- રસવલ્લરી-સુધા ભટ્ટ
વાળુકેશ્વર, બાણગંગા એ જ વાલકેશ્વર
ઐતિહાસિક વાલકેશ્વર મંદિર ૧૧૨૭ છઘ માં બંધાયેલ અતિ પ્રાચીન સ્થાપત્ય છે જેના અંશો ૧૮૫૫ માં સંશોધકોની નજરે ચડેલા. આ અદ્વિતીય સ્થાપત્યના બે શિલાલેખો મંદિર ખાતે છે. આ મંદિર શિવને સમર્પિત છે કે જે પવિત્ર જળકુંડ ધરાવે છે. એ બે જાતનાં મંદિરો છે. સ્થાપિત અને સ્વયંભૂ દસમી સદીમાં લક્ષ્મણ દ્વારા લવાયેલ લિંગની પધ્ધતિસરની સ્થાપના સિલહરા રાજાએ કરી આ વિસ્તારમાં કુલ ચાર મંદિરો ઊભાં કર્યાં. વાલકેશ્વર, ભૂલેશ્વર, ઠાકુર દ્વાર (માહિમ) અને વ્યંકટેશ (ફૉર્ટ) મંદિર જ્યાં જાજરમાન 'કટ સ્ટોન મેસનરી' સહિત ધ્વજધારી ગુંબજ જોવા મળે. સભામંડપ અને ગર્ભગૃહમાં આરસ ચળકે. આ મંદિરોમાં સ્થાપત્ય શૈલીમાં ખાસ્સો મેળ જોવા મળે. વાલકેસ્વર મંદિરમાં સભામંડપમાં ચાંદીના પતરાંવાળાં બારણાં છે. ૭૫ ફિટનો પ્રદક્ષિણા પથ અલબત્ત હવે બંધ છે. પ્રવેશે પાષાણ નંદી છે જે ગર્ભગૃહ તરફ તાકે છે. મંદિરમાં ૨૭ તો ઘંટ છે. 'પિંડી' મહાદેવનું પ્રતીક લક્ષ્મણ કવચ છે. ગૂંચળું વાળેલા નાગ પર તે બિરાજમાન છે. ઉપર પિત્તળનું અભિષેક પાત્ર છે. ગળતી ધારા દેવની શક્તિનું પ્રતીક છે. લિંગ બાજુનું દ્વાર બંધ છે. કારણ કે શિવજીની પ્રદક્ષિણ કદી પૂર્ણ થતી હોતી નથી. ૧૭૮૯ છઘ માં મુંબાદ્વીપ ટાપુના આ મંદિરમાં મરાઠા રાજ દરમ્યાન જિર્ણોધ્ધાર થયેલો. ગર્ભગૃહમાં આરસના ગણેશજી, ચોરસ આરસના મકર ઘરમાં પાર્વતીજીનો નિવાસ છે. અહીં વિષ્ણુ અને લક્ષ્મી પણ ખરાં. જરા ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરી વાલકેશ્વર મંદિરના શિખરને તો નિહાળીએ ! પ્રમાણમાં વિમાન (શિખર)નો દેહ પાતળો ને લાંબો છે જે ઉત્તર ભારતીય નાગર શૈલી સમકક્ષ છે. શિખરે આરંભે પ્રવેશ દ્વાર જેવી સ્તંભીય રચના છે. સાથે સાથે છેક ટોચ પરના આમલક એન કળશ, કુંભ, ધ્વજ સુધી અનેક નાનાં મંદિરોની આકૃતિઓ જાણે એકમેકનો સાથ મા'ણે !
વાળુકેશ્વરને તીર્થધામ શા માન-સન્માન !
વાલકેશ્વરનું શિખર ક્રમશ: ઊંચે જતાં સુધી રસિકોનું ધ્યાન આકર્ષે છે. નાગર શૈલીના શિખરના ત્રણ પ્રકારો નોંધાયેલા છે. લતિના, શેખરી અને ભૂમિવ્ય. કંધારિયા અને ડેક્કનના મંદિરોમાં લતિના શિખર સ્થાપત્ય મોટે ભાગે દેખા દે છે. એમાંનું પ્રસ્તુત શિખર હોઈ શકે એવું માની શકાય. દ્રવિડિયન વિમાનનાં લક્ષણોને ઝીણી આંખે નોંધી શકાય. હવે આ જ પ્રકારનું પણ વધુ શૃંગારિત શિખર પ્રસ્તુત પરિસર સ્થિત રામેશ્વર મંદિરનું ગણી શકાય. હા, વાલકેશ્વર કરતાં મંદિર નાનું પણ શિખર કલગી સમાન શોભાયમાન ખરું ! મંદિર ભીતર જતાં પહેલાં પણે જુઓ... આ શિખર બાણગંગા તળાવ પર ઝૂલતું, ઝૂમતું, ડોકું કાઢતું, ઝળુંબતું, ઊંચેથી નીચે નિરખતું રામેશ્વર મંદિરનું શિખર પણ ઉત્તર ભારતીય નાગર શૈલીનું સર્જન છે જેમાં આમલક અને કળશ છે. તેમાં ધાતુનો ઘડો હોય જેની પડઘી પહોળી છે અને મુખ સાંકડું છે. શિખર પર બિરાજતા આ અંશની ચારે કોર સિંહોની ચાર આકૃતિઓ દ્રશ્યમાન થાય છે. શિખરની પૂર્વીય બાજુ તળાવ સન્મુખ છે. અહીં શિવના નટરાજ અવતારની નકશી-કોતરણી યુક્ત મૂર્તિ છે અને શિખર તો જાણે સ્વયમ્ મંદિર ! અતિ કલાત્મક રચના. મંદિર મથાળે, શિખર મૂળના આરંભે પ્રવેશ દ્વાર ! એ દ્વાર સ્તંભ ઉપર શિલ્પાકૃતિઓ, બારસાખે કોતરણી, વળી બારસાખ ઉપર ગોળાકાર સ્તંભો અને નીચે કુંભીના સ્થાને આમલક જેવી ગોળ પડઘી. આ આગળ પડતી રચના પર અચૂક નજર પડે જ. અન્ય સ્તંભ ઉપર કેપિટલ (મથોડા) અને એના આધારે ઊભેલી શિખરાકાર આકૃતિ. આકાર પિરામિડલ કુંભી સ્થાને ચોરસ ચબૂતરા જેવી રચના. સૌથી ઊંચે વિમાન ટોચે પણ આમલક અને કળશ. પથ્થરના પડઘીદાર સ્તંભો ઉપરથી દેખાય. ગોળ ફરતી શિખર શ્રેણીઓ રાસે રમે. સળંગ બાહરી ભીંતો અલંકૃત !
કાશી મઠ સહિત
અન્ય મઠ નાનાં મંદિરોનું મહત્ત્વ
રામેશ્વરનો આ શિખર પ્રવાસ ખાસ બની રહે છે. મુખ્ય આમલકમાં દેવાકૃતિ શિલ્પ અને એની ઉપર વળી પાછું આમલક ! ટોચ સુધી પહોંચતી કલાત્મક ભાત. લાલિત્યપૂર્ણ આકારો. નજાકતભરી ભૌમિતિક ભાત શિખરને શોભાવે. ઊભી રેખાઓ વડે શિખરના અંશો ત્રણ ભાગમાં વિલસે. વળાંકદાર કુસુમાંકિત રેખાઓ સંગ સુશોભનના ખોળે બિરાજે દેવી મા ! વચ્ચે વચ્ચે આડી પટ્ટીઓની સુંદર ભાત થપ્પીદાર. મંદિર દીવાલને ઝરૂખા. કમાનવાળી ગોથિક શૈલી જેવી ટોચદાર ગુંબજની રચના ! કદાચ પ્રાચીનકાળે એની ઉપર ધ્વજ હશે એવું લાગે. પ્રાચીનતાનો અલભ્ય નમૂનો. ફૂલ, પત્તી વલ્લરી સહ જાળીનું શોભન મનહર. નાના મોટાં દરેક શિખરને શાસ્ત્રીયતા અપાઈ છે. આ સાવ નોખા અનોખા સ્થાપત્યમાં શિખર શરીર ઉપર પણ પ્રવેશ દ્વાર બન્ને બાજુએ વચ્ચોવચ્ચ ત્રણ ત્રણ આમલકની થપ્પી શું કહેતી હશે ? મૂળ વાલકેસ્વર મંદિર પછીના ઘણા લાંબા ગાળે બંધાયેલી આ મંદિર નાનું છે. જે લગભગ ૧૮૨૫ થી ૧૮૪૨ છઘ દરમ્યાન બંધાયેલું. અહીં આવેલ અન્ય નાનાં મંદિરો અને મઠ પણ આ તળાવની ધારે છે. બન્ને મંદિરો લગોલગ છતાં અલગ છે. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ શિવ મંદિરનું નિર્માણ રાઘોબા જિવાજી જયકરે કરાવેલું. અહીં સભાગૃહ (મંડપ) કોંકણ શૈલીનું છે અને ગર્ભગૃહ નાગર મંદિર સમાન. દક્ષિણ ભારતના રામેશ્વરમ સાથે સરખામણી ન થાય પરંતુ એ યાદ તો આવે જ - કારણ બન્નેના આત્મામાં રામ વસે છે !
લસરકો :
આપણી કળારાણીનું પ્રારબ્ધ જુઓ ! અન્ય સ્થાપત્યોની જેમ અહીંના મંદિરોના અવશેષો નકશી કોતરણીના અંશો સહિત બ્રિટીશર્સ લૂંટી ગયેલા. હાલ એ ભગ્નાવશેષો બ્રિટનના સાઉથ કેન્સિન્ગટનના ઇન્ડિયા હાઉસ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલા છે.
તં વાલુકેશ્વરમહં વંદે અનંત કૃપાનિધિ શાન્તમ ।।
આપણા ભારત દેશમાં ધર્મસ્થાનો, તહેવારો, ઉત્સવો, તીર્થયાત્રા તેની ભજવણી અને ઉજવણીમાં વ્યસ્ત રહેતા હોંશીલા લોકો દરેક ઇષ્ટ દેવ પ્રમાણેનાં શ્રી સ્થળો શોધી જ કાઢતા હોય છે અને એ મુજબ જે તે સ્થળે જવાનાં 'નિમ' પણ લેતાં હોય છે. મુંબઇના બાણગંગા તળાવનાં પવિત્ર નીર અનેક પ્રાચીન મંદિરોનાં ચરણ પખાળે છે ત્યારે અરબી સમુદ્ર પણ ધન્યતા અનુભવતો હશે. એક જ સ્થળે સોનાની લગડી જેવાં પ્રાચીન મંદિરો જડી આવે છે તે 'વાલકેશ્વર' સંકુલ શબ્દ 'વાળુકેશ્વર' રેતીના શિવલિંગ પરથી ઉતરી આવ્યો છે એ આપણને સૌને વિદિત છે. બારમી સદીના એ સ્થાપત્યનું પુન: અવતરણ કરાવનારા સિલહરા રાજવંશે પંદરમી સોળમી સદીથી એને જીવંત કર્યું. પ્રાચીન શિવલિંગ હજી અખંડ અને પ્રસ્થાપિત રહ્યું છે એનું ભાવિકોને ગૌરવ છે. પ્રસ્તુત પરિસરમાં ઠેર ઠેર દીપસ્તંભ અને દીપ માળ પ્રત્યેક પૂનમ અને અમાસે ઝળહળી ઉઠે. આ સ્તંભોની બાતમી ભીંત પર લાગેલા દટ્ટાઓ ઉપર કબૂતરોનાં ઝૂમખાં ઉમટી પડે છે. એ સ્થાપત્ય ગોવાના 'ગોવન સ્થાપત્ય શૈલી'નાં અગત્યનાં લક્ષણો ધરાવે છે. મહારાષ્ટ્રમાં પણ આવાં દીપસ્તંભો પ્રચલિત છે. પારંપરિક ટાવર જેવા ભારતના આ સ્થાપત્ય અંગો સાથે તટે ઊભાં મંદિરો સુધી જવા માટેના પથ્થરનાં સોપાનો નજરે ચડે. જ્યાં નાનાં મોટાં અનેક મંદિરો દેરી ઉપરાંત સમાધિ, ખુલ્લાં થાનક, કુળદેવતા, ગોખલામાં દેવ સ્થાપન, દ્વારપાળો, પવિત્ર પીપળા, મંદિર મંડપના પથ્થરો વગેરે દેખા દે જે મૂળભૂત પ્રાચીન વાલકેશ્વર મંદિરમાંથી લેવાયેલા હતા. એમાં પથ્થરની એક પેનલ પણ છે. આ બધું પરિણામ પોર્ટુગીઝોના હુમલાઓનું છે.


