- રસવલ્લરી-સુધા ભટ્ટ
- પ્રત્યેક મ્યુઝિયમ કરે સંગ્રહનો વાટકી વ્યવહાર
મુંબઈના ''છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય'' સંદર્ભે સંગ્રહ સ્થાનના સ્થાપત્ય અંગે ઘણી માહિતી મળી - પરંતુ એ શ્રી સ્થળમાં સમાવિષ્ટ કૃતિઓ અને એના વિગતવાર વિભાગો વિશે પણ અવગત થવું ગમે જ. મૂળે 'પ્રિન્સ વેલ્સ મ્યુઝિયમ' તરીકે જાણીતા આ વારસાએ જ્ઞાનની અનેક બારીઓ ખોલી આપી હતી. કલાનો પ્રકાર, વિવિધ વિષયો, વાસ્તુ એટલે કે ઇજનેરી કૌશલ્ય, શુદ્ધ અનુસંધાને અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર વગેરે એ તો ભિન્ન ભિન્ન જ્ઞાન અને એ અંગેના અભ્યાસક્રમોની પણ વિશાળ શ્રેણી ઊભી કરી આપી. એને કારણે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી. સંગ્રહસ્થાન, પુસ્તકાલય અને તેને લગતી વિશદ-વિશિષ્ટ સેવાઓ માટે જે તે વિષયના તજજ્ઞાો તૈયાર થવા લાગ્યા અને શાસ્ત્રોક્ત માહિતી તેમજ વિધિ વિધાનથી એનું સંવર્ધન થતું ગયું. પ્રગતિની કોઈ સીમા નથી. હવે તો સંગ્રહસ્થાન અને પ્રદર્શનો માટે ખાસ ''ક્યુરેટર'' (વસ્તુપાલ)ની નિમણૂંક થવી, એ પદે કોઈ ફરજપરસ્ત હોય તે અતિ આવશ્યક છે. એ સ્થળે કલાકૃતિઓના વિભાગ, એની ગોઠવણી, ગોઠવણી માટેનાં ખાનાં, કબાટ, અભેરાઈ વગેરેની સગવડ પણ યોગ્ય રીતે અને રૂપે નિયમબદ્ધ થઈને કરવાની હોય છે. આવી સંસ્થાઓ તરફથી બહાર પડતાં પ્રકાશનો, પ્રેસનોટ, વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો સંસ્થાની શાન વધારે છે. હા, આ બધામાં ચોક્સાઈપૂર્વકની નોંધો અને ચોપડા (રજિસ્ટર્સ) તેનાં અનિવાર્ય અંગો છે. સફાઈ તો હોવી જ જોઈએ બિનશરતી. તો, કેટલા બધા લોકોની રોજી-રોટી પણ અહીં સચવાઈ જાય-ખરૃંને ! પ્રસ્તુત સંગ્રહાલયમાં પ્રાચીન ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ ઉપરાંત પરદેશની કલાકૃતિઓ પણ શ્વસે છે. એ પ્રત્યેકના સ્વરૂપ અને પ્રકાર પ્રમાણે અહીં લગભગ પચાસ હજાર કૃતિઓ હળીમળીને રહે છે. જેમ અહીં અતિથિ કૃતિઓ આવે છે એ જ રીતે આપણી સંસ્કૃતિના પ્રતિનિધિઓ અન્ય સ્થળે જઈ ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવે છે.
વૈવિધ્ય સભર કળાકૃતિઓનો જાજરમાન મેળો
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલ કલારસિકો માટેના આ તીર્થસ્થાન સમા સંગ્રહાલયને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. કળા (આર્ટ), પુરાતત્ત્વ (આકિર્યોલોજી) અને કુદરતી ઇતિહાસ (નેચરલ હિસ્ટરી). એમાં છે સિંધુ ખીણ સંસ્કૃતિ - વસાહતની કળાકૃતિઓ, પ્રાચીન ભારતની કળાઓનાં ભગ્નાવેશેષો - જે ગુપ્તા, મૌર્ય, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશોમાંથી મળેલાં છે. હા, અહીં એક વન વિભાગ પણ છે - જેમાં બોમ્બે પ્રેસિડેન્સીના રાજમાં ટિમ્બર (લાકડું) ઉગાડાતા હતા તેના અંશો છે. અહીં ભૂસ્તરશાસ્ત્ર-ભૌગોલિક માહિતી અન્વયે ખડકોનો સમૂહ છે. ખનિજ અને અશ્મિઓ છે. મેરિટાઈમ (દરિયાઈ) હેરિટેજ ગેલેરી છે- જેને અંતર્ગત નેવિગેશનને લગતી વિસ્તુત રસપ્રદ માહિતી છે. આ વિભાગ ભારતમાં પ્રથમ હોવાનું માન ખાટી જાય છે. કળાસંગ્રહને સમૃદ્ધ બનાવવા સારું ઓગણીસમી સદીમાં મુંબઈનાં ખમતીધર મહાજનોએ મોટો ફાળો નોંધાવ્યો. ૧૯૨૧ થી ૧૯૩૩ વચ્ચે હવે સિલસિલો સર પુરૂષોત્તમ માવજી અને સર દોરાબ તથા રતન ટાટાએ ચાલુ રાખ્યો. લઘુચિત્રોના વિવિધ ઘરાનાઓના નમૂના-મુઘલ, રાજસ્થાની, પહરી અને ડેક્કન (દખણી) અહીં છે.
અગિયારમી-બારમી સદીનાં તાડપત્રો ઉપરની હસ્તપ્રતોથી લઈ સલ્તનત સમય સહિતની નોંધપાત્ર હસ્તપ્રતો અહીં જોવા મળે. બાદશાહ અકબરના સંગ્રહની અને સત્તરમી સદીની હસ્તપ્રતો ઉપરાંત મેવાડથી પધારેલી મહાકાવ્ય રામાયણની હસ્તપ્રતો પણ અહીં શોભે છે. હાથીદાંત વિભાગમાં ગુપ્તાવંશ પૂર્વેની અલંકૃત કલાકૃતિઓ ઉપરાંત કાપડ, રત્નો, ચાંદી, સોનું અને અન્ય ધાતુઓમાંથી સર્જાયેલ આકર્ષક કૃતિઓ અહીં છે. તિબેટિયન આર્ટના અને નેપાળી આર્ટના શસ્ત્ર સરંજામ અને અકબરનું કલાત્મક બખ્તર અહીં ખમીરવંતું લાગે છે જે ૧૫૮૧ નું છે. ઢાલ તલવાર પણ વારસાગત ખુમારી ધરાવે છે. આર્કિયોલોજીકલ વિભાગમાં શિલ્પો અને ખાસ સિક્કા છે - જે પૂના મ્યુઝિયમ તરફથી આવેલા છે. રોયલ એશિયાટિક સોસાયટીએ અનેક કિંમતી શિલ્પો અને તકતીઓ ભેટ ધર્યાં છે.
કળાની સુરક્ષા સારું 'રેપ્લિકા'નો રિવાજ
સિંધુ ખીણ સંસ્કૃતિનાં ઓજારો, આભૂષણ, વજનિયાં, માપયંત્રો (૨૬૦૦ થી ૧૯૦૦ બી.સી.) ઉત્ખનન દરમિયાન મળી આવેલાં તે અહીં બૌદ્ધ સ્તૂપ સહિત દેખા દે છે. શિલ્પ વિભાગમાં ગુપ્તવંશની કૃતિઓ, ટેરાકોટા ફિગર્સ, બદામી ચાલુક્યની કલાકૃતિઓ ઉપરાંત એલિફન્ટા ગુફાથી આવેલા રાષ્ટ્રકૂટનાં સંગ્રહો આ સ્થળે બિરાજે છે. નૃત્ય કરતાં શ્રીકૃષ્ણનું ધાતુશિલ્પ નેપાળથી આવ્યું છે જે અઢારમી સદીનું છે. નેચરલ હિસ્ટરી વિભાગમાં ફ્લેમિંગો, ગ્રેટ હોર્ન બિલ્સ, વાદ્ય આદિ જીવો અંગે માહિતી મળે. વિસ્તૃત શિલ્પ વિભાગમાં કર્ણાટકના આઈહોલ, પટ્ટડક્કલ, બદામી, હમ્પી તરફથી મળેલ ગંધારના બુદ્ધની પ્રતિમા ઉપરાંત મહારાષ્ટ્રથી વિષ્ણુ અને ગણેશજી અહીં બિરાજીત છે. એલિફન્ટાની ગુફાનાં બ્રહ્મા અને મહિષાસુર મર્દિનીની પ્રતિમાઓ, ગુજરાતના શામળાજીના દ્વારપાળ, કોણાર્ક સૂર્યમંદિરના ગરૂડ આદિ એક એકથી ચડિયાતાં શિલ્પો વડે આ મ્યુઝિયમ સમૃદ્ધ બન્યું છે. ટેરાકોટાની કૃતિઓ પણ ધ્યાનાકર્ષક છે. નોંધનીય ચિત્રોમાં તીર્થંકરની આરસની પ્રતિમા મધ્યયુગીન છે જે ગુજરાતથી અહીં આવી છે. કલ્પસુરનું ગર્દભીલ ચિત્ર, ધ્યાની બુદ્ધ અક્ષ્યોભ્ય તથા જૈન શ્વેતાંબરનું વીસમી સદીનું તીર્થં પટ અમૂલ્ય છે. આ તો છે અહીંના મહાપ્રસાદ થાળમાંથી પ્રાપ્ત થયેલો ચપટીક પ્રસાદ અને તેની ઝાંખી. સરવાળે એક વાત પરમ સત્ય છે. પરંપરાગત પ્રાપ્ત થયેલ આ કળાવારસો અત્યંત મહામૂલો, સૌંદર્યખચિત અને અલભ્ય છે. દરેકનાં દર્શન એક અવસર છે. તેનાં રસનાં કુંડાં, ભરાય - તેમાંથી અમી છાંટણાં સ્વીકારીએ તો 'જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ' ન્યાયે એનાં સૌંદર્યપાન વ્યક્તિગત રીતે કરીએ... બાકી નિત્ય નવીન ફેરફાર થતા રહે એ પણ આનંદમંગળ ઉત્સવ જ વળી !
