Get The App

શ્વાસમાં આકાશ.... .

- સંવેદનાના સૂર- નસીર ઈસમાઈલી

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
શ્વાસમાં આકાશ....                 . 1 - image


વ હેલી સવારે જ ગામના ઘરની અગાસીમાં પગ મૂકવાં જ ગામનું આકાશ જોઇને આ આકાશનું એટલે કે મારું મન પ્રસન્ન થઈ ગયું મુંબઇથી ગામ સુધીની ભીડમાં ભીંસાતી મુસાફરી દરમ્યાન આંખો બંધ કરીને આ ભીંજાતી મૌસમમાં ગામના જે મનોરમ દ્રશ્યને હું મનોમન રમાડતો રહ્યો હતો એ જ ખુશનુમા શ્રાવણી સવાર કુદરતના કેમેરામાં કંડારાઇને મારી આંખોમાં ભિંજાઈ ગઈ. ક્ષણવાર મને એમ લાગ્યું કે જાણે જિંદગીની તમામ થકાન અદ્રશ્ય થઈ ગઈ છે.

વરસાદમાં નાહીને સ્વચ્છ થયેલાં, છુટાં છવાયા ઝુમનાં લીમડાંનાં વૃક્ષોની લીલીછમ સુગંધભરી ભીનાશ એક ઊંડા શ્વાસ સાથે વહેલી સવારની હળું હળું વહેતી ઠંડી હવામાં વહીને મારી છાતીમાં સમાઈ ગઈ.

સૂરજ હજી નીકળ્યો નહોતો અને ઘાટટોપ વાદળો વચ્ચેથી આજે નીકળી શકે તેમ પણ નહોતું. ગામની ફરતે અર્ધ ચંદ્રાકારે ફેલાયેલી પણ ટેકરીઓ પર ઊતરી રહેલાં વાદળોની હથેળીઓમાં સવાર ધીરે ધીરે અંતર્ધ્યાન થઇ રહી હતી. સુરજના તાપમાં હમેશાં ચમકતી રહેતી ગામની નદીની રજતરેખ આજે વાદળિયા સર્દ ધુમ્મસમાં ઓગળી ગયેલી લાગતી હતી. કોર્નરના લીલા મકાનના અગાસીની પાળી પર બેઠેલી કબુતરોની એક કતાર કોઇ કાવ્ય સભામાં પોતાનો કવિતા કહેવાનો વારો આવે એની રાહ જોઈ રહેલાં કવિઓની કતારની જેમ શિસ્તબદ્ધ રીતે ચુપચાપ બેઠી હતી. દૂરના સ્કૂલી મેદાનના છેડે આવેલ મંદિરના ભૂખરા શિખર પર મેલખાયા ભગવા રંગની ધજા ઠંડી હવામાં ફર ફરતી હતી. સવારની પ્રસન્ન-મધુર શાંતિની અદબ જાળવતાં હોય એમ પક્ષીઓના ઝુંડો, વૃક્ષોએ ઓઢેલા વાદળછાયા આકાશમાં ધીમું ધીમું ચેહચહાતા  ચકરાઈ રહ્યાં હતાં.

ગામની એ શાંત, પ્રસન્ન ઠંડી વરસાદી સવારની મધુર ક્ષણોએ મારી બંબઇયા ભીડની બદબૂમાં હાંફતી દોડતી પસીનો નીતરતી - જિંદગીની ક્ષણોનો થાક જાણે એક ક્ષણમાં ઉતારી દીધો.

એક ઊંડો શ્વાસ લેતાં મને લાગ્યું કે જાણે આખુંય વાદળ આકાશ મારા શ્વાસમાં સમાઈ ગયું છે.

કાશ ! મારી બંબઈયા પત્ની તારિકાને અને મુંબઈની રંગીન, કાગઝી તકલાદી દુનિયાના કોશેટામાં જ હંમેશાં પુરાઈ રહેવા માંગતાં મારા તરુણાઇમાં તરવરતાં બંને સંતાનોને શ્વાસમાં સમાતાં આ ખુલ્લાં આકાશના આનંદનો અહેસાસ હોત તો ?

