Get The App

યે દુનિયા પતંગ, નિત બદલે યે રંગ, કોઈ જાને ના ઉડાનેવાલા કૌન હૈ..?

- સંવેદનાના સૂર- નસીર ઈસમાઈલી

Updated: Jan 12th, 2021

GS TEAM

Google News
Google News
યે દુનિયા પતંગ, નિત બદલે યે રંગ, કોઈ જાને ના ઉડાનેવાલા કૌન હૈ..? 1 - image


પ તંગોની પુરબહાર મોસમ પતી ગઈ હતી. સાંજનું અંધારૂ ઊતરી રહેલી હવામાં વી.એસ. હોસ્પિટલની બહારના વૃક્ષો પર ફસાયેલા પતંગો ધીમું ધીમું સુસવતાં હતાં. હોસ્પિટલના કંપાઉન્ડના દરવાજાની બહાર નીકળી સિગારેટ જલાવતાં તમને એ પતંગો જોઈને એ કવિતા યાદ આવી ગઈ અર્ધ્ય જે તમે અને રાજસીએ સાથે બેસીને વાંચેલી,

જીંદગીના વૃક્ષની

જાુદી જાુદી ડાળીઓએ

ફસાયેલા પતંગો જેવા આપણે

રાહ જોઈએ છીએ નિયતિના હાથની,

કાઢવા માટે યા...ફાડવા માટે !

...અને અચાનક સામે નજર જતાં, સાંજના ટ્રાફિક ઝમેલાને ક્રોસ કરીને આવી રહેલી એક સ્ત્રી-આકૃતિએ તમારી બાય-ફોકલી દ્રષ્ટિને એક ચમક સાથે ત્યાં જ સ્થિર કરી દીધી અર્ધ્ય. એ ચહેરાની રેખાઓ રાજસીની હતી. એના ખભે વોટર-બેગ અને હાથમાં ટિફીન ઝુલતું હતું.

ઉંમરના આંકડાઓ ઉલટસુલટ થઈને ચોવીસથી બેંતાલીસ થવા સુધીમાં અનેક ચહેરા, રાજસીના ચહેરાની મુલાકાત પછી તમારી આંખોના રણમાં ગુજરી ચુક્યા હતાં અર્ધ્ય, અને એ દરેક ચહેરો તમારા ચહેરા પર એની એક એક લકીર મુકતો ગયો હતો. પણ એમાં રાજસીના ચહેરાએ દોરેલી લકીર હજી એમને એમ જ અકબંધ હતી. આરસાના શિલ્પ જેવી રાજસીની પહેલી મુલાકાત કરાવનાર 'ઊર્મિના શિલ્પ'ને ય તમે હજી એમ જ અકબંધ જાળવીને તમારી ડેસ્ક પર મૂકી રાખેલ છે અર્ધ્ય...

...એ પબ્લિક લાયબ્રેરીમાં 'રાઝ'ના ગઝલ સંગ્રહ 'ઊર્મિલા શિલ્પ' માટે ક્લેઈમ નોંધાવેલો અર્ધ્ય, અને તમને એ પુસ્તક ઈસ્યુ થઈ રહ્યું હતું ત્યારે આરસના શિલ્પ જેવી એક ખૂબસુરત યુવતી, એ લાયબ્રેરીની ડેસ્ક પર મુક્કી પછાડી ડેસ્ક-કલાર્કને કહી રહી હતી કે એ પુસ્તક માટેનો પહેલો ક્લેઈમ એનો હતો માટે એ એને જ મળવું જોઈએ.

''તમારો ક્લેઈમ સાચો છે. રાજસીબેન. પણ આ અર્ધ્યભાઈએ તો મને આ ગઝલસંગ્ર શોધી રાખવાનું ક્યારનું કહી રાખેલું હતું-અલબત્ત મૌખિક, એટલે આ વખતે એમને એ લઈ જવા દો. પછી તમે લઈ જજો.'' લાયબ્રેરીયન છોકરીએ હસીને એને કહેલું.

