- રસવલ્લરી-સુધા ભટ્ટ
- વણખેડયા વિષયો જ્ઞાનની ત્રીજી આંખ ખોલે
સી.ટી. પ્રજાપતિ તરીકે ઓળખાતા આ કલાકારે ચિત્ર વિષયે અભ્યાસ પૂર્ણ કરી સીમિત સમય સુધી આ ક્ષેત્રે અદ્યાપન કર્યું. પણ પ્રવૃત્ત પાંખોએ તેમને કળાક્ષેત્રે ગગનવિહાર કરાવવાનું નિર્ધાર્યું હતું તેથી તેમણે રૂપચિત્રો (પોટ્રેઇટ)માં ધ્યાન પરોવ્યું. કેનવાસ અને તેલરંગ સંગે ત્રણસો જેટલાં રૂપચિત્રો સર્જ્યાં - વહેંચ્યાં અને નવા વિષયો પરત્વે ધ્યાન ખેંચાયું. જળરંગમાં ડૂબવાની ઉત્સુકતાએ પણ તેમને ટેકો કર્યા અને ગ્રામ્ય જીવનને તેમાં ઉતાર્યું. અંદર છબછબિયાં કરતી રમતોને રમાડી. 'abstract' તત્ત્વે પણ એમને દોર્યા. એ અમૂર્ત કળાવિભાવનામાં એક્રેલિક રંગોના પ્રયોગો હાથ ધર્યા. મહેસાણા-અમદાવાદના નિવાસ વચ્ચેનો લાંબોગાળો એમણે હીરા અને રેશમના કેન્દ્ર સુરત ખાતે વીતાવ્યો અને કળા સમૃદ્ધ થયા. કલાતીર્થે રમણ-અટન કર્યું. કળાની વધતી-વધુ ખીલતી પ્રતિષ્ઠા સાથે અનુષ્ઠાન કર્યું અને સ્વાભાવિકપણે જ નોખી - નોખી કળાનું અવતરણ થવા માંડયું. ભારતીય પૌરાણિક વારસાની લગની લાગવાથી માંહ્યલામાં રહેલા આધ્યાત્મિક તત્ત્વો ઉડાનભરી અને શિવજી, સત્યમ્-શિવમ્-સુંદરમ્ ના સત્યને પામવાના પ્રયાસોમાં સી.ટી. પોતાના પરિવાર સહ જોડાયા. અનેક પ્રદર્શનો અને માન-સન્માનથી ગૌરવાન્વિત થઈ આ અદના કલાકારે કલાયાત્રાનો દોર અવિરત રાખ્યો અને અલબત્ત, પ્રયોગો તો ખરા જ ! હા, કળાની નવી તરાહો મુજબ પ્રતીકાત્મક ચિત્રકળાનું વહેણ ભારતમાં પણ વહે છે તેની પ્રતીતિ રસિકોને કરાવી. એને પગલે સમાજ અને માનવ જીવનને કેન્દ્રમાં રાખી કલાત્મક પ્રવૃત્તિઓ, શિબિરો, કાર્યશાળાઓ અને નિતનવી ટેકનોલોજી શીખી તેનો આસ્વાદ કરવાની વૃત્તિને પણ આ અદના કલાકારે વધાવી લીધી. વિપુલ વૈવિધ્ય સાથે કળાપ્રીતિ મળે એનો આનંદ વહેંચીએ.
ઝીણાં નિરીક્ષણ, વિગતસભર અંકન એટલે જીવંત ચિત્ર
પ્રસ્તુત કલાકારનાં રૂપચિત્રોએ ખાસ્સું કૌતુક રચ્યું. કેનવાસ ઉપર તૈલરંગ વડે બનાવાયેલું પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજજીનું ૨૪ ટ ૩૬ ઈંચનું પોટ્રેઇટ નોંધપાત્ર કૃતિ છે. કોઈપણ ધર્મ કે પંથને કોરાણે મૂકીને નિરપેક્ષ રીતે માત્ર કળાની દ્રષ્ટિએ આ રચનાને સંપૂર્ણ માનની નજરે નિહાળી એનાં કલાતત્ત્વોની પ્રતીકાત્મક ભાષાને સમજીએ. આછા-ઘેરા કેસરી રંગોની આભા વડે બનેલા આ ચિત્રમાં એક નિર્વિવાદિત શાંત પાત્ર - એક નખશિખ સંતના નિર્મળ ઉદાહરણીય જીવનની સાંકેતિક ભાષા સમી એમની આંખ અહીં શુધ્ધતાની મિસાલ સમાન છે. નરી પવિત્રતાનું અંકન ચહેરા પર અને નમસ્કારની હસ્ત મુદ્રા પણ કલાકારની પીંછીને દાદ દે ! પશ્ચાદભૂમાં તિલકની સાંકેતિક પ્રતિભા ચિત્રનું મહત્ત્વ જતાવે છે. અન્ય એક કૃતિ પણ કેનવાસ પર તૈલચિત્ર છે ૨૪ ટ ૩૬ ઈંચનું છે. અહીં બે વરિષ્ઠ ભરવાડણો ઉંમરના ઉંબરને આંબીને વડ હેઠળ બેઠી છે. જીવન સંધ્યાનું ઉજવણુ કરતી ગ્રામ્ય પરિવેશ ધારિણીએ ડાર્ક ગ્રે રંગોના પથ્થરની બેઠક પર બેઠી છે ને એ...ય... ''તને સાંભરે રે...'' ''મને કેમ વિસરે...''ની મઝા લઈ રહી છે. પશ્ચાદભૂમાં વાદળી રંગની ઝાંય, વસ્ત્રોમાંય વાદળિયું -
કોમ મુજબની ખાસિયત પ્રમાણે સસ્મિત બેઠી છે. બન્ને સખીઓએ વારસાગત દાગીના, કાનમાં લટકતા લોળિયા પહેર્યાં છે. જાજરમાન-ખુમારીભરી બન્ને ''બા'' પાસેનાં સ્લીપર્સ અને થેલીઓ - જાણે કે પાત્રો !! કુલ્લે, ચિત્રમાં કલાકર્મી સી.ટી.એ કથ્થઈ, લીલા, મરૂન, ગુલાબી રંગોની છોળો ઉડાડી છે. પાનની લીલાશ તેમાં ઈશારે ભળે અને બાની દંતાવલી હસુ હસુ થાય, ઉપરોક્ત બન્ને ચિત્રોમાં કલાકારે જીવ પૂર્યો છે રંગની સાથે સાથે ! કલાકાર પોતાની તાસીર બદલે એમ આ કલાકારે પણ ''ચેઈન્જ'' લીધો અને પેપર ઉપર ઈન્ક વડે શ્વેત શ્યામ રંગોની રંગોળી જેવાં અનેક પ્રતીકાત્મક ચિત્રોનાં સર્જન કર્યાં. શિવ-સાધના રૂપે શિવત્વના કલ્યાણકારી તત્ત્વને ઉજાગર કરી ૩૦ ટ ૩૦ ઈંચના ચિત્ર ''સત્યમ્ શિવમ્ સુંદરમ્''ની રચના કરી.
શ્વેત-શ્યામ ચિત્રોની અનુપમ શ્રેણી
સૂર્યનારાયણના લાખો કિરણોની આભા વૃક્ષાકારે સૂર્યના રથને દોરી વળે એવી કવિ કલ્પના સી.ટી. પ્રજાપતિએ કરી છે અન્ય એક ચિત્રમાં. 'ડાન્સ' નામનાં ૧૨ ટ ૧૮ ઈંચના ચિત્રમાં નૃત્યની હસ્તમુદ્રા છે. સાથે ઘૂંઘરું અને મળે ''મોતી વેરાણાં ચોકમાં.'' પ્રતીકાત્મક ચિત્રમાં હાથની મુદ્રા બોલકી બની. કેટલાંક ચિત્રોમાં તો ગીચ રેખાઓવાળી અભિવ્યક્તિ પેપરકટિંગનો આભાસ કરાવે. આગળ જોઈએ એક ચિત્ર: જેનું શીર્ષક છે ''મારું સુરત'' ભર શહેર વચ્ચે નાયકના સિર ઉપર કોકનો પંજો - કોઈનો કાબુ - ભાર બનીને કચડે. નદી, નાવ સંજોગ મુજબ કિનારે કિલ્લો અને પાછળ ઊભેલા ડરામણાં અધિકારીઓ ! તપ્ત, ત્રસ્ત શહેરી શહેરમાં એકલો પડી જાય છે એ ભાવ દર્શાવવા કલાકારે પશ્ચાદ્ભૂમાં લાલ-કાળા રંગનો ઉચિત ઉપયોગ કર્યો છે જે ધ્યાનાકર્ષક છે. એ પછી 'નૃત્ય' નામક ચિત્રમાં કથક નૃત્યાંગનાના અસલ પદચાપ મંચ પર પડઘા પાડે. ઘૂંઘરૃં તેમાં સાદ પૂરે અને પહેરવેશ ? એના સળ ભાવકો ગણી શકે અને અદ્દલ કેશકલાપ તથા વેણી. કલાની ઉઘડતી ઉષાની જેમ આ ચિત્રમાં પછી તે દીપનું પ્રતીક છે. ખુલતું આકાશ પીળું - કેસરી ભાસે - વચ્ચે વચ્ચે તારલિયા જેવા રંગીન મોતી કિનખાબ ભર્યાં હોય એવા શોભે ! - આ છે નિરીક્ષણ, વિચારો અને અનુરૂપ લસરકા ! કલાકાર સ્થાપત્યને પ્રેમ કરે છે તેથી રાણકી વાવનાં પગથિયાંની બન્ને કોરે આવેલાં શિલ્પોની પ્રતિકૃતિ ચિત્રમાં ઉતારી જાણે છે. વડનગરનાં તોરણ, નાગર શૈલીનાં મંદિરો - દેરી - શિખરો - ગુંબજો સોલંકી વંશને જીવતો કરે છે બહુરંગી કલામાં. વળી પાછી નવીનતા - અમેરિકાની એક શેરીને ''ખાઉગલી'' બનાવી, ગજવીને રેસ્તોરાની આખી ગલીમાં ભારતીય ખાણીપીણી લારીનાં ચિત્રો રંગીન અંદાજમાં કરીને સી.ટી.એ ''મેરા ભારત મહાન''ની સીટી વગાડી દીધી !!
