- રસવલ્લરી-સુધા ભટ્ટ
કલાકારોનો પરસ્પર સંવાદ કળાને પુષ્ટ કરે
મુંબઈ, પૂના અને એ બન્ને શહેરોની આસપાસનાં ગામડાંઓની નજર પણ આ કળા પર ઠરી. મૂળ સ્વરૂપને માનપાન આપી કથાને રસવતી પદ્યશૈલીએ ગાતા, ગમતાં પાત્રો હતાં. પૌરાણિક પાત્રો, ભગવાન, રાજવીઓ અને કલાકારો વિસ્તૃત રીતે જોતાં ચિત્રકલાના ત્રણ મુખ્ય સ્વરૂપો-અવતારો નોંધાયા. (૧) તેલંગાણાની કળા જેવો બોલ્ડ સ્ટ્રોક લેધરશેડો પપેટમાં દેખાયો. (૨) દોરીવાળી કાષ્ઠ કઠપૂતળીઓ અને, (૩) ચિત્રકથા : હા, હવે તે બધાની મિશ્રિત પ્રસ્તુતિઓને 'ચિત્રકથી' કહેવાય છે. એક આવકારદાર ઉદાહરણ એવું છે કે પેલાં ચિત્રોમાંથી પ્રેરણા લઈ હવે નવલોહિયા કલાકારો આ કળાને આવકારતા થયા છે. ઇન્દિરા શેષાદ્રી, એસ.સુરેશ અને અન્ય કલાકારોના પ્રયત્નથી સરકારે પણ પ્રસ્તુત કળાને જીવતદાન આપવાનું બીડું ઝડપ્યું છે. જે વિષય ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક પ્રસંગો સુધી સીમિત હતો તે હવે સર્વાંગી બની ગયો છે. આધુનિકતાના અંશો એમાં ભળી રહ્યાં છે. સત્તરમી સદીમાં ગામડાંઓની પાંખી વસ્તીને કારણે જ્ઞાતિ મુજબ ફાંટા પડતા અને તે પોતાના વર્તુળમાં આ કલાને નિખાર આપતા એને 'જમાત' કહેવાની. આમ, ઉપરોક્ત કળાના ત્રણ સ્વરૂપોની સાથે 'બળદ કળા' પણ ઉમેરાઈ. ચારેયને મૂલવીએ અને એની નસોને પારખીએ તો - એમાંથી કળાકારોએ કરેલી ચર્ચાઓનું અમૃત પ્રાપ્ત થાય. 'લેધર શેડો પપેટ'માં દ્વિદિશ પૌરાણિક પાત્રો જોવા મળે. પાતળા રેશમી કપડા ઉપર રંગબેરંગી ઝાકમઝોળ થતા રંગોની છાયા મન ભરી દે. રાત્રિના સમયમાં તેલના મોટા દીવાના અજવાળે વાદ્ય અને કંઠય સંગીતના સૂરો રેલાય - સચવાય. એમાં પપેટ ચામડામાંથી બનેલા હોય. ટીપેલા-કચરેલા પાતળા કાગળમાં કુદરતી રંગ જીવ લાવે.
