- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- હે મન તું વૃક્ષ પાસેથી કંઇક શીખ. કંઇક ઉદાહરણ લે જો એ બેઉ પરિસ્થિતિમાં એક સરખું છે. જે એને કાપી નાંખે છે એની ઉપર એ ગુસ્સો નથી કરતું. જે એને પાણી પાય છે એની જોડે પ્રેમ કરવા બેસતું નથી.
વૃક્ષ નથી વૈરાગી...
એણે એની એક સળી પણ...
ઇચ્છાથી ક્યાં ત્યાગી ?
જેમ ખૂટયાં પાણી સરવરથી,
જેમ સૂકાયાં ઝરણાં
જેમ ભભકતી લૂ લાગ્યાથી,
બળ્યાં સુંવાળાં તરણાં.
એમ બરોબર એમ જ..
એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી
તડકા છાંયા અંદર હો કે બ્હાર...
બધુંયે સરખું,
શાને કાજે શોક કહું હું...
શાને કાજે હરખું ?
મૌસમની છે માયા સઘળી...
સમજ્યો હું વરણાગી...
વૃક્ષ નથી વૈરાગી
- ચંદ્રેશ મકવાણા
કવિઓએ વૃક્ષનો મહિમા હંમેશા ગાયો છે. કવિઓ માટે યાદ જેવો બીજો કોઈ શબ્દ હોય તો તે વૃક્ષ છે.
તરૂવર, સરવર, સંત જન ચોથા બરસે મેહ,
પરમારથ કે કારણે ચારો ધરીયો દેહ
તરૂવર એટલે વૃક્ષ, સરોવર, સંતો અને વરસાદ આ ચારેય જણે પરમાર્થ કરવા માટે જ પોતાનો દેહ ધારણ કર્યો હોય છે. આ ચારેય તાપમાં તપીને અન્યને ઠારે છે. અને માટે જ આ ચાર માટે આપણું હૃદય ઝૂકી જાય છે.
સૂરદાસની પંક્તિઓ વૃક્ષ વિશેની અદ્ભૂત છે.
વૃક્ષન સે મત લે
મન તું વૃક્ષન સે મત લે...
કાટે વા કો ક્રોધ ન કરીએ
સિંચિત ન કરીએ નેહ...
હે મન તું વૃક્ષ પાસેથી કંઇક શીખ. કંઇક ઉદાહરણ લે જો એ બેઉ પરિસ્થિતિમાં એક સરખું છે. જે એને કાપી નાંખે છે એની ઉપર એ ગુસ્સો નથી કરતું. જે એને પાણી પાય છે એની જોડે પ્રેમ કરવા બેસતું નથી. એ તો દરેક હાલમાં, દરેક પરિસ્થિતિમાં એક દ્રષ્ટા બનીને જ ઊભું હોય છે. અધ્યાત્મમાં પણ વૃક્ષનું ઘણું મહત્વ સ્વિકારાયું છે. શરીરને વૃક્ષ ગણવામાં આવ્યું છે.
મૂળ રે વિનાનું કાયા ઝાડવું
તો ક્યાંક ઉર્ધ્વમૂલ અધ:શાખ, દ્વારા આ સંસારનું ચિત્ર પણ ઉપનિષદ પરંપરાએ આપણને આપ્યું છે. વૃક્ષ બોલતાની સાથે કેટલા બધા સંદર્ભો યાદ આવી જાય છે. જેના મૂળ અંધારામાં હોય, જેના ફૂલ અજવાળામાં ઝૂલતાં હોય - ટાઢ-તડકો-વરસાદ સહન કરીને જે છાંયડો આપતું હોય એ જ વૃક્ષ વિશે ચંદ્રેશ મકવાણા વાતની શરૂઆત જરાક જુદી રીતે કરે છે. વાત તો એ જ કરવાની છે. પરંતુ આજનો કવિ એ વાતને જરાક જુદી રીતે કહે છે. આજની પરિસ્થિતિમાં કહે છે. પણ છેલ્લે સૂર તો એ જ સાધે છે જે પરંપરાનો ચાલ્યો આવે છે.
વૃક્ષ વૈરાગી છે એવું તમને કોણે કહ્યું ? વૃક્ષ કંઇ વૈરાગી નથી. એણે પોતાની એક સળી પણ પોતાની ઇચ્છાથી નથી ત્યાગેલી પરિસ્થિતિને વશ મજબૂરીને વશ ત્યાગવી પડી છે. જો પોતાની ઇચ્છા વૃક્ષને પોતાના પાંદડા કે ફળ કે ફૂલ ત્યાગવાના હોત તો ન ત્યાગી હોત. અરે એક સળી પણ ના ત્યાગી હોત. પરિસ્થિતિ અને સમયની લાચારીથી એણે બધું ત્યાગ્યું છે.
જેમ ઉનાળાના આકરા તાપે તપીને વરસાદ વગરના વરસોમાં સરોવરનાં પાણી ખૂટયા છે અને ઝરણાં સૂકાયા છે જેમ સૂક્કા ઉનાળામાં લૂ લાગવાથી નાજુક તરણાં બળી ગયા છે બસ એ જ રીતે કપરા સમયની ઠેસ વૃક્ષને વાગી છે અને વૃક્ષને ત્યાગ કરવો પડયો છે. કવિતાના બીજા અંતરામાં ફરી મનપેલા સનાતન સત્યની સાથે સૂર મેળવી લે છે. આ તડકા અને છાંયા અંદરના હોય કે બહારના હોય બધુંય સરખું છે. તડકા અને છાંયા તો ઘડી બે ઘડીના હોય છે. એને માટે શોક કરવા ન બેસાય. એના માટે હરખાઈ ન જવાય તડકાનો શોક ન હોય અને છાંયડાનો હરખ ન હોય. તડકા અને છાંયડા તો આવે ને જાય... કમાલ છેલ્લી પંક્તિમાં થઇ છે. માણસ તો વર્ણાગી છે, વૈરાગી નથી. પણ જીંદગીમાં સતત તડકા અને છાંયા જોતા જોતા વર્ણાગી માણસ સમજી જાય છે કે આ તો બધી મૌસમની માયા છે. આ બધી મૌસમની લીલાઓ છે. આ બધા મોસમના ખેલ છે અને ત્યારે વૃક્ષને જોવાની સાચી દ્રષ્ટિ મળે છે. માણસમાં અને વૃક્ષમાં સમાનતા દેખાય છે.
ચંદ્રેશ મકવાણા આજની ઉગતી પેઢીનો આશાસ્પદ અવાજ છે. તેના કાવ્યોમાં એક તાજગી છે. ચંદ્રેશનું તખલ્લુસ 'નારાજ' છે. તેની એક ગઝલ જોઇએ.
ટૂંકી ટચરક વાત કબીરા,
લાંબી પડશે રાત કબીરા.
અવસર કેવળ એક જ દી'નો,
વચ્ચે મહિના સાત કબીરા.
ખુલ્લમ ખુલ્લી પીઠ મળી છે,
મારે એની લાત કબીરા.
એક મૂરખને મીંઢો ગણવા,
ભેગી થઇ છે નાત કબીરા.
કાપડ છો ને કાણી પઈનું
પાડો મોંઘી ભાત કબીરા.
જીવ હજી તો ઝભ્ભામાં છે
ફાટી ગઇ છે જાત કબીરા.