તો શાયદ દર વર્ષની જેમ આ વર્ષે પણ બા-બાપુજીની ખબર લેવા માટે મારે એકલાને ગામ ન આવવું પડયું હોત... ... ત્યારે બી.એ.બી.એડ. થયા પછી હું ગામની અને આસપાસના ગામોની સ્કૂલોમાં નોકરીની તલાશ કરી રહ્યો હતો, જ્યારે તારિકાના ડેડી મારી જ્ઞાાતિના મુંબઈનિવાસી શેઠ જગતનારાયણ કોઈ સામાજિક પ્રસંગે ગામ આવેલા. મારો દેખાવડો, જવાન, તરવરતો ચહેરો એમની નજરમાં વસી ગયો ને મુંબઇ જેવા શહેરમાં ધનાઢય સસરાની આંગળીએ વળગીને દિકરાની જિંદગી બની જશે એવા કોઈ ખ્યાલે મારા બાપુજીએ તારિકા સાથેના મારા વિવાહ-સંબંધ માટે શેઠ જગતનારાયણને હા ભણી દીધી.

નહીં તો ગામમાં જ રેડીમેઇડ વસ્ત્રોની નાનકડી પણ ધીખતી દુકાન ધરાવતા મારા બાપુજીએ લગ્ન પછી જમાઇને મુંબઇમાં સેટલ કરી આપવાની જગત શેઠની માગણીને સ્વીકારવાની જરૂર જ નહોતી.

અને મેં પણ ત્યારે તાજેતરમાં જ પરણીને મુંબઈ વિદાય થઈ ગયેલી મારા અવ્યક્ત પ્રેમની કવિતા જેવી મારી બાળસખી ઘટાની- અચાનક ગેરહાજરીએ સર્જેલા શૂન્યવકાશને પૂરવાના ઝનુનમાં એ લગ્ન માટે હામી ભરી દીધી. જે શહેરમાં ઘટા શ્વસી રહી હતી એ શહેરની હવાઓમાં જ શ્વાસ લેવાના એક વિચિત્ર વિચારે શાયદ...

તારિકા ખુબ સુરત હતી, ગ્રેજ્યુએટ હતી, પણ બંબઈયા મિજાજની. સ્વયં પર મુગ્ધ એવી એક ફેશનેબલ જાજરમાન રમણી, જે હરક્ષણે મને છુટ્ટા, કાળા, ઘટાદાર રેશમી કેશરાશિને ઘાટીલી પીઠ પર હંમેશાં લહેરાયેલો રાખતી સરળ, સાદી, સ્લીમ, શ્યામ, નમણી, હસમુખી ઘટાનું અનાયાસ સ્મરણ કરાવતી રહેતી.

ન તો તારિકાને ક્યારેય મારા ગામે આવવું ગમતું કે ન તો તારિકાએ કોન્વેન્ટ્રી ઢબે ઉછેરેલાં મારા સીટી-એડિક્ટ ઉછાછળાં બંને બાળકોને ! એટલે વર્ષે એકાદ વાર હું એકલો જ બા-બાપુજીની ખબર લેવા અને ગામમાં જ બીજી બે દુકાનો કરીને સેટલ થયેલા મારા બંને નાનાં ભાઇઓને મળવા આવી જતો - શાયદ એ બહાને મુંબઇની ભીડમાં રૂંધાતા મારા શ્વાસને છુટો કરવાની આજની જેમ જ.

