હું જ પિટાવી ઢોલ ચઢાવી દઉં ઈશ્વરને શૂળી પર, અને આરતી હું જ ઉતારું એવા દિવસો પણ જોયા છે
સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી
પરોઢિયે પાંચ વાગ્યે પડખામાં પાટ સાથે તમારી દરેક સવાર શરૂ થાય છે રાજુ. સોળ વર્ષના સોનેરી શમણાં ગુંથતી તમારી ગુલાબી ઊંઘ ગિટારનો તાર તૂટે છે ત્યારે તમારી ઉંઘરેટી આંખો સમક્ષ તમારી હોટલનો માલિક ફરીદ ઈરાની એની કદાવર કાયા, કાળઝાળ ચહેરો અને લાલઘુમ આંખો લઈ ઊભો હોય છે રાજુ. 'આબાદાન' રેસ્ટોરન્ટની ઠંડી લીસી ફર્શ પર પાટલા-પિલ્લો બનાવી સૂતેલા તમે પાટૂથી વળેલી કળની સામે 'હા શેઠ!'નું સડસડતું સ્મિત ચહેરા પર લીંપી સડાક દઈને ઊભા થઈ જાવ છો.
રેસ્ટોરન્ટની જમણી બાજુ આવેલ નર્સરીમાં ઉગેલાં ફૂલઝાડની, ખુલ્લી બારીમાંથી આવતી ખુશ્બુને એક ઊંડા શ્વાસ સાથે ફેફસાંમાં ભરી લઈ તમે 'વોશ બેસિન' તરફ દોડો છો. આપોઆપ અસ્ત્રી થવા માટે વજન નીચે મૂકેલ સફેદ વેઈટરી યુનિફોર્મ ચડાવો છો અને ગ્રીન રોડ પર આવેલા 'આબાદાન' રેસ્ટોરન્ટના રાબેતા મુજબના દોડધામભર્યા દિવસની શરૂઆત કરો છો, જે રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં તમારી નસેનસને નીચોવી લે છે.
પણ રવિવારની સવાર આમાં અપવાદરૂપ છે. ફરીદ ઈરાનીની પાટૂ પડતાં પહેલાં તમે ઊઠી જાવ છો.
''જોયું અશરફ! દર રવિવારે એની રાણી આવવાની હોય છે ત્યારે આ રાજા કેવો ઝટપટ તૈયાર થઈ જાય છે? મારે એને ઉઠાડવાની જરૂર જ નથી પડતી. રાજા ખરેખર સ્માર્ટ લાગે છે રવિવારે હોં!'' ઈરાની શેઠે બુઢ્ઢા હેડ-વેઈટરને ઉદ્દેશીને કહે છે અને તમે સગર્વ શરમાઈ જાવ છો રાજુ.
ફરીદ શેઠની વાત સાચી છે. ગ્રીન રોડના પેલા છેડે આવેલા ચર્ચમાં દર રવિવારે સવારે નિયમિત રીતે જતાં એક ક્રિશ્ચીયન પિતા-પુત્રી - મિ. માર્ટિન અને જુલી ચર્ચમાંથી પાછા ફરતાં 'આબાદાન' રેસ્ટોરન્ટમાં કોફી પીવા આવે છે. ટાઈ-સૂટ-હેટ ધારણ કરેલા ગંભીર ચહેરાના માર્ટિન સાહેબની તમને થોડી બીક લાગે છે. પણ એમની સાથે ટૂંકા ઘેરવાળા સ્કર્ટમાં ડોલીની જેમ ડોલતી એમની જુવાન દિકરી જુલી જુલ્ફાં ઉછાળતી ધવલ સ્મિત વેરીને 'રાજ્જા! આજ કોફી કે સાથ ક્યા ખિલાયેલા?' પૂછે છે ત્યારે અનેક રવિવારોની સવાર પછી ખુલેલી હિંમત એકઠી કરીને નાટકીય ઢબે તમે બોલી નાંખો છો, ''જો ભી જુલી રાની કહેંગી! એગ-સેન્ડવીચ, કોફતાં, બ્રેડ-બટર...'' અને હોટલના વેઈટરોમાં તમે 'હીરો' બની જાવ છો. અને એ આખેય રવિવાર અને પછીનું આખુંય અઠવાડિયું ખાનાબદોશ બની તમે મહેલોના ખ્વાબોમાં ખોવાયેલા રહો છો, બીજા રવિવાર સુધી.
