Get The App

કચ્છી ભાષાની મીઠાશ, કછડો બારેમાસ...

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છી ભાષાની મીઠાશ, કછડો બારેમાસ... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- શરીરનું સૌથી કીમતી અંગ એટલે આંખ. આંખ આપણા હૃદયના તમામ ભાવ પ્રગટ કરી દેતી હોય છે

અખિયેમેં

કડેં ઈકરાર અખિયેમેં, 

કડેં ઇન્કાર અખિયેંમેં,

જિગર મૂંજા ! વતાયોતા હી કેડો પ્યાર અખિયેંમેં ?

અનોખો રૂપ હી કેડો, કે પલ-પલમેં ત પલટેતો ?

કડેં કંઢેજા જંગલ ને કડેં ગુલઝાર અખિયેંમેં !

કડેં કાતિલ હલાહલ ઝેર ટિપકેતો, કડેં અમરત;

કડેં સપ તા સુરેં કોરા, કડેં ફુલહાર અખિયેંમેં !

કડેં નફરત, કડેં ગુસ્સો, કડેં માયૂસી ને આસ્યાં,

કડેં તાં ઝણઝણી પેંતા, જિગરજા તાર અખિયેંમેં !

કડેં વરતાયની જાની ! ઉદાસી તાં જમાને જી,

કડેં કાતિલ છુટેંતા તીર ને તકરાર અખિયેંમેં !

ડુકારેંજી મિટાયો ઉઝ સામે રોય તા ન્યાર્યો,

મહોભ્ભત પ્યારજી ઝાં'ખી કઈયાં અણસાર અખિયેંમેં !

કડેં મુરકો વિઠા મોભુભ ! કડેં વએં લૂઈજા આંસુ,

ડિસાંતો 'અબ્દ' આંજી જિંધગીજો સાર અખિયેંમેં !

- કવિ 'અબ્દ'

કચ્છિ ભાષામાં લખાયેલી આ ગઝલનો ગુજરાતીમાં અનુવાદ કવિએ પોતે જ કર્યો છે તે પણ માણીએ.

આંખોમાં

કદી એકરાર આંખોમાં, કદી ઈન્કાર આંખોમાં,

જિગર મારા ! બતાવો છો આ કેવો પ્યાર આંખોમાં !

અનોખું રૂપ આ કેવું જે પળ-પળમાંહિ પલટે છે !

કદી કંટકભર્યા જંગલ, કદી ગુલઝાર આંખોમાં !

કદી કાતિલ હલાહળ ઝેર ટપકે, તો કદી અમૃત !

સરકતા શ્યામ સર્પો તો કદી ફૂલહાર આંખોમાં !

કદી નફરત, કદી ગુસ્સો, કદી નૈરાશ્ય ને નિ:શ્વાસ !

કદી તો ઝણઝણે ઝનઝન જિગરના તાર આંખોમાં !

કદી વરતાય છે ઊંડી ઉદાસી આ જમાનાની,

કદી કાતિલ વછૂટે તીર ને તકરાર આંખોમાં !

દુકાળોની તરસ ટાળો, શું સામું જોઈ રહો છો આમ ?

મહોબ્બત-પ્યારની ઝાંખી તણો અણસાર આંખોમાં !

કદી મલકો મધુર મનમીત ! કદી વહે રક્તનાં આંસુ,

નિહાળું 'અબ્દ' કેરી જિંદગીનો સાર આંખોમાં !

- કવિ 'અબ્દ'

કચ્છી ભાષાની મીઠાશ અને તેના આગવા ઉચ્ચારણના લહેકા એ ભાષા ન જાણનારને પણ ભાવસભર બનાવી દે તેવા છે. કચ્છિ ભાષામાં ગઝલ લખતા હોય તેવા ગઝલકારોની સંખ્યા પણ ઓછી નથી. કચ્છી ભાષામાં ગઝલનો પાયો નાખનાર ગઝલકાર તરીકે મકભૂલ કચ્છીનું નામ આદર સાથે લઈ શકાય. જીવનભર ગઝલની ઉપાસના કરનાર કવિ 'અબ્દ'ની ગઝલોમાં પરંપરાનો આગવો મિજાજ પ્રગટ થાય છે. શ્રી પ્રભાશંકર ફડકે દ્વારા કચ્છી કવિતા વિશે એક સુંદર સંપાદન થયેલું છે. તેઓ કાવ્ય મર્મજ્ઞા છે અને કચ્છી ભાષાના બહુ જ આદરણીય અભ્યાસી વિદ્વાન છે. તેઓ 'અબ્દ' વિશે જણાવે છે કે 'મકભૂલ કચ્છીએ કચ્છી ગઝલનો પાયો નાંખ્યો. તો એને મજબૂત બનાવીને એના ઉપર આલિશાન ઈમારત બાંધી કવિ અબ્દે. અત્યંત મબલક સર્જન એમણે ગઝલમાં કર્યું છે. 'અબ્દ'ની ગઝલો કચ્છી કવિતાનું સાચું સોનું છે. કચ્છી ગઝલે જો ભારતીય ગઝલ-દરબારમાં ગૌરવભેર ખડી રહેવાની કક્ષા સર કરી હોય, તો એમાં સૌથી વધારે ફાળો અબ્દ સાહેબનો ગણાશે.'

