Get The App

આંખને કે મનને અણગમતું ઘણુંયે થાય છે, તે છતાંયે આપણાથી ક્યાં કશું બોલાય છે ?....

- સંવેદનાના સૂર- નસીર ઈસમાઈલી

- બાળકોને નાનપણમા પ્રેમ, તરુણાઈમાં હુંફ, અને યુવાનીમા દોસ્તી આપીશ તો તારી વૃધ્ધાવસ્થામાં એ જ તને એમનાં તરફથી પાંછા મળશે

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
આંખને કે મનને અણગમતું ઘણુંયે થાય છે,  તે છતાંયે આપણાથી ક્યાં કશું બોલાય છે ?.... 1 - image


એ કક્ષણ... બેક્ષણ... ત્રણ ક્ષણનું હું વયસ્ક, પ્રભાવશાળી પણ લાચારી લરજતા મારા મિત્ર સુધીરના ઝુર્ફીદાર ચહેરા સામે જોઈ રહ્યો.

'.... પણ ના ના તું જ કહે અમીમ, આ કંઈ આરસની રીત કહેવામાં દિકરો થઈને એ મારી સાથે ગમે તે વર્તે, ગમે તેમ બોલે, એ કેવી રીતે ચલાવી લેવાય ? તું કંઈક શિખામણના બે શબ્દો કહે એને ! તારા પ્રત્યે એને માન છે. તારું સાંભળશેએ. આજે ભલે હું પાંચ વર્ષથી રિટાયર્ડ થઈ ગયેલો છું, પણ હું ય કલાસ વન સરકારી અફસર હતો અને હજી આજે ય મારું અને આરસના મમ્મીનું ગુજરાન સ્વમાનભેર ચાલી શકે એટલું પેન્શન મેળવું છું આ તો દુનિયાની લાજે વૃદ્ધાશ્રમમમાં જવાનું નથી અને તબિયતે મને લાચાર...' બોલતાં સુધીરને ખાંસી ચડી આવી, ને શ્વાસમાં હાંફ આવી ગઈ.

સુધીરના ઓચિંતા આવવાથી લખવાનું બાજુ પર મૂકી મેં ખુલ્લી પેનને બંધ કરી. અને મારી નજર મારા સ્ટડી-રૂમની બારીની બહારના આકાશમાં અટૂલા તરતા વાદળના ટૂકડા પરથી ફિસલીને દૂર રોડ પર દેખાતી બાવળની કાંટય પર ઠહરી ગઈ.

સુધીર મારો વર્ષો જુનો દોસ્ત છે અને સરકારી કડક અફસર હતો, ને જ્યારે 'આપ' કહીને એની સાથે વાત કરનારાને પણ પહેલાં એ માટે હિંમત એકઠી કરવી પડતી, ત્યારે એને 'તું-કારે'બોલાવીને ગમે ત્યારે એની ચેમ્બરમાં ઘુસી આવવાનો મને દોસ્તાના હક્ક હતો. અને એ જોઈને સુધીરની કડક મિજાજી દહેશત હેઠળ જ હેંમેશા કામ કરતો એનો સ્ટાફ પણ આશ્ચર્ય પામી જતો.

સુધીર સાથેના મારા આ મૈત્રી - ઘરોબાના કારણે બે દિકરીઓ પછીના એના દિકરા આરસને ય હું નાગીપુગી ઉંમરથી ઓળખું છું. બાર સાયન્સમાં આરસ ફેઈલ થયો ત્યારે બાપના ગુસ્સાથી એને બચાવવા બે દિવસ મેં જ એને મારા ઘરમાં રાખ્યો હતો. એટલે જ આરસ મારા પ્રત્યે માન અને પ્રેમ ધરાવે છે.

અલબત્ત ભણવામા ભલીવાર ન લાવનાર આરસ શેરબજારમાંથી લાખો કમાયો હતો. અને સુધીરે એની સરકારી નોકરી દરમ્યાન સપનામાં ય ન જોયાં હોય એવા ગાડી-બંગલાનો એ માલિક હતો. આરસ પોતે ખાસ ભણ્યો નહોવા છતાંય એક ડબલ-ગ્રેજ્યુએટ ખુબ સુરત માલેતુજાર છોકરીને પ્રેમમાં પાડીને પરણી લાવ્યો હતો, અને આજે એ બે બાળકોનો બાપ છે. શાંત સોબર અને નાનપણમાં બાપથી બીતો રહેતો આરસ એના બાપ સાથે તોછડું વર્તન કરતો હશે એ ખુદ સુધીરે મને ન કહ્યું હોત તો હું આ માનીજ ન શકત. અને મને હમણાં જ થોડીક ક્ષણો પહેલાં બોલાયેલા સુધીરના શબ્દો યાદ આવી ગયાં...

