- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- હે ચતુર સુજાણ પુરુષો તમને એ જ વિનંતી છે કે આ કીડી કોણ છે એનું સ્વરૂપ શું છે એના વિશે વિચાર કરજો
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોંતર્યા,
એ...એ કીડીને આપ્યાં સનમાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મોરલે બાંધ્યો રુડો માંડવો રે,
ખજૂરો પીરસે ખારેક, ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.
એ...એ પોપટ પીરસે પકવાન,
હાલો હાલોને કીડીબાઈની જાનમાં.
મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,
મંકોડો કેડેથી પાતળો,
એ... ગોળ ઉપડયો ન જાય,
હાલો હાલોને કીડીબાઈની જાનમાં.
મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોંતરવા કામ,
હામા મળ્યા બે કૂતરા,
એ...એ બિલાડીના કરીયા બે કામ.
હાલો હાલોને કીડીબાઈની જાનમાં.
ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘરા રે, કાચીંડે બાંધી કરતાલ,
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા.
એ..એ ગધેડું ભૂંકે શરણાઈ
હાલો હાલોને કીડીબાઈની જાનમાં.
ુંઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે,
એ...એ મને કપડા પહેરાવ.
જાવું છે કીડીબાઈની જાનમાં.
હાલો હાલોને કીડીબાઈની જાનમાં
વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,
આજે તો જાન વધાવવી
એ... એ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.
હાલો હાલોને કીડીબાઈની જાનમાં.
કઇ કીડીને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.
ભોજા ભગતની વિનતી,
એ..એ..સમજો ચતુર સુજાણ.
હાલો હાલોને કીડીબાઈની જાનમાં,
એ.. હાલો, હાલોને કીડીબાઈની જાનમાં
- ભોજા ભગત
અ ખા ભગત અને ભોજા ભગત આ બે નામ એવા છે જેમણે સમાજને સાહિત્ય દ્વારા ઢંઢોળવાની પ્રયત્ન કર્યો છે ચિનુ મોંદીને મારો એક મત્લા બહુ ગમતો હતો જે આ ક્ષણે યાદ આવી રહ્યો છે.
આમ તો ફાટી જશે બરડો ફક્ત,
ચાબખા મારી શકે ભોજો ભગત.
ચાબુકથી મારેલા ચાબખા શું કરી શકે ? ચામડી ફાડી શકે સતત ચાબબા મારો તો ચામડી ફાટી જાય પરંતુ ભોજા ભગતે તેમના શબ્દો દ્વારા જે ચાબખા માર્યા છે એ ચાબખા આખા સમાજને ઢંઢોળનારા છે. તમને જગાડે તેવા છે. ભોજા ભગતના શબ્દોમાં એ તાકાત હતી કે હૃદયની આરપાર ઉતરી જાય.
હાલો કીડીબાઈની જાનમાં.. આ કાવ્ય બધાએ સાંભળ્યું હશે ડાયરામાં તો આ કાવ્યની ફરમાઈશ થતી હોય જ. એક નાનકડી કીડીના લગ્ન લેવાય ત્યારે શું શું થાય ? આપણને હસવું આવે તેવી વાત છે આખો પ્રસંગ જ હાસ્યાસ્પદ લાગે. આપણે ઉભા છીએ ત્યાં પગ નીચે કાંઈક કીડી ઉભી હોય તોય એ દેખાતી નથી હોતી. એ કીડીને સન્માન આપેને આ આખા લગ્નના પ્રસગની વાત કરવાની આવી છે.
મોર સૌથી પવિત્ર પક્ષી છે. તેને ક્યારેય વિકારમાં તમે જોયો નહીં હોય. તેના પીછાનું સૌન્દર્ય અનુપમ. મોરના મીઠ્ઠા ટહૂકા દૂર દૂર સુધી સંભળાય. આવા મોરે માંડવો બાંધ્યો હોય પછો પૂછવાનું શું ? ભૂંડ મીઠા ગીતો ગાય છે. પોપટ પકવાન પીરસે છે બધા જ પંખીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. કીડીના લગ્નમાં દરેક પશુ-પંખી હોંશે-હોંશે કામ કરી રહ્યા છે. મંકોડાને ગોળમાં વધારે ખબર પડે. એટલે મંકોડાને છેક માળવા ગામે માંડવા માટે ગોળ લેવા મોકલ્યો છે. મકોડાની કેડ એટલી બધી પાતળી છે કે તેનાથી ગોળ ઉચકાતો નથી. બિલાડીને આખા ગામમાં બધાને નિમંત્રણ આપવા મોકલી છે બિલાડીને સામે બે કૂતરા મળે છે. કાળિયો અને ધોળિયો. જાણે દિવસરૂપી અને રાતરૂપી બંને કૂતરા તેને સામે મળે છે.
