Get The App

શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય .

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય                             . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- પ્રિન્સવેલ્સ મ્યુઝિયમ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા

આ મ્યુઝિયમ કયાં આવ્યું ? અરે ! આ તો ગેઇટવે ઓફ ઇન્ડિયા નજીક ફોર્ટમાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય.' છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય. 'મુંબઈનું આ એક શ્રી સ્થળ છે જેની ઇમારતની રચના ખાસ મ્યુઝિયમને લક્ષમાં રાખીને કરાવાઈ હતી. અલબત્ત, અંગ્રેજો પોતાની જે નિશાનીઓ છોડીને અહીથી ગયા હતા તેમાંની જ છે આ એક જગ્યા. રાજા પંચમ જ્યોર્જ પછી' રાજા કહેવાતા પ્રિન્સ ઓફ વેલ્સના રાજ દરમ્યાનની એમની ભારતની મુલાકાત સંદર્ભે બની હતી આ યાદગીરીના પ્રતીકરૂપ ઇમારત. અલબત્ત પ્રસ્તાવ મૂકનાર આ રાજાઓએ મુંબઇ નગરના પ્રતિષ્ઠિત- ધનવાન મહાજનોની આર્થિક મદદ મેળવેલી. ૧૯૦૪માં આવેલ આ વિચારને ૧૪ ઓગસ્ટ ૧૯૦૫માં અમલમાં મૂકી મુંબઈમાં સારાં સ્થાપત્ય હોવાં જોઈએ. એ મુદ્દે અનેક અતિસુંદર ઇમારતો સર્જાઈ. પ્રસ્તુત મ્યુઝિયમનો પાયો ૧૯૦૫મા નંખાયો (પેપર ઉપર). માર્ચ ૧૯૦૭માં સરકારે જમીન આપી- જેનો પ્લોટ અર્ધચન્દ્રકારે હતો. અગાઉની ઇમારતોના જાણીતા સ્થપતિ વિટેટને જ આ જવાબદારી સોંપાઈ અને કાવસજી જહાંગીર સહિત અનેકે પોતાની ધન પોટલી છોડી નાખી. ૧૯૧૫માં ઇમારત તૈયાર તો થઈ પણ આરંભે એનો સેવાકીય ઉપયોગ કરવો પડયો. વિશ્વયુધ્ધ, બાળકલ્યાણ અને મિલિટરી હોસ્પિટલ માટે એનો ઉપયોગ જરૂરી હતો. ૧૯૨૦માં ટ્રસ્ટ કમિટીને આ જગ્યા અપાઈ અને ૧૦ જાન્યુઆરી- ૧૯૨૨ના દિને મુંબઈ ગર્વનરે મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું. આ ઇમારત ગ્રેડ-ૈં હેરિટેજ સાઈટ માટે પ્રથમ પારિતોષિક ખાટી ગઈ. અર્બન હેરિટેજ એવોર્ડ એને ઠેઠ ૧૯૯૦માં મળ્યો. આઠ વર્ષ પછી ૧૯૯૮માં સફાળે તેનું પુન: નામકરણ ઉપરના મુખ્ય શીર્ષક મુજબ થયું અને બોમ્બેને બદલે મુંબઈ તરીકે બમ્બઇ ઓળખાયું. ૧૮૫૮ થી ૧૯૪૭ સુધીમાં ભારતની ઘણીય કાયા પલટ થઈ. ખરે, આ મ્યુઝિયમ દક્ષિણ મુંબઈમાં 'આજની ઘડી પણ રળિયામણી' પદોચ્ચાર કરે છે.