પેશાની પર લહેરાતાં કાળા જુલ્ફામાં સફેદી છંટાવા સુધીના પંદર વર્ષો મુંબઈમાં ગાળવા છતાં મુંબઈની દૌડધૂપી મુખૌટી જિંદગી મને કદાપિ રાસ નથી આવી. પણ જ્યારે જ્યારે મેં પત્ની-બાળકોને મુંબઈ છોડી ગામની કુદરતી શાંતિભરી સ્વચ્છ જિંદગીમાં પાછાં ચાલી જવાની વાત કરી છે, 

ત્યારે મને એક જ વાક્ય સાંભળવા મળ્યું છે ઃ વિલેજ લાઈફ માય ફૂટ !....

મારા વિચારોનો આ કાયમી દૌર આગળ ચાલે તે પહેલાં જ અચાનક મારી નજર અમારા મકાનથી એક ઘર છોડીને આવેલા ઘટાના ઘરની અગાસી પર પડી અને ચમકીને સ્થિર થઈ ગઈ.

ઘટા ત્યાં અગાસીમાં ઊભેલી હતી. એની મસૃણ પીઠ મારી તરફ હતી અને એ પીઠ પર તાજું સ્નાન પામેલા એના છુટ્ટા, કાળા, ચમકતા કેશરાશિ અલ્લડતાથી પથરાયેલાં હતાં. એની આંખો વાદળઘેર્યા ઘટાટોપ આકાશમાં ખોવાયેલી હતી. એ પણ શાયદ મારી જેમ ગામની ખુશનુમા શ્રાવણી સવારને એના રેશમી સીનામાં ભરી રહી હતી. કદાચ એ પણ અત્યારે મુંબઈથી પિયર આવેલી હતી.

આ ઉંમરેય કમનીય લાગતી ઘટાની શામળી કમાની પીઠને એક નજરમાં ભરી લેતાં મેં એક ધુમ્સસી નિઃશ્વાસ મૂક્યોને આકાશમાં થયેલા વીજળીની કડકડાટી સાથે મારા જેહનમાં પણ એક અજીબ વિચારની વીજ ઝબકી ગઈ. પણ ઘટાને હું બુમ પાડીને બોલાવું તે પહેલાં તો, 'આકાશ દીકરા ! ચાલ ચા-નાસ્તા માટે નીચે આવી જા જોઉં'ની બાની પ્રેમભરી બૂમ સંભળાઈ ને હું ચુપચાપ અગાસીની સીડીઓ ઊતરી ગયો.

જૂના સ્કુલી દોસ્તો સાથે ગપ્પાં મારવામાં, લીલી વનરાજીમઢી વરસાદી પહાડીઓમાં ઘૂમવામાં અને ગામની જોબન-છલકતી નદીમાં તરવામાં અઠવાડિયું તો ક્યાંય પસાર થઇ ગયું અને મારે મુંબઈ પાછા જવાની બે-ત્રણ દિવસની વાર હતી ને એક દિવસ સાંજે વાળુ પછી હું બહારની ચોપાસમાં ખાટલો ઢાળીને સૂતેલો હતો ત્યારે ઘટાની બા ડેલીના દરવાજે દેખાયાં. 'આવો સમુકાકી ! કેમ છો ? મજામાં ?' મેં ઊભા થઈ એમને આવકારતાં કહ્યું.

હોવ ! મઝોમાં ! હું એમ કઉં આકાશ દીકરા કે તું કે'દિ મુંબઈ જવા નીકળવાનો ?'

લગભગ પરમ દિવસે કાકી ! બપોરે દોઢની એસ.ટી. લકઝરી બસ અહીંથી ડાયરેક્ટ મુંબઈ જાય છે, એમાં, કેમ ?'

'તો તું ઘટાને લઈ જઈશ મુંબઈ. તારી હારે ને ઠેઠ ઘરે મૂકી આઇશ ? જમાઇને ને છોકરાંવને તો અંઈ ગામ આવતાં કીડીઓ કૈડે છે. તે બચાડી ઘટા આઇ તો ખરી એકલી, પણ હંગાથ વન્યા એને એકલી પાછાં મોકલતાં મારો જીવ નથી હાલતો !' અને એમને 'ભલે કાકી ! ઘટા ક્યાં પારકી છે ?'નો ઉત્તર આપતાં ઘટા સાથેના સહપ્રવાસની કલ્પનાએ મને એક રોમાંચથી ભરી દીધી... અને એ બપોરે 'આવજો... આવજો..'ના અવાજો વચ્ચે ગામની ભીની માટીને ચગદીને ઊપડેલી એસ.ટી. બસે મને અને ઘટાને એક જ સીટમાં બેસાડીને ગામનું પાદર મૂક્યું.

