Get The App

કલા આરાધના - 'અમૃતં ગમય' .

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
કલા આરાધના - 'અમૃતં ગમય'                                           . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

કળા પ્યાસને ક્યારેય ધરવ ન હોય

દક્ષિણ ગુજરાતના લીલાછમ વિસ્તાર બિલિમોરા નજીકના તળના ગામ તળોધમાં આજથી લગભગ નેવું વર્ષ પૂર્વે જન્મેલાં સુધાબહેન દેસાઈની નસેનસમાં બાળપણથી જ કલાતત્ત્વોનાં અંશો વહેતા થયેલા એનો અંદાજ સૌને આવી ગયેલો. નાની વયથી મન ચિત્ર તરફ વળેલું અને જન્મજાત પરોપકાર, સહૃદયતા અને કળાનાં જે લક્ષણો એમાં વણાયેલાં હતાં તેને મૂર્ત સ્વરૂપ સમજણી વયે પ્રાપ્ત થયું. મુંબઇની વિશ્વવિખ્યાત કળા સંસ્થા સર જે.જે.સ્કૂલ ઑફ આર્ટમાં તેમને વિખ્યાત ગુરુ શ્રી પરુળેકર સાહેબના પારસમણિ સમાન કળાશિક્ષણનો લાભ મળ્યો. ત્યાં ઉત્તમ પ્રસ્તુતિ અને પરિણામ પછી મુંબઇના પરાવાંદરાની સ્કૂલ ઑફ આર્ટસમાંથી ઇન્ટિરિયર ડેકોરેશનનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ અમદાવાદની એકમાત્ર અને અજોડ કલાસંસ્થા સી. એન.ફાઈનઆર્ટસમાં ગુરુ રસિકલાલ પરીખના હાથે અને વ્હાલે ઘડાતાં અને અનુસ્નાતકની પદવી હાંસલ કરી. હજી શિક્ષણ ભૂખ બરકરાર હતી તેથી મુંબઇની સોફિયા કૉલેજમાંથી કોશ્ચ્યુમ ડિઝાઈનનો અભ્યાસક્રમ પરો કર્યો. કળાભૂખને વધતી વયે હૈયાસરસી ચાંપી તેઓ કળાપંથે પળ્યા અને કલાપ્રેમીઓએ તેમને વધાવી લીધાં. અનેક સમૂહ પ્રદર્શનો અને એકલ પ્રદર્શનોમાં તેમનું કૌવત સૌએ પિછાણ્યું - ઓઈલ કલરમાં ઝળકતા તેમના નિસર્ગ ચિત્રો (લેન્ડસ્કેપ)ને દિગ્ગજોએ પણ વખાણ્યાં. તેમના વ્યક્તિત્વ, પ્રેમ અને કરૂણાનાં તત્ત્વો તૈલરંગ અને જળરંગના પ્રભાવમાં અને પ્રવાહમાં ભળ્યાં. તેમના ચિત્રો માહ્યલી 'ફોર્સ' - બળકટ યુક્ત રેખાઓ અને 'બોલ્ડનેસ' હિંમતપૂર્વકની રજુઆતની ચર્ચા ચારેકોર થઈ.

