Get The App

બોમ્બે યુનિવર્સિટી ભવ્ય સ્થાપત્ય કલાસંગમ-હૃદયંગમ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
બોમ્બે યુનિવર્સિટી ભવ્ય સ્થાપત્ય કલાસંગમ-હૃદયંગમ 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

મુંબઈ મહાવિદ્યાલયનું મુદ્રાસૂત્ર : 'શીલવૃત્તફલા વિદ્યા'

અરબી સમુદ્રે ભારત દેશના પશ્ચિમી કિનારે અનેક પ્રકારની કળાનાં પોંખણામાં મોટો ભાગ ભવજ્યો છે. મુંબઈ બંદરે આવી લાગેલી કળાના સમૃધ્ધ ખજાનાઓમાંથી ગૉથિક અને ઈન્ડો સાર્સેનિક શૈલીનાં કંકુ પગલાં આજેય આપણા દેશના ઉંબરે ઊંડી છાપ સહ મોજુદ છે. નોંધનીય તો એ હકીકત છે કે ભારતીય કળાના ઈતિહાસની છાપને અકબંધ રાખીને એ પરદેશી કળાએ પોતાનાં ઓજશ પાથર્યાં છે. પરિણામે ઘરની અને બહારની - બન્ને કળાઓ હજી આજે પણ રાજ કરે છે કલાપ્રેમીઓનાં હૈયા ઉપર ! દક્ષિણ મુંબઈના ફોર્ટ એરિયામાં આવેલી અનેક ઈમારતોને સલામી આપ્યા બાદ ફરી એક વાર ફ્લોરા ફાઉન્ટેઇન પર બિરાજિત પાંચ પરીઓને સ્મરીને આપણા સર્જનાત્મક કલાગુરુ હૃદયસ્થ શ્રી નટુભાઈ પરીખના મહામૂલા મતને સંભારીએ. તેઓ કહેતા કે 'ફુવારાના આ સ્થાપત્યમાં પાંચે શિલ્પો લાલિત્યપૂર્ણ સૌંદર્યના નખશીખ દસ્તાવેજો છે. આ રચના એક ફુવારો મટીને સ્મારક બની જાય છે. તેની અંદર કંઈ કેટલીય કથાઓ છે જેમાં વસંત ઋતુ અને નૈસર્ગિક સૌંદર્યનાં પ્રતીકો, ફળદ્રુપતા અભરે ભર્યાં છે.' હવે, સાક્ષીભાવે પ્રસ્તુત વિસ્તારમાં આવેલ રૂડાં આભૂષણ સમાન અન્ય સ્થાપત્યો, શિલ્પો અને સ્મારકોને પ્રેમે નિહાળીએ.

લક્ષ્મી સ્વરૂપા કળા જ્યાં મા સરસવ્તીના સ્વાંગમાં હાજરાહજૂર છે તે બોમ્બે યુનિવર્સિટી પરિસરે પહોંચીએ. ૧૮૫૭માં જેની રચના ૧૮ જુલાઈએ થયેલી તેની ઈમારત ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ભારતની આરંભની યુનિવર્સિટીઝમાંની તે એક એવી વિદ્યાવાહિની છે જેમાં અનેક સંકુલો-પરિસરો છે. લાઇબ્રેરી, કોન્વોકેશન હૉલ, મૂળ ઈમારત અને રાજાબાઈ ટાવરનો વૈભવ ઉડીને આંખે વળગે તેવો છે. ઓવલ મેદાન, ક્રૉસ મેદાન, ચર્ચગેઈટ, ફૉર્ટ ઈત્યાદિ વિસ્તારનું તે ઘરેણું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગ્રેડ-ૈં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો અપાવે છે.

મા સરસ્વતી અને કળારાણીનો દિવ્ય મેળાપ

દક્ષિણ મુંબઈની આ ઈમારતના જનક - તેના સ્થપતિ સર જ્યોર્જ ગિલ્બર્ટ સ્કૉટ હતા. કદીયે ભારતમાં પગ ન મૂકનારા આ વ્યક્તિ વિશેષે લંડન રહ્યે રહ્યે આ સમગ્ર સંચાલન ટપાલ અને તાર સેવા વડે કરેલું. (વર્ક ફ્રોમ હોમ જેવું ?) તેમણે પ્રાથમિક વિકટોરિયલ અને ફ્રેન્ચ ગૉથિક રિવાઈવલ શૈલીનાં લક્ષણો આધારિત આ ભવ્ય સ્થાપત્યની જવાબદારી ઊપાડી હતી. પ્રસ્તુત કળાની ખાસિયતમાં ઈમારતની ઊંચાઈ, ઊંચા અણીદાર મિનારા અને અતિ અલંકૃત નકશી - કોતરણીનો સમાવેશ થાય છે. એમણે યુરોપિયન શૈલીને ઉઠાવી દરિયાપાર - ભારતમાં પ્રત્યારોપણ કર્યું. યુરોપિયન ગૉથિક કેથેડૂલ (ધાર્મિક શિક્ષણનું સ્થળ) આધારિત આર્ટડેકોનો સંગમ અહીં જોવા મળે. મહાત્મા ગાંધીરોડ - મંત્રાલય નજીક બનેલ આ મહાવિદ્યાલયની સંરચના થઈ તેની પ્રેરણા અને યોજના યુ.કે.ની 'ધ યુનિવર્સિટી ઑફ લંડન' પરથી લેવામાં આવેલી. ૭૦૦થી વધારે સંલગ્ન કૉલેજો ઉપરાંત 'કિવન્સ નેકલેસ' વિસ્તારની 'એલ્ફિન્સ્ટન કૉલેજ' સ્થાપત્યની દ્રષ્ટિએ પણ યુનિવર્સિટીના અંગસમાન ભાસે છે. એને પણ યુનેસ્કોએ વધાવી છે. મુંબઈ મહાવિદ્યાલયના ભવ્ય સ્મારકે દોઢ સદીની દિવાળીઓ જોઈ છે તેના વિવિધ વિભાગો એની કાયાના ભિન્ન ભિન્ન અંગ જ છે જાણે ! મુખ્ય છે લાઇબ્રેરીની ઈમારત - જેની ઉપર રાજાબાઈ ક્લૉક ટાવરની રચના કરવામાં આવી. માર્ચ ૧૮૬૯ થી નવેમ્બર ૧૮૭૮ સુધીમાં ફ્રેન્ચ - વેનેશિયન ગૉથિક શૈલીમાં તેનું નિર્માણ કાર્ય ચાલ્યું. સળંગ સ્થાપત્યમાં છાયાચિત્રો, ઝીણી કોતરણી, ઊંચી અણિયાળી કમાનો સંસ્કૃતિના માપદંડો મુજબ નજરે ચડે છે. એમાં પણ યુરોપિયન મિશ્ર શૈલીનો પ્રભાવ દેખાય છે. રાજાબાઈ ટાવર ૮૫ મીટર ઊંચો - પાંચ માળ જેટલો છે. તેને પણ યુનેસ્કોએ હેરિટેજમાં સમાવ્યો. લંડનના બિગ બેન ટાવરની ડિઝાઇન મુજબ બનાવાયેલ આ ટાવરના પ્રણેતા હતા પ્રેમચંદ રાયચંદ જૈન. તેમણે માતાશ્રી રાજાબાઈને સમર્પિત કર્યો. આ ટાવરના ડંકા સાંભળીને માતાજી તેમની દિનચર્યા ગોઠવતા એવું મનાય છે.

પ્રવાસિની કળા રાણીનાં પુનિત પગલાં

એક સહજ ભાવરૂપે કળાપ્રેમ આપણા હૃદયમાં વસતો હોય અને જ્યારે મોકો મળે ત્યારે એ ઋજુ ઝરણું આપ મેળે રણઝણવા માંડે-વહેવા માંડે ત્યારે માનવું કે કળા પ્રત્યેનો એ પ્રેમ સાચો છે. ભારતીય કળા વિભાવનાને સુપેરે સમજ્યા હોય તે પરદેશથી આવેલી કળાને પણ પ્રેમે પીછાણે એ વાતમાં બે મત નથી. આપણી આદિવાસી ચિત્ર-કળા, ભીંતચિત્રો કે આંગણાની શોભા રંગોળી જે રીતે આપણી સાથે નાતો નિભાવે છે એને કારણે કળા સંશોધનની ચાવી હાથ લાગે છે. કળાને કોઈ હદ કે સરહદ નથી હોતી તેથી દેશની બહાર પણ આપણે કળાના વિવિધ પ્રકારોને આવકાર્યા છે. એથીય આગળ વધીને-સદ્ભાગ્યે પરદેશની કળાઓ જ્યારે આપણે બારણે આવીને ટકોરા મારે છે ત્યારે મહામૂલા અતિથિની જેમ આપણે તેનું સ્વાગત કરીએ અને એને એક અવસર તરીકે ઉજવીએ ત્યારે બાગબાગ થઈ જવાય.

ભારતવર્ષે ઘણી લીલી-સૂકી જોઈ છે એ સંદર્ભે કળાએ ઘણી ઝીંક ઝીલી છે. રાજનૈતિક કે સામાજિક કડાકૂટમાં ઉતર્યા વગર શુધ્ધ કળાને પામવી, પોંખવી એ પણ એક કળા છે. રેનેસાંએ પાશ્ચાત્ય દેશોમાં ધૂમ મચાવી એની અસર હેઠળ આપણે પણ કળાનું નવીનીકરણ કરતાં શીખ્યાં એ સાચી અને સારી નિશાની ગણાઈ. યુરોપિયન દેશો અને અન્ય ખંડના દેશોમાં ક્રાંતિ થઈ ત્યારે કળા સ્વયમ્ એનાં સ્વરૂપોને શોધતી દેશ-દેશાવર પહોંચી. આપણાં સદ્ભાગ્યે દરિયાઈ માર્ગે ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય આદિ કળાઓ ભારતીય રસિકોને શોધતી ભારત આવી લાગી અને ભાવકો એમાં રસતરબોળ થઈ ગયા.