દોરી સંચારિત કાષ્ઠ કઠપૂતળીને 'કલસૂત્રી' કહેવાય
આ વિવિષ્ટ પપેટસ્ એટલે કે જાણે કે કોતરાયેલી નક્શીવાળી દોઢ ફૂટની મૂર્તિ ! એ લાકડાની કૃતિ ઉપર રંગબેરંગી કાપડ વીંટાળ્યું હોય, તેના ચહેરા રંગેલા હોય... તે પૌરાણિક પાત્રોનું પ્રતિનિધિત્વ કરે. વાર્તા માહ્યલા નાયક-નાસ્કાએ, રાજા-રાણીઓ, ભગવાન, રાક્ષસો, વિનમ્ર સેવકો, વિવિધ કલા રજુ કરતા ચપળ કળાકારોની આકૃતિઓ વારા મુજબ પોતાનું પાત્રાલેખન કરે ! જોકે તેમને આંગળીએ દોરી વડે વળગાડીને મુખ્ય કલાકાર સુંદર કલાપ્રદર્શન કરે. સાથે સાથે ગાયકો, વાદકો તો ખરા જ. એક અદ્ભુત સ્વરાંકન વાતાવરણ ભરી દે. નાદબ્રહ્મની અનુભૂતિ થાય અને ઉપસ્થિત સૌમાં ઉત્સાહ અને આનંદના સ્પંદનો જાગે. ત્રીજા કળા ચિત્રકથી વિવિધ શ્રેણીઓમાં ઉપલબ્ધ હોય છે જેનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. આ પ્રવાહની ચોથ કળા 'બળદ શો' એક પવિત્ર અને છાની છપની વાતનો દોર લઈને આવે છે. એમાં બળદો, તેના માલિકો, ઢોલી વગેરે આસપાસ ઝૂમે. સમૂહનૃત્ય જેવી એ રચના સાગમટી ઘરથી ઘર, ગામથી ગામ ફરી વળે. લોકોને આશિષ આપે, ભિક્ષા, દાન-દક્ષિણા મેળવે. અતિ લોકપ્રિય એવી આ કળા ઉડીને આંખે વળગે અને એના નાદ સ્વર કાનને સચેત કરે. અતિ સુંદર કલાત્મક ભરતકામના કાપડ થકી શણગારેલા બળદોને આકર્ષક આભૂષણ પણ પહેરાવ્યાં હોય. ડોકે ઘંટડીઓ અને શિરપેચ સ્થાને મોરપીંછ સૌંદર્ય ઝરણનાં જાણે કે વાહકો !
મઝાની વાત તો એ છે કે આ કળાધારી ગામોમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ કળા આવડે જ ! હસ્તકળા તો એમના લોહીમાં અને જુઓને ! એમનો મુખ્ય ધંધો જ મનોરંજન પીરસવાનો ! તબલાં, ઢોલ, વીણા, ડમરૂના સાથમાં આ કલાકારો રમણે ચડે !
ઇન્દ્રિયાતીત અનુભવ કરાવતી બહુમુખી ચિત્રકથી કળા
પ્રસ્તુત પ્રાચીન પ્રસ્તુતિઓ સળંગ નવ દિવસો ચાલતી. મરાઠા રાજ દરમિયાન એની બોલબાલા હતી. અજાયબી જેવી વાત એ પણ છે કે આ ગાયન, વાદન, કથનથી ઉદ્ભવેલી કળા વડે લોકો રાજનૈતિક પરિસ્થિતિથી પણ વાકેફ થતા. રહસ્યો છતા થતા અને મુખિયાઓને આ અંગે એ કલાકારો જાણકારી આપતા ! કેવી સામાજિક જવાબદારી નિભાવતા આ કલાકારો ! ન ભૂતો ન ભવિષ્યતિ ! પિંગુલી શૈલીની સાથે સાથે એ જ સમયગાળામાં એને જ મળતી પૈઠણ શૈલીનો પણ વિકાસ થયો હતો. પૈઠણ મહારાષ્ટ્રનું એક એવું ગામ છે જે પૈઠણી સાડીનું 'હબ ગણાય છે. પાટણના પટોળા જેટલાં જ એનાં માન-પાન છે. પૈઠણી શૈલીનાં અને પિંગુળી શૈલીનાં ચિત્રોમાં સામ્ય ઘણું છે. બન્નેનાં રામાયણનાં ચિત્રોમાં પાત્રોના ચહેરામાં અને પ્રકૃતિ આલેખનમાં સામ્ય છતાં તેની રેખાઓના વળાંક, તેનાં અંકનમાં ભેદ છે. પૈઠણીનાં રેખાઓ ઘણી ગીચ અને ઝીણી-બારીક વિગતોનાં નિરૂપણ છે. પિંગુળીમાં રેખાઓ વચ્ચે ખાસ્સો અવકાશ જોવા મળે. બન્નેનાં રંગો ઘાટા, ઘેરા અને પ્રસંગોચિત અભિવ્યક્તિ ધરાવે છે. પાત્રોના મુખભાવ દર્શકને ઘેલાં કરે. પૈઠણીના નળ-દમયંતી ચિત્રાંકનો વિશિષ્ટ છે. હથિયારો, પ્રાણી, મુખમુદ્રા, હસ્તમુદ્રા, ગતિશીલતામાં એ થોડા કદમ આગે ચાલે છે. પરંતુ પ્રસંગાલેખનમાં 'ચિત્રકથીની જોડ ન મળે. મહારાષ્ટ્રના 'કોંકણી વિસ્તારના કલાકાર વિજય ભોંસલે (પૈઠણી શૈલી - નળ દમયંતી) અને પૂણેના કેળકર મ્યુઝિયમે પણ આ કળાને જીવતી રાખવામાં આપેલા સહયોગને પરમભાઈ વધામણી આપે છે.