અમે બંને મૌન હતાં ને અમારા બંનેની ઉદાસ નજર બસની બારીના સળિયાની આરપાર વાદળિયા ધુમ્મસમાં ઝિલમિલાઇને આંખોથી ઓઝલ થઈ રહેલા ગામની લીલીછમ પહાડીઓમાં ખોવાયેલી હતી.

'આકાશ !' ગામની મર્યાદી સીમાઓ આંખથી સંપૂર્ણપણે ઓઝલ થઈ જતાં બારી પાસે બેઠેલી ઘટાએ રેશમી કેશ રાશિ લરજતી ગુલછડીથી ગરદનને મારી તરફ ઘુમાવતાં ભીના નિઃશ્વાસી પણ ખૂલી ગયેલા અવાજે કહ્યું: 'મને એક વિચિત્ર-વિચાર આવી રહ્યો છે અત્યારે !'

કદાચ એ એજ વિચાર હશે ઘટા, જે મને આઠ દસ દિવસ પહેલાંની એક વહેલી સવારે મારા ઘરની અગાસી પર ઊભાં-ઊભાં તારા ઘરની અગાસીમાં ઊભી રહેલી તને તાકી રહેતાં આવ્યો હતો. અત્યારેય એ જ વિચાર મારા જહેનમાં એમજ ઘૂમરાઈ ઘૂમરાઈ રહ્યો છે. પણ પહેલાં તું કહે કે તને શું વિચાર આવી રહ્યો છે ?'

'કહું આકાશ ? જો હું તારાથી ઊતરતી જ્ઞાાતિની ન હોત અને જે હાથે તું નાનપણમાં મારા કાન આમળતો હતો એ હાથમાં મારો હાથ જઈ શક્યો હોત તો કદાચ આજે હું મુંબઈના ગંધાતા-રૂંધાતા ગટરિયા આકાશની દિશામાં આમ પરાણે ઘસડાઈ રહી ન હોત અને શાયદ તું પણ...

'બસ ! મારા મનના સંવેદનને જ ઝીલ્યું છે તારા પારદર્શક ચિત્તે ઘટા !' મેં કહ્યું ને પછી મારાથી એક અજીબ આવેશી અવાજે બોલાઈ જવાયું ઃ 'ચાલને ઘટા આપણે નામો બદલીને અધવચ્ચે જ આ બસમાંથી ઊતરી જઈએ કોઈ અજાણ્યા નાનકડા ગામે, જ્યાં મુંબઈની ગૂંગળાતી જિંદગી ના હોય અને તને ને મને સીમાબદ્ધ કરતી આપણા ગામની જીવનની સીમારેખાઓ પણ ના હોય, બસ તું આકાશી, હું ઘટાનાથ અને આખુંય આકાશ આપણા શ્વાસમાં... 'ઘટા ચમકીને સ્તબ્ધ થઈ ગઈ એ સાંભળતાં અને હું ચૂપ-ઉદાસ ! અને એકબીજાની આંખોમાં ઓગળી રહેલા અમારા બંનેના મૌન-મૈત્રકને પોતાની ઘરઘરાટીની કરવત વડે કાપતી બસ તેમજ ગતિએ સતત દોડી રહી મુંબઇની 'દીવાલી' દિશામાં, દોડતી રહી, દોડતી રહી, બસ દોડતી જ રહી, કોઇ જ 'અજાણ્યા ગામે અટક્યા વિના....'

Tags :