- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જો સંપૂર્ણ શ્રધ્ધા પ્રગટી જાય તો એ શ્રધ્ધા જ ભગવાન સુધી લઇ જતી હોય છે.
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે
- કૈલાસ પંડિત
પ્રિ ય પાત્ર સાથે ઝઘડવાની પણ મઝા આવતી હોય છે અને પ્રિય પાત્રની એ વિશેષતા છે કે રિસાઇ જાય, તમને મૂંઝવે તમને તરસાવે, આખી દુનિયાને માટે ઉદાર હોય અને તમને જો એક ક્ષણ આપવાની હોય તો સાવ કંજૂસ બની જાય. કૈલાસ પંડિતની આ ગઝલ સીધી અને સરળ છે. વાંચવાની સાથે જ વાહ ! કહી ઉઠીએ એવી ગઝલ છે. ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત એ દ્રષ્ટિએ આ ગઝલમાં વાતચીતમાં ભાષા છે. એક ક્ષણ માટે કલ્પીએ કે એ ગમતું પાત્ર આખું સામે બેઠું છે અને હવે ગઝલ શરૂ થાય છે.
સંસારમાં કોઈ રિસાઇ જાય તો એને મનાવવા જતા ક્યારેક સંબંધો તંગ થઇ જતાં હોય છે પણ જ્યાં પ્રેમના સંબંધો હોય છે, જ્યાં હૃદયથી હૃદય જોડાયેલા હોય છે ત્યાં રિસાવું અને મનાવાનું જાણે એક સાથે ચાલતા હોય છે. વાતે-વાતે રિસાઇ જવાનું અને વાતે વાતે મનાઇ જવાનું એમ બંને ઘડીએ પડીએ ચાલતા હોય ત્યારે બહુ જ પ્રેમથી, વ્હાલથી એટલું જ કહી શકાય કે ખરાં છો તમે. ગઝલમાં વારંવાર આવતા શબ્દ સમૂહને રદીફ કહે છે. જ્યારે જ્યારે ખરાં છો તમે કહીએ છીએ ત્યારે તેમાં કેટકેટલા ભાવ ઉમેરાતા હોય છે અને પ્રગટતા હોય છે. હજુ તો તમે આવ્યા છો. આવીને હજુ માંડ બેઠા છો અને એટલી જ વારમાં તમે ઊભા થઇ ગયા ? ચાલો જવું ત્યારે ? એમ પૂછી બેઠા. લોકોની સાથે તો આવું કરો પણ અમારી સાથે ય આવું કરો છો. ખરાં છો તમે !
તમે કશું બોલતા નથી. કશું પૂછતા નથી અને અમથા-અમથા મૂંઝાયા કરો છો. તમે ખરાં છો. નથી મળવા આવતા અને મળવા આવીએ તો તમે ઘરમાં નથી હોતા. કહો અમારે ક્યાં જવું ? ખરાં છો તમે ! તમને મળ્યા પછી તો જે ભાગ્યની રેખા હતી ને એ પણ ભૂંસાઈ ગઇ છે. હવે નવી ઊંઘ ક્યાંથી લાવું ? ખરાં છો તમે ! ખરેખર તો પ્રિય પાત્રને રોજની ઝીણી ઝીણી વાતોમાં ખરાં છો તમે કહેવાની એક પણ તક ચૂકી ન જવાય તેની કાળજી રાખવામાં આવી છે.
કૈલાસ પંડિત ગુજરાતી ગઝલક્ષેત્રે એક એવી પેઢીનું નામ છે જે પેઢીએ ગુજરાતી ગઝલને સાચવવામાં પરંપરાને પચાવીને વિકસાવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ ક્ષણે યાદ આવી રહ્યું છે તેમનું એક મુક્તક
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝૂકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
આ દુનિયામાં કોઈ કોઈનું નથી. ખરેખર તો કોઇને કોઇની પડી જ નથી. કોણ ભલું છે અને કોણ બૂરું છે એની પરવા જ નથી. તમામ સ્વાર્થના સગા છે. બધાને પોતાના મતલબથી નિસ્બત છે. અહીં સાચું કોણ છે એ જોવા કોઈ જતું નથી. સાચા માણસને કોઈ પૂછતું નથી. આ જમાનો, આ દુનિયાના લોકો પોતાના એક રૂપિયાના સ્વાર્થ માટે સામેના માણસનું હજારો રૂપિયાનું નુકસાન થતું હોય તે તેની પરવા કરનાર નથી. અત્તરને નીચોવી લીધા પછી કોઈ ફૂલોની દશા વિશે વિચારતું જ નથી અને આથી જ છેલ્લી પંક્તિમાં કવિએ ધારદાર કટાક્ષ કર્યો છે કે માણસને સંજોગ ઝૂકાવી દે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. સંજોગોનો માર્યો માણસ ધાર્મિક બની જતો હોય છે. કૈલાસ પંડિતે જે લખ્યું છે એ હૃદયને સ્પર્શી જાય તેવું લખ્યું છે.
આપણી શ્રદ્ધા પણ ઉપર છલ્લી હોય છે. ઘડીકમાં શ્રધ્ધા બેસે છે અને ઘડીકમાં ઊઠી જાય છે. છીછરી શ્રધ્ધાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ. ખરેખર તો જો સંપૂર્ણ શ્રધ્ધા પ્રગટી જાય તો એ શ્રધ્ધા જ ભગવાન સુધી લઇ જતી હોય છે. મંઝિલ સુધી લઇ જતી હોય છે. ગની દહીંવાલાની પંક્તિ યાદ આવે છે.
શ્રધ્ધા જ મારી લઇ ગઈ મંઝિલ ઉપર મને...
કૈલાસ પંડિત આવી જ એક વાત યાદ કરે છે. કોઈ વ્યક્તિ ઉપર શ્રધ્ધા એટલી અને એ હદે હોવી જોઇએ કે એ વ્યક્તિ મારા માટે જે કંઇ કરશે એ સારું જ કરશે. અને આ ભાવ પ્રગટી જાય છે ત્યારે એ પ્રિય વ્યક્તિએ આપેલો શ્રાપ પણ વરદાન જેવો બની જતો હોય છે અને એ પ્રિય વ્યક્તિને કેટલા પ્રેમથી કહેવામાં આવ્યું છે કે તમારા સોગંદ ખઈને કહું છું કે તમારા ઉપર મને એટલી બધી શ્રધ્ધા છે કે વાત ના પૂછો. કૈલાસ પંડિતનો આ એક જાણીતો શેર જોઇએ.
તમારા સમ મને છે એટલી શ્રધ્ધા તમારા પર,
તમે જો શાપ પણ દેશો તો એ વરદાન થઇ જશે.
એક આપણું સ્થૂળ શરીર છે અને બીજું સૂક્ષ્મ શરીર છે. જ્યારે બીક લાગે છે ત્યારે આપણે સંકોચાઈ ગયા હોઈએ છીએ. ભારે થઇ ગયા હોઈએ છીએ. જ્યારે આનંદમાં હોઈએ છીએ ત્યારે સાવ હળવાફૂલ લાગે એ છે અને જાણે ફેલાઈ ગયા હોઈએ તેમ લાગે છે. ખરેખર તો બંને વખતે શરીરનું વજન અને કદ એકસરખા જ હોય છે. શરીર સાડા પાંચ ફૂટનું હોય તો સાડા પાંચ ફૂટનું જ હોય છે અને ૬૦ કિલોનું હોય તો ૬૦ કિલોનું જ હોય છે. અહીં કવિને પ્રશ્ન થાય છે રાત્રે જે મારી ભીતર પીરની જેમ જાગી જાય છે, આ મારા શરીરમાં બીજું કોણ શરીર ધરાવે છે ! આ પ્રશ્ન વહેલો-મોડો દરેકને એના જીવનમાં થયેલો જ હોય છે કે પોતે એક - બે વ્યક્તિ નથી, બે ત્રણ વ્યક્તિઓ છે. પ્રિય પાત્ર ફૂલોમાં વહેતા પવનની જેમ હસતું હોય છે ત્યારે પોતે પણ ભર્યો ભર્યો થઇ જાય છે. સાંજે મળે છે પણ તાજગી સવાર જેવી પ્રગટી છે. સવારે તીરની જેમ નીકળેલો માણસ આખા દિવસની રઝળપાટને અંતે સાંજ પડતા ઢગલો થઇ ગયો હોય છે. લોકો આખો દિવસ દોડયા કરે છે. કોઇની પાસે જે સૂરજ અજવાળું આપે છે એ સૂરજની સામે જોવાની જરાય ફૂરસદ નથી અને એ સૂરજ તો આખા શહેરમાં, આ પૃથ્વી ઉપર ફકીરની જેમ ફરતો હોય છે. માણસ ગમે તેટલો ગરીબ હોય પરંતુ તે સપનાની બાબતમાં અમીર હોય છે.