લસરકો
મન, મસ્તિષ્ક, હૃદય, દ્રષ્ટિ, આંગળીઓ અને આખા અસ્તિત્વમાં કળા ઓળઘોળ થાય ત્યારે જ સમર્થ કળાકૃતિ સર્જાય.
પ્રયોગાત્મક ચિત્ર કલાકારોની કળાને ઘણી ખમ્મા!
વૈશ્વિક કળાના વિશાળ ફલક પર પાંગરતી વિવિધ કળાઓમાં ચિત્રકામનું નામ અગ્રેસર છે. સર્વવિદિત સત્ય અને હકીકત એ છે કે ચિત્રકળા ઘરઆંગણે શરૂ થયેલી આદિ માનવોની કળા ગણાય છે જેમાં ઘણું વૈવિધ્ય જોવા મળ્યું છે. ભારતની જ વાત કરીએ તો દેશના દરેક ખૂણે વ્યક્તિગત કળાનાં માંડણ થતાં જોવા મળે - એમાં રંગોળી, અંદર-બહારની ભીંતો પરનાં ચિત્રો સર્વસામાન્ય રીતે સ્વીકારાયેલાં છે. એમાં કુદરત, વ્યક્તિગત પ્રસંગ ચિત્રો, પૌરાણિક ગ્રંથો આધારિત અથવા એનાં સુશ્રુત વ્યાખ્યાનોમાંથી મળેલી વાતોનાં ઉલ્લેખ હોય, તો વળી યુદ્ધ, નવી શોધો (વિમાન-રોકેટ સુધીની), પશુ-પક્ષી ઈત્યાદિનાં પણ માન-પાન જોવા મળે. ''ફાઈન આર્ટસ'' જેવા શબ્દ યુગલથી અજાણ એવા સાદાસીધા માણસો પણ પોતાના મનની ભોમકામાંથી ઊગેલા અને પ્રાપ્ત થયેલા વિચારોને ચિત્રરૂપ આપતા ત્યાંથી લઈને અતિઆધુનિક યુગના તાલીમી અને અનુભવી કલાકારો સુધી આ યાત્રા અક્ષુણ્ણ રહી છે. આ સર્વે પરિસ્થિતિમાં ચિત્રકલાના માધ્યમો, રંગો, અને અન્ય સામગ્રીઓમાં પણ નોંધપાત્ર સુધારા-વધારા થતા રહે છે. વિષય ઉપરાંત સમય (યુગ) અને કળાના આશ્રયદાતાઓ સુધી ચિત્ર કળાનો ઈતિહાસ આજે પણ રંગેચંગે રાજ કરે છે. નવયુગના એંધાણે 'કન્ટેમ્પરરી' અને 'મોડર્ન આર્ટ'ની નિશ્રામાં કળા અને કળાકારો પૂર્ણ કળાએ ખીલેલા દેખાય છે ત્યારે એમ કહી શકાય કે ચિત્રકળા ''પુખ્ત'' થઈ છે - જેમાં પ્રાચીન શૈલીનાં ચિત્રોની યાદી પણ સમાવી શકાય - જેને હવે નવીન વસ્ત્રાલંકારની લગની લાગી છે. મૂળ મહેસાણાના- હાલ અમદાવાદ સ્થિત ચિત્રકાર ચીમનભાઈ ત્રિભોવનદાસ પ્રજાપતિની કળાવિભાવનાને મળીએ.


