રંગીન રોગાન તૈલ ચિત્રકળાનાં ગાન... .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- રોગાનકળામાં વનસ્પતિજન્ય, ખનિજ તેમજ પથ્થરના રંગો
આ જથી લગભગ પાંચસો વર્ષો પૂર્વે પૂર્વીય રાજ્ય બિહારમાંથી ભારતમાં પ્રવેશેલી રોગાન ચિત્રકલા ઉપર ગ્રીક, તુર્કી, પર્શિયન, ચાઈનીઝ અને ભારતીય કલાની મિશ્ર અસરની ઝલક જોવા મળતી. પછી તો જાપાન, નેપાળ જેવા એશિયન દેશોમાં પ્રવર્તતી વિવિધ કલાઓમાં પણ આ કળાની છાંટ જોવા મળી એવું યુનેસ્કો અને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ પણ નોંધ્યું. અફઘાનિસ્તાનની સુદીર્ઘ પર્વમાળાઓનું પગેરુંય ક્યાંક ભારતની સુદૂર સીમાને સ્પર્શે છે ત્યારે એવું લાગે છે કે આખરે તો આપણી 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના કેટલી બધી પુષ્ટ હશે ! ચાલો, કળાને કોઈ સીમાદોરીથી બાંધી દેવાને બદલે એની રસાત્મકતાને ચાહીે, એની સુયોગ્ય કદર કરી એને જીવતી અને જીવંત રાખીએ તો એનું સૌંદર્ય દિન-બ-દિન નિખરતું જાય. કળા પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન, આધુનિક કાળમાંથી પસાર થતી થતી અતિ આધુનિક યુગ લગી પહોંચી જ ગઇ છે તો એમાં નવીન પ્રયોગોને પણ અવકાશ હોવો ઘટે. બસ, એને વૈશ્વિક બનાવવાના પ્રયત્નોમાં ક્યાંક એનું પારંપરિક સત્ત્વ અને તત્ત્વ વેડફાઈ ન જાય એ જોવું રહ્યું. કળાના ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરીએ તો પ્રત્યેક કળાક્ષેત્રે કળામર્મીઓએ અને કળાકર્મીઓએ પ્રાકૃતિક કૌશલ્યને જાળવી રાખ્યાના દાખલા છે અને તે પણ ઓછામાં ઓછાંં સાધનો સાથે. ગુજરાતમાં હાલ કચ્છના કેટલાક કળાકારો રોગાન ચિત્રકળાને વરેલા છે અને એમણે એ ટેકનિકે સાથે કોઈ બાંધછોડ કરી નથી. ઊંચી સંસ્કૃતિ ગ્રામ્ય સૌંદર્યની સમજ !
'ટ્રી ઑફ લાઇફ' વ્યક્તિત્વ વિકાસનું પ્રતીક
પર્શિયન અને સંસ્કૃત બન્ને ભાષામાં 'રોગન' શબ્દ સૂચવે છે 'તેલ અને રંગકામ'. તો, શું ખાસિયત છે આ કળાની ? અલબત્ત, એની સામગ્રી અને એની જટિલ પ્રક્રિયા : ધાતુના વાસણ 'હાંડિયો' કે 'દેગડો'માં કચ્છમાં જેની વિપુલ ખેતી છે તે દિવેલને બે ત્રણ દિવસ સુધી સળંગ ઉકાળવામાં આવે. એની અંદર કેલ્શિયન કાર્બોનેટ (ચૉક) પાવડર સખત બંધારણ હેતુ ભેળવવામાં આવે. ઠંડું પાડે. બીજી બાજુ માટીના વાસણમાં પાણીમાં પલાળેલા રંગો તૈયાર રાખ્યા હોય તેને દિવેલની યોગ્ય સઘનતા આવે એટલે પથ્થરથી ખૂબ ઘસીને ઘૂંટીને તેમાં ભેળવે. લુગદી કે રબર જેવું સ્વરૂપ આવે ત્યાં સુધી આ મિશ્રણ લાકડાથી ઘુમેડે જેથી એમાં ચળકાટ પણ આવે અને જરૂરી લવચિકતા પણ આવે. હા, તેના તાંતણા ઊભા થવા જોઇએ. આ તાંતણા દોરીની ગરજ સારે. હવે ? જેની ઉપર ભાત રચવી છે તે કાપડ ઉપર એને ગોઠવવાના હોય. પણ ડિઝાઈન ? એ જ તો જાદુ છ આ કળાનો. 'સ્ટાઇલસ' એટલે કે કલમ કે તુલિકા ધાતુની નામની બે બાજુએથી ચપટી પણ અણિયાળી ધાતુની લેખણીને પીંછી તરીકે વાપરવાની. એક હથેળીમાં પેલું રંગભર્યું મિશ્રણ લઇ તુલિકા વડે એનાં તાંતણાં ઉભા કરી ખદ્દર પર ભાત પાડવાની. ડિઝાઈનની છાપ કાપડ પર ન હોય. તે મનમાં હોય અને મન તો ક્યાંય મનોવિહાર કરતું હોય ને જે ડિઝાઈન આંગળીમાં આવી જાય તે કાપડ પર આપો આપ આવે. તાંતણો ઊંચો નીચો થાય પણ તુલિકા કાપડને અડે નહિ. ખોળામાં કાપડની ફ્રેમ મૂકી એક હાથ કાપડ નીચે ટેકો લઇ તર્જનીથી ડિઝાઈન પાડવામાં ફર્યા કરે અને બીજો હાથ તો છે જ હવામાં વાતો કરતો ને સ્વપ્નલોકમાં વિહરતો ! તે છૂટાથી કાપડ પર ફરી વળે. વળી, કલાકાર લાંબા કરેલા પગ ઉપર કાપડ ફેલાવતા જાય !
