Get The App

કોલ્હાપુરનાં આઈ મહાલક્ષ્મી - અંબાબાઈ

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
કોલ્હાપુરનાં આઈ મહાલક્ષ્મી - અંબાબાઈ 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

મૂર્તિ મંદિર વગર હોય - મંદિર મૂર્તિ સાથે જ હોય

લોકવાયકા મુજબ કોલ્હાસુર નામના રાક્ષસનો વધ મહાલક્ષ્મી માતાએ કર્યો ત્યારથી આ શહેર કોલ્હાપુર તરીકે ઓળખાય છે. આ મંદિરનું મહત્વ અનોખું છે. જે કોઈ આસ્તિક તિરૂપતિ બાલાજી મંદિરે જાય તેણે પ્રસ્તુત મંદિરે અને પદ્માવતી મંદિરે (અહીંથી નજીક જ છે) જવું જોઈએ એવો રિવાજ છે. ખેર ! મંદિર સ્થાપત્ય-સૌંદર્યને ઝીણવટથી નિરખતાં પહેલાં ગર્ભગૃહની શોભા અને માતાના પ્રભાવનું અવલોકન કરીએ. સ્કંદ પુરાણમાં લક્ષ્મી સહસ્ત્રનામમાં દેવીની અનન્ય પ્રશંસા કરાઈ છે. 'ઓમ કરવીર નિવાસિનિયે નમઃ...' એટલે કે ''કરવીર નામના આ વિસ્તારમાં જે ભવ્યતા છે તેને નમીએ.'' અને ''ઓમ વાસુકિ સંસેવ્ય નમઃ...'' એટલે કે ''આદિ શેષ અને વાસુકિ નાગ દ્વારા શોભનીય સેવા થાય છે તેને નમીએ.'' જોયું ને ! ધર્મ, શિલ્પ-સ્થાપત્ય સાથે સાહિત્ય કેવો સેતુ રચે છે ! આ મંદિર  ૬૩૪ ભ.ઈ. માં કન્નડા ચાલુક્ય વંશના કર્ણદેવે બંધાવ્યું. ત્યાર બાદ શિલહરા વંશે સાતથી નવમી સદી દરમ્યાન એની જાળવણી કરી. ભર જંગલોમાં જગ્યા કરીને બનાવાયેલ આ મંદિરને આઠમી સદી સુધી કોઈ વાંધો ન પડયો પરંતુ પછી એ ભૂકંપમાં ભૂમિગત થઈ ગયું. નવમી સદીમાં રાજા ગંડવાદિએ એનો જિર્ણોદ્ધાર કરી માતાનું મંદિર બંધાવ્યું. એ સિલસિલો સતત જુદા જુદા રાજવીઓએ બરકરાર રાખ્યો અને આજનાં દેખાતાં શિખરો ઓગણીસમી-વીસમી સદીમાં પુનઃ સ્થપાયાં. આદિ શંકરાચાર્યે જ્યાં હાજરી પૂરાવી છે તે મંદિરનું ગર્ભગૃહ ઝળાંહળાં છે. દેવીનું સમગ્ર અસ્તિત્વ રત્નજડિત અલંકારો અને મુગટથી ચળકે છે. મહાલક્ષ્મીજી શ્યામલ પથ્થરમાંથી ઘડાયેલાં છે. આ ઊભી મૂર્તિ પ્રભાવી અને શ્યામ મુખારવિંદ ધરાવે છે જેમને ઊંચા-ત્રિકોણ ખૂંપ જેવો સોનાનો મુગટ પહેરાવ્યો છે. ભારે-સોનેરી લેસવાળી ઘેરા રંગની નવવારી કોલ્હાપુરી સાડી એમની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.

મંદિર એ પૂજાનું અને કલાનું વિસ્તૃતિકરણ છે

ભારે આભૂષણોનો શૃંગાર અને પુષ્પોનાં ગૂંથણનો સાથ જાણે માએ વાડી ભરાવી હોય તેવો લાગે ! વિસ્ફારિત નેત્રો સાથે નખશિખ સૌંદર્યવાન માતાના ભાલે ઁ નું તિલક એવું તો શોભે ! ચહેરા પર પીઠી, અને હા, તહેવારોમાં તો વિશેષ શણગાર થાય. પંચગંગા નદીના તટે ઊભેલ મંદિરની દરેક વસ્તુ પ્રતીકાત્મક છે. શક્તિશાળી શક્તિ પીઠમાં માને ચાર હસ્ત છે. નીચેના જમણા હાથમાં લીંબુ, ઉપરના જમણા હસ્તમાં ગદા, નીચેના ડાબા હાથમાં પાનપાત્ર અને ઉપરના ડાબા હાથમાં ઢાલ અને આખુંય આ શ્રીસ્થળ રંગ રંગ સુગંધની છોળોમાં ન્હાતું લાગે ! આ ભવ્યાતિભવ્ય મંદિરમાં અંદર-બહાર રંગોળીનું મહાત્મ્ય ઘણું. પતિશ્રી વિષ્ણુ ઉપરાંત નિજ મંદિરમાં શિવલિંગ, નંદી, વેંકટેશ, નવગ્રહ, સૂર્ય, વિઠ્ઠલ, રુકમા, મહિષાસુર મર્દિની આદિ દેવો પણ બિરાજે છે. પરિસરમાં મણિકર્ણિકા કુંડને કાંઠે વિશ્વેશ્વર મહાદેવનાં દર્શન થાય. તો, મંદિર સ્થાપત્યનાં વિકાસ પથ પણ રસપ્રદ ! પથ્થરનાં મંદિરો, સપાટ છાપરાવાળાં મંદિરો, શિખર સહ મંદિરો, ચોરસ ગર્ભગૃહ સહિતનાં મંદિરો, સ્તંભો - આછી-ઝાઝી કોતરણીવાળા હોય... અને ખાસ તો મહારાષ્ટ્રમાં બાંધકામની ખાસ શૈલી હેમડપંથી બહુ જ પ્રચલિત છે - જેમાં મજબૂત પથ્થરોને એકમેકમાં સાલવેલા હોય અને કોઈ પણ સામગ્રી - જોડાણ કે સંધાણ માટે ન વાપરેલી હોય એવા પ્રસ્તુત મંદિરના ખુલ્લા, પહોળા, મોટા પરિસરમાં ઊભાં રહી એનો રાજાશાહી ઠાઠ જોઈએ તો બહારની દીવાલો એટલી બધી કલા સમૃદ્ધ છે કે રસિકો ત્યાં જ જડાઈ રહે ! તેના મુખ્ય પ્રવેશદ્વારને મહાદ્વાર કહેવાય છે જે મંદિરના પશ્ચિમે છે, તેની એક બાજુએ અસંખ્ય દીપમાળાઓ છે અને બીજી બાજુએ ગરૂડ મંડપ ચોરસ સ્તંભો સાથે સ્થિત છે. ગરૂડ ગર્ભગૃહ તરફ તાકે છે અને ફૂલ-પત્તીની ભાતવાળી લાકડાની કમાનો મરાઠા મંદિરોનાં લક્ષણ દાખવે છે.

સ્થાપત્યનો શૃંગાર મનને સ્થૂળમાંથી સૂક્ષ્મ સ્વરૂપે લઈ જાય

અઢારમી સદીનો પથ્થરનો મંડપ ઊંચી જગતી (પ્લિન્થ) પર અડીખમ ઊભો છે જ્યાં ગણેશજી, મહાકાલિ અને મહાસરસ્વતીનાં સ્થાન છે. આ પરિસર આદિ દક્ષિણી મંદિર શૈલીનું છે જેમાં જોડાણ સામગ્રી નથી. આઢા ઢાળેલા પથ્થરો અને ઊભી ઢાળવાળી કાંગરીને કારણે પ્રકાશ-છાયાની રચના-પદ્ધતિનો અનુભવ થાય. મુખ્યદ્વારમાં મધ્યે પ્રવેશે ચાર ગોળ સ્તંભો છે. બારસાખ નાનાં શિલ્પોથી ખચિત છે. સમય સાથે ગુલાબી ઝાંયવાળા પથ્થરો પર ઝાંખપ જરૂર આવી છે પણ મજબૂતી બરકરાર છે. બે મજલાની રચનાની જેમ દીવાલો દ્વારી બન્ને બાજુએ જાણે કે ત્રાંસો ખૂણો પાડે છે અને બે હાથે એ આપણને આવકારતી લાગે છે. ખાંચેદાર બાંધણીમાં નીચે કુંભી સહિત નર્યા સ્તંભોની જાણે ગૂંથણી હોય એવું લાગે ! નીચેની હારમાં ઝરોખા ભાતમાં ચોંસઠ જોગણીઓ અને અપ્સરાઓની બોલબાલા છે. દેવી જેવી દિવ્ય ભાસતી અપ્સરાઓ નૃત્યાંગના, વાદ્યકાર, દર્પણ સુંદરી, કામરૂપિણી, ચિદ્રૃપિણી, શૃંગારિત અને જીવંત હોં ! શૃંગારરસ નિષ્પન્ન થાય. સ્તંભો પર આડા પટ્ટે વળિયા અને ઊભા પટ્ટે આડી રેખાઓ ખાંચેદાર લાગે. પાટિયા જેવા લાગતા પથ્થરોની કિનારમાં સક્કરપારા, વર્તુળ આદિ ભાત સાથે નાનાં મંદિરોનાં પ્રતીક પણ રસિકોને આકર્ષે. આવા પડ ઉપર પડ ચડાવી આખો માળ ખેંચી કાઢ્યો છે. દ્વાર અને છજાની ધાર વચ્ચે મદલોની હાર-જેમાં દેવી દેવતાોનાં શિલ્પો છે એ ઝીણી નજકત યુક્ત નકશી-કોતરણીની ઝાંખી કરાવે છે. આ વાસ્તુકલામાં પ્રાણ પૂરે સૂર્યનાં કિરણો - જ્યારે વર્ષમાં બે વાર એ મહાલક્ષ્મીનાં ચરણોને ચૂમે !

લસરકોઃ

સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા આધુનિકતમ શ્વેત શિખરો ચૂનો, રેત, ઈંટ ઈત્યાદિથી બન્યાં છે તેને પેલી આદિ ઈમારત પોતાના પરિવારમાં સ્વીકારી શકી નથી. ઉપાય અપેક્ષિત.

કોલ્હાપુરના સ્થાનિકો મહાલક્ષ્મી માતાને અંબાબાઈ કહે છે

જગતજનની, માતૃરુપિણી, મા, આઈ, માતાનાં અનેક સ્વરૂપો ભિન્ન ભિન્ન રૂપે પૂજાય છે. દેવી એ માતાનું દૈવી સ્વરૂપ છે. એ જન્મદાત્રી છે, રક્ષક છે, તે પાલન પોષણ કરે છે તેથી જ તો તેના માન, પાન, આન, બાન, શાન યુગોથી થતાં રહ્યાં છે - જળવાતાં રહ્યાં છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ્યારે માતાનો મહિમા ગાવામાં આવે છે ત્યારે એક વાત તો નિશ્ચિત જ છે કે માએ વ્યક્તિગત રીતે સંતાનનું ભલું ઈચ્છયું જ છે પરંતુ વૈશ્વિક રીતે પણ એણે આપણો ઉછેર કર્યો છે. કુટિલ તત્ત્વોથી આપણને બચાવ્યાં છે. અંબા, કાલિ, લક્ષ્મી, મહાલક્ષ્મી અને ચોંસઠ જોગણીઓએ અસુરોનો નાશ-વિનાશ વેર્યો છે. સ્વરૂપ કોઈ પણ હોય, મા બાળકોના કલ્યાણમાં રાજી છે, બાળકોના ચહેરા પર તે સ્મિત ઝંખે છે અને અંતે તો સંસારમાં સુખ-શાંતિ સ્થપાઈ રહે તે તેની સદાકાળની અભીપ્સા છે. આપણા જેવા સંસ્કૃતિ અને ધર્મ પ્રધાન દેશોમાં આદિકાળથી માતૃ આરાધના ચાલતી આવી છે એમાં ન માત્ર તેમની કૃપા કે શોભાનો મહિમા છે પરંતુ તેમનાં મંદિરોનાં સ્થાપત્યનો, એના સાહિત્યનો, એમના પ્રસાદનો, નૃત્યનો, ગીત-સંગીતનો, ચિત્રો અને શિલ્પોનો પણ ખાસ્સો મોટો હાથ છે. સૌંદર્યની પિપાસા અને ચાહના મનુષ્યો દેવી-દેવતાઓ પાસેથી જ પામ્યા છે એ હકીકત છે. માતૃવંદના આપણા ઘરથી શરૂ થઈ આઈનાં થાણાં સુધી પહોંચે છે તે ન્યાયે ભારતભરમાં દેવી મંદિરોની ભારે કૃપા છે. પછી ભલે તે નદી, તળાવ કે સાગર કાંઠે હોય, ભરનગરમાં નગરદેવી થઈને બિરાજ્યાં હોય કે પછી વિંધ્યાવાસિનીની જેમ પર્વત શિખરે બિરાજ્યાં હોય. હા... પાવાગઢનાં કાલિમાતાની જેમ સ્તો મહારાષ્ટના કોલ્હાપુરનાં મહાલક્ષ્મીમાનો ઠાઠ અને પરચો અનુભવવા જેવો હોં!