અને ગયો રવિવાર તો... કોફી સાથે એગ-સેન્ડવીચનો નાસ્તો કર્યા પછી માર્ટિન સાહેબે રૃા. પાંચસોની નોટ બિલ પેમેન્ટ માટે ડિશમાં મૂકી એ જોઈ તમારા મ્હોમાંથી નીકળી ગયું હતું રાજુ 'મેરી એક મહિને કી તનખ્વાહ (પગાર)!'
''અરે રાજા તુજે યે લોગ મહિનેમેં પાંચસો રૂપિયા હી દેતા?'' મોટી આંખોમાં આશ્ચર્ય ભરી જુલી રાનીએ દુઃખી સ્વરે પૂછ્યું હતું.
''હાં મેમ સાબ! ઔર ક્યા મિલેગા હોટલ કે વેઈટર કો.'' સાથમેં ખાના-પીના ભી મીલ જાતા હૈ'' કહેતાં બારીની બહાર નર્સરીના કોર્નર પર ખીલેલા તાજા, પીળા ગુલાબના છોડ પર તમારી ઉદાસીન નજર ઠહરી ગયેલી રાજુ!
''ચ્ચ્ચ્... તુમને હમેં અભી તક બતાયા ક્યું નહીં? હમ તુમ્હેં પઢાતે. તુમ તો અચ્છા ઔર સ્માર્ટ લડકા હો. પઢ સકતે હો ઔર આગે બઢ સકતે હો.'' બોલતાં જુલી રાનીની આંખોમાં આવી ગયેલી ચમક તમારી આંખોમાં ય અંજાઈ ગઈ હતી. પાંચસોની નોટમાંથી વધેલા પૈસાને 'ટીપ' તરીકે ડિશમાં રાખતાં જુલી રાનીએ માર્ટિન સાહેબને કહ્યું હતું,
''લેટ હીમ એન્જોય ધ ડે પાપા. હી ઑલ્વેઝ સર્વ્ડ અસ નાઈસલી!'' અને તે દિવસે પહેલીવાર માર્ટિન સાહેબે ઊઠતી વેળા 'ગૂડ બોય' કહી તમારો ખભો થાબડયો હતો રાજુ.
...અને આજે પાછા રવિવારના સવારના દસ વાગ્યા છે. ગયા રવિવારનો ખુમાર હજી તમારી આંખોમાંથી ઉતર્યો નથી. અને તમે માર્ટિન સાહેબ તથા જુલી રાનીનો ઇંતેજાર કરી રહ્યા છો રાજુ. આજે તો તમે હિંમત કરીને માર્ટિન સાહેબને પુછી લેવાનું ધારો છો કે,
''સાહેબ! તમે નોકરીએ રાખીને મને ભણાવતા હોવ તો હું આ ઈરાનીની પાંચ વર્ષ જુની નોકરી છોડી દેવા તૈયાર છું.'' અને જુલી રાનીના સતત સાનિધ્યના સપનાં તમારી આંખોમાં ઊભરાઈ ગયાં છે.
...પણ આજે પહેલીવાર અગિયાર વાગી ગયા છતાં માર્ટિન સાહેબ કે જુલી રાની દેખાયાં નથી. તમે ઉદાસ આંખો બારીમાંથી બહાર ફેરવો છો. નર્સરીના બગીચામાં ગયા રવિવારે ખીલેલું પીળા ગુલાબનું ફૂલ છોડ પરથી ખરી ગયું છે. અને હેડ-વેઇટરનો કર્કશ સ્વર તમારા કાનમાં ઘુસી જાય છે, ''રાજુ! છ નંબર ટેબલ પર ગરમ સમોસા લાઓ...''
(શીર્ષક સંવેદના : ચંદ્રેશ મકવાણા - અમદાવાદ)