2018માં 'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ'નું છોગું આ મ્યુઝિયમને

૧૦૪ વર્ષની ઉંમર ધરાવતું આ સંગ્રહાલય ફોર્ટના મહાત્મા ગાંધી રોડ પર આજેય અજેય ઉભું છે. કારણ એ છે કે એમાં ત્રણ ચોક્કસ વિભાગોમાં લગભગ ૫૦,૦૦૦ કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. સ્થાપત્ય, કળા અને નેચરલ હિસ્ટ્રી (કુદરતી ઇતિહાસ) મ્યુઝિયમનું પોતાનું સ્થાપત્ય, એની આજુ-બાજુની ઓરા અકલ્પનીય રીતે ભાવકોને હૃદયસ્થ થઈ જાય. એક કોર એની સ્થાપત્ય શૈલી વિકટોરિયન ગોથિક અને આર્ટ ડેકો સંગમ મુંબઇની ખાસિયત મુજબ આપણને આકર્ષે. તો આદિ ઐતિહાસિક કાળના દસ્તાવેજો, કળાના નમૂનાઓ આધુનિક સમયમાં પણ આપણને અચંબિત કરી દે. કળાનો આ પરસ્પર સંબંધ રસિકોને ઓળછોળ કરી દે. સંગ્રહસ્થાનની પ્રસ્તુત ઇમારત ઇન્ડો સાર્સેનિક (ઇસ્લામિક) શૈલી ધરાવે છે. ઉપરાંત મુઘલ, મરાઠા અને જૈન સ્થાપત્યના લક્ષણો પણ એમાં મોજુદ છે. મકાન ચોમેર લીલોતરી, બાગ-બગીચા, તાડ વૃક્ષોથી ઘેરાયેલું છે. ફૂલોની બિછાત પણ અત્યંત રમણીય અને સુગંધી ! ત્રણ એકરના વિસ્તારમાં લગભગ સાડાબાર હજાર મીટરમાં બાંધકામ થયેલું છે. આ ભવ્ય ચણતરનાં કુર્બા બેઝાલ્ટ (સ્થાનિક) પથ્થરો વપરાયા છે. બફ કલરના સ્થાનિક મલાડ સ્ટોનનો પણ ભરપૂર પ્રયોગ થયો છે. ત્રણ માળનું આ મકાન લંબચોરસ બાંધકામ ધરાવે છે. તે ભોંય પર સ્થિત છે અને માથે ગુંબજનો મુકુટ છે એને કારણે મધ્યભાગે એક માળ ઉમેરાય છે. મધ્યસ્થ પ્રવેશ દ્વારની ઉપર જ ગુંબજ છે. પ્રાશ્ચાત્ય ભારતીય તથા ઇન્ડો આર્સેનિક શૈલીનો વિનિયોગ અહીં ગુંબજમા પણ થયો છે. ડોમ ઉપર સફેદ-વાદળી ટાઈલ્સના ટુકડા વપરાયા છે. વચ્ચોવચ્ચ જાણે ગુંબજ બિરાજે છે કમળ પંખુડીઓના ખોળામાં. છાપરે ટોચ પર કળશ, શિખર સહ એ સોહે છે ખૂબ !

CSMVS તરીકે ઓળખાય છે પ્રસ્તુત મ્યુઝિયમ.

કળશ, શિખર સાથે નાના-ગોળ ફરતે શોભતા મિનારાઓ ગુંબજની કિનારીઓને ઘેરીને ઉભા છે. ઇસ્લામિક ગુંબજ બહાર ઝૂલતી શોભનીય ભાતને અને બહાર પડતી (કેન્ટિલીવર) બાલ્કનીઓને બહાલી આપે છે. ભોંયમાં જડતર જેવી ડિઝાઇન મુઘલ મહેલ સ્થાપત્યથી પ્રેરિત છે. સ્થપતિ વિટિટે એને બીજાપુરના ગોળ ગુંબજ 'ગોલકોન્ડા ફોર્ટ'ની બાંધણી આધારે ઘાટ આપ્યો છે. આ ગોળ ગુંબજની કિંમતી કમાનો પણ કમાલની છે. એની રેલિંગ, બાલ્કની અઢારમી સદીની 'વાડા' બાંધકામ (મહારાષ્ટ્ર) મુજબ મરાઠા ભવનની પ્રતિકૃતિ જેવી લાગે. એમાં અંદરના ગોળ સ્તંભો સંગ્રહાલયના મુખ્ય બાંધકામને સેન્ટ્રલ પેવેલિયનમાં (શામિયાણામાં) મૂકી આપે છે- જે મરાઠા શૈલીની બાલ્કનીની નીચે છે. ૨૦૦૮ના સુધારા પ્રમાણે મ્યુઝિયમે ૩૦,૦૦૦ ચોરસફૂટ જગ્યા નવી ગેલેરીઓને ફાળવી. આ સ્થળે અંદર પુસ્તકાલય પણ છે. આ ઇમારતનું મુખ્ય છજું દક્ષિણપશ્ચિમને જુએ છે અને પ્રવેશે બંગાળી શૈલી મુજબનું ઝળુંબતું છજું જોવા મળે. પ્રવેશખંડ (ફોયર)માંથી અંદર જતાં ગુંબજને ટેકો કરતા હોય એમ પોલીશ કરેલા સર્પાકાર આરસના સ્તંભો જોવા મળે. મુલાકાતીઓનો ખંડ અષ્ટકોણી છે. જ્યાં આરામ ફરમાવાય. મધ્યેથી ભરાવદાર ગુંબજ પ્રતિ દૃષ્ટિ થાય. નીચલા માળે પથ્થરના આઠ સ્તંભો ગુજરાતના મંદિરો સમું મિશ્ર સ્થાપત્ય ધરાવે છે. મૂળભૂત કલાત્મક કાષ્ટ પેવેલિયન વાડા-નાશિકથી આવેલુ. બન્ને માળે ગોળાકારે રેલિંગ એક મેકને મળી કમાનરૂપે ભૌમિતિક આકારે સજોવે છે.

લસરકો

મ્યુઝિયમના આંગણામાં બુધ્ધનું સૂતું શિલ્પ છે. આ સ્થળ જેટલું અંદર- એટલું બહાર સુંદર છે. અંદર જવાના ઓરતા તો થાય જ ને ? ચાલો..

કોઈપણ પ્રકારના સંગ્રહમાં સંકલન અને સંતુલન જરૂરી

વૈશ્વિક સ્તરે સંગ્રહાલયોની વિવિધતા અપાર છે. દરેક દેશમાં મ્યુઝિયમ તો હોય જ- એમાંય પાછું વિષય વૈવિધ્ય હોય. આપણે પ્રાચીન સંસ્કૃતિના સંગ્રહની વાતો સાંભળી છે. એનાં સંગ્રહસ્થાનો જોયાં છે. તો અમેરિકા જેવા સમૃધ્ધ અને વિકસિત દેશોમાં વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને સંગ્રહાલયો બન્યાં છે. 'સ્મિથઝોનિયન' શીર્ષક અંતર્ગત મ્યુઝિયમમાં અંદર વિશાળ-પહોળા મેદાનો અને અસાધારણ ઊંચાઈએ છત જોવા મળે. કારણકે ત્યાં અંતરીક્ષ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનને લગતી માહિતી સાથે મોટા મોટા મોડેલ્સ જોવા મળે છે. અમુક મોડેલ્સ તો વાસ્તવિક હોય છે. જેનો ઉપયોગ અગાઉ અવકાશમાં થઈ ગયેલો હોય છે. આ બધાં થયાં નવયુગનાં સંગ્રહસ્થાનો પણ આપણા દેશના મોટાભાગના સંગ્રહાલયોમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાને લગતી વિપુલ માહિતી ઉદાહરણ સહિત જોવા મળે. વળી, આધુનિક અને પ્રાચીન મ્યુઝિયમ્સમાં સમાનતા એ છે કે પ્રાચીન સંસ્કૃતિના પાયામાં વિજ્ઞાનનાં તત્વો અને તથ્યો જોવા મળે છે. તો અર્વાચીન સંગ્રહના પાયામાં વીતેલા જમાનાનાં શાસ્ત્રો અને શોધનાં આકલન થયેલાં જોવા મળે. શું સમજવું આમાં ? સ્પષ્ટ છે એનો ઉત્તર. બન્ને પ્રકારનાં સંગ્રહો જોવા જરૂરી છે એમાં દેશ મુજબ તેના સંજોગો અનુસાર વિષદ માહિતી મળે અને અંતે તો જ્ઞાનપ્રાપ્તિ જ થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી.