Get The App

ટાગોરના કાવ્યોનો વળાંક સોનારનાવડી...મેઘાણીની ગુજરાતને ભેટ રવીન્દ્ર વીણા...

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ટાગોરના કાવ્યોનો વળાંક સોનારનાવડી...મેઘાણીની ગુજરાતને ભેટ રવીન્દ્ર વીણા... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આ કાવ્યનું મુખ્ય પાત્ર જે ઉદારતા, કરુણા અને મહેનતું સ્વભાવ ધરાવે છે, જે એકલતા ધરાવે છે એ બધું કોઈ નારીમાં જ શોભી શકે

સોના-નાવડી

ગાજે ગગને મેહુલિયા રે,

વાજે વરસાદ-ઝડી

નદી-પૂર ઘૂઘવિયાં રે,

કાંઠે બેઠી એકલડી !

મારા નાના ખેતરને રે

શેઢે હું તો એકલડી !

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,

ડૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં;

ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં...

મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,

આખી સીમેથી લોક અલોપ થયાં,

દિનાનાથ રવિ પણ આથમિયા...

પેલી નૌકાનો નાવિક રે

આવે ગાતો: કોણ હશે ?

હું તો દૂરથી જોતી રે:

જૂનો જાણે બંધુ દીસે...

કિયા દૂર વિદેશે રે

નાવિક તારાં ગામતરાં ?

તારી નાવ થંભાવ્યે' રે

આંહીં પલ એક જરા !...

મારાં ધાન દઉં તુંને વા'લપથી,

તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી !

મારી પાસ થતો જા રે

આંહીં પલ એક જરા...

લે લે ભારા ને ભારા રે !

છલોછલ નાવડલી;

'બાકી છે ?' વા'લા મારા રે !

હતું તે સૌ દીધ ભરી.

મારી જૂની પછેડી ને દાતરડી,

મારા ભાતની દોણી ને તાંસળડી,

તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી

રહ્યું લેશ ન બાકી રે

રહ્યું નવ કંઇયે પડી;

રહી હું જ એકાકી રે,

આવું તારી નાવે ચડી...

હું તો ચડવાને ચાલી રે,

નાવિક નીચું જોઇ રહે;

નવ તસુ પણ ખાલી રે,

નૌકા નહિ ભાર સહે...

નાની નાવ ને નાવિક પંથે પાડયાં,

ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં;

આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં

સુની સરિતાને તીરે રે

રાખી મુંને એકલડી,

મારી સંપત લૈને રે

ચાલી સોના-નાવલડી

મારા નાના ખેતરને રે

ચેઢે હું તો એકલડી

- ઝવેરચંદ મેઘાણી

(રવિન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી)

સો ના નાવડી કાવ્ય અનેક રીતે નોંધપાત્ર છે. આમ તો રવિન્દ્રનાથ ટાગોરના બંગાળી ગીતોને ગુજરાતીમાં મોકળું ભાષાંતર કરીને મૂક્યા છે. મેઘાણીની ભાષામાં કહીએ તો 'મૂળ રચનાના વીણારવનું અનુરણન' છે. રવિન્દ્રનાથ ટાગોરના જે કાવ્યો આત્મસાત થઇ ગયા તે કાવ્યોમાં મૂળની તે મૂળનું ઓજસ માર્દવ કાળજીપૂર્વક સાચવીને પારકી ભૂમીના ન લાગે તે રીતે આ કાવ્યો લખાયા છે.

ટાગોરનું આ કાવ્ય 'સોનારતરી'નું ભાષાંતર મેઘાણીએ કર્યું 'સોના-નાવડી' 'કુમાર'ના તંત્રી રવિશંકર રાવળે માગણી કરી તેથી મેઘાણીએ તેમને પ્રગટ કરવા લખીને આપ્યું. આ કાવ્ય તેમણે વિદ્વાન આચાર્ય ક્ષિતિમોહન સેનની સમજૂતીને આધારે પીઠિકા મૂકીને સચિત્ર પ્રગટ કરેલું. મૂળ કાવ્ય ટાગોરની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય. એટલા માટે કે સોનાર તરી એ કાવ્ય પહેલાની બધી જ કાવ્યરચનાઓને તેમણે કાચી ગણી છે. પોતાની કાવ્યસંપત્તિની સાચી ગણના 'સોનાર તરી' પછીથી જ થવી જોઇએ એમ તે માનતા હોવાનું મેઘાણીએ સાંભળ્યું છે અને આ બધું તેમણે ૧૯૩૮માં લખ્યું છે. બંગાળી કાવ્યમાં આ પાત્ર સ્ત્રીનું છે કે પુરુષનું છે તે વિશે કશું સ્પષ્ટ થતું નથી. બંગાળી વ્યાકરણમાં ક્રિયાપદ કે વિશેષણ પરત્વે લિંગભેદ નથી. એટલે મેઘાણીએ આ કાવ્ય વાંચતા-વાંચતાં કોઈ ખેડૂત સ્ત્રીનું પાત્ર છે અને કલ્પનાથી રચ્યું છે. મેઘાણી જણાવે છે કે આ કાવ્યનું મુખ્ય પાત્ર જે ઉદારતા, કરુણા અને મહેનતું સ્વભાવ ધરાવે છે, જે એકલતા ધરાવે છે એ બધું કોઈ નારીમાં જ શોભી શકે.

