ડૉક્ટર-દર્દી-દવા... કોરું પ્રિસ્ક્રિપ્શન... .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- હોસ્પિટલ, દર્દી, પીડા, લેબોરેટરી આટલા શબ્દો એક એવી દુનિયામાં આપણને મૂકી આપે છે કે આપણને સ્વાસ્થ્યનો અર્થ સમજાય છે
ડૉક્ટરની પ્રાર્થના
એ મોટી વિડંબના છે ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે
મિત્રો મને શુભેચ્છા આપે છે ત્યારે હું વિચારું છું
તેઓ મારા વ્યવસાયની વૃધ્ધિ માટે શુભેચ્છા આપે છે ?
મારો વ્યવસાય એક ધીકતો ધંધો બને,
એ માટે શું હું ભગવાનની કૃપા
યાચું છું ?
વ્યવસાયની વૃધ્ધિ એટલે માંદગીની વૃધ્ધિ
દરદીઓની વૃધ્ધિ રોગોની વૃધ્ધિ
આ વિડંબના તો છે જ.
પણ એમાં સદ્દભાગ્યનું આશ્વાસન પણ છે, કે
મારી પાસે આવતા દરદીઓની પીડા હું કદાચ દૂર કરી શકું,
તેમને સાજા કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ હું ન રાખું,
શ્રીમંત કે ગરીબ દરદી વચ્ચે ભેદભાવ ન કરું,
દવા બનાવતી કંપનીઓના પ્રચારને પ્રલોભનને વશ થઈ,
જરૂર કરતાં વધારે દવાઓ આપવાનો જે વેપાર ચાલે છે,
તેમાં ભાગીદાર ન બનું
જરા જરા-શી તકલીફમાં દરદીઓના મોંઘાં પરીક્ષણો
માટે ન મોકલું,
દરદીની વાત પૂરી શાંતિથી સાંભળું,
સાંત્વનાના બે સ્નેહાળ શબ્દો કહું
તેમનો વિશ્વાસુ મિત્ર બની રહું,
અને સૌથી મોટી વાત તો એ કે,
હું તો ઉપચારમાં નિમિત્ત માત્ર છું.
સૌથી મોટા ઉપચારક તો ભગવાન, તમે જ છો.
આ હું સદાય યાદ રાખું ને નમ્ર બની રહું,
એટલે હું માંગું છું.
- કુન્દનિકા કાપડિયા.
એ ક ડૉક્ટરના કન્સલ્ટીંગ રૂમની બહાર વેઈટીંગ રૂમમાં ઉપરની પ્રાર્થના મઢાવેલી જોઈ છે. ડૉક્ટર એટલે ભગવાન એ ભાવ આવનાર દર્દીમાં જોયો છે અને ડૉક્ટર તો સાવ દિલ વગરના ચીરી જ નાંખે એ ભાવ પણ જોયો છે અનેક મૂંઝવણ, પીડા, નિરાશા વચ્ચે વેઈટીંગ રૂમમાં આવું કશુંક વાંચવા મળે ત્યારે ખૂબ સારું લાગવું હોય છે. આખું મન બદલાઈ જતું હોય છે.
કોરું પ્રિસક્રીપ્શન...
આ ક્ષણે આંખ સામે થોડાંક ચહેરા યાદ આવે છે તેમનો પ્રસંગ જોઈએ.
સુવર્ણ-પુરુષ-લોહ પુરુષ
સાવ સોનાનો માણસ. સોની બજારમાં દુકાન પાંચમાં પૂછાય. કપડા, ઘર, લાઈફ સ્ટાઈલ બધું જ તમે કલ્પી શકો એમ છો કે કેવું હશે પણ માણસમાં ભેળસેળ ગજબની ચોખ્ખું સોનું તો ચાલે જ નહીં. મિલાવટ કરવી જ પડે. અને આમ એ સુવર્ણ પુરુષમાં ભેળસેળ થતી જ ગઈ. ઘડાતો જ ગયો. ભેળસેળ થતી જ ગઈ. ક્યાં ૨૪ કેરેટ ૧૦૦ ટચનો માણસ અને ક્યાં ૧૨-૧૪ કેરેટનો માણસ. સુવર્ણ પુરુષ પાંચમાં પૂછાતો ગયો, ગામમાં પૂજાતો ગયો પણ અચાનક જાણે શું ય થયું કે પગથિયા ચડતા થાક લાગે, છાતીમાં દુખ્યા કરે, ભોજન કશું ભાવે નહીં, રંગ-રૂપ ઉડતા ગયા.