લસરકો
પ્રસ્તુત મ્યુઝિયમના રચનાત્મક પ્રકલ્પ અંતર્ગત ''મ્યુઝિયમ ઓન વ્હિલ્સ'' વાહન દેશના અનેક સ્થળોએ ફરીને કળાનો પ્રસાર-પ્રચાર યજ્ઞા કરે એ તો કેવી ગજબ જેવી વાત છે !
મ્યુઝિયમ સ્વયમ્ કલાનો નમૂનો અને સંપૂટ
માનવીના સ્વભાવમાં ''વસ્તુઓ ભેગી કરી રાખવી''ની વૃત્તિ અને પ્રવૃત્તિ આદિકાળથી જ ચાલી આવતી હશે એમ માની શકાય ! આદિ માનવોના મનમાં એવો વિચાર કે ચાલ ક્યાં હતા ? એ તો રોજે રોજનું ઉદર પોષણ કરવા માટેનો માર્ગ શોધી લેતાં હતાં - તો પછી સંગ્રહનો ખ્યાલ ક્યાંથી અને કોને સૌ પ્રથમ આવ્યો તે પ્રશ્ન અનુત્તર જ રહેવાનો. કારણ આ ગતિ અને પ્રગતિ વૈશ્વકિ હતી અને એટલા યુગો પૂર્વે કઈ ગતિવિધિઓ થઈ હશે એની કોઈ નોંધ આપણને સાંપડી નથી. ઉપલબ્ધ માહિતી અને સહજ રીતે મળી આવેલા પુરાવાઓએ આપણું ધ્યાન ખેંચ્યું. એમાં મહદઅંશે કળા અને કળાકૃતિઓએ સાક્ષી પૂરાવી. મોહેંજો-ડેરો, સિંધુ, હડપ્પા આદિ સંસ્કૃતિ અને વસાહતોના અવશેષો જેમ જેમ મળતા ગયા ઉત્ખનનો થયાં, સંગ્રહો આધારિત હકીકતો પ્રકાશમાં આવવા માંડી ત્યારથી એનાં રખોપાં માટેનાં પગલાં લેવાવાં માંડયાં. આમાં ઈતિહાસ, ભૂગોળ, ખગોળ, વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર ઈત્યાદિ તથ્યો અને સત્ય સામેલ થયાં. પુરાતત્ત્વ વિભાગની ફરજના ભાગરૂપે પણ ખાસ્સી સામગ્રી સાંપડી અને ચોમેર ''સંગ્રહસ્થાન,'' ''સંગ્રહાલય'' અને ''મ્યુઝિયમ''ની આવશ્યકતાનો અણસાર સૌને આવ્યો. કદાચ એવું બન્યું હોય કે આરંભે તો બસ, પ્રાચીન ચિત્રો, શિલ્પો, સ્થાપત્યો, વસ્ત્રો, વાસણો, અલંકારો, ઘરવપરાશની જણસો, ફર્નિચર, કોઠાર, જળસંચય, ભૂગર્ભમાં કરાતો ઘન-પ્રવાહી કચરાનો નિકાલ આદિ ઉપર તજ્જ્ઞાોનું ધ્યાન કેન્દ્રિત થયા પછી એ અંગે અત્યંત જરૂરી એવા વ્યવહારિક પગલાં સ્વાભાવિક ક્રમમાં લેવાવા લાગ્યા અને આ બધાંય તત્ત્વોને ભિન્ન ભિન્ન સંસ્કૃતિનાં નામ અપાયાં. પછી તો બસ, મ્યુઝિયમ્સની બોલબાલા અને તેના સંગ્રહમાં ઉમરેણની માંગ વધી.