ક્ષિતિબાબુએ જે અર્થ રવિશંકર રાવળને જણાવેલો તે અર્થ પહેલા જોઇએ. અલ્પ જીવનકાળરૂપી ખેતરમાં માનવી પુરુષાર્થ ઉદ્યમ વગેરેનો પાક પકવે છે પણ આખરમાં આપત્તિના તોફાન છવાતાં માનવીરૂપી ખેડૂત પોતાની તમામ કમાણી કર્મના દેવને હવાલે કરી આપે છે. યુગો યુગોથી પ્રત્યેકના જીવનના કિનારા ઉપર જઇ જઇને કર્મનો અધિષ્ઠાતા દેવ સર્વ શુભકર્મોની કમાણી ઉઘરાવી લઇને કાળના પ્રવાહમાં ચાલ્યો જાય છે. પણ એ દેવ માનવીને, ખુદને જરા પણ સહાય કે મદદ કરતો નથી. આશ્રય આપતો નથી. 'સોના-નાવડી'માં ગુંજતો ધ્વનિ મુખ્ય આ છે. અરધી સદીની વાચનયાત્રામાં મહેન્દ્ર મેઘાણીએ આ સંપાદિત કરીને મૂક્યું છે. આ આપણો અમૂલ્ય વારસો છે. મેઘાણીભાઈના કાવ્યોની એ વિશેષતા છે કે જીવનભર એમના કાવ્યો ઉપર જ લખી શકાય.

કાવ્યની શરૂઆત થાય છે. આકાશમાં મેહૂલિયો ગાજી રહ્યો છે, નદીમાં પૂર ઘૂઘવતા આવ્યા છે, ખેડૂત સ્ત્રી કાંઠે એકલી બેઠી બેઠી પોતાના નાના ખેતરના શેઢેથી આ બધું જોઈ રહી છે. ખેતરમાં જે ધાન પાક્યું'તું એ વાઢીને તેના ઢગલા કર્યા, તેની ગાંસડીયો ભરી અને આપત્તિરૂપી ઘોર વાદળો તૂટી પડયા છે એની ચારેબાજુ માત્ર પાણીને પાણી જ છે કદાચ માત્ર આંસુને આંસુ જ છે. સૌ પોતપોતાની સીમમાંથી ઘર તરફ ચાલી નીકળ્યા છે, સૂર્ય આથમી ગયો છે તે સાવ એકલી ઊભી છે.

આ સમયે દૂરથી કોઈ હોડીવાળો ગાતો ગાતો આવી રહ્યો છે એના મનમાં થાય છે કે એ કોણ હશે ? 

દૂરથી જોતાં એવું લાગે છે એ જન્મોજૂનો કોઈ ભાઈ હશે એ નાવિકને વિનંતી કરે છે કે તું કયા ગામનો છું ? તારી હોડી થોડીકવાર અહીં અટકાવ. મેં જીંદગીભર જે ધાન મહેનત કરીને ઊગાડયું છે એ તને વ્હાલથી આપી દેવા માંગું છું. મારા એ સારા કર્મોને તને ફાવે ત્યાં તું વાપરજે. આમ કહીને એ બધું જ ભરી આપે છે. છેલ્લે પોતાની પછેડી, દાતરડું, ખાવા માટેની દોણી અને તાંસળી બધું જ વીણી વીણીને આપી દે છે. કશું જ બાકી નથી રહેતું. તારે એ સ્ત્રી કહે છે હવે કશું જ બાકી નથી હું તારી હોડીમાં ચડી જઉં છું. પેલો નાવિક નીચું જોઇને બેસી રહે છે. હોડીમાં એક તસુંય જગ્યા નથી રહેતી.

હોડી લઇને નાવિક દૂર ચાલ્યો જાય છે. આખી રાત વાદળ અને આંસુ વરસ્યા કરે છે. પોતાના કર્મોની બધી જ સંપત્તિ લઇને પેલો હોડીવાળો તો ચાલ્યો ગયો. ખેતરના શેઢે જેવી આરંભમાં એકલી ઊભી હતી એમ જ એ ખેડૂત સ્ત્રી એકલી ઊભેલી દેખાય છે. જીંદગીભરની કમાણી કોઇને આપી દેવી એ કેવી ઉદારતા ? કશું જ સાથે ન લઇ જઇ શકાય એ કેવી કરુણતા ? જીવનના નાનકડા ખેતરમાં સતત એકલા હાથે કામ કરીને ધાનના ઢગલા કરવા એ કેવો નિષ્ઠાભર્યો ઉદ્યમ ? અને આ બધું જ એકલી. એકલી કરતી રહે એ સ્ત્રીની મહાનતા કેવી ? આપણે જીવનભર કર્મો કરીએ છીએ અને એ કર્મો, એ બધો જ પાક કોઇને સોંપીને ચાલ્યા જઇએ છીએ. બધા શુભકર્મો પણ સહાય કરતા નથી. એકલા આવ્યા હતા એકલા ચાલ્યા જવું એ નિયતી છે.