જીવન-કિતાબમાં નામ તમારું અમે તો લખીને રાખ્યું'તું આંખ ઉઘાડી જોયું તો, તમે એ પાનું ફાડી નાખ્યું'તું !
- સંવેદનાના સૂર-નસીર ઈસમાઈલી
- જયવંતને આમ અચાનક પ્રગટ થયેલો જોઈ તમે હક્કા-બક્કા થઈ ગયા
(ગયા બુધવારનું ચાલું)
.... એ નમતી તપતી પસીનો ઝમતી બપોરે બરોડાના પોશ એરિયામાં આપેલા આલિશાન બંગલા 'વ્રજ કોટેજ'ના કંપાઉન્ડનું લોક ખોલી તમે અને તમારા એન.આર.આઈ ડેડી ધનંજ્ય વામને બંગલામાં પ્રાંગણમાં પગ મૂક્યો વિસ્મીતા, ને દ્વાર ઉઘાડતાં તમને વિચાર આવી ગયો કે જયવંત સાથેના સગાઈ-સંબધના દ્વારને બીજું સગાઈ-સંબંધનું દ્વાર ઉઘાડતા જઈ રહ્યા છો એ શાયદ જયવંત સાથેનો વિશ્વાસઘાત છે. અલબત તમારા બ્રિલીયન્ટ ડેડીને એમાં સહેજેય અજુગતું નથી લાગતું. બીજો બિઝનેસ જામે તે પછી પહેલા બિઝનેસનું ચુપચાપ શટર પાડી દેનાર એ જાડી ચામડીના વ્યવહાર-કુશળ બિઝનેસમેન છે.
કંમાઉન્ડનું દ્વાર ખોલવાના અવાજને સાંભળીને બંગલાના ભવ્ય પ્રવેશદ્વાર આવી ઉભેલા પ્રભાવશાળી ચહેરો અને હાઈટ ધરાવતા વિશ્વાના ઈન્ડસ્ટ્રી જનાલિસ્ટ પપ્પા નાગેન્દ્ર વ્રજએ 'વેલકમ' સ્માઈલ આપીને તમને બેઉ બાપ દિકરીને આવકાર્યા, વિસ્મીતા, ને એમના ડ્રોઈંગરૂમમાં દોરી ગયા.
મીનરલ વોટરની ચીલ્ડ-બોટલ્સ, ઔપચારીક પરિચયવિધિ, સ્નેક્સ, ટી, નેશનલ-ઈન્ટરનેશનલ અર્થકારણ-રાજકારણની ઔપચારીક વાતો,... તમે વિસ્મીતા અને એના માલિકની મનોમન જયવંતના મિડલ-કલાસી કરિયર ફલેટ અને પંતુજી-પર્સનાલિટી સાથે સરખામણી કરી રહ્યા હતા અને તમારા બંનેની આંખોમાં એક સ્પષ્ટ ભાવ ઉપસી આવ્યો વિસ્મીતા કે તમારા 'સગાઈ-સંબંધ'નું પહેલું સાહસ એક ખોટનો સોદો હતો, જે હવે થનારા બીજા 'સગાઈ-સંબંધ'ના 'નફા'માં ફેરવવા જઈ રહ્યો હતો.
'વિશ્વાસકુમાર ક્યાંય બહાર ગયા છે શું ?' ઔપચારીક વાતોના લંબાતા જતા દ્વારથી અકળાઈને તમારા ડેડીએ પૂછ્યું.
'હા બસ હવે આવતો જ હોવો જોઈએ એની મમ્મીને લઈને. અમેરીકન ટાઈમ એક્યુરન્સીની એને ખબર છે. એના મમ્મીને વળી આજે જ ડેન્ટીસ્ટની એપોઈન્ટમેન્ટ હતી.' મિસ્ટર નગ્રેન્દ્ર વ્રજએ ખુશમિજાજ સ્વરે કહ્યું. અને... અને... અને...
અને એક ઊંચા છરહરા, હેન્ડસમ, તીણી મૂછોભર્યો ગૌર યુવાન ચહેરો ધરાવતા યુવાને ડ્રોઈંગરૂમમાં પ્રવેશ કર્યો પણ....
.... પણ એ ચહેરો કોઈ અપરિચીત યુવાનનો નહોતો. વરસ દિવસના સગાઈસંબંધ દરમ્યાન તમને અનેકવાર ચુમી ચુકેલ એ ચહેરો જયવંતનો હતો.
જયવંતને આમ અચાનક પ્રગટ થયેલો જોઈ તમે હક્કા-બક્કા થઈ ગયા. વિસ્મીતા અને તમારા 'સ્માર્ટ' ડેડી આઘાતી આશ્ચર્યથી હતપ્રભ તમને બંને બાપ-દિકરીને એ ખ્યાલ આવી ગયો કે તમારી 'મેટ્રીમોનિઅલ' એડ.ના જવાબમાં જ જયવંતે જ વિશ્વાસના 'ફીકરીસીયસ' નામે ઉત્તર આપ્યો હશે. અને વિશ્વાસના પપ્પા તરીકે રજુ કરાયેલો સામે ઊભેલો પ્રભાવશાળી પ્રૌઢ ચહેરો ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ નગેન્દ્ર વ્રજ એ કોઈ થર્ડ પાર્ટી અજનબી છે. જયવંતના તેજ મિજાજથી પરિચીત એવા તમે મનોમન ધુ્રજી ઊઠયા. વિસ્મીતા તમને થયું કે આ 'ફ્રોડ'નો વિસ્ફોટ હમણાં જ જયવંતની થપ્પડરૂપે તમારા રૂપાળા ગૌર ચહેરા પર આવી પડશે. પણ.... પણ એવું ના થયું વિસ્મીતા.
તમારા મનના ભાવો વાંચી લીધા હોય તમે, પરંતુ ઘૃણા ભરેલા દુ:ખી આર્ત સ્વરે જયવંત બોલ્યો, 'ડરીશ નહી વિમી ! તારા 'ફ્રોડયુલન્ટ'ચહેરાને હું મારી થપ્પડના સ્પર્શનું પણ ગૌરવ નહીં બક્ષું. એન્જીનીયરીંગના લાસ્ટ સેમીસ્ટરમાં અભ્યાસ કરી રહેલા મારા નાનાભાઈ માટે જોબ શોધવાના ભાગરૂપે અને મારી નાની બહેન માટે 'મેટ્રીમોનિઅલ' એડ.ના પાના પર બોક્ષ નંબરથી છપાયેલી, તારી સેકન્ડ એડ. અચાનક વંચાઈ જતાં મને વહેમ પડયો અને એ સાચો ઠર્યો. આ શ્રી નગેન્દ્ર વ્રજ અમારી કંપનીના ચેરમેન છે અને એમનો દિકરો વિશ્વાસ કંપનીનો એમ.ડી. છે, ને મારો મિત્ર.'
તમે સ્તબ્ધ ચહેરે જયવંતના સંવેદના સિકત ચહેરા સામે જોઈ રહ્યા વિસ્મીતા. અને એ ચહેરો બોલતો ગયો.
'આખર તેં આવું શા માટે કર્યું વિમી ો મારા જેવા સીધા સાદા સ્વમાની યુવાનની સંવેદના સાથે આવો ખિલવાડ તારા હાર્ટલેસ એન.આર.આઈ. ડેડી કરે તો એ સ્વાભાવિક છે. પરંતુ આપણે તો આ વરસદહાડામાં એકબીજાને જાણી ચુકીને પ્રેમીઓ બની ચુક્યા હતાં. મારી ખુદ્દારીપૂર્ણ સિદ્ધાંત વાદીતા અને મારો કુટુંબપ્રેમ એ જ જો તને કસુરવાન લાગ્યા હોય ને તેં જાતે મને કહ્યું હોત તો હું જાતે તને તારી આગળ તથા તારા ડેડી આગળ અમેરીકન એન.આરઈ.આઈ. બનવા માટે નમ્રતાથી પુંછડી પટપટાવતો રહે એવો કહ્યાગરો 'ડોગી' શોધી આપત. વિમી. થોડાંક વખત પહેલાં મે. એન.આર.આઈ. કોઈ લેખકે કરેલી વ્યાખ્યા 'નો રીલેશન ઈન્ડીડ'(ખરેખર કોઈ સંબંધ નહીં) વાંચેલી એ મને લાગે છે સાચી છે.'
'ખેર તારા પણે આપણો સાગાઈ-સંબંધ કદાચ અમેરીકનને બિઝનેસ બાર્ગેઈન હશે. પણ મારા માટે એ મારી સંવેદના-ચાહત બની ચુક્યો હતો. અને ચાહત હંમેશા સાચા પાત્રને મુક્ત કરે છે - બાંધતી નથી. હું પણ તને આજે આપણાં સગાઈ-સંબંધમાંથી મુક્ત કરું છું વિમી-તારી સ્મૃતિઓની આ સોંપણી સાથે ખુશ રહે.' બોલી જયવંતને એની પાસે રહેલા તમારા પત્રો-ફોટાઓનું સીલબંધ પેકેટ તમારી થિજી ગયેલા હાથમાં થમાવ્યું વિસ્મીતા, અને તમારી તરફ પીઠ ઘુમાવી બહાર જતાં પહેલાં સહેજ અટકીને બોલ્યો,
'પણ વિમી મારી સાથે જે કર્યું તે બીજા કોઈ સાથે ન કરતી. હું તો જિંદગીના ઝંઝાવાતોને -પરાજયોને એક પડકારી ખુમારીથી જીવતો આવેલો મજબૂત મર્દ છું. પણ અન્ય કોઈ આવો સંવેદના-આઘાત સહન નહીં કરી શકે.'
... પણ ડેડી સાથે નતમસ્તકે બહાર જવા માટે કદમ ઉઠાવી રહેલા તમને કંપાઉન્ડમાં પાર્ક થયેલી જયવંતની બાઈક સ્ટાર્ટ થયાનો અવાજ સંભાળાયો જેની નંબર પ્લેટ પર જયવંતે ચીતરાવેલું છે,
બડે દિલવાલા...
(સત્ય ઘટનાત્મક)
(શીર્ષક : સમીરસિંહ 'સુરમ્ય')