એક વળાંકેથી સમગ્ર જીવન પર નજર .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- આશા અમર છે. આશામાં ને આશામાં જીવાઈ જતું હોય છે. પણ ઘણી આશાઓ મરતી પણ નથી અને ફળતી પણ નથી
ચાહ્યું હતું જીવનનું તે
ઘડતર ન થઈ શક્યું,
એક રણ હતું, તે રણમાં
સરોવર ન થઇ શક્યું.
હરદમ ગુલાબો છાબભરી
વહેંચતો રહ્યો,
માળીથી તાજું પુષ્પોનું અત્તર
ન થઇ શક્યું.
દિલને હજારો વાર દબાવ્યું,
છતાં જુઓ;
આ મીણ એનું એ જ છે,
પથ્થર ન થઇ શક્યું.
ખંડેર દેખી આશાનાં કૈંક
કાફલા રડયા,
તૂટેલ આ મિનારનું ચણતર
ન થઈ શક્યું.
હરણાંની પ્યાસ રણમાં સદાની
છીપી ગઈ;
શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર
ન થઇ શક્યું.
પૂછી મને મનસ્વી વલણની કથા ? સુણો !
'મેં જે ચાહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.'
'સાબિર' નજર ઝુકાવીને ચાલો કદમ કદમ,
આ માર્ગમાં પડેલ કો'પગભર ન થઇ શક્યું.
- સાબિર વટવા
સાબિર સાહેબ ગુજરાતી ગઝલના પાયાના ગઝલકારોમાંના એક છે. ઘણાં વર્ષો પહેલા કુમાર મેગેઝીનમાં ગુજરાતી ગઝલકારોનો પરિચય આપતી શ્રેણી 'ઉર્મિની ઓળખ' ના નામે આવતી હતી. જલન માતરી તે લખતા હતા. હા... એ જ કુર્રાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી વાળા. અને તેમણે જ આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે અમદાવાદના ટાઉનહોલમાં મુશાયરાનું આયોજન કર્યું હતું. કુમારના સહયોગથી યોજાયેલા આ મુશાયરામાં એક જ મંચ ઉપર ગુજરાતી ગઝલના મહત્ત્વના ગઝલકારો બધા જ હાજર હતા. સાબિર વટવાને સૌથી પહેલા ખૂબ લાંબી શેરવાનીમાં, બોખા અવાજમાં, મીઠા ઉચ્ચારો સાથે ઉપરની જ ગઝલ રજૂ કરતાં મેં સાંભળ્યાં છે. વટવામાં પોતાની વાડી હતી. ફૂલો ઉગાડતા હતા અને એટલે જ માળીનું હૃદય શું હોય છે તે જાણતા હતા. રાત-દિવસ એક કરીને, પરસેવો પાડીને ફૂલોના છોડ ઉછેર્યા હોય એ ફૂલ તોડવા પણ માળીને ન ગમે. પરંતુ તેને ખબર છે કે સાંજે તો આ ફૂલ કરમાઈ જવાના છે. એ ખુશ્બુદાર ફૂલોને ફુલછાબમાં ભરી ભરીને રોજ બધાને વહેંચતો, રહ્યો કે પ્રત્યેક વ્યક્તિને તાજા ફૂલની સુગંધ મળે. માળીનું હૃદય ફૂલોને પીસીને બનાવાતા અત્તર માટે તૈયાર થતું નથી. પરસેવો રેડીને ઉછેરેલા ફૂલોને પીસાવા માટે મોકલવા એ હૃદયને ધુ્રજવી નાંખે તેવી વાત છે. ફૂલ વેચવાની વાત નથી આ તો વ્હેંચવાની વાત છે. જીવનની સાર્થકતા વેચવા કરતા વ્હેંચાઈ જવામાં છે.
વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલમહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.
- અમૃત ઘાયલ
વર્ષો સુધી સતત પ્રયત્નો કર્યા કરીએ અનેક આશા અને શ્રદ્ધાથી મહેનત કરતા રહીએ અને જીવનના એક વળાંકે ઊભા રહીને જ્યારે સમગ્ર જીવન ઉપર નજર નાંખીએ છીએ તો લાગે છે કે જેવી ઇચ્છા કરી'તી જેવું ચાહ્યું હતું એવું જીવતર ન થઇ શક્યું. કેટકેટલા ઉજાગરા કરીને, કેટકેટલા તરસ્યા રહીને, કેટકેટલો પરસેવો પાડીને પછીની પેઢીઓ પણ તરસ છીપાવી શકે એવું સરોવર બનાવવું હતું પણ જીવન એક એવું રણ છે કે બધી જ મહેનત પાણીમાં જાય છે. પાણી ખાતર કરેલી મહેનત પણ પાણીમાં ગઇ. રણમાં સરોવર ન થઇ શક્યું તે ન જ થઇ શક્યું. અને આ અનુભવ જીવનની છેલ્લી અવસ્થામાં કોઇને કોઈ વળાંકે થાય છે જ. ગઝલની આ પહેલા શેરથી શરૂઆત થાય છે.