બસ આવું જ કંઈક એમના પડોશી લોહ પુરુષને પણ થયું હતું. રંગ-રૂપ ઉડતા ગયા હતા પણ લોખંડ બજારમાં ગયા વગર ચાલે ઓછું ? થોડાંક-થોડાક કરતાં ઘણા રોગોના ચિહ્ન સામટા દેખાવા મંડયા હતા. ડાયબિટિસના તો લગભગ બધા જ લક્ષણો રાત્રે વારંવાર ઊઠવું પડે એનાથી લઈને વારંવાર તરસ લાગવી, ખૂભ લાગવી... પ્રોસ્ટેટના પ્રોબ્લેમો ય ખરા. અને ડૉક્ટરે કંઈ કેટલીએ આશંકાઓથી જુદા-જુદા ટેસ્ટ કરાવાનું લાંબુ લીસ્ટ આપ્યું હતું. બજેટ બહારનું હતું.
સુવર્ણ પુરુષ ફ્રુટ અને ફ્રુટ જ્યુસ ઉપર દરેક ડગલે અને પગલે કુટુમ્બીજનોની સંભાળ વચ્ચે, ખૂબ મોટા કન્સલટન્ટો પાસે આવ-જા કરતા. ક્યાંક અમદાવાદ-મુંબઈ ક્યાં ક્યાં ટેસ્ટ કરાવ્યા ? બધા જ ટેસ્ટ નોર્મલ લોહ પુરુષને કદાચ નાની લેબોરેટરી અને શ્રધ્ધાના આધારે જીવવાનું હતું. થેલી લઈને જાતે એકલા ડૉક્ટરો પાસે દોડાવાનું હતું. લોહ પુરુષના બધા ટેસ્ટ સંપૂર્ણ ચિંતાજનક આવ્યા હતા. છેલ્લા છ મહિનાથી અડોશી-પડોશી એવા સુવર્ણ પુરુષ અને લોહ પુરુષ માંદગીના ચક્કરમાં હતા.
આજે એ વાતને છ મહિના થઈ ગયા છે. સુવર્ણ પુરુષ ઘરના એરકન્ડિશન રૂમમાં સગા વ્હાલાએ વચ્ચે વીંટળાઈને બેઠા છે. એ તેજ, એ નૂર ચહેરા ઉપર નથી રહ્યા. બધા રીપોર્ટ પણ નોર્મલ છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે તમને શું દવાઓ લખીએ ? બધા જ રિપોર્ટ નોર્મલ છે. તમને કંઈ નથી સુવર્ણ પુરુષ કોરા પ્રિસક્રીપ્શન સાથે જ ઘેર આવ્યા હતા. થોડા સમય પહેલા અચાનક મૃત્યુ પામ્યા.
લોહ પુરુષના રીપોર્ટો બધા ગરબડીયા ચાલતો-ચાલતો શ્રધ્ધાના સહારે ડૉક્ટરોના દવાખાનાના પગથિયા ચડ-ઉતર કરતો રહ્યો. ચાલતો-ચાલતો એક સ્થળેથી બીજે સ્થળે ફરતો રહ્યો. આજે એ વાતને છ મહિના થઈ ગયા છે. ડૉક્ટરોએ કહ્યું બધા રીપોર્ટ નોર્મલ આવ્યા છે. તમને કંઈ નથી. છતાંય આ કોરું પ્રિસક્રીપ્શન રાખો. એમાં મારો મોબાઈલ નંબર પણ છે. મને લાગે છે કે હવે તમારે એની જરૂર નહીં પડે. લોહ પુરુષ આજે સુવર્ણ પુરુષના બેસણામાં જૂના સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને બેસીને આવ્યો. શ્રધ્ધા અને કોરું પ્રિસક્રીપ્શન એનો સહારો હતા. સુવર્ણ પુરુષના કુટુમ્બમાં બધા રીપોર્ટ નોર્મલ આવ્યાનો કોઈ હરખ નહોતો. નોંધ લેવા જેવી વાત મને લાગી છે માત્ર બંનેના કોરા પ્રિસક્રીપ્શની હોસ્પિટલ, દર્દી, પીડા, લેબોરેટરી આટલા
શબ્દો એક એવી દુનિયામાં આપણને મૂકી આપે છે કે આપણને સ્વાસ્થ્યનો અર્થ સમજાય છે સ્વાસ્થ્યનું મૂલ્ય સમજાય છે. વેદનાને લીધે જ શરીરના એ અંગની આપણને ખબર પડે છે. એ અંગ કેટલું કિંમતી છે એનો ખ્યાલ આવે છે. વેદ એટલે જાણવું વેદના પણ આ વેદની સાથે સંબંધ ધરાવે છે. અહીં ઘાયલ કી ગત ઘાયલ જાને... કે પછી રામબાણ વાગ્યા હોય એ જાણે.
એ શબ્દો પણ યાદ આવી રહ્યા છે. શૂન્ય પાલનપુરીની ગઝલના બે શેર જાણીએ.
પરિચય છે મંદિરમાં દેવોનો મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે,
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.