પ્રજાસત્તાક દિન પરેડ 'ટેબ્લો'માં રોગાન કળા ઝળકી
કચ્છ-ભુજ નજીક માધાપર ગામે આશિષ કંસારા રોગાન તૈલ ચિત્ર દ્વારા જે કલા સેવા કરે છે તેમાં એક અલગ જ પધ્ધતિ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રંગ તેલની પ્રક્રિયાથી તૈયાર કરવાનો હોય તેની અંદર રંગ ભેળવ્યા વગર પેલી તેલની લુગદીનાં જ ઝીણા તાણાવાણા જેવા તાંતણા આંગળીની મદદથી કાપડ પર ફેરવે. તે સફેદ જ હોય પણ જ્યારે તાંતણા તાજા હોય એ જ વખતે કાપડની પોટલીમાં કોરો રંગ ભરી તેનો છંટકાવ કરે. બહુ જૂની આ પ્રણાલીમાં અસલમાં તો સાચા
સોનાનો ભૂકો પણ વપરાતો - હવે સોનેરી રંગ અને અબરખના ભૂકાથી કામ ચલાવી લેવાય - અસલ કાચ જેવું ચમકે એ. પાંચ દાયકાથી આવો રસભર પ્રયોગ આ કલાના યશમાં કલગી ઉમેરે છે.આ ભાતને 'નિર્મિકા છાપ' કહેવાય. આ ઉપરાંત તેઓ વર્ણિકા છાપ નામક ડિજાઈન પણ કરે છે. આ કલાકાર પાસે સો-દોઢસો વર્ષ જૂનાં પિત્તળનાં બીબાં સીસમના હાથાવાળા છે જેમાં કોતરેલી ભાત છે. એમાં રંગ ભરીને એમનાં સહધર્મચારિણી કોમલબહેને આ પધ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને એમાં મહારત કેળવી છે. કહે છે કે રોગાનના આવા પાકા રંગ સો-સવાસો વર્ષો લગી ટકે છે. કાપડને પાછલા ભાગે ઇસ્ત્રી થાય. આ રંગો પાછા 'વૉશેબલ' હોય. હા, ચણિયા ઉપર થતી આ કળા કાપડા કે બ્લાઉઝ પર ન થાય પરંતુ ચાર મીટરની ઓઢણી પર થાય. અને...હા ! ચાકળા જેવા મોટા વૉલપીસ - જે દરવાજા જેવડા ઊંચા પહોળા હોય તેની પણ માંગ ઘણી એને 'ધાણિયા' કહેવાય છે ને આપણો આ 'ન ભૂતો ન ભવિષ્યતિ' કલા વારસો !
લસરકો :
સંકુલ કળાસ્વરૂપ ધરાવતી હવામાં હિલોળા લેતી રોગાન કળા કેવી છે ?
''From heart to head to hand''
કચ્છના નિરોણા ગામના ખત્રી કલાકારોનું પ્રદાન
કળાગૌરવ વધારનાર કળાકાર ભાઈ અબ્દુલ ગફુર ખત્રીને 'પદ્મશ્રી'નો ઇલકાબ મળ્યો છે. તેમનું 'ટ્રી ઑફ લાઈફ' ચિત્ર અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રંગબેરંગી શોભા વધારી રહ્યું છે. મૂળે સ્ત્રીઓનાં વસ્ત્રો ઉપર થતી આ કળા હવે દીવાલો દીપાવે છે અને સુશોભન તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ કલાત્મક બનાવે છે. ભગવાનના દરબારનાં ચિત્રો, મહાકાવ્યોના પ્રસંગો અને રૂપચિત્રો પણ હવે રોગાન કલાનો હિસ્સો બન્યાં છે. જો કે આજે પણ આટલી વિવિધતા વચ્ચે અવ્વલ નંબરે તો ''ટ્રી ઑફ લાઈફ' જ આવે. વૃક્ષ, શાખા, પર્ણ, કળી, કુસુમ, ફલ તેમજ આસપાસ રમતાં હરણાં જેવાં ચપળ પ્રાણીઓ અને મોર, પોપટનાં અંકન અપૂર્વ માન ખાટી જાય છે. કવચિત્ વળી, પશ્ચાદ્ ભૂમિકાનં ઘાટા-ઘેરા રંગ ઉપર આછા ઘેરા રંગની ઝાંય અનેરુ વિશ્વ સર્જે. સાથે સાથે આકાશ અને આકાશી તત્ત્વોની ઉપસ્થિતિ કલાકારના હુન્નર તેમજ કમનીય આકૃતિઓ તેમની કલાદ્રષ્ટિનાં ઉદાહરણો પૂરાં પાડે છે. આઠ પેઢીઓનો સમૃદ્ધ ઇતિહાસ ખત્રી પરિવારજનોને ખાસ ઓળખ અપાવે છે. રોગાન કલાની અન્ય ખાસિયત છે ફ્રી હેન્ડ ભાત. કાપડના એક હિસ્સા પર ડિજાઈન સર્જી તેને બેવડ વાળવામાં આવે, સ્હેજ દબાવે અને સામી બાજુ 'મિરર ઇમેજ' ઊભી થાય. ડિઝાઈન બાકીના અડધિયાને પૂર્ણ બનાવે. ફૂલભાત, પક્ષીઓ, નૃત્ય કરતા મોર, વૃક્ષે વિરામ કરતું પંખી - એ સઘળાં બુટ્ટા સામસામે ઉપસી જઈ જવું વિશ્વ સર્જે.