''નો ! બોલેલા શબ્દ કરતાં લેખિત ક્લેઈમ વધુ અગત્યનો છે, એટલે એ પુસ્તક મને જ મળવું જોઈએ'' તમારા મરકતા જવાન ચહેરાને ગુસ્સે થયેલી રાજસીએ લાલચોળ સ્વરે કહ્યું અને તમે હસીને રાજસીને કહેલું અર્ધ્ય. ''મેડમ લખાયેલો શબ્દ કાગળ પર ચિતરાયેલાં હોય છે, જ્યારે બોલેલો, શબ્દ હૈયામાં કોરાઈ જાય છે. એટલે મારા બોલેલા શબ્દનો 'ક્લેઈમ, વધુ મજબૂત ગણાય. પણ ચાલો જવા દો. એક આરસાના શિલ્પ માટે હું ઊર્મિના શિલ્પ પરનો મારો ક્લેઈમ જતો કરું છું.'' અને રાજસી તમારા વાક્યનો અર્થ સમજે તે પહેલાં તમે ચહેરો ઘુમાવી ત્યાંથી ચાલતા થઈ ગયેલા અર્ધ્ય.

અને પછી એક અઠવાડિયામાં જ અનાયાસ રાજસીની બીજી ઓચિંતી મુલાકાત એક સાંજે તમને યુનિવર્સિટીના પ્રાંગણમાં થઈ ગયેલી અર્ધ્ય.

''તમે ? તમે અહીં શું કરો છો ?'' તમને અચાનક સામે આવી ગયેલા જોઈ સહેજ ભૃકૂટિ વંકાવી રાજસીએ પૂછ્યું.

તમારો પીછો નહીં હું અહીં એમ.એ. કરું છું. અંગ્રેજીમાં. તમે હસીને ઉત્તર આપેલો અર્ધ્ય.

''એમ ? હું પણ એમ.એ. કરું છું, પરંતુ ગુજરાતીમાં.''

''અચ્છા ! એટલે આરસના શિલ્પને ઊર્મિના શિલ્પમાં રસ પડેલો એમ કહોને ?'' તમે સ્વસ્થ હસીને શરારતી સ્વરે કહેલું અર્ધ્ય અને રાજસી ગુલમહોરના વેરાતાં ફૂલ જેવું ખિલખિલ હસી પડેલી. પણ એ ગુલમહોરી ખંજની હાસ્યને આંગળીઓ 'સ્પર્શ' કરવા જેટલા નજીક અવાય તે પહેલાં જ કવિતાઓ વાંચતા વાંચતા, બ્લેક કોફી વિથ લાઈમ સીપ કરતાં કરતાં શિયાળુ સાંજો, વરસતી રાતો, અને તપતી બપોરો પસાર થઈ ગયેલાં ને એમ.એ.ની છેલ્લી ટર્મ પણ પૂરી થઈ ગયેલી અર્ધ્ય.

અને પછીના ત્રણ મહિના દરમ્યાન એક દિવસ...

એક દિવસ તમારી સાથે એડવર્ટાઈઝીંગ કંપનીમાં નોકરી કરતા મિત્ર મયુરે કહેલું કે, એ અઠવાડિયાની રજા લઈને એના કરોડપતિ મિત્ર પૃથ્વીશના લગ્નમાં મુંબઈ જઈ રહ્યો છે, ને એનો એ રંગીન મિજાજ દોસ્ત અમદાવાદની જ નવરંગપુરાની આભા સોસાયટીમાં રહેતી રાજસી લખેશરી નામની કોઈ અતિ ખુબસુરત છોકરીને પરણી રહ્યો છે, ને બારાત અમદાવાદ આવવાના બદલે છોકરીવાળા સામે મુંબઈ આવવાના છે.

.... અને એ દિવસે અર્ધ્ય, તમારી આંખોમાં જગયેલા રાજસીના ચહેરા પર ચોકડી પડી ગયેલી, અને ચોવીસીની ઉંમરે ચોકડી પડી ચુકેલા એ ચહેરો, ઉંમરના અવળસવળ થઈ ગયા પછી અઢાર વર્ષ બાદ આજે સામેથી આવતો દેખાઈ રહ્યો હતો. સાંજના ગીચ ટ્રાફિક ઝમેલાને ક્રોસ કરીને...

..પાકવા માંડેલા વાળ અને બાયફ્રોકલી ચશ્માંની આરપાર પણ તમારા ઓળખીને દોડતી રાજસી ઊભી રહી ગઈ - કલપ કરેલી ચમકતી ઉડતી જાુલ્ફો મઢેલા ગૌરપ્રૌઢ ચહેરા પર અચાનક મળી ગયાનું સ્મિત સજાવીને અને....

