- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જ્યાં સુધી જીવનની બર્બરતાની ખબર નથી પડતી ત્યાં સુધી પ્રેમનું નહીં પૈસાનું જ મહત્વ સમજાય છે.
પ્રભુ અઢી અક્ષરનો પ્રેમ મને શિખવાડો....
હરિ, મને અઢી અક્ષર શિખવાડો !
એંશીને આરે આવ્યો છું,
મારો અગર જિવાડો !
પોથી પંડિત બની રીંગણાં
પોથીમાં જ વઘાર્યાં,
શબ્દબ્રહ્મનાં કરી ચૂંથણાં
સારતત્વ સંહાર્યાં.
ગરબડ કરી ગનાને, ગ્રંથનો ભાર તમે ઉપાડો !
હરિ, મને અઢી અક્ષર શિખવાડો... !
હ્રસ્વ ઈ દીર્ઘ ઈ, કાનો માત્રા અનુસ્વારની આડ,
કેમ કરીને વળોટવી આ વહાલ વિનાની વાડ ?
ઘૂંટી ઘૂંટી થાક્યો, કાળો અક્ષર બન્યો કુહાડો !
હરિ, મને અઢી અક્ષર શિખવાડો... !
આડી-અવળી બહુ કરી મેં આખી બારાખડી,
તોય અઢી અક્ષરની હરિવર જડીબુટ્ટી નવ જડી.
આંગણ સૂનું, ક્યારો ખાલી, પ્રેમની વેલ ઉગાડો !
હરિ, મને અઢી અક્ષર શિખવાડો... !
- ભગવતી કુમાર શર્મા
પ્રે મની આપણને તરસ છે અને પ્રેમ શું છે એની આપણને ખબર જ નથી. જન્મથી લઇને મૃત્યુ સુધી સતત પ્રેમની ઝંખના રહે છે. પ્રેમનો સ્પર્શ ઇચ્છીએ છીએ અને જીવનના છેલ્લા શ્વાસે પણ પ્રેમ વગરના અધૂરાને અધૂરા જ, તરસ્યા અને તરસ્યા જ રહી જઈએ છીએ. આ પ્રેમ શું છે ? કોઈ શબ્દોમાં કોઈ વ્યાખ્યામાં પ્રેમને મૂકી શકાય તેમ નથી. હજારો વર્ષથી લાખો કવિઓએ પ્રેમને ગાયો છે અને છતાં કોઈ તેને પૂર્ણ રૂપે પ્રગટ કરી શકયું નથી. ૧૯૩૪માં ૩૧ મી મેના રોજ જન્મેલા ભગવતીકુમાર શર્મા છેલ્લા અડસઠ વર્ષથી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે એકધારે લખી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ એવોર્ડ 'સાહિત્યરત્ન' અર્પણ થયો. મને તેમના બે કાવ્યો વિશેષ ગમે છે. આજે તેની વાત કરવી છે.
એંશી વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે પ્રેમ શીખવો છે તો કેવું લાગે ? જીવનભર જુદી-જુદી વસ્તુઓને જુદા-જુદા રૂપમાં સતત પ્રેમ કર્યો. જીવનભર આપણને એમ લાગ્યા કરે છે કે અહીંથી નહીં તો ત્યાંથી સાચો પ્રેમ મળશે. પરંતુ આપણો પ્રેમ જ ક્યારેક ખોટો હોય છે. આપણે માંગણીઓને, વાસનાઓને પ્રેમ માની બેઠા હોઈએ છીએ. એક મિત્રએ સરસ કહ્યું હતું કે જ્યાં માંગણી ત્યાં લાગણી નહીં. આપણે જીવનભર પ્રેમના નામે જુદી-જુદી ઇચ્છાઓને પોષી છે. જુદી- જુદી શરતો કરી છે. જુદી-જુદી માગણીઓ કરી છે. જુદી-જુદી રીતે અહંકારને પોષ્યો છે. ભગવતીભાઈ કહે છે હે પ્રભુ ! મને અઢી અક્ષર શીખવાડો. છેક એંશી વર્ષનો થવા આવ્યો. આ સંસારી ગલી કૂંચીઓમાં સાચો પ્રેમ ભૂલી ગયો છું. મને મારો કે જીવાડો પણ પેલો અનિર્વચનીય પ્રેમ છે એ શીખવાડો. મને મારવો કે જીવાડવો એ તમારા હાથમાં છે. મારે હવે તો એ શુધ્ધ પ્રેમનો સાક્ષાત્કાર કરવો છે. મારામાં એ પ્રેમ પ્રગટતો જોવો છે.