કલાકારો અને કલાના માનપાન શાનના મૂળમાં છે કળાસમર્પણ

પ્રસ્તુત કલાકારનું માનવીય વલણ અને લાગણી શીલતા તેમનાં ચિત્રોમાં પ્રતિબિંબિબ થયેલાં જણાયાં. તેમનો સ્ટ્રોક-લસરકો બળુકો અને સ્પષ્ટ રહેતો - જેમાં તેમણે પસંદ કરેલા વિષયો ઝળકી ઉઠતા. છવ્વીસમા ગુજરાત રાજ્ય કલાપ્રદર્શનમાં તેમનું ચિત્ર 'સ્નેચિંગ એટ હેપિનેસ' પસંદગી પામ્યું અને તેને લલિતકલા અકાદમીએ ખરીદ્યું જે આજે પણ લલિતકલા વિશ્વમાં તેજ પ્રસરાવી રહ્યું છે. કલાકાર પોતાની ખાસ કલા ઉપરાંત અન્ય કલાઓમાં પણ રમમાણ થઇ શકે છે એના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપે તેમણે દિગ્ગજ પ્રાધ્યાપક ગુરુજી ગોવર્ધન પંચાલ સાહેબના સંસ્કૃતમાં ભજવાયેલા ત્રણ નાટકોમા 'સન્નિવેશ'ની જવાબદારી લઇ પરિવેશ આયોજન કરેલું. સુધાબહેન દેસાઈ ચિત્રના રંગોના મૂળ સ્વભાવને સમજી તેના તીવ્ર અભિપ્રાય આપતા પ્રતિભાવ આપતા અને તેની ઝલક ચિત્રોમાં જોવા મળે. તેમના ઘણાં ચિત્રો અમેરિકા, ઇગ્લેન્ડ (લંડન), મુંબઇ સુરત અને અમદાવાદમાં સમર્પિત આ કલાકર્મી ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિયેશન સાથે જોડાયેલાં રહ્યાં. કલાને સમર્પિત આ કલાકાર માટે પ્રસ્તુત સંસ્થા વતી પીઢ કલાકાર શ્રી અરવિંદભાઈ વાકાણીએ સુધાબહેનનું એક શિલ્પ (બસ્ટ) કલાકાર રાજેશ સાગરા અને રિંકેશ સોનીની મદદથી આધુનિક માધ્યમ ફાઈબર ગ્લાસમાં બનાવડાવી કર્ણાવતી આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરેલું છે. કંસારા મીડિયા પ્રકલ્પ અંતર્ગત મહામંત્રી શ્રી વાકાણી સાહેબની નિશ્રામાં મબલખ કલાકાર્યો થઇ રહ્યાં છે. હેતાળ અને હસમુખ સ્વભાવી સુધાબહેન કામમાં ઝીણવટ અને તન્મયતાથી કલાસેવા ઉપરાંત અનાથ બાળકીઓના જીવનમાં ઉજાસ પણ પથરાવતાં રહ્યાં.

કલામાત્ર મુક્તિદાયિની હોય છે

સુધાબહેન દેસાઈની બહુમુખી પ્રતિભાએ એમને જશ જરૂર અપાવ્યો. રંગનાં દરેક પ્રકાર ઉપરાંત પેસ્ટલ કલરથી તેમણે તૈયાર કરેલી 'અષ્ટનાયિકાઓ'ના લસરકા કાબિલે દાદ છે. તેમને પંચમહાભૂતમાના બે તત્ત્વો આકાશ અને જળ માટે વિશેષ પ્રેમી હતો જે વાદળી રૂપ ધારી તેમના ચિત્રોમાં આવીને વસતાં. 

તેમના એક ચિત્રમાં સૌરાષ્ટ્રના 'રાસડા'ને રજુ કરતા પાઘડી ધોતીભેર કલાકારોનું વર્તુળ ભાવકોને રાસ સુધી લઇ જાય. માતાનું ઉદર સ્વયમ્ એક બ્રહ્માંડ છે એવી લાગણી કલાકારે પીળા અને લાલ સ્ટ્રોકવાળા ચિત્રમાંમાના પાત્ર થકી વ્યક્ત કરી છે. કેનવાસ પર તૈલરંગ અને પેપર પર જળરંગ પણ એમનાં મનમાં વસતા તૈલ રંગમાં 'ઑટમ એવેન્યુ' નામનું ચિત્ર આપણને વનપ્રવેશ કરાવે છે ત્યારે પેસ્ટલ રંગોમાં સોનેરી આભા ચિત્રાં જીવનનું નિરૂપણ કરે છે. એક શહેરીગલીના ચિત્રમાં ખૂબ વ્યસ્તતા દેખાય છે. મકાનો, વૃક્ષો, માનવ પાત્રોમાં શ્રમિકો, વાદળી આકાશ અને વાદળી જળ સમૂહ જીવન જીવતાં ભાસે છે. અન્ય એક ઘેરા લાલ કથ્થઇ રંગના ચિત્રમાં નાવિક સાથે હલેસું પણ જીવંત થઇ એક પાત્રની ભૂમિકા ભજવે છે. 'ઝટ જવું'નો ગતિશીલ ખ્યાલ નાવિકની 'બૉડી લેંગ્વેજ'માંથી વ્યક્ત થાય છે. પ્રકૃતિ સાથે પ્રાણની દોસ્તીનો પરિચય થાય છે તેમનાં ચિત્રોમાં લલિતકલા અકાદમીના ઘરેણાસમું તેમનું ચિત્ર બાળકના કચડાયેલા બાળપણની નોંધ લે છે. બાળમજૂરી વિશે ખેદ કલાકારની પીંછીમાંથી ટપકે છે. તેના એક હાથમાં ચાની કિટલી અને બીજામાં કપરકાબી સૂચવે છે કે તે ચા વેચે છે ! અરે ! તેના હાથમાં તો પુસ્તક, નોટબુક અને કલમ હોવા જોઇતા હતા - ખરૃં ને ! વર્ષો પહેલાની કલાકારની આ ભાવનાને સલામ !

