- રસવલ્લરી-સુધા ભટ્ટ
સ્વપ્નનગરી મુંબઇની મા મુંબાદેવી
મુંબઇનાં મહાલક્ષ્મી માતાને દર્શને ગયાં હોઈએ અને મુંબાદેવીને નતમસ્તક થવા ન જઇએ એ કાંઈ ચાલે ? મુંબઇ નગરીની માતા નગર દેવી- મુંબાદેવીનું છ સદી પુરાણું મંદિર મૂળે બોરીબંદર સ્ટેશન ખાતે હતું. ૧૬૩૫ થી ૧૬૭૫ દરમ્યાન તેનો ઉગતો સૂર્ય હતો. ત્યારબાદ ૧૭૩૯થી ૧૭૭૦ દરમ્યાન ત્યાં વિનાશનાં એંધાણ વરતાયાં. હાલના આ પવિત્ર તીર્થ સ્થાને મા પાર્વતીનો આ સ્થાનિક અવતાર બિરાજે છે. લોકવાયકા મુજબ આ મંદિરમાં પાર્વતીજી માછણ સ્વરૂપે ઓળખાયાં કારણ કે સાત ટાપુના બનેલા આ શહેર 'મુંબઇ પુરિ'ને કોળી અને દ્રવિડિયન લોકોએ પોતાનું ઘર બનાવ્યું હતું. મરાઠી કોળીઓનાં તે કુળદેવી. આદિ પૂર્વવાસીઓનાં આ માનીતાં મા તેમના રક્ષક પણ ખરાં. કોળી માછીઓએ ચૌદમી સદીમાં સૌ પ્રથમ મંદિર બનાવ્યું તેને શહેરના વિકાસ હેતુ અંગ્રેજોએ તોડી પાડેલું. મુંબઇના ધનાઢ્ય વેપારી પાંડુ શેઠે તેનું પુનનિર્માણ કર્યું. હાલના ભુલેશ્વર કાલબાદેવી વિસ્તાર દક્ષિણ મુંબઇ ખાતે અઢારમી સદીમાં માતા દ્વિતીય અવતાર પામી ભક્તો સારુ ફરી અહીં આરૂઢ થયાં. ઝવેરી બજાર, લોખંડ બજાર અને કાપડ બજાર વચ્ચે એ ય...ને મા અહી મ્હાલે છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇની ધમધમતી પ્રવૃત્તિઓ વચાળે અહીં સ્થાપત્યકળા અને આધ્યાત્મિક વાતાવરણનું મહત્ત્વ ભાવિકોએ જાળવ્યું છે. આ મહાનગરમાં નગર શ્રેષ્ઠીઓએ સદીઓ પુરાણી સંસ્કૃતિ અને શિલ્પકળાને પણ આશરો આપ્યો છે. મુંબઇના હૃદયમાં આ બધું જ સ્થાપિત છે. પ્રસ્તુત મંદિર એક જ સ્થાપત્ય માત્ર નથી, ફક્ત પૂજા સ્થળ જ નથી. પરંતુ શહેરના નામ અને ઇતિહાસના પાયાનો પથ્થર છે. તે મુંબઇના કોસ્મોપોલિટન સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. આ સ્થાપત્યમાં મુંબઇના ધબકારા પડઘાય છે.
મહા અંબા = અંબા + આઈ = મુંબઇ
કહેવાય છે કે બ્રહ્માજીએ મુંબા આઈને 'મુંબારક' નામના ભયાનક રાક્ષસનો નાશ કરવા પૃથ્વી પર મોકલેલાં. માએ એને હરાવ્યો પણ પસ્તાઇને એણે જ આ માતાનું મંદિર બંધાવી આપ્યું. મુંબઇના હૃદય સ્થાને કેન્દ્ર સ્થાને આ શ્રી સ્થળ છે જ્યાં આ પૂજનીય દેવીએ એકાગ્રતા અને દ્રઢતાનો સંદેશો પ્રસરાવ્યો છે. આજે પણ જીવંત અને પ્રવૃત્ત જગત જનનીના આ મંદિરની જટિલ સ્થાપત્ય કળા અને સરળ ભક્તિનો સમન્વય જીવિત છે. લગભગ ચારસો વર્ષ પૂર્વે બંધાયેલ ભુલેશ્વર મુંબાદેવી મંદિરની સ્થાપત્ય અને શૃંગાર કળા સંપૂર્ણપણે સમજાવી અઘરી છે એનું કારણ એ વિસ્તારની ગીચતા છે પણ એના સર્જનકાળમાં ગુજરાતી અને રાજસ્થાનની વેપારી સમુદાયોના પ્રભાવને કારણે એની સ્થાપત્ય શૈલીમાં પણ વૈવિધ્ય નોંધાયું હતું. નાગર અને ગુજરાતી શૈલીના સુભગ સમન્વયને કારણે આ મંદિર કળામાં ઓગણીસમી સદીના ગુજરાત મંદિર સ્થાપત્યની ઝલક જણાય છે. બહુ સાંસ્કૃતિક વાતાવરણના સ્થાપત્યની એ અભિવ્યક્તિ છે. આ મિશ્ર પારંપરિક હિંદુ મંદિરની ખાસ અસરયુક્ત શાસ્ત્રીય સ્વરૂપ છે જેમાં પ્રાચીનતાનો મૃદુ સ્પર્શ છે. ઊંચું શિખર (નાગર શૈલી) બાહરી દીવાલોની નકશી કોતરણીથી આચ્છાદિત છે. આ સાંપ્રત મંદિર પરના ગુજરાતી પ્રભાવને કારણે શિખર પરના વળાંકો એમાં હામી ભરે છે. આ મિશ્ર તત્ત્વો મુંબઇ કોસ્મોપોલિટન શૈલીને ઉજાગર કરે છે. લાકડાની કોતરણી યુક્ત ગુજરાત શૈલીનું નગારખાનું પ્રવેશે પડઘમ સંભળાવે છે. પરદેશીઓનો તે જમાનો હતો તેથી મંદિરમાં પોર્ટુગીઝ શૈલીની કમાનો અદ્ભુત મિશ્રણ પેશ કરે છે. શિખરે લાલ ધ્વજ ફરફરે છે... સાથે સાથે શિખરી શિલ્પો પણ સ્મિત કરતાં ભાસે છે. મંદિરનું માળખું અન્ય ભવ્ય મંદિરોની સરખામણીએ નાનું અને સાદું લાગે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એ નમ્રતા પ્રદર્શિત કરે છે. મંડપમાં ભક્તિ સરિતા વહેતી હોય છે જ્યાં અંગ્રેજ યુગ દરમ્યાનની આધુનિક બાંધકામ ટેકનિકયુક્ત લોખંડના સ્તંભો દેખા દે છે.
માનાં રૂપેરી પગલાં ઉપર પુષ્પોના શણગાર
ગર્ભગૃહમાં મુંબાદેવીની પ્રતિમા નારંગી મુખ ધરાવે છે. શ્યામ પાષાણની આ મૂર્તિનાં દર્શન મુલાકાતીઓ માટે સન્માનપૂર્વકનું આકર્ષણ ધરાવે છે. નાકે નથણી, કંઠે સુવર્ણ હાર, ડાબે અન્નપૂર્ણા દેવીનું પાષાણ શિલ્પ મયુર સવારી કરે છે. મુંબાદેવીના વાહક વાઘ દેખાય. વિસ્ફારિત નેત્રોવાળાં મા શૃંગારથી સજ્જ છે. તેમનું સિંહાસન નકશી કોતરણીથી શોભે. ઉપર ચાંદીના પરિવેશમાં માડી ચમકે. પારંપરિક મરાઠી અલંકાર વડે સજ્જ મા અનંત શ્રદ્ધા, કળા અને પરંપરાની છડી પોકારે. પ્રાંગણમાં મુખ્ય મંદિરની બન્ને બાજુએ પરસાળો અને એમાં અસંખ્ય દેવી-દેવતા-સાધુગણનાં શિલ્પો સ્તંભોની આસપાસ બિરાજ્ય છે. છત પર નાના ગુંબજો અને ભૌમિતિક ભાત સાથે કળશ અતિ અલંકૃત લાગે. મંદિરના બાહ્ય ભાગો પર દેવી-દેવતા સહિતના પૌરાણિક દ્રશ્યોની ઝલક મળે. સ્તંભો પર મકર મુખવાળા મથોડાં અને દરિયાઈ જીવોનાં અંકન શોભે. મંડપમાં મોટો શંખ અને શિખર પરની સફેદ કોતરણીવાળું આ મંદિર રજવાડી શૈલીનો અણસાર આપે. મુંબઇના ઇતિહાસ સાથેના ગાઢ સંબંધને કારણે એ વિશિષ્ટ બને છે. એની કલાત્મક અભિવ્યક્તિને એણે મુંબઇને મુંબઇ બનાવી રાખ્યું છે ટકાવી રાખ્યું છે. મંદિરને માટે અનેક પ્રકલ્પો અંતર્ગત એના પુન: સ્થાપત્યની અને માનવજતની શરણાઈઓ વાગે છે. ચોપાસ સૌંદર્યકરણ કાર્યક્રમમાં નજીકના પાયધુનિ (જે દટાયેલું છે તે) તળાવને સંજીવનીની ભેટના એંધાણ છે. આ નવતર અવતાર માટે શ્યામ બેઝાલ્ટ જેવી કુદરતી સામગ્રીનો વિનિયોગ કરી ભૂતકાળને ઢંઢોળી જીવંત કરવાનો પ્રયાસ પણ જારી છે.
લસરકો
Bom Bahia એટલે 'સરસ ખાડી' : કોળી માછીમારોનાં આઈ ગ્રામમાતા મુંબાદેવી : સાત ટાપુનું એક શહેર અને સૌનો સહિયારો સાથ એટલે સંસ્કૃતિનો મહાઓચ્છવ !
સામાજિક સંદર્ભે મંદિરોનું સ્થાન
મંદિર અને મંદિર સ્થાપત્યની વાત જ ન્યારી છે. સ્થળ નાનું હોય કે મોટું; શહેર કે ગામ વિશાળ હોય કે ન પણ હોય; પરંતુ જ્યાં આસ્થાનો મુદ્દો ઉદ્ભવે છે ત્યારે કોંક શ્રદ્ધાસ્થાનની અપેક્ષા માનવજાત રાખે જ છે. 'ભગવાન છે કે નહિ - જો હોય તો કેવા દીસે છે એ' એવી શંકાદર્શક વાતોમાં ચર્ચામાં પડયા વગર એ સંકલ્પનાના મૂળમાં જઇએ, પ્રભુને હૃદયમાં જ બિરાજેલા જોઇએ અને એમનાં પ્રતીકાત્મક મંદિરમાં જઇને જે તે ઇશ્વરનું ધ્યાન ધરીએ, એમાં પ્રવર્તતી કળાને માણીએ અને મોજમાં રહીએ તો મન ધરાઈ જાય. વળી, ચોક્કસપણે એવો વિચાર પણ પ્રવર્તે છે કે પ્રભુ કણકણમાં છે, પ્રત્યેક જીવમાં છે, કુદરતના દરેક તત્વમાં છે, હર એક કળામાં છે, સાહિત્યમાં છે, શ્વાસોચ્છવાસમાં છે...અરે ! તો પછી અલાયદા ધર્મસ્થાનોની શું આવશ્યક્તા છે ? ઉત્તર છે એનો. માનવી સામાજિક જીવ છે. ઇષ્યદેવના કે અન્ય ભગવાનના નિવાસમાં એને દર્શન, ધ્યાન ઇત્યાદિના લાભ મળે છે. કળા સૌંદર્ય રસપાન કરવાનો એને મોકો મળે છે. પૌરાણિક, વૈદિક જ્ઞાનમાં અને ધાર્મિકતાના વાતાવરણમાં એને ઘણું જાણવા - શીખવા મળે છે. ટૂંકમાં જ્ઞાન સાધના પણ થઇ શકે છે. પવિત્ર વાતાવરણ ધરાવતા આસ્થા સ્થાનોના ભૌતિક દેહમાં રાચતી વૈવિધ્યપૂર્ણ કળા રસિકજનોને આંખની મિજબાની આપે છે. આમ, બહુવિધ આયામો ધરાવતાં આવાં સ્થળો માનવીને અણમોલ 'શીખ' આપે છે. કલાપ્રેમીઓ, ભાવકો, ભાવિકો સહજ ધ્યાન લગાવીને કલાઉપાસના કરે ત્યારે તેને જે 'સંતોષ'ની લાગણી થાય છે તે અમૂલ્ય છે. બાકી, મંદિરો ક્યાં ને કેવાં હોવાં જોઇએ એની કોઈ વ્યાખ્યા નથી. મંદિરો છે એટલે છે.