લગ્નમાં નૃત્ય કરવા માટે ઘોડાએ પગમાં ઘૂઘરા બાંધ્યા છે. વારંવાર રંગ બદલતો કાચિંડો આજે ભક્તિ કરવા બેઠો છે કરતાલ લઈને. ઊંટે ગળામાં ઢોલ બાંધ્યો છે. સાવ બેસૂરા ગધેડાએ પોતાની ભૂંકથી શરણાઈ વગાડી છે.
લગ્ન હોય એટલે કોઈક રિસાવાનું તો હોય જ. ઉંદર મામા રિસાઈ ગયા છે અને છેક દરિયા વચ્ચે બેટ ઉપર જઈને બેઠા છે. હવે એવું ના વિચારતા આ દરિયો કયો ? રિસાયેલા ઉંદરમામા દરિયાના બેટ સુધી કઈ રીતે પહોંચ્યા હશે ? પણ માણસને રિસાયને ત્યારે એવી જગ્યાએ સંતાઈ જતો હોય છે જ્યાં એને શોધવા માટે, મનાવવા માટે આકાશ- પાતાળ એક કરવા પડે. દેડકો પાણીની બહાર આવીને ધુ્રજતો-ધુ્રજતો ઉભો છે અને કહી રહ્યો છે કે કોઈ મને કપડા પહેરાવો. મારેય જાનમાં ખાવું છે.
જાન હજુ આવી જ નથી. જાનની વાટ જોવાનું કામ સૌથી ઊંચા વાંસડે ચડીને વાંદરો કરી રહ્યો છે. જે વાંદરો એક જગ્યાએ સ્થિર ના રહે એ આજે કુદાકુદ છોડીને ક્યાંયથી જાન આવી રહી છે એ જોવા નજર માંડી રહ્યો છે. વર્ષોની હાથી કળશ ઢોળે, હાથી દ્વારા સન્માન કરવામાં આવે એ પરંપરા છે. આજે જાન વધાવાનું કામ હાથીભાઈ કરવાના છે. બધા જ કીડી બાઈની જાનમાં ઉમટયા છે.
કવિતા અહીં અટકી જાય છે. અચાનક વળાંક લે છે. ભોજા ભગત છેલ્લી પંક્તિઓમાં કહે છે એ સંતો તમે કંઈ વિચાર કરજો આ કઈ કીડીની વાત છે ? અને આ કોની જાન છે ?
હે ચતુર સુજાણ પુરુષો તમને એ જ વિનંતી છે કે આ કીડી કોણ છે એનું સ્વરૂપ શું છે એના વિશે વિચાર કરજો આપણે સૌ જાણે કીડી જેવા છીએ. ભોજા ભગતનો જન્મ ૧૭૮૫માં કણબી જ્ઞાતિમાં જેતપુર નજીકના ગલોળ ગામમાં થયો હતો. તેઓ ભોજા ભગત અને ભોજલરામ તરીકે જાણીતા થયા હતા. તેમણે ગુરૂના આશિર્વાદથી કવિતાઓ અને ગીતો લખ્યા છે તેમાં સામાજિક દુષણો ઉપર ચાબખા માર્યા છે. ૧૮૫૦માં વિરપુર મુકામે ૬૫ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું. ત્યારે તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. કાચબો અને કાચબીનું તેમનું ભજન જાણીતું છે.
આ ક્ષણે રાજેન્દ્ર શુકલનો એક શેર યાદ આવી રહ્યો છે.
કીડી સમી ક્ષણઓની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે ? મારો સ્વભાવ શું છે ?