'.... તારે ત્રણ દીકરા છે અમીમ. આટલાં વેલ-કવોલિફાઈડ છે. પણ તારું કેટલું માન રાખે છે ? જ્યારે આ આરસ તો વાતે વાતે મારું અપમાન કરતો રહે છે. અને સતત તોછડાઈથી જ મારી સાથે વર્તે છે. હું એના ધંધામાં રસ લઈને શેરબજારની કંઈ વાત કરવા જાઉં તો તરત જ તોછડાઈને કહેશે.' તમને જેમાં સમજ ન પડતી હોય એ વાતોમાં ઘોયાં ના મારો પપ્પા.  એના કોઈ મિત્રો આવ્યા હોય અને હું ડ્રોંઈગરૂમમમાં બેઠેલો હોઉં તો બધાંની સામે મને અપમાનિત કરતાં કહેશે, 'તમારા રૂમમાં જઈને બેસોને પપ્પા! કોઈ આવ્યું હોય ત્યારે શું આમ થાંભલાની જેમ વચ્ચે ચિટકાઈ રહો છો ?'

'કોઈ સામાજિક-કૌટુંબિક પ્રસંગોએ આરસ અને એનાં પત્ની-બાળકો બહાર જઈ રહ્યા હોય, અને આખો દિવસ ઘરમાં રહીને કંટાળેલા હું અને એના મમ્મી સાથે જવાનો સહજ ઉમળકો ક્યારેક ભુલથી દર્શાવી બેસીએ તો એ તુરત વડછકું ભરી લે કે,' ત્યાં તમારું શું કામ છે ? શાંતિથી ઘરમાં બેસી રહો ! આમ જતી વેળા માથું ન ખાવ.... વિ.'

સુધીરના આ શબ્દો સાંભળી મને યાદ આવી ગયેલું કે આરસ જ્યારે નાનો હતો ત્યારે, આવા પ્રસંગોએ સુધીર ખિજાયેલા સ્વરે લગભગ આવા જ શબ્દો આારસને કહેતો.

'તને મોટાંની વાતમાં સમજ ના પડે. અમથો ઘોચાં માર્યા વિના જા બહાર જઈને રમ.'

'કોઈ આવ્યું હોય ત્યારે શું આમ થાંભલાની જેમ વચ્ચે ચોંટી રહીને અમારી વાતો સાંભળે છે ? જા તારું ભણવાનુ વાંચ.'

અને આરસ ક્યારેક સુધીર અને એની પત્ની સાથે બહાર જવાની હઠ પકડે ત્યારે તો... 'તમારું શું કામ છે ત્યાં ? માથું ના ખા મારું. શાંતિથી ઘરમાં બેસીને રમ, નહીં તો હમણાં દઉં છું., અવળા હાથની એક ઝાપડ !....'

પણ હવે અત્યારે મારે સુધીરને શી રીતે કહેવું કે,

'સુધીર ! જે પ્રકારના 'કાંટાળા' બીજ તેં આરસના નાનપણના કુમળા દિમાગમાં વાવ્યા છે, એ જ આજે કાંટાળા વૃક્ષો બનીને આ જીવનસંધ્યાએ તને ખુંચી રહ્યા છે, ત્યારે આરસ સાથેની તારી બદમિજાજી જોઈને હંમેશા હું તને ટોકતો કે, 'સુધીર- બાળકોને નાનપણમા પ્રેમ, તરુણાઈમાં હુંફ, અને યુવાનીમા દોસ્તી આપીશ તો તારી વૃધ્ધાવસ્થામાં એ જ તને એમનાં તરફથી પાંછા મળશે. જિંદગીની મૌન દિવાલ પર આપણે જેવા કર્મોનો દડો પછાડીએ છીએ, એ જ બુમરેંગની જેમ આપણાં તરફ પાછો આવે છે' પણ ત્યારે તું મારી એ વાતને વેવલાઈભર્યા લાગણીવેડાં ગણીને હસી કાઢતો હતો....'

અલબત્ત એક લાચારીભરી મનઃ સ્થિતિમાં અને મળવા આવેલા સુધીરને અત્યારે તો હું, 

'સારું સુધીર ! હું આરસ જોડે આ વિષે વાત કરીશ'નું આશ્વાસન આપી ચા-નાસ્તો કરાવી એને વિદાય કરું છું. પણ સુધીરની વિદાય લઈ રહેલી ઝુકેલીપીઠની પેલે પાર બારીની બહાર, સડકના કિનારે પથરાયેલી બાવળની કાંટાળી ઝાડી સામે તાકી રહેતાં મારા હોઠ ફફડી ઊઠે છે., 

'પણ મને ખબર નથી સુધીર, કે તેં વાવેલા બીજમાંથી વિસ્તરેલા આરસના કાંટાળા વર્તનના વૃક્ષને હું કેટલું કાપી શકીશ ?...'

'શીર્ષક સંવેદના: 'રાઝ' નવસારવી'

Tags :