Get The App

અનોખી કલા-કન્હૈયા લાલની રંગલીલા

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
અનોખી કલા-કન્હૈયા લાલની રંગલીલા 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- સુશોભિત કલાદ્રશ્યો, રંગમેળવણી, કથા અને ગીતોનાં દ્રશ્યોમાં પ્રાણપૂરી એક અનોખો ચીલો ચાતર્યો

રવીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝથી પ્રભાવિત કનુ દેસાઈ

ચિત્રકલા વિષયક જ્ઞાન લેતાં લેતાં આ ગરવા કલાકાર દેશસેવામાં જરાક નોખી રીતે જોડાયા. પૂ. બાપુ સાથે દાંડીયાત્રામાં જોડાઈ તેમણે અનેક રેખાકનો (સ્કેચીસ) કર્યા. તેનું દસ્તાવેજીકરણ કર્યું. રાજકીય સભાઓનાં સ્થળોએ તેની સજાવટમાં જોડાયી. હળવે હળવે આ અદના કલાકારે ચિત્રકલાનાં ભિન્ન ભિન્ન પ્રકારોમાં રસ લઈ તેમાં મહારત હાંસલ કરી. ''સિલુએટ'' નામે ઓળખાતી છાયાચિત્રોની શ્રેણી બનાવી - જેમાં કાગળમાં કોતરણી કરી શ્વેતશ્યામ આભા ઊભી કરી નવીનતમ અદ્દભુત કળાને વિકસાવી. તેને ''પાશ્વચિત્ર'' તરીકેની ઓળખ મળી. ઉત્સુક મનડું ધરાવનાર કનુભાઈના હ્ય્દયના કલાતત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું હતું. પરમકૃપાળુ પરમાત્માએ. જેથી નિતનવું કરવાની તેમની ઉત્કંઠાએ એમને આગળ વધાર્યા. વિસ્તૃત ભીંતચિત્રો, ભીંતશિલ્પો, અજોડ રંગ સંયોજનો અને એ વખતે 'ફ્રેન્સી' કહેવાતાં ચિત્રોમાં તેમની વ્યસ્તતા વધતી ગઈ. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોતાં દેસાઈ ''હાઈ અને લો'' કળામાં તત્કાલીન નિમિત્ત બનતા. દક્ષિણના રાજા રવિ વર્માની અસર હેઠળ કનુભાઈએ પણ પોતાનાં ચિત્રોની પ્રતિકૃતિઓ માટે 'ઓલિયોગ્રાફી'ની મદદ લીધી અને એને સમાજને ચરણે ધર્યા. મહાત્મા ગાંધીનાં અણમોલ ટેકાને કારણે એમની કળા વૈશ્વિક બની. એમનાં ચિત્રો ''જીવનમંગળ'' અને ''નૃત્યમંજરી'' નામે રોમેન્ટિક આલ્બમ્સ તરીકે પ્રકાશિત થયાં અને વિખ્યાત બન્યાં. તેમણે પુસ્તકોનાં કવર અને ચિત્રાત્મક પુસ્તકો બનાવ્યાં. એ સમયના પુષ્કળ સમકાલીન કામ એમની પ્રેરણા હેઠળ થયાં. મોટાં કદનાં ચિત્રો બનાવવા માટે કલાકારો તેમનું માર્ગદર્શન લેતાં. ભારેખમ, તીક્ષ્ણ લકીરો, વગ્લકીરો વાળાં મિથ્યાડંબર ધરાવતા સંકુલ ચિત્રોને બદલે એમણે સાદાં સંયોજનો શરૂ કર્યા. સંસ્કૃતિના રૂપ પરિવર્તનો થયાં અને હિંમતભેર એમણે આગળ કદમ માંડયાં. ગાંધીજી વિષયક પુસ્તકમાં એમના ચિત્રોની ઉપસ્થિતિનું મહાત્મ્ય છે.

સિનેમા ઉદ્યોગ પર કનુભાઈએ પોતાની કલાનાં કંકુ પગલાંની છાપ છોડી.

કનુ દેસાઈનાં ચિત્રો અને ફિલ્મક્ષેત્રે કરેલાં કલાકર્મનો અપાર મહિમા ગવાયો. તેમના કલા નિદર્શન અને દિગ્દર્શનવાળી ફિલ્મો નોખી શૈલીમાં સર્જાઈ. સુશોભિત કલાદ્રશ્યો, રંગમેળવણી, કથા અને ગીતોનાં દ્રશ્યોમાં પ્રાણપૂરી એક અનોખો ચીલો ચાતર્યો. નિતનવી ભાતના તેઓ છડીદાર અને ''પાયોનિયર'' લેખાયા. સેટ તો એમના જ. ફિલ્મો માટે તેમણે પ્લાસ્ટર કાસ્ટ (બીબાં) બનાવ્યાં. ગુજરાતમાં કલાભરતી તો આવી જ હતી. સાથે સાથે અનેક કલાઓનાં સંયોજનોનો નવો પ્રવાહ શરૂ થયો. શિલ્પકલાએ ચિત્રકલા સાથે હસ્તધૂનન કર્યું. નોખા નોખા રસપ્રવાહમાં રસિકો તણાતાં ગયાં. પોતાની કલાને નિમિત્ત બનાવી એમણે ''ગુજરાત ચિત્રકલા સંઘ''ની રચના કરી અને અનેક વરિષ્ઠ કલાકારો-જેવા કે સોમાલાલ શાહ, જગન મહેતા, રવિશંકર રાવલ આદિ સાથે એક મંચ પર પ્રકલ્પો પાર પાડયા. ફિલ્મોની રંગીન અને આકર્ષક દુનિયા સાથેનો તેમના નાતો તો જુઓ... બૈજુ બાવરા, હરિયાલી ઔર રાસ્તા, સારંગા, રાજા ઔર રંક સહિતની અનેક ફિલ્મોમાંથી કનુભાઈએ કરેલ સેટની કમાલ અને કળાકર્મના અમી છાંટણાં સમ ઉદાહરણોને માણીએ ઝનક ઝનક પાયલ બાજે માં વૃંદાવન ગાર્ડન 

(માયસોર)ના રંગબેરંગી ફુવારાઓનાં વારિ નૃત્યો, મોટા કલાત્મક સેટ્સ, રંગીન ભીંત શિલ્પોએ આગવી ભાત પાડેલી. સેહરા સિનેમામાં રણની રેતીના ઢુવા અને એની ઉપર પડતી વમળો જેવી ડિઝાઈન ચિરસ્મરણીય રહી. ''નવરંગ'' ફિલ્મે તો વટ પાડયો. નવ ઘડામાંથી ઢળતા નવે રંગોએ રંગ રાખ્યો. અહીં આર્કટિક સર્કલ જેવું પૂર્ણ મેઘ ધનુષ્ય મૂક્યું. ''તૂ છૂપી હે કહાં'' માં વિશાળકાય ઘંટ પર નાયિકાનું નૃત્ય ! હોળી ગીત ''આયા હોલીકા ત્યોહાર'' માં સ્ત્રી-પુરુષ યુગ્મની પરિકલ્પનાએ તો હદ કરી નાખી. રત્ન કલાકાર જેવું ઝીણું કલાર્મ કરનાર કનુભાઈને રણજતિરામ સુવર્ણ ચન્દ્રક, ફિલ્મફેર એવોર્ડ અને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા તેનો આનંદ !

રૂમઝૂમતી કળા ગ્રામ સ્તર સુધી રસળી સધ્ધર બની

ગુરુજનોની અસર અને બંગાળી શૈલીના જળરંગોની વાછંટ વડે કનુ દેસાઈ ચિત્રકળામાં વધુ પલળ્યા. ત્યારબાદ તેઓ રંગોળી અને રૂપચિત્રો તરફ પણ વળ્યા અને સઘળે કૌવતનાં દર્શન થયાં. તેમના ચિત્ર પ્રસાદમાંથી 'કણીકો' ગ્રહણ કરીએ તો ચિત્રો સાથે રૂબરૂ થવાય ! જળરંગ અને પેપર પર ઈન્કની ટેકનિક વાળા છાયાચિત્રોમાં સીધું ને સટનિરૂપણ છે. એક ચિત્રમાં વન વિહાર કરતી રમણી, અન્યનાં મોરલી અને મંજીરા સહ સૂરરત બે સખીઓ, હરણ સંગ રમતી રમ્યા અને ફેરકૂદરડી ફરતી બે બાળાઓ, વળી માથે ભાત લઈ ખેતરે સંચરતી ભથવારી - આ બધાં નિરૂપણો શ્વેતશ્યામમાં વૃક્ષો, પશુ-પંખી અને ધરતી-આકાશનાં સંબંધો જતાવે છે. એક આછા (પેસ્ટલ) રંગવાળા ચિત્રમાં નાયક અને નાયિકા જળ વહેણ ઉપર લપસણીએ ચડયા હોય એવા દેખાય છે. જળલહેર સાથે તેમનાં વસ્ત્રો પણ ગતિશીલ ! જુઓ, પેલા ચિત્રમાં શિરે અને કેડે મટુકી ધારણ કરી પેલી સ્ત્રી જળ ભરવા ચાલી ! ગુલાબી, કથઈ, લીલા, વાદળી રંગના ઝાંયયુક્ત પરિધાન. નમણો ચહેરો, તીક્ષ્ણનાક-નકશો, અદ્દતન આભૂષણ, આંખો અણિયાળી અને માથે ઓઢેલીએ ગરવી ગુજરાતણ ચિત્રકારને કવિ બનાવી દે છે. પેપર ઉપર ઈન્ક પેન અને જળરંગના સંયોજનમાં પાતળી નાયિકા ગતિશીલ છે. લાલ-પીળા રંગોના લસરકાથી સ્ત્રી મઢાઈ ગયેલી ભારતે અને સુંદર કેશકલાપ ડોલે ! પેપર ઉપર જળરંગો સાત અને હોજમાંથી નીકળે જળશિકરો (સેર) પણ સાત ! વાહ! મેઘ ધનુષી રંગોની જળકુપ્પીઓ, ગતિશીલતા અને આકૃતિઓ આસપાસનાનાનાં ભૌમિતિક વુટ્ટા કલાકાર કનુભાઈના હ્ય્દયની અમીરાતની ઝાંખી કરાવે છે !

લસરકો

જ્યારે કલ્પના કલાસ્વરૂપ પકડે છે ત્યારે

બુધ્ધિગમ્ય લસરકાનો ભેદ ખુલે છે.

ગુજરાત વિદ્યાપીઠે કનુ દેસાઈને 'શાંતિનિકેતન' મોકલ્યા

જેમ દેશ-તેમ વ્યક્તિના અને વ્યક્તિત્વના વિકાસમાં સતત ઉથલ પાથલ થતી રહે છે. તેનાં સ્વરૂપ પણ બદલાતાં જાય છે. સમયાનુસાર એ દરેક મુકામ મુજબ એના જીવનના મિજાજ, સંજોગ, વાસ્તવિકતામાં પણ ફેરફાર થતા સ્પષ્ટ જણાય છે. વળી, દેશ વ્યક્તિઓનો બનેલો છે - પ્રત્યેક વ્યક્તિ તેના દેશનાં પ્રતિનિધિત્વને બનતી તાકાતે નિભાવે છે એથી એ વ્યક્તિ સ્વયમ્ જાણે ''દેશ'' જ બની જાય છે. આ બધું માત્ર નેતાઓ કે દેશ-સેવકો પૂરતું જ સાચું નથી પરંતુ સન્નિષ્ઠ કલાકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, આસ્તિકોએ પણ દેશને ''આગે બઢો''ના સંકેતો આપ્યા છે. ખરેખર તો આવા જ નરરત્નો કે નારીરત્નો વડે દેશ રળિયાત છે. કળાની વાત આવે ત્યારે ભરતમુનિના મતે ''નાટયશાસ્ત્ર''માં ગણાવાયેલા વિભિન્ન ક્ષેત્રોના કળાકર્મીઓને બિરદાવવા જ પડે. આપણો દેશ ગુલામીની ગર્તામાંથી છૂટી સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ આગેકૂચ કરી રહ્યો હતો તે સમયગાળાને આપણે ભારતીય ''રેનેસાં'' અચૂક કહી શકીએ. એક સાથે આટલાં બધાં પરિવર્તનો ! ઓહો! આ તો આપણા જીવનમાં રવૈયો ફરી ગયો - મંથન થયાં અને કળાક્ષેત્રે પુન: જીવનનાં એંધાણ વરતાયાં. ગુજરાત-(મુંબઈરાજ્યથી માંડી) મહારાષ્ટ્રમાં વસતા કલાકારોએ એ 'નવયુગ'ને આવકારી કળાનાં કામણ પાથરવા માટે યજ્ઞાવેદીઓ તૈયાર કરી. ભરૂચના કન્હૈયાલાલ હકુમતરાય દેસાઈ નામના ઉગતા ચિત્રકારે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં તાલીમ લીધી અને કલાગુરુવર્ય રવિશંકર રાવલના માર્ગદર્શનમાં ચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. પારંપરિક અને આધુનિક શૈલીને સમાંતરે સ્વીકારી આ કલાકારે. કનુ દેસાઈ તરીકે પંકાયા તેઓ.