Get The App

અમૂર્ત નિસર્ગચિત્રોમાં રંગ, કાવ્ય, સંબંધ .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
અમૂર્ત નિસર્ગચિત્રોમાં રંગ, કાવ્ય, સંબંધ                     . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

મૂળિયાંનાં પ્રતિબિંબ અમૂર્ત સ્વરૂપે

છત્તીસગઢનું ખૈરાગઢ નામનું શહેર સંસ્કૃતિ અને કળાને પ્રેમથી પોષે છે - જ્યાં ચિત્ર, સંગીત અને સાહિત્ય નિર્ભીકપણે એક સાથે શ્વસે છે. યુવા કલાકાર વિપીન પર્યાવરણના પોતને ઓઢીને જીવન સંગીતના લયને હૃદયે ધરી કળાની વારસાગત સંવેદનશીલતા અને જીવંત ઇતિહાસને પોતાના રૂધિરમાં વહેવા દઇ તેનું અનોખું પ્રતિબિંબ પોતાનાં ચિત્રોમાં સ્વયમ્ તો નિરખે જ છે પણ ભાવકોને પણ તેઓએ પ્રવાહમાં જોડી જાણે છે. ચિત્રની શૈક્ષણિક તાલીમ લઇને દેશ-વિદેશના પ્રવાસને કલાયાત્રામાં ફેરવી તેમણે વૈશ્વિક મહારથી કલાકારોનાં કલાપ્રયાસોને પચાવવાની પહેલ કરી છે - હા, પણ એમની કળામાંથી નરી મૌલિકતા નીતરતી જોવા મળે છે. સાથે સાથે ભારતીયતાને ઊની આંચ પણ ન આવે એવા અભિગમથી છેક મૂળિયાં સુધી પહોંચવાની તેમની તૈયારી, તેમના કર્મ અને ખંતને કારણે તેમને 'ધરતી સોતા પુત્ર'નો ઇલકાબ આપી શકાય. તેમનાં ચિત્રોમાં જોવા મળતા વૈવિધ્યપૂર્ણ માધ્યમો, પ્રતીકો, સ્વરૂપો અને પ્રયોગોને કારણે રૂપકોને પ્રયોજવાની તેમની સૂઝ અને ઝીણવટભર્યાં નિરીક્ષણોને દાદ આપ્યા વિના રહી ન શકાય. તેમનો ભાષા પ્રેમ, લિપિ પ્રત્યેનો અનુરાગ, સાહિત્ય પ્રીતિ તેમનાં ચિત્રોને ખાસ બનાવે છે. ફિલસૂફી અને આધ્યાત્મિક વલણ ઉપરાંત તેમની વિચારધારામાં ગોપાયેલા કાવ્યતત્ત્વને, સંગીતપ્રેમને, નૃત્યાત્મક વલણને કારણે તેમનાં ચિત્રોના કેનવાસ રંગમંચની કક્ષામાં મૂકાઈ જાય છે. જીવનને ઝીણવટથી જોવાની, કુદરતી તત્ત્વોમાં એકરૂપ થઇ જતી દ્રષ્ટિને ખીલવવાની તેમની ટેવ સ્વયમ્ એમનાં કલાકર્મોમાં ઓતપ્રોત થઇ જાય છે. એ બધું એકમેકમાં ભલે ત્યારે જે તૈયાર થાય તે આ કલાકારનું ઉત્તમ સર્જન. એ જાણે જરૂર અમૂર્ત કળાના પૂર્વસૂરિઓનું અને તેમનાં અણમોલ સર્જનોનું સ્મરણ થઇ આવે.

સ્મૃતિ સામગ્રીમાં અને સામગ્રી પ્રતીકોમાં તબદીલ

પ્રસ્તુત ચિત્રકાર નાની મોટી ફ્રેઇમ્સમાં ચિત્ર તો કરે જ છે પરંતુ રંગ સાથે સાથે કાપડના દોરાના રેષા, લોખંડની ખીલી, જુદી જુદી ધાતુઓના અને તાંબાના તાર, કાગળના માવા, બળેલા કાગળ, રાઇસ પેપર, લાકડું, દોરા, રાખ, સાડી, અન્ય વસ્ત્રો શણ જેવી અસામાન્ય સામગ્રીઓ વડે એને સજાવે છે અને એ ચિત્ર બની જાય છે. હસ્તકલાનો અનન્ય નમૂનો. એમાં કલાકારનું શિલ્પદર્શન પ્રાપ્ત થાય છે. રંગના પડ ઉપર પડ ચડાવતી વખતે એ માધ્યમ, રેખા અને રૂપની સુમેળભરી સમજનો પરિચય આપે છે. આ તત્ત્વો ઉપરની વિપીનની પકડ લાજવાબ છે. અહીં ભારતીય કલાશ્રેણીનું ભાવિ મંડાય છે જ્યાં સામગ્રી, માપદંડ અને અભિવ્યક્તિમાંથી એક નવી ભાષા જન્મ લે છે. તે સમે કલાકારના કલાપ્રવાહના એક નિર્ણાયક પડાવના ટકોરા રણકે છે. આમાં ચિત્રનો વિષય મગરૂર બનીને મ્હાલતો લાગે ! ચિત્રમાં ઉમેરાતી ભૌતિક વસ્તુ સાધન બની જાય છે જે સાધ્ય તરફ ગતિ કરે છે. આ માધ્યમ વડે સમય અને સત્યને સ્પર્શતી કળા ખાસ્સી પોરસાતી લાગે છે. 'સ્મૃતિ સૂત્ર' વિષય અંતર્ગત વપરાયેલી કાપડ, દોરી, બળેલી સપાટી પડદાર પોત દ્વારા જીવનની ક્ષણોને અંશત: પકડીને જોડીને રાખે છે. ખેતરો, નદી, પર્વતો, ઇતિહાસ ગ્રામીણ પરંપરાઓ અને આધ્યાત્મિક ધાર્મિક, વિધિઓ સાથે સુમેળ સધાતો અહીં અનુભવાય છે. સાધનો કદાચ ઊંડાણપૂર્વક વ્યક્તિગત હોય પણ સાર્વત્રિક રીતે એ જરૂર રણઝણતાં હોય 'પ્રકૃતિ દ્રષ્ટિ' અહીં કલાકાર કવિ બની જઇ બાજ પંખી જેવી તીક્ષ્ણ અને ચકોર દ્રષ્ટિથી કુદરત અને ભાવનાઓને એક કાવ્યાત્મક અભ્યાસાત્મક ભાષામાં રજુ કરે છે. 'બંધન સૂત્ર'ની ખીલી, તાર ઇત્યાદિ સામગ્રીઓ શરીર અને લાગણી વચ્ચેના અદ્રશ્ય સંબંધોને સ્પર્શે છે. આધુનિક કલા, સામગ્રી અને ચિત્રાંકનો તથા સર્જન સંયોજન સાથેના કલાકારના વૈચારિક સંવાદોનો આ નિષ્કર્ષ છે જે પ્રેરણાદાયી છે. આ ચિત્રો અમદાવાદની કલાસંગ્રહ કરતી સંસ્થા 'ડી.આર.એસ.માં ચૈત્યભાઈ અને ધન્વીભાઈની નિશ્રામાં આનંદે છે.'

રંગનો સાદ, પ્રકૃતિદત્ત વિહંગાવલોકન, ઉપવન સમ સંતુલન

રંગ, રેખા અને સ્વરૂપની અંતરતમ રમત, પારદર્શકતા અને પ્રકાશમાંથી પસાર થતાં અનુભવનું ઊંડાણ એ કલાકારની શોધ છે. લાકડા ઉપર મિક્સ મિડિયા થકી ભૌમિતિક ભાત, લિપિ અને અંકપ્રયોગ થકી વિપીન સાંગીતિક લય જન્માવે છે. વર્તુળ સાથે વળાંક લેતી લકીરો કવચિત સીધી રેખા, ત્રાંસી રેખા, પ્રતીક અને રૂપકમાં પરિવર્તિત થાય છે. કથ્થઇ, સફેદ, સ્હેજ સ્હાજ પીળો, લીલો રંગ રંગ છાંટણાં જેવાં ભાસે છે. સામગ્રી વર્ણન નહિ; યાદ કરે છે. રંગોપણ વિવરણ નથી કરતા તે બોલે છે. ચિત્રો માત્ર રજુઆત નહિ... કેટલું બધું ધારણ કરી લે છે ! એમના લસરકામાં સંગીતની ભાષા છે - લિપિના ઓજસ છે. વાસ્તવિક્તાને તેઓ વાગોળી પોતાનાં કરી લે છે. દિલની ધડકનમાં ઉછાળો આવે એવા મિક્સમિડીયાવાળા અન્ય એક ચિત્રમાં કાળા, કથ્થઇ, વાદળી, કેસરી, લાલાશ પડતા રંગોની ઝૉંયમાં શોભે છે. વર્તુળોની પુન:પુન: રજુઆતો, ચોરસ આકારનું બાહુલ્ય, દેવનાગરી લિપિ અને એમાં જ અંક નિરૂપણ દર્શક એ બધાનાં અનુસંધાન શોધે ત્યારે પોતાને એમાં મેળવે ! પ્રભાવી કેસરી વર્તુળ ભરતકામ જેવું ઉપસી આવે છે. ચોરસ ફ્રેમમાં વલયો દેખાય. વળી, વચ્ચે નદી જેવી લાંબી વળાંકદાર વાદળી જળ વાળી, લકીર કુદરતી સૌંદર્યની પુષ્ટિ કરે છે. રંગોમાં છાયાદાર અંકનમાં ભાવકોના ભાવ ભલી જાય. એક કોર ત્રાંસી રેખાઓ નવીન આકારમાં પરિણમે અન્ય ચિત્રમાં કેનવાસ પર એક્રેલિક રંગની જમાવટમાં અસંખ્ય રંગબેરંગી અમૂર્ત આકોરા આડા-ઊભા લાગે. ક્યાંક માનવ આકૃતિનો અણસાર આવે ત્યં ક્યાંક વૃક્ષનો ! રસિકોની સર્જનાત્મકતાનો ઉભાર અહીં અનુભવાય. આછા ઘેરા રંગોનો મેળાવડો ! રેખાવિશ્વ સંદેશો આપે કે જિંદગીમાં રસ્તા મળે છે - પણ આડા અવળા ! કલાવ્યાંસંગીઓને જે અને જેવું મળે એમાં ખૂંપી જવાની શુભેચ્છાઓ !

લસરકો :

સ્વરૂપની પુખ્તતા અને ક્રાંતિ કરવા માટેની શક્તિ વિષય અને માધ્યમને એકરૂપતા બક્ષે છે.

કુદરતને કદીયે ઓછી ન આંકીએ

માનવ જીવનમાં પ્રેરણાદાયક બળ પૂરું પાડતી પ્રકૃતિરાણી પ્રત્યેક પળે હરેક ક્ષણે પોતાના ચિરંજીવ વ્યક્તિત્વની અને અસ્તિત્વની ઝાંખી કરાવતી રહે છે. અતિ આધુનિક યુગની ટેકનોલોજી અને તેના ઉપયોગ કરતાં કરતાં ક્યારે આપણે એનો દુરુપયોગ કરવા માંડીએ છીએ એની ખતખબર આપણને રહેતી નથી. જ્યારે વાસ્તવિક્તાનું ભાન થાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે જેનો અફસોસ કરવાની સુધ પણ આપણને રહેતી નથી. કુદરત સમયાંતરે રિસાઈ જઇને માનવને સ્વાર્થ પ્રેરિત કાળાં કામો હજી કેટલી સદીઓ કરતી રહેશે એ અંગે આપણે અજાણ અજ્ઞાાત છીએ. ખબર એટલી છે કે કુદરત નામની માતાની હાકલ સંભળાતી હોવા છતાં સંભળાતી નથી અને પ્રાકૃતિક તત્ત્વોનાં બિહામણાં તાંડવનૃત્ય અને વહેણમાં આપણે તણાતાં જઇએ છીએ. હવે; તાતી જરૂરિયાત છે એને જાણવાની, માણવાની... તેથી જ એને હણવાના સઘળા પ્રયત્નો, પ્રયોગો અને પ્રવેગોને આપણે તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે. નિસર્ગનાં અનેક સ્વરૂપો જેવાં કે નદી, સાગર અને ડુંગર વગેરે હવે તો રમણે ચડયાં છે. એ પોકારી પોકારીને કહે છે કે હવે બસ... હવે બસ... બંધ કરો કુદરત સાથે રમવાનું. એના 'મય' બની જઇએ પણ એની ઉપર કદી ચડી ન બેસીએ. લાગણી બહેરા મનુષ્યોને શીખ મળે એટલા સારુ સારા એવા પ્રયત્નો થઇ રહ્યા છે. પ્રત્યક્ષ નહિ - તો પરોક્ષ રીતે જાતને પ્રકૃતિમાં પળોટીએ. એને માટે સીધો ઉપદેશ નહિ. પરંતુ આડકતરો અણસાર આપી શકે છે કળાના અનેક વિધ આયામો : નવલોહિયા કલાકારોને પ્રેરણા આપે એવા યુવા ચિત્રકલાકાર છત્તીસગઢના વિપીનસિંહ રાજપૂતનાં કલાકર્મો કેવાં ઇજાન આપે છે તે જોઇએ.