- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- એકાદ-બે ટકા માણસો એવા હોય છે જેમને માણસાઈનું મૂલ્ય હોય છે, થયેલા ઉપકારની કિંમત હોય છે
મૈંને કલ જીસકો યહાં
બિકતે હુએ બચાયા થા,
આજ વો કહેતા હૈ કિ બોલ
તેરી કિંમત ક્યા હૈ ?
કો ઈ અજ્ઞાત શાયરનો આ શેર ઝાંખો-પાંખો સ્મરણમાં છે પણ ખૂબ ગમે છે. સંસારમાં આવું ખાસ જોવા મળે છે. સાવ ભિખારી, કંગાલ, ખલાસ થઈ ગયેલા માણસને તમે બેઠો કરવા જાવ અને.... ખરેખર તો એને જીંદગીમાં ફરી બેઠા થઈ શકાશે કે નહીં તેની પણ કલ્પના હોતી નથી. તમે જીવનનું મૂલ્ય સમજાવી હૂંફ, હિંમત આપી એને બેઠો કરો છો અને એ સૌથી પહેલી લાત તોરમાં આવીને તમને જ
મારે છે.
પરવર દિગારે જીભ
દઈ બોલતો કર્યો,
એણે તરત પૂછી લીધું પરવર
દિગાર ક્યાં ?
ભગવાને જીભ દઈને બોલતા કર્યા અને આપણે ભગવાનના અસ્તિત્વ વિશે જ શંકાઓ કરી. આપણા જેવા નમકહરામ માણસોને સંસારમાં આવા અનુભવો થવા જ જોઈે. તમે જેને ઊભો કરો છો, જેના બૂરા સમયમાં સાથ આપો છો તે માણસ તેના સારા સમય વખતે મોટાભાગે ભૂલી જ જવાનો છે. તમને તુચ્છ ગણીને ફેંકી જ દેવાનો છે. એકાદ-બે ટકા માણસો એવા હોય છે જેમને માણસાઈનું મૂલ્ય હોય છે, થયેલા ઉપકારની કિંમત હોય છે અને ત્યારે મન પોતે જ પોતાની મજાક કરતાં જાણે કહેતું હોય છે કે,
ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે,
કૈસે કૈસે ઐસે વૈસે હો ગયે.
હવે ઉપરના પહેલા શેરની વાત કરું તો કાલે જે માણસ વેચાઈ જવાનો હતો. જેની જિંદગીનું, આબરૂનું એકે-એક ચીજનું નીલામ થઈ જવાનું હતું, બરબાદીના કાદવમાં ડૂબી ગયેલું હતું તેને તમે મરણીયા પ્રયાસો કરીને બોલાવી લો છો, નવું જીવન આપો છો એ જ માણસને ઊભો થવા માટે, પગભર થવા માટે તમે મરણીયા પ્રયાસો કરો છો. એ પગભર થાય છે. ધીરે-ધીરે પૈસાદાર થાય છે. તમે પ્રસન્નતા અનુભવો છો. જેની પરિસ્થિતિ જોઈને કાલે તમે દયા ખાધી હતી એ આજે પરિસ્થિતિ બદલાતાની સાથે તોરમાં આવીને તમને પૂછે છે કે તારી ઓકાત કેટલી છે ? તારી કિંમત કેટલી છે ? દરેક માણસની એક કિમત હોય છે. મારા એ દિવસોમાં તેં મને મદદ કરી હતી પણ હવે તેનું શું છે ? ચલ પૈસા બોલ, પૈસા પકડ, પૈસા લે અને ચાલતી પકડ. કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ હશે ત્યારે શાયરે વલોવાઈ જઈને માત્ર એટલું જ કહ્યું હશે કે...
મૈને કલ જીસકો યહાં બિકતે હુએ બચાયા થા,
આજ વો કહેતા હૈ કિ બોલ તેરી કિંમત ક્યા હૈ ?
મન હચમચી ઉઠે છે. માણસાઈનું, આદર્શોનું, માનવતાનું કોઈ મૂલ્ય નહીં ? કશાની કિંમત કરતા ના આવડી ? જોકે કિંમત અને મૂલ્ય એ બે શબ્દોમાં ફેર છે. કિંમત એટલે 'ઁિૈબી' અને મૂલ્ય એટલે 'ફચનેી' . ખરેખર માણસની કિંમત કંઈ જ નથી રહી.
અહીં ચારેબાજુ છે માનવની વસ્તી,
અને માનવી ક્યાંય નજરે ચઢે ના.
- અમૃત ઘાયલ
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
'અનિલ', મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
- રતિલાલ અનિલ
જીવનની વિચિત્રતા કે જીવનની વાસ્તવિકતા વિશે સમજાવતા ઘરમાંથી કહેવામાં આવે છે...
Sometimes people are nothing,
You make them something,
And when they become something,
They feel that you are nothing.
Strange life.
વિધિની વિચિત્રતા એ જ છે કે આ બધું જ જાણતા હોઈએ છતાં ફરીવાર કોઈ પરિસ્થિતિ જોઈને હૃદય પીગળી જાય છે, મન અકળાઈ જાય છે. બધું જ છોડીને મદદ કરવા દોડી જવાય છે. ફરી ઠોકર ખવાય છે. ફરી-ફરી બધું બનતું રહે છે. સંસાર આમ જ ચાલે છે ત્યારે મનને અને કુટુંબીજનોને એની એ જ દ્રષ્ટાંત કથા કહીને મનાવી લઉં છું કે મારાથી તો મારો સ્વભાવ નહીં છૂટે.
એક સંત નદીમાં સ્નાન કરીને પાછા આવી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે નદીમાં એક વીંછી તણાઈ રહ્યો છે. તેમણે વીંછીને પકડીને બહાર કાઢવા પ્રયત્ન કર્યો. વીંછીએ ચટકો ભર્યોને સંતને હાથ છૂટી ગયો. સંતે ફરી તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને ફરી તેણે ચટકો ભર્યો. વીંછીં વારંવાર ડંખ મારતો રહ્યો પેલા સંત વારંવાર એને બચાવતા રહ્યા. સંતના શિષ્યોએ કહ્યું તમે કેવા જીદ્દી છો ? ડંખ મારે છે તોય બચાવવાનું છોડતા નથી. સંતે કહ્યું કે ડંખ મારવો એ તેનો સ્વભાવ છે. બચાવવો એ મારો સ્વભાવ છે. એ એનો સ્વભાવ ના છોડે તો હું મારો સ્વભાવ કઈ રીતે છોડું ?
આપણે સૌએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈકને બચાવ્યા હોય છે. મદદ કરી હોય છે. પ્રત્યેકની ભીતર બેઠેલા પેલા સંતને હું આ શેર નિમિત્તે વંદન કરું છું. ઘણીવાર ગઝલને અને તેના શેરને જીવનમાં આમ હું જીવ્યો છું. જીવનમાં આ રીતે હું પામ્યો છું.
જયંત પાઠકની 'માણસ છે' ગઝલ આ ક્ષણે યાદ આવી રહી છે. માણસ અનેક વિશેષતાઓ અને અનેક મર્યાદાઓ ધરાવે છે પણ છતાંય ચાહવા જેવો છે. માણસની એ વિશેષતા છે કે રમતાં-રમતાં લડી પડે છે અને હસતાં-હસતાં રડી પડે છે. પર્વત કરતાં પણ વધારે કઠ્ઠણ અને મક્કમ મનનો હોવા છતાં એ ઝરણાની જેમ આંસુ રૂપે દડ-દડ દડી પડતો હોય છે. એ ચંદ્ર ઉપર પગલાં મૂકી શકે છે, એ ચંદ્ર ઉપર ચપ-ચપ ચાલી શકે છે અને પૃથ્વી ઉપર બે ડગલાં ભરવા જાય છે અને તેના પગ ખડી પડે છે. પોતાની જાતને એ સૂર્યવંશીનો પ્રતાપ ગણતો હોય અને છતાંય ભરબપોરે ઢળી પડતો હોય છે. પૂજાવા માટે આવેશમાં ઝટપટ પાળિયો થઈ જાય છે અને ખરું ટાણું આવ્યું હોય ત્યારે એની ખોટ પડતી હોય છે. માણસના આટલા બધા ચહેરાઓને રજૂ કરતી ગઝલને જાણીએ.
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે !
પહાડથી એ કઠ્ઠણ મક્કમ માણસ છે !
દડ દડ દડ દડ દડી પડે ભૈ માણસ છે !
ચંદર પર ચાલે ચપચપ, માણસ છે !
ભરબપોરે ઢળી પડે ભૈ, માણસ છે !
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે !
ટાણે ખોટયું પડી, પડે ભૈ, માણસ છે !