શરીરનું સૌથી કિંમત અંગ એટલે આંખ. આંખ આપણા હૃદયના તમામ ભાવ પ્રગટ કરી દેતી હોય છે. કોઈ એક અક્ષર ન બોલે, બધા જ ભાવ છુપાવી દેવાનો પ્રયત્ન કરે, આંખમાં બનાવટી સ્મિત રાખે છતાં આંખ, દ્રષ્ટિ, કીકી, પાંપણ ક્યાંકથી ને ક્યાંકથી સમગ્ર વાત અને પરિસ્થિતી પ્રગટ કરી દેતા હોય છે. કદી આંખોમાં એકરાર, કદી ઈન્કાર, કદી હા કદી ના આંખોમાં પ્રગટ થતા રહેતા હોય છે. અને એ જરૂરી નથી કે પ્રેમ આંખ હા પાડે ત્યારે તેનો અર્થ હા જ થતો હોય, અને ના પડે ત્યારે ના જ થતો હોય. પ્રેમ આંખોમાં 'હા'ના અને 'ના'ના અનેક સ્વરૂપ બતાવવો હોય છે. મરીઝનો શેર યાદ આવી જાય છે.

સમજી લ્યો 'મરીઝ' એની સૌ વાત નિરાળી છે,

'હા'માં કદી 'ના' મળશે, 'ના'માં કદી 'હા' મળશે.

આંખમાં પ્રત્યેક ક્ષણે અવનવા રૂપ જોવા મળે છે. એની એ જ આંખો ક્યારેક સાવ કંટક ભરેલા જંગલ જેવી લાગે છે અને ક્યારેક સુંદર ફૂલોના બગીચા જેવી - આંખથી અમૃત પણ ટપકતું હોય છે અને ઝેર પણ ટપકતું હોય છે. આંખની પ્રત્યેક નજરનો ભાવ જુદો હોય છે અને આપણા જીગરના તાર ઝણઝણાવી ઉઠતો હોય છે. ક્યારેક આંખોમાં ખૂબ ઊંડી નિર્જન ઉદાસી છવાઈ ગયેલી હોય છે અને ક્યારેક એ આંખો આક્રમક બની ગઈ હોય છે અને તકરાર કરતી હોય છે. ક્યારેક આંખોમાંથી લોહીના આંસુ અને ક્યારેક પ્રિય પાત્રનો ચહેરો ટપકતો હોય છે.

'અબ્દ' કહે છે જાણે જીંદગીનો સાર આંખોમાં જ હોય છે.

આંખ એ વ્યક્તિત્વની ઓળખ છે એટલે જ્યારે ઓળખ છુપાવવી હોય છે ત્યારે આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે. રણ અને દરિયાની અડોઅડ ઉભેલું કચ્છ અનેક અભાવો વચ્ચે પણ મહેંકી ઉઠવાની તાકાત ધરાવે છે. કચ્છીઓના ખમીર અને ખુમારી અદ્ભૂત છે. અમૃત ઘાયલનું એક કાવ્ય આ સંદર્ભે માણીએ.

કચ્છનું પાણી.

ભાંભરું  તોયે ભીંજવે ભાવે,

વણબોલાવ્યું દોડતું આવે

હોય ભલે ના આંખની ઓળખ,

તાણ કરીને જાય એ તાણી,

વાહ રે 'ઘાયલ' કચ્છનું પાણી.

જાય હિલોળા હરખે લેતું,

હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું,

અસલી વાતું જાય ન નાણી, વાહ રે...

આગવી બોલી બોલતું જાયે,

પંખી જેમ કલ્લોલતું જાયે,

ગુંજતું જાયે ફૂલનું ગાણું,

વેરતું જાયે રંગની વાણી, વાહ રે...

સ્નેહનું પાણી શૂરનું પાણી,

પોતાના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું,

સત અને સિન્દૂરનું પાણી, વાહ રે...