હૃદય મીણ જેવું છે એવું આપણે કહીએ છીએ. એ ઝડપથી પીગળી જાય છે. અને ઝડપથી થીજી જાય છે. વારંવાર પીગળતું રહે છે વારંવાર થીજતું રહે છે પણ ક્યારેય પથ્થર નછી થઇ શક્તું.
સમગ્ર ગઝલમાં શું શું નથી થઇ શક્યું એની વાત એક અનુભવ સમૃધ્ધ ગઝલકારે તેની કલમમાંથી નીતારી છે. આશા અમર છે. આશામાં ને આશામાં જીવાઈ જતું હોય છે. પણ ઘણી આશાઓ મરતી પણ નથી અને ફળતી પણ નથી. એક ખંડેર મિનારાને આશા હતી કે ક્યારેક તો એ ફરી પાછો ચણાઈ જશે. એની મરમ્મત થશે. પરંતુ એ આશાનો મિનારો તો ખંડેરનો ખંડેર રહી ગયો. રણમાં તરસ્યું હરણ તરફડીને તરસ્યું જ મરી ગયું. જીવનભરની તરસ પૂરી થઇ ગઇ. કવિ પૂછે છે કે શું ઝાંઝવાથી એક મરતાં હરણને જીવાડયાનું મનોહર કામ પણ ન થઇ શક્યું ? મનસ્વી વલણથી શું થઇ શકે ? જે ઝુકી જાય છે તે જે કરી શકે છે એ મનસ્વી વ્યક્તિ નથી કરી શક્તો. સાબિર સાહેબ છેલ્લા શેરમાં કહે છે કે જીવનનો, પ્રેમનો આ એક એવો માર્ગ છે કે નજર ઝુકાવીને જ તમે કદમ કદમ ચાલજો. જેણે જેણે અહંકારમાં આંખ ઊંચી કરીને ચાલી જોયું છે એ એવા પડયા છે કે ફરીથી ક્યારેય પગભર નથી થઇ શક્યા. નજર ઝૂકાવાની વાતમાં નમ્રતાનો અણસાર છે.
સાબિર સાહેબની એક બીજી ગઝલ 'રોકાઈ જાવ' જોઇએ. આમ તો વાત કહેવી છે એ જ... આજ જાને કી જીદ ન કરો. પ્રિય પાત્રને રોકી રાખવું છે. જવા નથી દેવું. અને તેને માટે કેવી સુંદર વાતો કરે છે. જુઓ આ ચંદ્ર ઝાંખો થઇ રહ્યો છે રોકાઈ જાવ ને ! હમણાં સવાર પડી જશે. રોકાઈ જાવ. જીંદગીમાં એક ઘડી જેવી આ રાતની વિસાત શું છે ? જ્યાં જીંદગીની અંદર વર્ષોના વર્ષો વીતી જાય છે ત્યાં એકાદ રાત રોકાઈ જવામાં ક્યાં મોટી વાત છે ?
કોઈ જનાર વ્યક્તિને રોકવા ન જોઇએ. રોકવામાં અપશુકન થતાં હોય છે. પણ એ વિદાયની ક્ષણ એવી ગભરાવી નાંખે તેવી છે કે રોકી રાખવાનું મન થાય છે. વળી ચીબરી બોલતી હોય ત્યારે આપણું મન સહજ ઇચ્છતું હોય છે કે જનાર રોકાઈ જાય. 'ખુદા હાફિઝ'નો અર્થ છે ખુદા તમારું
રક્ષણ કરે. હોઠ ઉપર ખુદા હાફિઝ શબ્દ છે. સામાન્ય રીતે ખુદા હાફિઝ વિદાયના સંદર્ભમાં જ બોલાય છે. હોઠ વિદાય આપી રહ્યા છે, પણ હૃદય કપાઈ રહ્યું છે. હૃદયમાં કંઇ કંઇ થઇ રહ્યું છે. રોકાઈ જાવ રદીફ ઉપરની આ ગઝલ આ દ્રષ્ટિએ માણીએ.
ચંદ્ર ઝાંખો થાય છે, 'રોકાઈ જાવ' !
હમણાં વા'ણું વાય છે, રોકાઈ જાવ !
એક ઘડીભર રાતની છે શી વિશાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !
ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાણ જાવ !
વાટમારુ છે નિરાશા માર્ગમાં -
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !
હોઠ પર તો છે 'ખુદા હાફિઝ !' છતાં,
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !
આજ સાબિર વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !