- રસવલ્લરી-સુધા ભટ્ટ
કળાજ્ઞાનના હિંદી મહાસાગર-ચિત્રકાર પ્રેમજિતજી
દીવનાં અનેક સ્થાપત્યો ભૌતિક રીતે તો જાણે કે 'નમાયાં' થઈ ગયાં લાગે. ગામમાં યુરોપિયન અસરનાં મકાનો, શેરીઓ અને લોકજીવનમાં પણ બદલાવ આવી ગયા છે તેથી પોર્ટુગલ ઓછાયો હળવે હળવે ઓસરતો લાગે પરંતુ એક અતિ સુંદર ફેરફાર અહીં આવ્યો. જેમનો આપણે વિગતે પરિચય અહીં પામવાના જ છીએ એવા એક અદના ચિત્ર કલાકારના આગવા કળા પાસાને અહીં આપણે માણીએ. જાણે કે એક થયો જાદુ અને સ્થાપત્ય તથા ચિત્રકળાનો સુભગ સમન્વય કલાદીપ થઈને ઝળહળ્યો. આ કલાકર્મીની રખડપટ્ટી, એમનું નિરીક્ષણ તથા તેમની કારીગીરી સમા સ્થાપત્ય ચિત્રો રસિકોની આંખોને વિસ્ફારિત કરી જ દે ! ૧૫૩૫ ની સાલમાં બંધાયેલો દીવ ફોર્ટ ભવ્ય અને વિશાળ. જે જુએ દરિયા ભણી ! મિક્સ યુરોપિયન શૈલી દીવ ટાપુનો વૈભવી વારસો છે જેને આ કલાકારે કાગળ ઉપર ઉતાર્યો છે. ઝીણી જાળી જેવી ગૂંથણી રેખા ચિત્રોમાં શ્વેત શ્યામ રંગ વડે આઈવરી પેપર ઉપર જેલ પેનથી કરી છે. જે ટકાઉ છે. ૧૬૧૦માં બનેલ સેન્ટ પોલ્સ ચર્ચ બારીક શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. એની ઝીણવટભરી કાષ્ટકળા, છજાં શાસ્ત્રીય પોર્ટુગલ કળાનાં જાણે કે સિક્કા છે ! એનું ચિત્ર પણ હૃદયંગમ. માત્ર ઇમારત નહિ. આસપાસ દરિયો અને ઉપર વિશાળ આભ વાદળ એ બધું આ ચિત્રોએ ઝીલ્યું છે. સેન્ટ થોમસ ચર્ચ અને ગામનું પ્રવેશદ્વાર - બન્નેમાં ગૉથિકને મળતી બાંધણી છે. એનાં અરે હા, સ્થાપત્યોનાં પણ રૂપચિત્રોમાં રૂપાંતર કર્યાં છે આ કલાકારે. પોર્ટુગલ શૈલીનાં લક્ષણો ધરાવતાં મકાનોનાં પ્રાંરણ, બાલ્કની તૂટી ગયાં પણ પેપર ઉપર, કેનવાસ ઉપર જીવતાં રાખ્યાં. પ્રેમજિત ભાઈએ. ચાંપાનેરી કમાનોને મળતા આવતા પથ્થરનાં સ્થાપત્યની કળા કમાનોમાંથી ડોકિયું કરે તેનાં ચિત્રાંકનમાં અણિયાળા મિનારા વાદળોને ચૂમે. એક સ્મારકમાં તો અનેક પાત્રો બારકાઈથી આલેખાયેલા મળે. એમાં અરેબિક, ઇસ્લામિક કળાની ઝાંખી થાય અને શ્વેત શ્યામ વર્ણમાંથી મેઘધનુષ પ્રગટે!
પિતાજીના લોહીમાંથી પ્રગટયું કળામૃત
દીવના ઘૂઘવાટભર્યા દરિયાને કાંઠે પેઢીઓથી દક્ષિણ ગુજરાતનો બારિયા પરિવાર શ્વસતો હતો. એમાંના શ્રી ભીમજીભાઈ બારિયાને ઘર આંગણે ૧૯૫૨ માં એક પુત્ર રત્ન જન્મ્યો. જેમનું નામ છે શ્રી પ્રેમજિત બારિયા. ભીમજીભાઈ મર્ચન્ટ નેવીના કામકાજ નિમિત્તે સતત પ્રવાસશીલ રહેતા. ચિત્રકળાના શોખીન એવા આ સજ્જનને 'કળા'નો ન હતો ભાર કે ન હતી સજગતા. પરતુ દેશ વિદેશથી તેઓ કાગળ, રંગો, પીંછી, પેલેટ (રંગદાની) વગેરે લાવતા અને જહાજ પર પ્લેટ, અભેરાઈ, કાગળ પર ચિત્રો કરતા. ઘરે આવીને પણ સૂપડા, ભીંત કે બારસાખ પર ચિત્રો કરતા. બસ, આ જ હતો કળાનો પ્રથમ સ્પર્શ. પ્રેમજિતભાઈ દરિયે ઉછર્યા ને દરિયાખેડુઓ તથા માછીમારો સાથે દોસ્તી થઈ તેને કારણે મનમાં રમતી ચિત્રકળાને વિષયો મળતા ગયા. માછલી, શેવાળ, લીલ, જીવાતો, પરવાળા અને અલબત્ત સાગર જળ ! સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ પાડતા આ દરિયા તત્વોને કારણે આખીય સૃષ્ટિ ઝળહળતી, જીવંત અને પ્રકાશમય લાગે ! દરિયાઈ મોજાં આમ તો આડે પટ્ટે ઉછળે પણ એમને ઊભાં પટ્ટે પાણીમાં નાવીન્યપૂર્ણ પ્રાણ જણાયા તેથી તે એમનો 'ટ્રેડમાર્ક' થઈ ગયો. તેમને ગામ, ઘર, સમુદ્ર, માછલી આકર્ષે અને એનો થયો અનુરાગ ! અરે ! દોરા, ધાગા જેવી સામાન્ય વસ્તુનાં ગૂંથણ થકી તેનાં અનેક કોલાજ પણ બનાવ્યાં. ચિત્રોમાં મોર્ડન-સાંપ્રત અને રિયાલિટી- સત્યનો અહેસાસ એમને હૈયે વળગ્યો. સી.એન. ફાઈન આર્ટ્સ સંસ્થામાં ડિપ્લોમાના અભ્યાસ
દરમ્યાન ક્લૅ મોડેલિંગ, શિલ્પ આદિને મૂળથી પિછાણ્યાં.ગુરૂણામ્ ગુરૂ શ્રી રસિકભાઈ પરીખને હૃદયે વસ્યા. શ્રી નટુભાઈ પરીખ પાસેથી દરિયાની નાડ પારખતા શીખ્યા. અહીં કળામાં 'ફિનિશિંગ ટચ'ની ટેવ પડી અને જળરંગ તથા એક્રેલિક રંગનો વિનોયોગ કરતા થયા. પ્રિય અનંત પાત્ર માછલી અને અન્ય જળચરોને રંગજળમાં તરતાં-સરકતાં તો એમણે જ શીખવ્યું !
પ્રત્યેક કળા અને સમાજ એકમેક પર નિર્ભર
પ્રેમજિતભાઈ એક નખશિખ કલાકાર તો છે જ - સાથે સાથે એક નોંધપાત્ર અગ્રણી કળાશિક્ષક છે. ઉગ્રતાને ઉગારે તેવા માર્ગદર્શક છે. તેમના દરેક લસરકાએ વારસાનું રક્ષણ કર્યું છે. કલા કૌશલ્યના એક આદર્શ ગુરૂ એવા આ કલાકારે પોતાના માસ્ટર પીસ જેવા શિષ્યનું સર્જન કર્યું છે. ચિત્રશિક્ષક તરીકેના સુદીર્ઘ પ્રદાન અને કળાનિષ્ઠાને કારણે તેમને 'પદ્મશ્રી' નો ઇલ્કાબ પણ મળ્યો છે. અન્ય માન-સન્માન તો ખરાં જ. દીવના દરીયાની ક્ષિતિજે ઉગેલા આ ધુ્રવ તારકે 'કલાસંવાદ' સાધીને અનેક કલાકારોને ઘડયા. લઘુચિત્રોનાં આ તજજ્ઞા કલાકારે સમાજ સાથે રહીને દીવના 'બાલભવન'માં ચિત્ર શિક્ષણનો યજ્ઞા જ આરંભેલો. નવું નવું જાણવાનું બાળસહજ ઔત્સુક્ય તેમને 'ગોંડ' ચિત્રકળાનો પણ પરિચય કરાવે છે. સોલો અને ગુ્રપ પ્રદર્શનોના આંકડાની તેમને તમા નથી. પણ કલાસભર સમર્પિત ભાવથી તેઓ અન્યનાં જીવન ઉજાળી જાણે છે. જે કળાકાર કુદરતી પ્રકાશતત્વના પ્રદેશને સમજીને તેનું સમર્થન કરે છે તે સદ્ગુરૂ ! સર્જનાત્મકતાના પોષક-પારસમણિ સ્પર્શવાના આ શિક્ષકે દીવને આંતરરાષ્ટ્રીય નક્શા પર મૂકી આપ્યું અને દીવનો દરવાજો કલાકારો માટે આકાશ દર્શન તેમજ દરિયા દર્શન નિમિત બની રહ્યો. કુદરત, કળા, સમાજ એક મંચ પર એક સાથે આવે એવી એમની પ્રબળ ઇચ્છા અને એવો જ પ્રભાવ ! એમની ચિત્રકળાના નમૂના અનેક મહાનુભાવો અને સંસ્થાને કૃતકૃત્ય કરે છે. કલાકારની સમરસ દ્રષ્ટિ સુંદર પ્રભાવક કેનવાસ સર્જે તે એમનું કામ. અન્યના મનોજગતની માટીમાં કલાબીજ રોપવાનું કામ પ્રેમજિતભાઈ કરે અને કલાની અસીમ સેવા કરે એ જ જ્ઞાનયજ્ઞા !
