Get The App

ભીતરનું બારણું ખુલે ત્યારે...

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ભીતરનું બારણું ખુલે ત્યારે... 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- જ્યાં સુધી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે નહીં ત્યાં સુધી આપણી બુધ્ધિ બહેરી જ રહે છે

આમ ને આમ

આમ ને આમ

આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં ફેરવતાં

હાથ લાગી ગયું એક અવડ બારણું

આગળા ખોલ્યા ને કિચૂડકટ્ અવાજમાં

ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ,

દોડી ગયો આળસુ અંધકાર,

ઝૂમી ઊઠયું લીમડાનું ઝાડ,

આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા

ને બુધ્ધિનું બધિરત્વ પીગળ્યું,

ચારે કોર કલ્લોલતો અવાજ અવાજ,

અંદરનું અંધત્વ ઓગળ્યું,

ચારે કોર સુગંધભર્યો અજવાસ અજવાસ

હવે

બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ,

આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી

તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો

કાનમાં કહે છે મને -

બારણું હવે ભીડતો નહિ,

હોં કે !

- શિવ પંડયા

બા ળપણમાં જોયેલા પહેલા બે કવિઓ એટલે હરિહર ભટ્ટ અને બીજા શિવ પંડયા. હરિહર ભટ્ટ ખગોળશાસ્ત્રી અને કવિતા પણ લખતા. અને શિવ પંડયા કાર્ટૂનીસ્ટ હતા અને કવિતા પણ લખતા હતા. બન્ને માટે કવિ હોવું એ મુખ્ય નહોતું. પણ બન્નને કોઈ પ્રકાશ લાધી ગયો હતો. બન્ને કવિ મારી સોસાયટીમાં રહે. હરિહર ભટ્ટ ધોતિયું, ઝભ્ભો, બંડી, માથે ટોપી. એ ગાંધીયુગના કવિ હતા. શિવભાઈ મારા પડોશી. સફેદ ઘિઅ ભનીચહૈહય કરેલો ટૂંકી બાંયનો બુશકોર્ટ, સફેદ વાળ પ્રભાવક ચહેરો અને તે આધુનિક સમયગાળાના કવિ. ટૂંકમાં બંનેનો પહેરવેશ કવિ તરીકેની જે છબીનો હોય છે તેવો નહોતો. અમે નાના હતા પણ સ્મિત કરીને બોલાવે ત્યારે આ માણસ ક્યાંક ઊંડે ઉતરી ગયેલા છે, સામાન્ય માણસ નથી એવું લાગે. તેમની આ કવિતા તેમના જ અવાજમાં સાંભળ્યાનો આનંદ છે.

કવિતા સરળ છે પણ તેનું વારંવાર પઠન કરતાં કરતાં આ કવિતા કેવું અદ્ભૂત ભાવવિશ્વ ધરાવે છે તેનો પરિચય થાય છે. શિવભાઈ કાર્ટૂનીસ્ટ હતા, ચિત્રકાર હતા. રંગોના રહસ્યોને જાણતા હતા અને આથી જ આ કવિતામાં એક ચિત્રકારની દ્રષ્ટિની ઝલક પણ મળે છે. 'આમ ને આમ... નિરાશા ભરેલી આ પંક્તિ છે. આમ ને આમનો સામાન્ય રીતે ઉપયોગ થાકેલી આશાનો કે નિરાશાની પીડાનો હોય છે. આમ ને આમ દિવસો પૂરા થયા. આમ ને આમ ભટકતા રહ્યા. આમ ને આમ જ રહ્યા. આવા વાક્ય પ્રયોગો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આમ ને આમનો અર્થ આપણા સૌના મનમાં સ્પષ્ટ હોય છે.'

સુખની શોધ, ઇશ્વરની શોધ, જ્ઞાનની શોધ, ભીતરનો આનંદ જે કહો તે. તે શોધવા માટે ગ્રંથોથી લઇને ગુરૂઓ સુધી વાસનાથી લઇને પ્રાર્થના સુધી આપણે આમ ને આમ ભટકતા રહીએ છીએ. દ્રષ્ટિ વગરના આપણે આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતા રહીએ છીએ. પ્રયાસ કરતા જ રહીએ છીએ. અને અચાનક એક દિવસ વર્ષોથી જન્મોથી બંધ રહેલું બારણું હાથ લાગી જાય છે. એની સ્ટોપર ખોલીએ છીએ. બંધ રહેલા બારણાની સ્ટોપર ખોલીએ છીએ અને તેના કિચૂડાટ ભરેલા અવાજની સાથે જ જીવનમાં, મનમાં એક કૂમળો-તાજો પ્રકાશ ધસી આવે છે. આ બારણું આમ ને આમ હાથ ફેરવતાં જડી ગયું છે. તેને આપણે આપણો પ્રયાસ કહીશું કે ઇશ્વરનો પ્રસાદ ગણીશું ? કવિ આ બેમાંથી એકેયમાં પડતા નથી. કારણ કે કવિ દ્રષ્ટા હોય છે.

