- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- સતત આગ સાથે રમવાનું હોય અને છતાંય તમે સૌના માટે પ્રેમાળ હોય તો સમજી લેજો કે ઇશ્વરે તમારું જીવન અપૂર્વ બનાવી દીધું છે
નિજત્વ વિસ્મરી જવું
અપૂર્વ આ બનાવ છે,
સમસ્ત વિશ્વના થવું
અપૂર્વ આ બનાવ છે.
ન રંગ જાત ભેદ કંઇ,
ન છેદ કંઇ ઉડાડવા,
સમાન સર્વ દેખવું
અપૂર્વ આ બનાવ છે.
કે બીજમાંથી નીકળી ને ટાઢ,
તાપ વેઠવા,
આ ડાળ ડાળ મ્હેંકવું
અપૂર્વ આ બનાવ છે.
કિરણની શક્યતા નહીં,
પ્રગાઢ અંધકાર હો,
સદાય ત્યાં પ્રકાશવું
અપૂર્વ આ બનાવ છે.
સંબંધ રક્તના નહીં,
ન સ્વાર્થના લગાવ પણ,
અવરને આવકારવું
અપૂર્વ આ બનાવ છે.
છે પંથ ના ગુલાબનો
છતાંય ચાહવું સતત,
અગનની સાથે ખેલવું
અપૂર્વ આ બનાવ છે.
- આબિદ ભટ્ટ
આ પણે એટલા બધા સ્વકેન્દ્રી થઇ ગયા છીએ, સ્વાર્થી થઇ ગયા છીએ કે ઘણીવાર તો એ પણ ભૂલી જઇએ છીએ કે આપણા સિવાય પણ બીજા ઘણા બધા આ પૃથ્વી ઉપર વસે છે. દુનિયાનું, ગામનું, પડોશીનું જે થવું હોય તે થાય એ હદે આપણે જાતને સાચવતા થઇ ગયા છીએ. આપણા આંસુ હોય કે આપણા સ્મિત હોય આપણે આપણા 'હું'ને પડદામાં રાખીને, 'હું'ને કેન્દ્રમાં રાખીને જ બધું જ વર્તન અને વ્યવહાર કરતા હોઈએ છીએ. ઘણીવાર લાગે છે કે પરમાર્થ શબ્દ ભવિષ્યમાં જોડણીકોષમાં જોવો પડશે. એટલું બધું યંત્રવત જીવન જીવીએ છીએ કે હવે કશુંક અપૂર્વ બને, અનોખું બને એની આપણને કલ્પના પણ નથી રહી. બધા કરતા જુદા છીએ, બધા કરતા અનોખા છીએ એ દેખાડવા માટે આપણે સાવ ટોળાના માણસ થઇ ગયા છીએ.
આપણું જીવન તો અપૂર્વ ઘટનાઓથી ભરેલું છે. કોઈ બે વ્યક્તિના હાથના અંગૂઠાની છાપ સરખી નથી. કોઈ બે વ્યક્તિના માથાના વાળ કે હસ્તરેખા સરખા નથી હોતા. અરે આપણને આપણા શ્વાસ પણ જૂના નથી મળતા. આ શ્વાસ ૧૦ વર્ષ પહેલાનો આવ્યો કે ગયા અઠવાડિયાનો શ્વાસ પાછો આવ્યો એવું ય નથી બનતું હોતું. આ સકળ બ્રહ્માંડ નિત્ય નૂતન સતત વિકસતું રહે છે. બ્રહ્મનો અર્થ જ થાય છે જે સતત વિકસે છે તે. અને આપણે અહંકારના કોચલામાં સંકોચાઈને બેસી ગયેલા છીએ. કવિ આબિદ ભટ્ટની ગઝલ આ પૃથ્વી ઉપર, આ જીવનમાં આપણે કેવી કેવી અપૂર્વ ઘટનાઓના અંશ બની શકીએ છીએ તેની વાત કરે છે.
પોતાપણું, નિજત્વ ભૂલી જવું એ આપણા જીવનમાં બનતો અપૂર્વ બનાવ છે. તમે જ્યારે તમારા અહમને છોડી દો છો, તમારા વ્યક્તિત્વને દેહ પૂરતું સીમિત નથી રાખતા ત્યારે તમે વિશ્વ માનવી બની જાવ છો. તમે સમગ્ર વિશ્વના બની ચૂક્યા હોવ છો.
વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી...
આપણી ચેતનાને એવી ઉર્ધ્વગામી બનાવવાની છે કે વ્યક્તિમાંથી વિશ્વ માનવી બનીએ. ભીતરના બધા જ ભેદભાવ જ્યારે ઓગળી જાય, રંગ-ભેદ-જાતપાત બધાના છેદ ઊડી જાય ત્યારે જ પેલું પરમ તત્ત્વ, પેલું પરમ ચૈતન્ય દરેકમાં સમાન રીતે બિરાજતું દેખાય છે. આપણી જાતને આપણે એટલી બધી સંકુચિત બનાવી દીધી છે કે ભારતીયમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ફલાણી જ્ઞાતિના, ફલાણી જ્ઞાતિમાંથી ફલાણી પેટા જ્ઞાતિમાં અને છેલ્લે એક મુઠ્ઠીભર વર્તુળના આપણે શ્રેષ્ઠ માનવી છીએ એવું માનીએ છીએ. સમગ્ર વિશ્વને એક દ્રષ્ટિથી ચાહવું હોય તો દ્રષ્ટિ પણ સમાન જોઇએ ને ! જ્યારે સર્વમાં સમાન દેખાતું તત્ત્વ દેખાય ત્યારે તમે જાણી લેજો કે તમારા જીવનમાં અપૂર્વ ઘટના ઘટી રહી છે.
