Get The App

ફોર્ટમાં હાઈકોર્ટ - વિશાળ ટંકશાળ .

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ફોર્ટમાં હાઈકોર્ટ - વિશાળ ટંકશાળ                        . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

પરદેશીઓ ગયા અને સ્થાવર કળા રહી ગઈ

હા, જંગમ કળા પગ કરી ગઈ એ વાત વેગળી છે. આપણે હજી પણ આંખ ઠરે એવા સ્થાપત્યોને હૈયે ધરવાનો ઉપક્રમ કેમ ન કરીએ ? તો, સાપ ગયા ને લિસોટા ઘર કરીને રહી ગયા એ નિશાનીઓને આંખ અને મન ભરીને જોઈ ન લઈએ ? ઓવલ મેદાનને કિનારે ફોર્ટ પરિસરમાં યુરોપિયન કળાકુળનાં અનેક સ્થાપત્યો વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલાં છે તે સૌંદર્યખચિત ઇમારતોએ મુંબઈને 'ભારતના પ્રથમ શહેર'નો ઇલકાબ અપાવ્યો છે. ગવર્નર ફ્રેરેનાં સ્વપ્નોની પરિપૂર્તિ થઈ અને નવાં બાંધકામો, રહેઠાણો, ઑફિસ, હૉસ્પિટલ્સ, જુદા જુદા વ્યવસાયો અને વિકાસ માટે કરવામાં આવેલું બેક બે રેકલેમેશન આવશ્યક હતું. તે સમયે તે 'ન્યૂ ટાઉન' અથવા 'ફ્રેરે ટાઉન' તરીકે ઓળખાયું. મુંબઈ યુનિવર્સિટી રાજાબાઈ ટાવરના સાન્નિધ્યમાં 'બોમ્બે હાઈકોર્ટ'નું ભવ્ય મહેલનુમા સ્થાપત્ય ઊભું થયું. દેશની સૌથી જૂની હાઈકોર્ટમાંની એક એવી આ કોર્ટમાં મહારાષ્ટ્ર, ગોવા, કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી અને દીવ-દમણનું સંચાલન સુપેરે થતું. એનું બાંધકામ ૧૮૭૧માં શરૂ થયું અને પૂર્ણ થયું નવેમ્બર ૧૮૭૬ માં. વર્લ્ડ હેરિટેજ સાઈટ એવી આ ઇમારતના ઇજનેર હતા કર્નલ જેમ્સ એ. ફ્યુલર. ગૉથિક રિવાઈવલ શૈલીને અહીં જૂની ઇંગ્લીશ શૈલીમાં મઢવામાં આવેલી. ૫૬૨ ફિટ ઉંચું અને ૧૮૭ ફિટ પહોળું આ સ્થાપત્ય અનોખો ઘાટ ધરાવે છે. આ મહાલયમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધે સ્થાનિક કાળા બેઝાલ્ટ પથ્થરો વાપરવામાં આવ્યા છે. ગીચ કોતરણી-નક્શી, મિનારા, વેનેશિયન પ્રકારની ગેલેરીઓ વિક્ટોરિયન કોલોનિયન ડિઝાઈનનું ભવ્યતમ નજરાણું છે. મુંબઈનાં ચરણે ! મધ્યસ્થ ટાવરની ડાબી બાજુએ બે અષ્ટકોણીય મિનારા છે. ઇમારતની સૌથી ઊંચી ટોચે બે અદ્ભુત પ્રતિમાઓ છે : ન્યાયની અને દયાની.

ઊંચાઈએથી 'ન્યાય અને દયા'ના સંદેશાનું પ્રસારણ

પ્રસ્તુત સંરચનાનાં સૂચક તત્વો છે - મિનારા, શિખરો, અલંકૃત કોતરણી - જેમાં વાંદરા, શિયાળ, વરૂ, વાઘ અને વિવિધ પક્ષીઓનાં અંકન જોવા મળે. એ બધાંય તત્વો અને બે પ્રતિમાઓ પ્રતીકાત્મક છે જે પ્રકૃતિનાં લાડકવાયાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ સમયના અધિકારીઓનો સ્થાપત્ય પ્રેમ એમાંથી છલકાય છે. કલકત્તા અને દિલ્હીમાં જે પૌરાણિક શૈલીનાં દર્શન થાય છે એનાથી નોખી 'નવતર શાસ્ત્રીય' શૈલી અહીં હજુ આજેય ધબકે છે જાણે ! આ આખુંય સંકુલ વનસ્પતિથી આચ્છાદિત છે. ખાસ કરીને નાળિયેરીનાં પાન ચામેર ઢોળતા હોય એવું લાગે. શહેરીકરણ થવા લાગ્યું હતું તો ય આખાય ફોર્ટ વિસ્તારમાં વૃક્ષ મહિમા અને તેનો પ્રભાવ ભાવકને સ્પર્શી જાય એવા છે. ઇમારતો સાથે ફૂલ-વેલ, વૃક્ષની મૈત્રી વાતાવરણમાં શીતળતા ફેલાવતી લાગે. ૧૮૭૯ની દસમી જાન્યુઆરીએ આ કોર્ટમાં પ્રથમ સિટિંગ થયું. ન્યાયાધિશ એમ.સી. ચાગલા પ્રથમ ભારતીય કાયમી મુખ્ય ન્યાયાધીશ તરીકે સ્વાતંત્ર્ય પછી નિમાયા. તેમણે ૧૯૪૮ થી ૧૯૫૮ દરમ્યાન ફરજ બજાવી. ૨૦૧૬ પછી પ્રસ્તુત ન્યાયાલય બાંદ્રા-કુર્લા સંકુલમાં બેસે છે અને ફોર્ટની કોર્ટમાં પી.ડબલ્યુ.ડી. સહિત સરકારી કચેરીઓ કાર્યરત છે.

ક્યાં પેલો પુરાણો કિલ્લોને ક્યાં વિશાળ મેદાનમાં બનાવાયેલી અસંખ્ય નૂતન ઇમારતો... અને હા. બધી જ ખૂબ કામની હોં ! જુઓ પણે સામે - રિઝર્વ બેન્કની સામેનું ઉડીને આંખે વળગે એવું સ્થાપત્ય ધરાવતું મકાન. એ છે 'મુંબઈ મિન્ટ' - અર્થાત્ ભારપૂર્વક બોલાતો શુદ્ધ ગુજરાતી શબ્દ - ટંકશાળ ! બહુ જ કામની આ સંસ્થા - આ કચેરી ભારતીયોના જીવનને ટુંકાવી રાખતી કામગીરી અને ઉત્પાદન કરે છે : 

એ છે ચલણી સિક્કા. અંગ્રેજ વસાહતી યુગ દરમ્યાન ૧૮૨૪માં એની સ્પાપના થઈ હતી.

બ્રિટીશ-ઇન્ડિયન આર્કિટેક્ચરનું હસ્તધૂનન

પ્રસ્તુત ભવ્ય સ્થાપત્ય વિક્ટોરિયન અને ગૉથિક રિવાઈવલ શૈલીનું પણ સંમિશ્રણ છે. જાહેર મકાન તરીકે પ્રચલિત એ મકાન નવાં બાંધકામથી જુદું પડે છે. આ ઐતિહાસિક ટંકશાળ ઘર આરંભની વસાહતી ડિઝાઈન ધરાવે છે. જે આસપાસની નોંધપાત્ર ઇમારતોની શૈલીથી વિરોધાભાસ જતાવે છે. સ્થાનિક પથ્થરોથી બનેલ આ મકાનમાં મહત્વપૂર્ણ વહીવટી મૂળ બંધારણની અસર છે. જેણે મુંબઈના તબક્કાવાર વિકાસમાં અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. આ સ્થળ એક સ્થાનિક નિસર્ગ ચિત્ર (લેન્ડસ્કેપ) ઊભું કરે છે. અહીં, ચાલી આવતી શૈલી સાથે ઇન્ડો સાર્સેનિક તત્વો દ્રષ્ટિગોચર થાય છે. જેને મુંબઈની પ્રખ્યાત આર્ટડેકો સાથે સરખાવી શકાય. અહીં પણ ઝીણી નક્શી, મિનારાઓ અને મહાકાય બાંધકામ નજરે ચડે. આ સ્થળ મુંબઈનું સીમાચિન્હ (લેન્ડમાર્ક) છે જે ભૂતકાળના વસાહતી વાતાવરણનું સાક્ષી છે. શાસ્ત્રીય માપદંડો વાળું એ એવર્ડિયન સ્મારક છે. એકમેક સાથે સંકળાયેલાં, ભોંયસોતાં સંબંધો એકબીજાના હાથની આંગળીઓના અંકોડા ભેરવીને હજી ઘસે છે. એની દરેક શૈલીની આગવી ઓળખ અને કથા છે. મકાનમાં અંદર લાંબા-પહોળા વિશાળ ઓરડાઓ છે. જ્યાં અવિરત સિક્કાઓનાં સર્જન થાય છે. એના માટે 'મિન્ટ ચોક' અને મિન્ટ રોડ ધમધમતો રહે છે. અસાધારણ દેખાવનું પથ્થરનું આ મકાન ધ્યાનાકર્ષક પ્રાંગણ ધરાવે છે. નૂતન શાસ્ત્રીય શૈલીમાં રોમન સ્તંભો ધરાવતું મોટી પરસાળોવાળું આ સ્થાપત્ય વચ્ચે મુખ્ય દ્વાર સાથે બન્ને બાજુએ આડા પટ્ટે ફેલાયેલું છે. ગૉથિક દ્વારો અને બારીઓનું સંયોજન અને ઉપર છજું શોભે છે. માહિતિસભર શિલાલેખ એનું ગૌરવ છે.

લસરકો :

ભિન્ન ભિન્ન ધાતુ, વિષય, આકાર, વજન, રંગ, ચિત્ર, લખાણ, પ્રતીક અને દેશમહાત્મ્યના સમન્વય વડે સન્માન થાય ચલણી સિક્કાઓનું.

ફોર્ટની ઇમારતોનું જાજરમાન વ્યક્તિત્વ

કોઈ શહેર આખા દેશની ઉપર પોતાની છાપ ઉભી કરીને મ્હાલતું હોય ત્યારે તેનો વટ પડી જતો હોય છે. ઠેરઠેરથી લોકો રોજેરોજ ત્યાં વિવિધ માર્ગે ઠલવાઈને પેટિયું રળી ખાવાનાં હવાતિયાં મારતાં જોવા મળે. ભારતના ચાર શહેરો આ વાતની પુષ્ટિ કરે છે : મુંબઈ, દિલ્હી, કલકત્તા અને મદ્રાસ. દરેકની પ્રકૃતિ અલગ. દરેકનો અંદાજ અલગ. એમાંય મુંબઈ માટે કહેવાય કે 'અહીં રોટલો મળે.... ઓટલો ન મળે.' વળી ગીતમાં ગવાય પણ ખરું કે 'મુંબઈની કમાણી... મુંબઈમાં સમાણી....' આ 'મુંબઈ નગરી... પુચ્છ વિનાની મગરી' જેવો ઘાટ - આકાર ધરાવતું આ શહેર બારે પહોર જાગતું રહે છે એ એની અન્ય ખાસિયત. હા, નગરરચના, સ્થાપત્ય, શિલ્પ અને સૌંદર્યકરણની ઉપર દ્રષ્ટિ કરવાનો સમય અહીંના હરદમ દોડતા નિવાસીઓને રહેતો નથી. પરંતુ આ વિશિષ્ટ શહેરને એનો આગવો કલાવારસો છે. એનાં અનેક કલાકર્મોની નોંધ યુનેસ્કોએ 'હેરિટેજ' શીર્ષક અંતર્ગત લીધી છે. અરે ! એક ઉદાહરણ તો એવું અનન્ય છે કે આજના 'ફોર્ટ' એટલે કે કિલ્લા વિસ્તારમાં એક સમયે સાચુકલો કિલ્લો હતો અને નગરવિકાસ અર્થે એ કિલ્લાને તોડી પડાયો હતો. પણ, પછી શું ? એ સ્થળ સૂનું થઈ ગયું ? 

ના... ગેઈટ વે ઓફ ઇન્ડિયાથી લઈને કોલાબા-નરીમાન પોઈન્ટની ભૂશિર સુધી, સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ અને બોરીબંદર સુધી - તો 'ભાઉચા ધક્કા'ના 'બારા' સુધી ચોમેર, ગોળ ફરતે આજથી લગભગ ૧૭૦ વર્ષો પહેલાં યુરોપિયન છાંટ ધરાવતી અસંખ્ય ઇમારતો બંધાઈ જેની અસર આજે પણ ઓસરી નથી. રહેણાંકનાં સ્થળો, વ્યાવસાયિક કેન્દ્રો, શિક્ષણ, તીર્થો અને વિશાળ પહોળાં મેદાનો આજે પણ પોતાનો ઇતિહાસ સંભારે છે.