ્સોમેં બટ ગયા હૂં મેં,
મેરે હિસ્સેમેં કુછ બચા હી નહીં.
આપણે એટલા બધા હિસ્સાઓમાં વ્હેંચાઈ ગયા હોઈએ છીએ કે આપણા હિસ્સામાં આપણે બચ્યા જ નથી હોતા. આ ગઝલના બીજા પણ બે શેર યાદ આવી રહ્યા છે. અદ્ભૂત છે.
જીંદગી સે બડી સજા હીં નહીં,
ઔર ક્યા જૂર્મ હૈ પતા હી નહીં.
સચ બઢે યા ઘટે તો સચ ન રહે,
જૂઠ કી કોઈ ઈન્તહા હી નહીં.
સત્યની એ વિશેષતા છે કે સત્યને ઓછું પણ બોલાતું નથી કે સત્યમાં કશું ઉમેરાતું પણ નથી. સત્યમાં કોઈ વધઘટ કરી ન શકાય. જેવી વધઘટ કરીએ તો એ સત્ય સત્ય નથી રહેતું. જોકે જૂઠાણાને કોઈ લીમીટ નથી. કોઈ હદ નથી. રવિ દવે પ્રત્યક્ષની ગઝલના ભાવવિશ્વમાં પ્રવેશ કરીએ તો... હું એટલા હિસ્સાઓમાં વ્હેંચાઈ ગયો છું કે કૃષ્ણ બિહારી નૂર કહે છે તેમ હું મારા હિસ્સામાં હું બચ્યો જ નથી. અહીં વાત સાવ જુદી રીતે જ મત્લાના શેરમાં રજૂ થઈ છે. વિભાજન શબ્દ દુ:ખ સાથે વધારે જોડાયેલો છે પ્રત્યક્ષ કહે છે કે હું તો દરેક મિત્રના દિલમાં વિભાજીત થઈ ગયો છું. અને દુશ્મનો એમ સમજે છે કે હું ખંડિત થઈ ગયો છું. મારા અનેક ટૂકડાઓ થઈ ગયા છે.
વંટોળ હવે મને વિખેરી નાંખવા માટે ખૂબ પ્રયત્નો કરવાનો છે કારણ કે હવે એને ખબર પડી ગઈ છે કે આ માણસ તો મહેકતો થઈ ગયો છે. સુવાસિત થઈ ગયો છે. આ સમાજને જ્યારે ખબર પડે છે કે તમે સુખી થઈ ગયા છો, સદ્ગુણી થઈ ગયા છો, ધાર્મિક થઈ ગયા છો ત્યારે આ સમાજ તમને તોડી નાંખવા માટે બધા જ પ્રયત્નો કરે છે. કોઈ બરબાદ થઈ ગયેલા માણસની આ સમાજ ઈર્ષ્યા નથી કરતો પણ જેવા તમારા ઘરમાં સુખ આવે તમે ઈર્ષ્યાનું કેન્દ્ર બની જાવ છો. તમે જ્યારે સુવાસિત થઈ જાવ છો ત્યારે હંમેશા નેગેટીવ શક્તિ ધરાવતા વંટોળ તમને વેર-વિખેર કરવા માટે કામે લાગી જતા હોય છે.
જેને પ્રેમ કરતા હોઈએ છીએ ને એ પથ્થર દિલ જ હોય છે. આપણા પ્રેમની, આપણી લાગણીઓની તેની ઉપર કોઈ જ અસર પડતી નથી હોતી. પણ એ વ્યક્તિ અજાણતા પણ વાતવાતમાં તમારું નામ લેવા મંડી પડે ત્યારે એને ખબર નથી હોતી કે એ પ્રિય પાત્રનું નામ પથ્થર જેવા હૃદય ઉપર અંકિત થઈ ગયું હોય છે. તમારે સારી રીતે કે ખરાબ રીતે જાણીતા થવા માટે મહેનત કરવી પડે છે. પણ દુશ્મનોનો આપણે આભાર માનવો જોઈએ કે એમને લીધે તો આપણું નામ ઘરેઘરમાં ચર્ચાતું હોય છે. રહીમનો દોહો યાદ આવી જાય.
નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છવાય,
બિન સાબુ બિન પાની સે મેલ હમારા જાય.
કોઈ તમારી નિંદા કરે તો એનો આભાર માનજો. નિંદક, નિંદા કરનારા આપણી ઉપર બે ઉપકાર કરતા હોય છે. આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે છે, આપણાથી કોઈ ભૂલ ના થાય તેના માટે સજાક રાખે છે અને આપણી નિંદા કરીને આપણા પાપ ધોઈ આપે છે.
નદી અને ઝરણાંની એક વિશેષતા એ છે કે એ કોઈ પણ સંજોગોમાં સતત વહેતા હોય છે. પાણીની એ વિશેષતા છે કે એ હંમેશા પોતાનો વહેવાનો રસ્તો કરી લે છે. જીંદગીમાં આવતી મુસિબતો ખડક જેવી હોય, જંગલ જેવી હોય કે ધોધ જેવી હોય. ખડક જેવી એટલે કે સખત. ખડક તોડી નથી શકાતો. જંગલ જેવી એટલે કે ગાઢ જેમાં ધોળા દિવસે પણ અંધારું હોય છે જેમાં ભૂલા પડીએ તો બ્હાર ના નીકળી શકાય. અને ધોધ જેવી એટલે એટલી શક્તિશાળી કે તમને તાણી જાય. પણ છતાં આ દરેક પરિસ્થિતિમાં નદી તો વ્હેતી જ હોય છે. રવિ દવે ગઝલ ક્ષેત્રે નવોદિત નામ છે પણ જે કલમ અત્યારે સૂઝ પૂર્વક કાર્યરત છે તેમાં રવિ પ્રત્યે આશા રાખી શકાય.
રવિની બીજી એક ગઝલ જોઈએ. જીંદગીમાં મુસિબતો આવે, તબાહી સર્જાય પરંતુ જ્યારે આપણા જ પોતાના દુશ્મન બનીને ઊભા રહે અને ખોટી ગવાહીઓ આપે ત્યારે શું થાય ? તમે જેને સ્વજન ગણ્યા હોય એ જ તમને જૂઠ્ઠા સાબિત કરે એ કેવી કરૂણતા છે ! શાહીના ખડિયામાં માત્ર રંગીન પ્રવાહી દેખાય. પણ ખરેખર જ્યારે એ જ શાહી અક્ષરો બની જાય છે ત્યારે લાગે છે કે જાણે તેમાં આખું બ્રહ્માંડ સમાયેલું હતું.
ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ,
જિસકો કછુ ન ચાહીએ વો શાહન કે શાહ.
જેને કોઈ ઈચ્છા નથી ને એ સાચો બાદશાહ છે. અને એવી બાદશાહી ફકીરો ભોગવતા હોય છે. બાદશાહો તો એટલી ઈચ્છાઓથી ભરેલા હોય છે કે તેમણે તો જીંદગીભર યુધ્ધો જ લડવા પડે છે. જે લોકો કહે છે કે એમને પ્રશંસા નથી ગમતી એ કેવા દંભી હોય છે. એ તો ત્યારે જ ખબર પડે છે જ્યારે એમની ભૂલ કે દોષ તરફ તમે એમનું ધ્યાન દોરો ત્યારે તેમને ખોટું લાગી જાય છે. કવિતા આપણને નિજાનંદના રસ્તે ઢંઢોળતી જતી પણ હોય છે.
વધુ શું હોય આનાથી તબાહીમાં,
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં.
ઊઘાડીને તું મ્હો ખડિયાનું જોશે તો -
છે શબ્દોનું પુરું બ્રહ્માંડ શાહીમાં.
ફકીરીમાં બધા જલસા જ છે મિત્રો,
અને યુધ્ધો મળે છે બાદશાહીમાં.
કદી ટાઢક કદી એ ઝેર નીવડે છે,
રહ્યું આ સામ્ય માણસમાં પ્રવાહીમાં.
બતાવો ભૂલ તો ખોટું લગાડે છે,
ને કે છે રસ નથી કંઈ વાહવાહીમાં.