લસરકો :
સચવાઈને - ગોપાઈને બેઠેલી 'ચિત્રકથી કળાના કલાકારોમાં મનોરંજન સાથે જ્ઞાન, શૌર્ય, કરૂણા, દાન, ભક્તિ અને શક્તિને પીરસવાની આગવી સૂઝ છે.
'ચિત્રકથા'ને સ્થાને 'ચિત્રકથી' શબ્દમાં 'લાડ'નો ભાવ અનુભવાય
પ્રાચીન કળા તરફ નજર નાખીએ તો એનાં ગૌરવપૂર્ણ રખોપાં ઉપર માન થઈ જાય. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કલાપ્રવાસમાંથી પ્રાપ્ત થયેલાં મોતીની જાત તપાસ કરીએ તો એનો રસપ્રદ ઇતિહાસ સાથે હસ્તધૂનન કરવાનો લ્હાવો મળે. રાજ્ય જે કોઈ હોય, જ્ઞાતિ-જાતિ-વસ્તીની વિસ્તૃત માહિતી મળે કે ન મળે, પણ ત્યાંની સ્થાનિક પ્રજાના પ્રેમપૂર્ણ વાત્સલ્યથી ભરપૂર-દિલથી ઘડાયેલી અને માવજતથી મઢાયેલી કળામાંથી કળાપ્રેમની સોડમ આવે-ભારતની ભોમકાની ભીની ભીની સુગંધ આવે. વડોદરાના કલાકર્મી પરમભાઈ ગજ્જરે ચિત્રકથી કળાનું સાંસ્કૃતિક મહત્વ જાણ્યું. ઐતિહાસિક અરે અલબત્ત, ભૌગોલિક સીમાઓ વળોટીને પણ પ્રસ્તુત કળા અંગે વિગતવાર અવગત થયા એનો લાભ એમના લેખો દ્વારા પણ ભાવકો સુધી પહોંચે એના પ્રયત્નો કર્યા. સિંધુદુર્ગના પિંગુળી ગામ ઉપરાંત આ કળાઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણાના અનેક સ્થળોએ વિસ્તરી છે. આ પારંપરિક કળા પાંચસો વર્ષોથી લોકચાહનાને પામતી આવતી જાણે કે એક કળાધારા છે. ધંધાદારી જ્ઞાતિઓ પોતાના સંસ્કારોને સાચવવા વાર્તાકથન, વર્ણન કરતા અને વારસામાં મળ્યું એમને પૂરક ચિત્રો બનાવવાનું જ્ઞાન. આ દ્રશ્ય-શ્રાવ્ય કળાએ આ ચિત્રોમાં છૂપાયેલી કળાની સમૃદ્ધ પરંપરાને ધબકતી રાખી છે. પૌરાણિક ગ્રંથોને આધારે વાર્તા કહેવાતી જ હતી, સાથે સાથે સ્થાનિક વાતો, પ્રસંગો પણ તેના સાક્ષી બન્યાં. વિસરાઈ ગયેલો વારસો એ રીતે પુન: જીવિત થયો અને એ વિશ્વની નજરે ચડયો. ચિત્રોમાં કથ્થઈ ઝલક આપતા પથ્થરોમાંથી રંગ બનાવીને તેઓ વાપરતા. ચિત્રોમાં માનવ આકૃતિઓ અને કુદરતી તત્વો ઝૂમતાં.


