- રસવલ્લરી-સુધા ભટ્ટ
ગુફા નં. 1 ભવ્ય મહાન ગુફા તરીકે પ્રસિધ્ધ
એક નંબરની ગુફામાં ચોરસ મંડપ સહિત પ્રાચીન બૌદ્ધ વિહાર જેવા ચોરસ દરબાર દેખાય. અલબત્ત, શિવમંદિર માટે આ અસામાન્ય ઘટના છે જેમાં ગર્ભગૃહ પૂર્વ પશ્ચિમાભિમુખ છે અને તે સૂર્યોદય તરફ ખુલે છે. પથ્થરના સ્તંભો એકસરખા છે જે ઉપરની ટેકરીના વજનને ટેકો કરે છે. શિવલિંગનું થાળું ચોરસ, ગર્ભગૃહ ચોરસ અને લિંગ મૂળ વિગ્રહ શૈલીમાં જણાય. અહીં લિંગ ફરતો પથ પ્રદક્ષિણા પથ કહેવાય છે. ત્રણ મુખવાળા સદાશિવની મૂર્તિ સાડા છ મીટર ઊંચી છે. આ ત્રિમૂર્તિ આ ગુફાની માસ્ટર પીસ મૂર્તિ છે જે રિલીફવર્કનું અનોખું નજરાણું છે. કોતરણી અને નકશીના શણગારે શોભતી આ કૃતિ સદાશિવ અને મહેશમૂર્તિ નામે પણ ઓળખાય. એ પંચમુખી શિવનું પ્રતિનિધિત્ત્વ કરે છે. સર્જન, રક્ષણ અને વિસર્જનનું આ સ્વરૂપ છે. બ્રહ્માં, વિષ્ણુ, મહેશનાં એ શક્તિશાળી પ્રતીકો છે. સાથે છે અઘોર (ભૈરવ), તત્પુરુષ અથવા મહાદેવ મધ્યસ્થપૂર્ણ મુખારવિંદથી શોભે. બ્રહ્માનું પ્રતીક છે. વામદેવ. મુખની ડાબી બાજુએ એ પદ્મપાણિ લાગે. આ ત્રિરૂપ હકારાત્મક - નકારાત્મક સિધ્ધાંતોને સુગ્રથિત કરે. શિવનાં અનેક પ્રતીકો અહીં સ્થાપત્ય સાથે મેળ ખાતાં દેખાય. મુખ્ય મૂર્તિની જમણી બાજુએ નટરાજ નૃત્ય દેવનાં ઘૂંઘરું સંભલાય. અર્ધનારીશ્વર, ગંગાધર, યોગીશ્વર, અંધકાસુર વધ, અર્ધનારીશ્વર, કલ્યાણ સુંદર મૂર્તિ અને રાવણાનુગ્રહ મૂર્તિ પણ અહીં એટલી જ મહત્ત્વની છે. તેમનાં સ્વરૂપ, દિશા, કથાબીજ, પ્રતિનિધિત્વ, એકરૂપતા અને રજુઆત આધ્યાત્મિક સ્વાદ ઉમેરે અને 'સર્વતોભદ્ર'નો સંદેશો વહેતો મૂકે.
શિવજીના નાગછત્રની નિશ્રામાં પાર્વતી
ગુફાઓમાં શૈવ દંતકથાઓનાં અંકન અને સાંખ્યવેદના ઉલ્લેખ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરતાં લાગે. આહા ! અને એ ત્રિમૂર્તિ તાજી જ ખડકમાંથી બહાર નીકળી આવતી હોય એવું લાગે. કતાઓની ઝીણી કોતરણી અને નકશી, વિરાટકાય મૂર્તિ, નંદીની અસાધારણ નકશી મંડલા આર્ટ પેટર્નમાં પણ દેખાય. એટલે કે શૈવ અને બૌદ્ધ વિચાર સરણીનો સંગમ ! આ ગુફામાં ગુપ્ત વંશના રાજાઓએ બનાવડાવેલ પ્રતિમાઓ વિધિ વિધાન માટે શાકત પરંપરામાં ઉપયોગમાં આવતી અહીં શિવપાર્વતી વિવાહનાં શિલ્પો ગોખલામાં દર્શન દે એ લગ્નને 'કલ્યાણ સુંદર' કહેવાય. લગ્નના સાક્ષી બન્યા હતા વિષ્ણુજી. આ શિલ્પોમાં શિવ-પાર્વતીનાં આભૂષણો ધ્યાનાકર્ષક છે. બ્રહ્માજી ગોરબાપા બનીને અગ્નિમંડપમાં યજ્ઞા આદરે અને શિવજી યોગ કરે તેથી યોગીશ્વર કે લકુલીશ પણ કહેવાય. નકશીમાં દેખાય પદ્માસનમાં બિરાજેલા શિવજી. નાગગણ પ્રસંગે પધારે અને બ્રહ્માંડે નૃત્યકાર નટરાજ નૃત્યકારોના રાજા કહેવાય. રાજા ભગીરથ પણ અહીં કોતરણીમાં સમાયા હોય અને શિવજીની જટામાંથી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યમાં અહીં ગંગા, યમુના, સરસ્વીતનો સંગમ પણ અનુભવાય. આ આખુંય સંકુલ આરંભથી જ યુગોથી શિવજીનું નિવાસસ્થાન ગણાય છે. અલબત્ત, આદિ કૈલાસ યાદ કરાવી આપતી આ કળાને સમજીએ તો થાય કે જેમ કુદરતની ઝાંખી અને કળા કૈલાસમાં થાય છે એવી કલાકૃતિઓ અહીં ગુફાઓમાં એ સમયના સન્નિષ્ઠ કલાકારોના કૌશલ્યની યાદ અપાવે છે. અહીં મોટાભાગનાં શિલ્પો મોનોલિથિક એક શિલા શિલ્પનાં સર્જનો છે.
એલિફન્ટામાં શિલાલેખો સમય મુજબ સાખ પૂરે
મુંબઇના બારામાં આવેલ 'ધારાપુરી-એલિફન્ટા'ને 'ગુફાઓનું નગર' કહેવાય છે. અહીં બીજી સદીનાં બે બૌદ્ધ સ્તુપો છે અને બે ગુફા છે - જેમાં પાણીની બે ટાંકીઓ છે. એમાં પણ રૉક કટ-પથ્થરનાં શિલ્પો છે. અહીં હિંદુ અને બૌદ્ધ વિચારો તેમજ કળાના સમન્વય છે. નક્કર મજબૂત ખડકનાં આ સર્જનોમાં વધુ નુકસાન થયાના દાખલ છે. કળાનું અસ્પષ્ટ ધૂંધળું દ્રશ્ય છે.
મુખ્ય મંદિરમાં વિલસતી કળાનું ઉર્ધ્વીકરણ છે અને એનાં જેવાં અન્ય મંદિરોમાં મંડલા (બૌધ્ધ) શૈલીની ઉપસ્થિતિ છે. કોતરણી નકશીમાં હિંદુ પુરાણો - દંતકથાઓ હાજરી પૂરાવે છે. પ્રસ્તુત ગુફા અને પર્વત શ્રેણી પશ્ચિમની ડુંગરી પર છે અને પૂર્વીય ટેકરી પર બૌધ્ધ સ્તુપો છે. આમ, એકથી પાંચ નંબરની ગુફાઓ સૌથી વધુ પ્રસિધ્ધ છે અને ગુફા નંબર છ અને સાત પૂર્વીય ટેકરી પર છે. પુરાતત્ત્વ ખાતાએ આ બધાં જ સ્થાપત્યોને રક્ષણ આપ્યું છે. દરિયા અને ટાપુને કારણે એ સ્થળ દરિયાકિનારાથી એક કિ.મી. આઉટ લાઈન પર ખસ્યું છે. કુલ ૫,૬૦૦ મીટરની જગ્યા પર આ ગુફાઓ ફેલાયેલી છે. નકશી કોતરણી કામે સમો ઉજવી જાણ્યો છે. બન્ને ટેકરીઓ પગદંડીથી જોડાયેલી છે અને સાતમી ગુફામાં પોર્ટુગલ યુગની તોપનું મહત્ત્વ છે. શિવ પરિવારના કાર્તિકેય, ગણેશનાં શિલ્પો પણ અહીં છે. ઉપરાંત માતૃકાઓ, અપ્સરાઓ, દ્વારપાળો પણ મોટી સંખ્યામાં આપણી સંસ્કૃતિનાં રખોપાં કરે છે. ઉત્ખનનનો દરમ્યાન રાવણ અને સીતાની જીવની પણ મળી આવી. પ્રત્યેક પ્રસંગની ગરિમા જળવાઈ હશે તત્કાલીન સમયે પણ હવે તો ભગ્નાવશેષોની ભરમાર વચ્ચેથી સચવાય એટલું સાચવીએ તોય ઘણું !!
લસરકો :
ગુફાઓની વિવિધ યોજનાના ભાગરૂપે માન્યતાઓ અને પ્રતીકવાદ દ્રશ્યમાન થાય : એમાં સંસ્કૃતિ દર્શન થાય.
એલિફન્ટાની ગુફાઓ સાત - તેની અનેક વાત
કોઈપણ ગુફાનો ઉલ્લેખ થાય ત્યારે સહજ રીતે જ આપણને અજંતા-ઇલોરાની ગુફાઓ યાદ આવે. આપણે તો એલિફન્ટા આવ્યા છીએ; તો, એટલું જરૂર કહી શકીએ કે અહીંની પ્રથમ ગુફાનું પરિસર જોઈ ઇલોરાની ''દુમાર'' ''લેણી'' (ગુફા) જરૂર નજરે તરવરે. બંનેનાં સ્થાપત્યો એકમેકની ખૂબ નજીક છે. કલાકારોની ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ ખાસ કરીને વિશાળ 'હાઈ રિલીફ' (દીવાલ પરનાં શિલ્પો)માં અદ્વિતીય રીતે પ્રગટ થાય છે. ગુફાનું મુખ્ય આકર્ષણ તેમાં રહેલા વિવિધ દેવી-દેવતાઓનાં શિલ્પોમાં છે. લગભગ બસ્સો પગથિયાં ચડીને ગુફા નંબર એકમાં પ્રવેશથી ૩૯ મીટર અંદર જતાં ખબર પડે કે આ સ્થળનું અગત્યનું બાંધકામ તે તેનું પ્રાંગણ છે. તેની ત્રણ ખુલ્લી બાજુઓ અને પાછળની આઈલ (ગલી જેવું) સત્યાવીસ ચોરસ મીટર છે. એ દરેકને છ ગોળ સ્તંભોનો ટેકો છે. એ છ કૉલમની હરોળ અતિ આકર્ષક લાગે ! આ મુખ્ય ગુફામાં લિંગનું જે ગર્ભગૃહ છે તેમાં ભારતીય કલાના ઉચ્ચ શિખરો જેવાં શિલ્પો છે. શિવયુગનાં અદ્ભુત કલાસંગ્રહનું ભારતીય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. લિંગ ફરતે પંદર વિશાળ 'રિલીફ વર્ક' (ભીંત ઉપર ઉપસાવેલાં શિલ્પો) છે. આ ગુફાઓ રૉક સ્થાપત્યના ઇતિહાસમાં પશ્ચિમ ભારતની ભવ્યતમ સિધ્ધિ છે. આ ટાપુ પર બે વિભાગમાં ખડકોમાં કોરીને બનાવાયેલી (રૉક કટ) ગુફાઓ છે. જે નક્કર બેઝાલ્ટ ખડકમાંથી બની છે. આ ગુફા સમૂહમાં પાંચ પશ્ચિમે છે જે હિંદુ શિલ્પ માટે વખણાય છે. આમાંના મોટા ભાગનાં શિલ્પો મહાકાય છે.


