For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દાંડીકૂચની ચિત્રાત્મક રજૂઆત

Updated: Apr 14th, 2020


Article Content Imageખુદ ગાંધીજીને પણ ખ્યાલ ન હતો કે તેમણે સ્થાપેલ 'અત્યંજ રાત્રિશાળા'નો દલિત વિદ્યાર્થી છગનલાલ દાંડીકૂચનું વિરલ દસ્તાવેજીકરણ કરશે !

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજી પોતાના ચુનંદા સાથીએ સાથે મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ 'સવિનય કાનૂનભંગ'ની લડતનો પ્રારંભ કર્યો ત્યારે દેશ-વિદેશના પત્રકાર, ફોટોગ્રાફર એ ચલચિત્રકાર 'સત્યાગ્રહ આશ્રમ-સાબરમતી' મુકામે ઉપસ્થિત હતા. સહુ પોતપોતાની રીતે આ ઐતિહાસિક ઘટનાને રિપોર્ટીંગ, ફોટોગ્રાફી તથા મૂવિમાં અંકિત કરતા હતા. જ્યારે 27 વર્ષના ચિત્રકાર છગનલાલ જાદવ દાંડીકૂચના આરંભથી અંત સુધી જીવંત ચિત્ર આલેખનથી દસ્તાવેજીકરણ કરતા હતા. તેઓ દાંડીકૂચના આયોજન માટેની 'અરુણોદય ટુકડી'ના સદસ્ય હોવાથી તેમને મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી. જેને કારણે છગનલાલની ચિત્રપોથી દાંડૂકીચનો એકમાત્ર જીવંત ચિત્રાત્મક દસ્તાવેજ બની રહ્યો. ગાંધીયુગનો ધબકાર છગનલાલના રેખાંકનમાં જીવંત જોવા મળે છે. તો ચાલો એક નજર કરીએ ગાંધીયુગના પ્રારંભ પર.

કોચરબની રાત્રિશાળામાં ભણવા છગન જાદવ નામનો બારેક વર્ષનો દલિત વિદ્યાર્થી 4-5 કિ.મી. દૂર વાડજથી કોચરબ પગપાળા આવતો. આ રાત્રિશાળાના શિક્ષક પરીક્ષિતલાલ મજમુદાર પાસેથી તેણે અક્ષરજ્ઞાન મેળવ્યું. બાપુની છાયામાં એને એક હૂંફાળું જગત પ્રાપ્ત થયું. બાપુના સાંનિધ્યમાં બાળ છગન મોટો થયો અને છગનલાલ તરીકે ઓળખાવા લાગ્યો. ગાંધીજીએ છગનલાલને મિલની નોકરી છોડાવને 'ગુજરાત વિદ્યાપીઠ'માં પટાવાળા તરીકે રાખ્યા. સર્જનાત્મક કલાકાર છગનલાલની ક્ષમતાનું ગાંધીજી સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હતા.

છગનલાલ જાદવે ચિત્રકામની પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પણ તેમની લગનીને જોઈ મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠમાંથી શિષ્યવૃત્તિ અપાવી. છગનલાલ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રતિષ્ઠિત ચિત્રકાર કનુ દેસાઈના શિષ્ય બન્યા. મહાત્મા ગાંધીએ એક દિવસ છગનલાલ જાદવનો પરિચય કલાગુરુ રવિશંકર રાવળ સાથે કરાવ્યો. આ મુલાકાત છગનલાલ માટે 'ટર્નિંગ પોઇન્ટ' સમાન હતી.

ગાંધીયુગનાં સ્પંદનોને વાચા આપનાર કલાગુરુ રવિશંકર રાવળ સાથે છગનલાલ જાદવ જોડાયા. કલાપારખુ કલાગુરુએ તેમની સર્જનશક્તિ પારખી, છગનલાલને વધુ સર્જનાત્મક શિક્ષણ મળી રહે તે હેતુસર મિલ ઉદ્યોગના પિતામહ રણછોડલાલ છોટાલાલના પ્રપૌત્ર પર ગ્રજાપ્રસાદ તેમજ શેઠ શાંતિલાલ મંગળદાસ પાસેથી શિષ્યવૃત્તિ અપાવી. છગનલાલ ઇન્દોર અને લખનૌની કલાશાળામાં ઘડાયા.

સત્યાગ્રહ આશ્રમમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક ઉત્કર્ષ અને સમરસતાની કેવી અસર થઇ તે સમજવા માટે છગનલાલનું ઉદાહરણ ઉત્કૃષ્ટ છે. મહાત્મા ગાંધીની (વણિક) ભલામણથી કનુ દેસાઈએ (બ્રહ્મક્ષત્રિય) છગનલાલને શરૂઆતમાં તાલીમ આપી. પછી ગાંધીજીની ભલામણથી કલાગુરુ રવિશંકર રાવળે (બ્રાહ્મણ) તેમને પટ્ટશિષ્ય બનાવ્યા. એ સમયે સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ વ્યાપેલી હતી. કલાગુરુના અન્ય વિદ્યાર્થીઓએ છગનલાલની ઉપસ્થિતિ સામે જબરદસ્ત વિરોધ કર્યો. પરંતુ ગાંધીયુગના પ્રતિનિધિ રવિશંકર રાવળે મચક આપી નહિ. તેમની દ્રઢતા સામે સૌને ઝૂકવું પડયું અને છગનલાલને અપનાવવા પડયા, 'શોકધારા', 'પ્રકાશ', 'પ્રતિ', 'ગુનાહિતા', 'વિશ્વસ્વરૂપ', 'નિર્ણયની ક્ષણો', 'મંગલપ્રભાત' જેવાં છગનલાલની સર્જનશક્તિનાં અનેક સંભારણાં દેશ-વિદેશનાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ખાનગી સંગ્રહોની શોભા વધારે છે. પરંતુ તેમનું એક સંભારણું જગત સામે ક્યારેય આવ્યું જ નહિ ! અમદાવાદના 'ગુજરી બજાર'માંથી પ્રાપ્ત થયેલ ચિત્રપોથી જોઇને છગનલાલ જાદવના ઘનિષ્ઠ મિત્ર અને જાણીતા સાહિત્યકાર સદ્ગત પ્રોફેસર નિરંજન ભગત તરત જ બોલી ઊઠયા, 'અરે, આ તો દાંડીકૂચની ચિત્રપોથી છે. મને છગનભાઈએ અનેક વખત સંભારણાં સાથે બતાવી હતી...' 

ત્યારબાદ છગનલાલના શિષ્ય અને જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલે પોતાનાં સ્મરણો તાજાં કરતાં જણાવ્યું કે, 'મેં આ ચિત્રપોથીની સાથે તેમની એક ડાયરી પણ જોઈ હતી. જો તે તમને મળી હોત તો કદાચ આ ચિત્રો અંગે વધુ માહિતી પ્રાપ્ત થાત ?...' છગનલાલે ગાંધીજી સાથેના તથા દાંડીકૂચના પોતાના અનેક પ્રસંગો અમિતભાઈને કહ્યા હતા. સર ગિરજાપ્રસાદના પુત્ર અચ્યુતભાઈ સાથે છગનલાલની દરરોજની બેઠક હતી. છગનલાલ હંમેશા કહેતા કે, 'સર ગિરજાપ્રસાદે મને શિષ્યવૃત્તિ ન આપી હોત તો મને બેન્દ્રે મળ્યા ન હોત...' દાંડીકૂચમાં સંભારણા સ્વરૂપે તેમણે દોરેલ ચિત્રપોથી અચ્યુતભાઈએ અગાઉ જોઈ હતી. તેથી તેઓ આ ચિત્રપોથી જોઇને તરત જ બોલી ઉઠયા, 'આ તો છગનભાઈની ચિત્રપોથી છે, કેમકે તેમના જેવો સહજ પીંછીનો સપાટો મેં કોઇનો જોયો નથી...'

દાંડીકૂચના આયોજન માટેની 'અરુણોદય ટુકડી'ના સદસ્ય હોવાથી છગનલાલ જાદવે દાંડીકૂચ દરમ્યાન મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી. ગાંધીજી ઉપરાંત કેટલાક પદયાત્રીઓ તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓનાં પણ એમણે રેખાચિત્રો દોર્યાં. વળી સંભારણાં સ્વરૂપે રેખાચિત્ર સાથે કેટલાકના હસ્તાક્ષર પણ લીધા.

એક મહિના પછી તા. 5 મે, 1930ના રોજ કરાડી મુકામે ગાંધીજીની ધરપકડ થઈ. બાપુની સાથે ચિત્રકાર છગનલાલને પણ ત્રણ મહિનાની સજા થઇ હતી. આ જેલવાસ ફરી એકવાર છગનલાલ માટે 'ટર્નિંગ પોઇન્ટ' સમાન નીવડયો. આ કારાવાસ દરમ્યાન સાબરમતી, યરાવડા અને નાસિક જેલમાં પણ તેમણે વિવિધ રેખાચિત્રો દોર્યાં. નાસિક જેલની દિનચર્યા, જેલમાં સત્યાગ્રહીઓની સ્થિતિ, જેલના વિવિધ વિભાગો, સુરક્ષાવ્યવસ્થા અને ઇમારતને 'રેખાચિત્ર' દ્વારા વર્ણવી. આમ છગનલાલની ચિત્રપોથી દાંડીકૂચનો એકમાત્ર દુર્લભ ચિત્રાત્મક જીવંત દસ્તાવેજ બની રહ્યો.

- ડૉ. રિઝવાન કાદરી

Gujarat