બારણુ ખુલવાની સાથે જ જે આજ સુધી સાવ આળસુ લાગતો હતો તે અંધકાર ક્યાંય દૂર દોડી જાય છે અને પછી બહાર-ભીતર બધે જ કેવા સુંદર ફેરફાર થાય છે તેની ઝલક પછીની પંક્તિઓમાં આપવામાં આવી છે. દ્રષ્ટિ બદલાય ત્યારે જ સૃષ્ટિ બદલાય છે. લીમડાનું ઝાડ ઝૂમી ઊઠે છે. આ લીમડાનું ઝાડ મારા ઘરની પાછળ હજુય ઝૂમતું ઉભું છે અને તેની સામે જ જોતો જોતો લખી રહ્યો છું. સાપની જેમ ગૂંચળું વળીને સૂતેલા રસ્તાઓ આનંદ વિભોર થઇને સળવળી ઉઠે છે. કવિએ અહીં રસ્તાઓને સાપ સાથે સરખાવ્યા છે. ઘણાં વર્ષો પહેલા એક સાપસીડીની રમત આવતી હતી. કૂકરી લઇને સાપસીડીની એ રમત અમે રમતા હતા. આ સાપસીડીની એ વિશેષતા છે કે જે રસ્તે તમે ઉંચે ચડી શકો એ જ રસ્તે જો ભૂલ થઇ જાય તો સાપના મોંઢામાં ચાલ્યા જાવ અને ફરી પાછા નીચે પડો. જીવનમાં અજવાળું પ્રગટે પછી જીવનમાં અનેક રસ્તાઓ ખૂલી જાય છે. બધા જ રસ્તાઓ સાપ જેવા હોય છે. સાપસીડીની રમત જેવા હોય છે. સહેજ ભૂલ થઇ કે તરત ફરી નીચે પડતા વાર નથી લાગતી.

પણ અહીં તો અજવાળાની વાત છે અને આ અજવાળામાં બુધ્ધિનું બધિરત્વ પીગળી ગયું છે. આપણે બધા જ બુધ્ધિથી બહેરા છીએ. બહેરાઓની એક વિશેષતા છે કે લાખ ઘાંટા પાડીને સમજાવો તોય ખોટું સમજાય, ખોટું સંભળાય, ના સંભળાય, સાંભળવું હોય એજ સંભળાય, સાવ અનર્ય થઇ જાય તેવું સંભળાય. જ્યાં સુધી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે નહીં ત્યાં સુધી આપણી બુધ્ધિ બહેરી જ રહે છે. બુધ્ધિથી ખુલ્લા થઇએ છીએ ત્યારે જ ચારેકોરથી કલ્લોલતો આનંદનો અવાજ સંભળાય છે. ભીતરનું અંધત્વ હવે ઓગળી ગયું છે. આપણે માત્ર બહેરા જ નથી, આંધળા પણ છીએ. બ્હારથી ભલે દેખતા હોઈએ પરંતુ અંદરના અંધત્વને કારણે આ પ્રકૃતિને, આ જગતને જોઈ જ શક્તા નથી. 

અને આ અંધત્વ ઓગળે ત્યારે ચારેબાજુ અજવાળું સુગંધ ભરેલું લાગે છે. શિવભાઈ ચિત્રકાર હતા પણ એથીય મોટા ભીતરથી એક સાધક હતા. તેમનું અકાળે અવસાન થયું હતું. અંદરથી ઉઘડી ગયેલા આ વ્યક્તિને અજવાળું સુગંધ ભરેલું લાગે છે અને એટલે જ તો એ કહી ઉઠે છે કે...

ચારે કોર સુગંધભર્યો અજવાસ અજવાસ,

અહીં સહજ પ્રહલાદ પારેખની પંક્તિઓ યાદ આવી જાય

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,

આ જ સૌરભભરી રાત સારી

આજ ઓ પારથી ગંધને લાવતી

દિવ્ય કો સિન્ધુની લહરી લહરી

પ્રહલાદ પારેખને અંધાર ખુશબોભર્યો લાગે છે. શિવભાઈને અજવાસ સુગંધભર્યો લાગે છે. અંધારું ખુશ્બુ ભરેલું હોય છે કે અજવાળું ખુશ્બુ ભરેલું હોય, વાત એક જ ઘટનાના બયાનની છે. જ્યારે ભીતરનું કમાડ ખુલી જાય છે ત્યારે કેવો અજબનો ચમત્કાર સર્જાય છે ? હૃદયના બારણે સાત સાત સૂરજનું તોરણ બંધાયું છે. આંગણે આકાશનું ઇન્દ્રધનુષ્ય સ્વયમ્ રંગોળી બનીને ચિતરાયું હોય છે અને માહ્યલો પાણીદાર અશ્વની જેમ થનગની ઉઠયો હોય છે અને થનગનતો થનગનતો કાનમાં કહેતો હોય છે કે હવે આ બારણું બંધ ન કરી દેતો હોં કે. જીવનમાં એકવાર આ બારણું ઉઘડી જાય એનું નામ જ સાધના. આપણી બધી જ દોડધામો, બધા જ પ્રયત્નો, બધા જ ફાંફાં અધ્યાત્મિક હોય કે સંસારીક હોય છે માત્ર પેલું બારણું ઉઘાડવાના જ. આ કવિતા પેલું બારણું ઉઘડયા પછીની છે. જ્યા આપણા પ્રયાસ અને ઇશ્વરનો પ્રસાદ એક બની જાય છે.