બી પોતાના કોચલામાંથી બહાર નીકળીને, અંકુરિત થઇને ટાઢ અને તાપ સહન કરીને અનેક ડાળીઓથી ભરેલું ઘટાદાર વૃક્ષ બની જાય છે અનેકને છાંયડો આપે છે અને ક્યાંય પણ ગયા વિના દૂર દૂર સુધી પોતાની સુગંધ પ્રસરાવે છે. આ અપૂર્વ ઘટના આપણા જીવનમાં પણ બની શકે છે. શરત એટલી જ છે કે હું-પણાનું કોચલું તોડીને બ્હાર આવીને થોડોક ટાઢ-તડકો વેઠી જોઇએ.
આ પૃથ્વી ઉપર એવા ગાઢ જંગલો અનેક છે જ્યાં ધોળે દિવસે પણ પગ મૂકવો અઘરો છે અને એથીએ વધારે ગાઢ અંધારૂ તો આપણી ભીતર પડેલું છે. આપણે આ દેહ નથી, આપણ આ મન નથી. જે નિત્ય ધબકી રહ્યું છે, જે બંધ આંખે પણ અજવાળું પાથરી રહ્યું છે, જે બંધ આંખે પણ સપના બતાવી રહ્યું છે એ પરમ પ્રકાશમય તત્ત્વ છીએ. પરંતુ આપણે એ જ તત્ત્વ છીએ એ જાણી લેવું એ સામાન્ય ઘટના નથી. એ જીવનની અપૂર્વ ક્રાંતિકારી ઘટના છે. લોહીના સંબંધ ના હોય, કોઈ સ્વાર્થ કે કોઈ ગણતરી ના હોય અને છતાંય તમે કોઇને હૃદયથી આવકારી શક્તા હો કોઇને માટે કશુંક કરી છૂટી શક્તા હો તો તેને ઇશ્વરની મોટી કૃપા માનજો. તમારા જીવનમાં અપૂર્વ ઘટનાઓ બનવાની શરૂઆત થઇ ગઈ છે એમ માનજો. તમારા રસ્તે ગુલાબ ના કોઈએ પાથર્યા હોય અને છતાંય તમે સૌને ચાહી શક્તા હો, સતત આગ સાથે રમવાનું હોય અને છતાંય તમે સૌના માટે પ્રેમાળ હોય તો સમજી લેજો કે ઇશ્વરે તમારું જીવન અપૂર્વ બનાવી દીધું છે. અપૂર્વ, અનોખા, અદ્વિતિય એમનેમ નથી બની જવાતું. આબિદ ભટ્ટ આપણા ગુજરાતી ભાષાના પકવ અને નિષ્ઠાવાન ગઝલકાર છે. ગઝલને એક નિષ્ઠાથી ઉપાસી છે. છેલ્લા ઘણા વખતથી તેમની ગઝલોમાં તેમની નીજી મુદ્રા પ્રગટતી જણાય છે.
***
તેમની ગઝલોમાંથી પસાર થઇ રહ્યો છું અને મનમાં થાય છે કે આ ગઝલકારે દૈવી અને દુન્યવી બંને પ્રેમના રંગે ખૂબીથી ગઝલમાં ઘૂંટયા છે.
અમૃત ઘાયલનો એક શેર છે.
પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઇશારે ચાલ્યો'તો એના જ ઇશારે ઊભો છું
આ સમયનું ચક્ર કોઇકના ઇશારે ચાલી રહ્યું છે. આ સુખ અને સાહ્યબી કોઇના ઇશારે મળે છે. કોઇના ઇશારે આ શ્વાસોની દુનિયા સંકેલી જાય છે. આ કિલ્લાઓ કોઇના એક જ ઇશારે ભોંયભેગા થાય છે. કળીમાંથી ફૂલ એના ઇશારે થાય છે. આ સમગ્ર પૃથ્વી એ પરમના ઇશારે ચાલી રહી છે.
ફરે ચક્ર સૌ ફક્ત એને ઇશારે,
સરી જાય છે વક્ત એને ઇશારે.
બધી સાહ્યબી એમની, એજ દાતા,
મળે તાજ ને તખ્ત એને ઇશારે
કરે રાજ દુનિયા ઉપર એકચક્રી,
થતા શ્વાસ પણ જપ્ત એને ઇશારે.
થશે ફૂલ ને મ્હેંકશે આ જગતમાં,
થવાની કળી પુખ્ત એને ઇશારે.
તપે સૂર્ય યશનો યુગોના યુગો તક,
કદી ના થશે અસ્ત એને ઇશારે.