લસરકો
સાચા કલાકાર અને ગુરૂ બહુરંગી વિશ્વ ઊભું કરે, ચિત્રમાં લસરકા કરે, કવિની જેમ કવિતા કરે અને શિલ્પીની જેમ પિંડને કંડારે તો જગત ઝગમગ થાય...
સમર્પિત કળા વારસામાં પરિવર્તિત થાય
ભારતના ગુજરાતનો દરિયો ૧૬૦૦ કિ.મી.નો કહેવાતો હતો તેની પુન: માપણી ૨૦૨૫ માં કરવામાં આવી અને હવે મંત્રાલય દ્વારા તેની લંબાઈ ૨,૩૪૦.૬૨ કિ.મી. જેટલી નોંધવામાં આવી છે. એવા એક અહેવાલને પગલે દરિયા કિનારાના અનેક પ્રવાસન સ્થળો યાદ આવે પરંતુ સૌરાષ્ટ્રના સાસણ ગિરની સાથે જેનું નામ જોડાઈ અને જડાઈ ગયું છે એ કેન્દ્ર શાસિત રાજ્ય-શહેર દીવનું સ્થાન વર્ષોથી અવિચળ રહ્યું છે. દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલીનાં નામ માન અને પ્રેમથી લેવાય છે એની પાછળનું મુખ્ય પરિબળ છે દરિયો. હા, જુદા જુદા પરદેશી શાસકોએ આ સ્થળોએ પોતાની અમીટ છાપ છોડી છે. આ બધામાં દીવના દરિયા સાથે જોડાયેલ સ્થાપત્યોનો મોભો કંઈક ઓર જ છે. અહીં પોર્ટુગીઝ કોલોની લગભગ ચારસો વર્ષો સુધી વસેલી. આપણા દેશમાં રાજ કરવા તત્પર એવા અનેક દેશોમાંનો એક દેશ તે પોર્ટુગલ. આજે તે યુરોપના દક્ષિણ-પશ્ચિમે આવેલ'પોર્ટુગીઝ રિપબ્લિક' તરીકે ઓળખાય છે. પરદેશી પ્રજાની આંતરિક સ્પર્ધાઓમાં આ દેશે ભારતને એક અણમોલ ભેટ આપી. તે છે યુરોપિયન શૈલીમાં અનેક અન્ય શૈલીઓની છાંટ ધરાવતા સ્થાપત્યો. આ મુદ્દે પ્રસ્તુત શૈલી દીવમાં કેન્દ્રિત થઈ ગઈ. ઇજનેરો, સ્થપતિઓ અને મિશનરીઓએ ૧૬ મી - ૧૭ મી સદીમાં અદ્વિતીય-મિશ્ર હાઈબ્રીડ શૈલી અપનાવી - જેને 'ઇન્ડો પોર્ટુગલ સ્થાપત્ય શૈલી' પણ કહેવાય છે. સ્થાનિક પથ્થરોની એ રચના જાણે કે અદ્ભુત હસ્તકલાના નમૂનાઓ પેશ કરે છે. હાલ અનેક સ્થાપત્યો દરિયાના ખારા હવા-પાણીને કારણે ચારણી સમાન લાગે છે અને વળી ભગ્નાવશેષો તો ખરા જ ! આ કળાશૈલીમાં આપણા દેશનું નામાંકન તેને વધુ ગૌરવશાળી બનાવે છે.