''અરે અર્ધ્ય તું...તું અહીં ક્યાંથી ? શું કરે છે આજકાલ ?''

''બસ એ જ - ચહેરાઓ પારખવાનીને 'આરસના શિલ્પ' ચીતરવાની એડ.કાું.ની આર્ટીસ્ટની જોબ, તું કેમ છે ?''

''વેરી સ્માર્ટ ! હું બસ એકદમ ફર્સ્ટકલાસ ! હેપ્પી એટ હોમ, એટ બોમ્બે વીથ હસબન્ડ એન્ડ ચિલ્ડ્રન મારા પપ્પાના એક નજદ્દીકી દોસ્તને અહીં દાખલ કરેલા છે અને હું અત્યારે પિયર આવેલી છું, એટલે આ સ્પેશ્યલ ડયુટી હાથમાંનું ટિફીન ઊચું કરી હોઠ મરડી સસ્મિત વદને રાજસીએ કહ્યું, અને પછી અઢાર વર્ષ પહેલાંનો રણકો સ્વરમાં લાવવાની નાકામ કોશિષ કરતાં એણે પૂછ્યું,

''તેં પછી લગ્ન-બગન કર્યા કે નહીં અર્ધ્ય ?''

''સુખી થવા માટે-રાધર સુખી દેખાવા માટે માણસે જિંદગીભર ચહેરા તો બદલતા રહેવા જ પડે છે. પણ આંખોનો કોઈક એક આયનો તો માણસે એવો શોધી રાખવો જોઈએ, જ્યાં એ એનો અસલી ચહેરો પ્રગટ થઈ જવા દઈને ક્ષણવાર આ સાથેનો અનુભવી શકે - જિંદગીને જિરવવાનો ઑક્સિજન મેળવી શકે. ઉગતા સૂરજના પહેલા કિરણ જેવી આપણી અઢાર વર્ષ પહેલાંની દોસ્તીને તું આજે પણ તું એવો આયનો ન ગણી શકી એનો મને અફસોસ છે રાજસી !''

''એટલે ? હું સમજી નહીં !'' મોટી કાળી પાંપણો પટપટાવી રાજસીએ કહ્યું.

''એટલે એમ કે રાજસી, હું અત્યારે અહીં હમણાં જ એક માણસને ઓપરેશન માટે જોઈતું મારૂં નેગેટીવ ગુ્રપનું લોહી આપીને આવી રહ્યો છું, જેના બંને પગ એક રોડ-એક્સીડેન્ટમાં ઘવાઈ જતા કાપી નાંખવા પડયા છે. એ માણસ મારા મિત્ર મયુરનો દોસ્ત છે, અને એનું નામ પૃથ્વીશ ઝવેર છે. મયુરના જણાવ્યા મુજબ એના દોસ્ત પૃથ્વીશની પત્ની પૃથ્વીશની અય્યાશીથી કંટાળીને પતિને એટલી નફરત કરે છે કે, પૃથ્વીશનું એ અકસ્માત મૃત્યુ થયું હોત તો પણ એની પત્ની રાજસીએ આંખોમાંથી આંસુનું ટીપુંય ન પાડયું હોત. પૃથ્વીશ સાથે મુશળધાર ઝઘડીને અમદાવાદના પિયર ચાલી આવેલી રાજસીને પરાણે ઘસડીને મુંબઈ પાછી લઈ જવા માટે આવી રહેલા પૃથ્વીશને ઉશ્કેરાટમાં ડ્રાઈવ કરીને આવતાં, અમદાવાદથી આઠ જ કિલોમીટરના અંતરે જ આ અકસ્માત થયો છે રાજસી....''

...અને બાય-ફોકલ ચશ્માંની પેલે પાર સ્થિર ફેલાયેલા તમારી આંખોના રિક્ત આકાશમાં રાજસીની આંસુ તગતગતી આંખો શોધી રહી. સાંજના ઊતરતા જતા અંધારામાં ધુંધળાતા જતા ... અઢાર પહેલાંના અસલી ચહેરાને અર્ધ્ય અને એને યાદ આવી ગઈ એ કવિતા જે એણે ક્યારેક તમારી સાથે બેસીને વાંચેલી, 

જિંદગીના વૃક્ષની

જુદી જુદી ડાળીઓ પર

ફસાયેલા પતંગો જેવા આપણે... (શીર્ષક પંક્તિ: રાજેન્દ્ર કૃષ્ણ)

Tags :