ઠાકરની આંખમાં ઠળિયા રે હૈયાના ખાલીખમ ફળિયા રે...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- ભાષાને દરેક પેઢીએ કોઈને કોઈ કવિએ તોડી છે જોડી છે મરોડી છે અને ભાષાની શક્યતાને ચકાસી છે
તડકો
પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે,
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘૂમરાતી આવે
ચોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને ફૂદું
ફૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ
- લાભશંકર ઠાકર
કાયા ચિકિત્સા અને કાવ્ય ચિકિત્સા બંનેના જાણકાર લાભશંકર ઠાકરને સાહિત્ય જગતમાં બધા લા.ઠાના નામે ઓળખે છે. કવિતા, નાટક, બાલવાર્તા, આર્યુવેદના લેખો દ્વારા તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરી છે. વિદ્રોહી કવિ છે. શબ્દની સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા અને ભાષાના સ્તરે જેમણે ગુજરાતીમાં અનેક કાવ્યો દ્વારા પોતાનું નામ અને કામ નિશ્ચિત કર્યા છે તે લા.ઠા કવિતાને સ્ટુપીડ પ્રવૃત્તિ પણ કહે છે અને પછી કહે છે કે શબ્દની કલા દ્વારા હું મને અને મારા સંદર્ભને મારા પ્રયોજને પામી શક્યો નથી. આમ તો આવા વિધાન દ્વારા પણ શબ્દ સાથેના તેમના સંબંધને ઉજાગર કર્યો છે.
લા.ઠા એટલે કે લાભશંકરભાઈના પરિચયમાં જ્યારે આવવાનું થયું ત્યારે તે મને સંપૂર્ણ નાસ્તિવાદી લાગેલા. કૃષ્ણમૂર્તિ અને રમણ મહર્ષિના દર્શનને તેઓ માણતા હોય અને તેમાં વધારે ઊંડા ઉતર્યા હોય તેવું લાગેલું પણ આપણા ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોટોગ્રાફર અશ્વિન મહેતાનો એક દિવસ ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે લાભશંકરે તમારા લલિતા સહસ્ત્ર વિશેની લેખમાળા તરફ ધ્યાન દોર્યું છે. હું નિયમિત વાંચું છું. ત્યારે મને આશ્ચર્ય થયેલું કે લાભશંકર લલિતા સહસ્ત્ર લેખમાળા વાંચે ? અનેક વિરોધાભાસથી ભરેલા આ કવિના કાવ્યોમાં સામાન્ય વાચક અટવાઈ જાય, મુંઝાઈ જાય તેવું બને. પરંતુ ભાષાને દરેક પેઢીએ કોઈને કોઈ કવિએ તોડી છે જોડી છે મરોડી છે અને ભાષાની શક્યતાને ચકાસી છે.
'તડકો' કાવ્ય વિશે વાત કરતા પહેલા આટલી પૂર્વભૂમિકા જરૂરી લાગી. પરોઢના ઝાકળમાં તડકો પીગળી રહ્યો છે. ખરેખર તો સવારમાં તડકો પડે અને ઝાકળ ક્યાંય પીગળી જતું હોય છે. ઊડી જતું હોય છે. પણ પરોઢના ઝાકળમાં તડકો પીગળી રહ્યા છે એ ત્યાંથી શરૂ થયેલી વાત કવિતાની છેલ્લી પંક્તિમાં સવારના શબનમસાગરના તળિયા પાસે પૂરી થાય છે. શબનમ એટલે પણ ઝાકળ. ઝાકળના દરિયામાં કેટકેટલું રમણા કરે છે. પડછાયાના પ્હાડ પીગળી જાય છે. રાતભર જે પડછાયા અને ઓળા ચારેતરફ હતા એ ઓગળી રહ્યા છે. આંસુમાં તરતી ડૂબતી, ડૂબતી તરતી કાંટાની વાડ અને વાડ ઉપર પણ એક બટેર બેઠું છે. એ એની પાંખ ફફડાવી રહ્યું છે અને આ બધું જ બની રહ્યું છે ત્યારે વૃદ્ધ દાદાની આંખોમાં ઝાંખ વળી રહી છે. એ ઝાંખમાંથી પાછા પરોઢ પ્રગટે છે.
લા.ઠાની આ એક વિશેષતા છે કે એક શબ્દમાંથી બીજા શબ્દમાં, એક ચિત્રમાંથી બીજા ચિત્રમાં તમને ખેંચી જાય, વહાવી જાય. જે કવિતા વાંચતા હોય તે કવિતાનો લય જો તમને પકડાઈ ગયો હોય તો એ કવિતા પૂરી થઈ જાય ત્યાં સુધી એ કવિતાને માણી શકો. અને જ્યાં એ કાવ્ય પૂરું થાય ત્યાં આંગળી ચીંધીને અર્થ ન કરી શકો એવું અનુભવાયેલું અને છતાંય અનુભવની બ્હાર રહી ગયેલું એક કાવ્ય જગત ખડું થઈ ગયું હોય છે. તેમણે લઘરાના પાત્ર દ્વારા એક આગવી ઈમેજ અને મિથ કવિતામાં ઊભી કરી છે. આ લઘરો કોણ ? એવો પ્રશ્ન જરૂર થાય. લઘરાનું એક નાનકડું કાવ્ય જોઈએ.
હવામાં કાગળની જેમ
ફરફરતાં નાક, કાનને શિર છે.
નદીમાં સડસડાટ
ખળખળ વહેતું નીર છે.
કાંઠા ઉપર ફરફરતો
લઘરો લગભગ સ્થિર છે.
લા.ઠાનું જણ જીવોજી કાવ્ય. મને ગમે છે. ક્યારેક કવિતા વાંચતા વાચકના મનમાં તેના અંગત પ્રસંગો-અનુભવો-સ્મરણો-સંદર્ભો ઘણું બધું જોડાઈ જતું હોય છે. બાળપણમાં કોઈક ગામડે કૃષ્ણનું મંદિર જોયાનું યાદ. કૃષ્ણની મોટી-મોટી આંખો અને એ આંખો થોડીક બિહામણી પણ લાગેલી. આજે એ ગામ યાદ આવે છે ત્યારે એ ગામના આંગણા એટલે કે ફળિયા સાવ સૂના અને ખાલીખમ્મ દેખાય છે. લા.ઠાનું આ કાવ્ય વાંચ્યું ત્યારે કાળિયો ઠાકર, આ મંદિર અને આજના જમાનાનો હડદોલે હડદોલાતો માણસ દેખાયા હતા. બહુ મોડે-મોડે ખ્યાલ આવ્યો હતો કે આ તો ઠાકર એટલે એમણે પોતાના વિશે પણ વાત કરી છે. મે આ કવિતાને જે રીતે માણી છે તેમાં તો મને આપણા સૌના આજના જીવનનો સંદર્ભ દેખાયો છે. આપણે આંખો છે જ ક્યાં. આપણે બધું જોઈએ છીએ, જોઈ લઈએ છીએ કશું ખાસ થતું નથી. આપણા હૃદયના ફળિયા સાવ ખાલીખમ છે લાગણીશૂન્ય છે. આપણે બધા હાલતા-ચાલતા જાણે પાળિયા થઈ ગયા છીએ. બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત ગણીએ તો અડધી જીંદગી તો ઉંઘમાં જ ચાલી જાય છે. આમ એક પછી એક આ પંક્તિઓ પાસે અટકતો જઉં છું અને મનમાં થાય છે કે લાભશંકર ઠાકરની આ કવિતા તમારી પાસે તમારી રીતે ઉઘડે એની જ મજા છે.
જણ જીવો જી
ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી,
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.
તૂટયા કડડ સાત સળિયા રે જણ જીવો જી,
ખૂટયાં નાગર તારાં નળિયાં રે જણ જીવો જી.
મારગમાં મોહનજી મળિયા રે જણ જીવો જી,
રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવો જી.
ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી,
અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી.
ખાવું શેં ? પીવું શેં ? લાળિયા રે જણ જીવો જી,
હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવો જી.
ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવો જી,
ખટમાસ વ્હેણ સાવ વાળિયાં રે જણ જીવો જી.
ભડભડ ચેહમાં બાળિયાં રે જણ જીવો જી,
અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.