અમારે કવિઓને અધ્યાત્મની વાતો કલ્પનામાં કરવી બહુ સરળ વાત છે. અધ્યાત્મના આવેશ આવતા હોય છે. શબ્દ સાથે વ્યભિચાર આવડતો હોય છે. પોથી પંડિતો બની બનીને પોથીના રીંગણાની વાતો ખૂબ કરી. શબ્દ બ્રહ્મ છે એવું કહ્યું ખર્યું પણ શબ્દ બ્રહ્મ છે એનો કોઈ અનુભવ નહીં. શબ્દ બ્રહ્મના ચૂંથણાઓ કરી-કરીને સારતત્વને તો મૂળમાંથી ખતમ કરી નાંખ્યું. ગ્રંથો મને કેટલા મોંઢે છે એના અહંકારમાં જીવનભર ફર્યો. હે પ્રભુ ! આ ગ્રંથોનો ભાર હવે મારાથી સહન નથી થતો. મારો એ ભાર તમે લઈ લો. મને નિર્ભાર બનાવી દો. મને પ્રેમ શીખવાડો.
જીંદગીભર બારાખડી આડી-અવળી લખી જોઈ. જાતજાતના અઘરામાં અઘરા શબ્દો બોલ્યો પણ અઢી અક્ષરના આ પ્રેમ શબ્દની જડીબુટ્ટી ક્યાંય ના જડી. મારું આંગણું મારા જીવનનો ક્યારો સાવ ખાલી છે. તમારા પ્રેમની વેલ ઉગાડો. હે હરિ ! મને પ્રેમના અઢી અક્ષર શીખવાડો. આ પોકાર છે. જીવનની વ્યર્થતા જાણી ગયા પછીની વાત છે. જ્યાં સુધી જીવનની બર્બરતાની ખબર નથી પડતી ત્યાં સુધી પ્રેમનું નહીં પૈસાનું જ મહત્વ સમજાય છે. જીવનભર ઊંચી-ઊંચી અધ્યાત્મિક વાતો કરવાથી કોઈ સાક્ષાત્કાર થતા નથી. એને માટે તો ટૂંકો અને સીધો રસ્તો એક જ છે શરણ અને સ્મરણ. આ સમગ્ર કાવ્ય હૃદયની પ્રાર્થના બનીને પ્રગટયું છે.
ભગવતીભાઈનું એક બીજું કાવ્ય તેમણે વર્ષો પહેલા લખેલું છે. ઉપરનું કાવ્ય તે અનુભૂતિનું સત્ય છે. તો આ બીજું કાવ્ય કાલ્પનિક સત્ય છે. એક સત્યનું કાવ્ય છે. તો બીજું કાવ્યનું સત્ય છે. બંને પોતાના સ્થાનેથી સરખા જ ખેંચે છે.
ગુજરાતી ભાષામાં સંગીત-સાહિત્ય અને ભક્તિ ત્રણેય માર્ગે એક અખંડ મંજીરા વાગ્યા કરે છે. એ છે નરસિંહ અને મીરાંના. હૃદયના બે ભાગ. એકમાં નરસિંહ અને બીજામાં મીરાં. કૃષ્ણના નામનો સતત એમાંથી રણકાર પ્રગટે છે. એક મંજીરાની અંદર સૂરજ ઝળહળી રહ્યો છે. બીજામાં ચંદ્ર ઝળહળી રહ્યો છે. મારા શ્વાસે આસમાં પ્રભુના નામનો પવન સમીર વહી રહ્યો છે. મારા હૃદયમાં નરસિંહ અને મીરાંના મંજીરા વાગ્યા કરે છે.
જાણે કૃષ્ણની સાથેનો એ પરમ રાસ રચાયો છે. અને નરસિંહ મહેતાનો હાથ મશાલની સાથે જ બળ્યો હતો એ પ્રસંગ... કે જ્યારે મીરાંએ ઝેરનો પ્યાલો પીધો હતો અને એ ચમત્કાર સર્જાયો હતો, ઝેર અમૃત બની ગયું હતું એ પ્રસંગ.... જાણે આંખ સામે તરવરે છે. ભક્તો તો ગહન અને ગંભીરા હોય છે, જેવા જમનાજીના નીર. પરંતુ આ વાત હૃદયમાં આવા બે મંજીરા છે એની જાણ થયા પછીની છે.
મારે રુદિયો બે મંજીરાં :
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસ શ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હેડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીએ
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જયમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.