લસરકો :

સંવેદનશીલ કલાકારની આંગળીઓમાં તેનું હૃદય અને તેની કલા વસે છે.

મૌલિક ચિત્રમાં સ્વયમ્ સ્ફૂર્ત લાગણી વણાય

આ સૃષ્ટિ ઉપર કલાનાં અમી છાંટણાં ન થયાં હોત તો આ પૃથ્વી કેટલી ઉજ્જડ ભાસત... નહિ ? આદિકાળથી ચિત્રકળા માનવમનના ઊંડાણની વાત કરતી આવી છે. શબ્દકળા સાહિત્ય દ્વારા અભિવ્યક્તિ જેટલું જ અને જેવું જ આ ચિત્રકળાનું મહત્ત્વ છે. વિશ્વનો કોઈ દેશ એવો બાકી નથી જ્યાં આ કળાએ રમણ ન કર્યું હોય. 

બાળકોને તો બાળમંદિરથી જ એકડો ઘૂંટતાં પહેલાં ચિત્ર કળા શીખવવાનું સૂચન મેડમ મોન્ટેસોરી અને મહાત્મા ગાંધીજીએ કહેલું તે કેટલું યથાર્થ છે ! નાની નાની કરાંગુલિઓને પકડીને શિક્ષક કે માતા એકડો ઘૂંટાવે એથી પહેલાં રેખાઓ, વર્તુળ અને ભૌમિતિક આકૃતિઓ શીખવે તો એના અક્ષર પણ સારા થાય એવો દાવો પ્રખર શિક્ષણ શાસ્ત્રીઓ કરે છે. વળી, કેટલાંક બાળકોને તો એ કળા અંદરથી જ પ્રાપ્ત થઇ હોય છે. ક્યાં તો વારસાગત લક્ષણો ચિત્રકળામાં સમાઈ જતાં હોય છે. હા, સ્વ-પસંદગી, આસપાસનું વાતાવરણ, શાળેય વાતાવરણ અને શિક્ષકો પણ આ સ્વયમ્ લબ્ધ કળા માટે જવાબદાર અને હિસ્સેદાર હોય છે. જો બાળક ચિત્રકળા પરત્વે કૂણી લાગણી ધરાવતું હોય તો ઘરમાં એને માટે તક અને સવલતો ઊભી કરવાની જવાબદારી વડીલોની છે. હા, આને માટે બાળક મોટા શહેરમાં જ જન્મ્યું હોય - એને તાલીમ અપાવીને સુસજ્જ કરાવાયું હોય એવું જરૂરી નથી. મોટેરાંઓને અંદાજ પણ નથી હોતો એવાં નિરીક્ષણો બાળક કરે અને એને ચિત્ર કે લસરકા સ્વરૂપે રજુ કરે ત્યારે એક સ્વયંભૂ કલાકાર જન્મે છે.