- રસવલ્લરી-સુધા ભટ્ટ
- ઉત્તર ભારતના ચર્ચ તરીકે જાણીતું આ છે ધી ચર્ચ ઑફ સેન્ટ જ્હૉન
મુંબઇના ફૉર્ટ ઇલાકાનાં કેટલાંય કલાકર્મો અને સ્થાપત્યોમાં આપણે આંટો મારી આવ્યાં હતાં. તેમાં ગેઇટવે ઑફ ઇન્ડિયા યાદ છે ? અરે ! એનું બીજું નામ છે 'પાલવા બંદર' ! નવાઇ લાગે. પાલા માછલીનો ત્યાં ઉછેર થતો. એ સ્થળે રહેતા અને એ માછલીનો ઉછેર કરતા લોકો તે 'પાલવા' અને બંદર તો હતું જ માટે એ વિસ્તારને પાલવા બંદર પણ કહેવાય. હવે, આજનું સરનામું એ નથી; પરંતુ ગેઇટવે ઑફ ઇન્ડિયાની બરાબર સામે છે કોલાબા જવાનો રસ્તો. અરબી સમુદ્રની એક નાની શી ભૂશિર ત્યાંથી જ નીકળે છે. સ્હેજ આગળ જતાં આવે દક્ષિણ મુંબઇનો એક છેડો - જે થોડે જ આગળ પૂરો થઇ જાય. અફાટ સમુદ્રની ભૂશિરનો એક ભાગ નરીમાન પૉઇન્ટ કેહવાય. હા ! ત્યાં મુંબઇનું પ્રખ્યાત સ્થળ છે - બૅક બે રેક્લેમેશન... એટલે કે દરિયો પૂરીને જમીન બનાવવાનો પ્રયાસ ! ત્યાંથી શરૂ થાય ક્વિન્સ નેકલેસનો ગોળાર્ધ. એ દરિયાકાંઠે જે મકાનો છે તે પણ બ્રિટીશ સમયની ભેટ છે જેને 'આર્ટડેકો' કહે છે. તે અંગે ક્યારેક નિરાંતે વાત આજે તો રીગલ થિયેટરથી શરૂ થતો કોલાબા રૂટ પકડીએ જે આર.સી.ચર્ચ સુધી જાય અને ત્યારે ડાબે જમણે બન્ને બાજુએ દરિયાનાં મોજાં અથડાય. એ પહેલાં જ વચ્ચે આવે અફઘાન ચર્ચ. ભારતમાં અફઘાન ચર્ચ ? નવાઇ લાગીને ! એ તો છે 'અફઘાન વૉર મેમોરિયલ ચર્ચ' અર્થાત શહીદ સ્મારક. અફઘાન યુદ્ધના શહીદોની યાદીમાં અફઘાન-કાબુલના સૈનિકોય હતા અને બ્રિટીશ તથા ભારતીય શહીદો પણ ખરા. બ્રિટીશ સરકારે એનો પાયો ૧૮૪૭માં નાખ્યો અને ૧૮૫૮માં તે બાંધકામ પૂર્ણ થયું. ચર્ચનું અણિયાળું શિખર ૧૮૬૫માં ચણાઈ રહ્યું.
મધ્યયુગીન ગૉથિક રિવાઇવલ માસ્ટરપીસ
કોલાબાના નેવી નગરમાં બંધાયેલ આ ચર્ચ અગાઉ એક અન્ય સ્થળે નાના છાપરાવાળા ગર્ભગૃહ (ચેપલ) તરીકે ઓળખાતું. પ્રસ્તુત સ્થળે સરકારે એટલા માટે એને નવેસરથી બાંધ્યું કે તેના ઉંચા શિખરને જહાજમાં બંદર પરના સૈનિકોને એ સરળતાથી દેખાય. એના સ્થપતિ વિલિયમ બટરફિલ્ડ હતા જેમની જવાબદારી પિછવાઇ જેવા પડદાની, ટાઈલ્સની, જમીન સાથે જડાયેલા બાંકડાની અને જાળીઓ પૂરતી હતી. સ્ટેઇન્ડ ગ્લાસીઝ (પારદર્શક રંગો વાળા કાચ)નો વહીવટ વિલિયમ વેઇલ્સે કર્યો. ૧૮૪૦માં રેવરન્ટ પિગોટે આ આસ્થા સ્થળની જવાબદારી લીધી અને જે જાનહાનિ થયેલી એને શ્રદ્ધાંજલિ આપવાનો આદર એમણે કર્યો. ૧૮૪૩માં ગૉથિક સ્થાપત્યનો અભ્યાસ કર્યા પછી 'ઓક્સફર્ડ આર્કિટેકચરલ એન હિસ્ટોરિકલ સોસાયટી'ના સહકારથી આ કામ શરૂ કર્યું. પણ પછી ૧૮૪૭માં અન્ય સંસ્થાની સહાયથી ચોથી ડિસેમ્બરે ગવર્નર રસેલ દ્વારા એનો પાયો નંખાયો. મૂળ પ્લાનમાં થોડો ફેરફાર કરાયો. છાપરાની અને ટાવર (મિનારાની) ની લંબાઈ ઘટાડાઈ. જે.જે.સ્કૂલ ઑફ આર્ટસના વિદ્યાર્થીઓએ ટાઈલ્સની મદદથી કૉલાજ જેવી રચના ભીંત પર કરી આપી. આ સ્થાપત્યમાં બહુરંગી ટાઈલ્સ જમીન પર પથરાઇ. ચર્ચને લગતા બાંધકામમાં પ્રાર્થના સ્થળ અને પવિત્ર વેદીની પણ રચના થઈ. સાત જાન્યુઆરી ૧૮૫૮માં એનું લોકાર્પણ થયું. એક વિશિષ્ટ આકારનું ત્રિકોણિયું અણિયાળું શિખર લોકોને આકર્ષતું. આ અદ્ભુત ઇમારતમાં બફક્લર્ડ (પીળા જેવા) સ્થાનિક બેઝાલ્ટ પથ્થર અને ચૂનાના પથ્થરો વપરાયા. અંદર સળંગ પહોળી ગૉથિક કમાનો, સુંદરતમ રંગીન કાચવાળી બારીઓ સ્થાપત્યને અદ્વિતીય બનાવે છે. મુખ્ય ખંડમાં વિશાળ ચાન્સેલ (વેદી) અને ફ્લોટ ટાઈલ્સ પરની ભૌમિતિક ભાતની ડિઝાઈન ઇગ્લેન્ડથી આયાત કરાઈ. પૂર્વ પશ્ચિમની બારીઓમાં ઓગણીસમી સદીના કાચ છે.
ઘંટાઘરના આઠ ઘંટ બ્રિટનથી ૧૯૦૪માં આવ્યા
પ્રસ્તુત ઘંટ દેશના સર્વોત્તમ ઘંટ છે. ટાવર અને શિખર ૧૯૮ ફિટ ઊંચો છે. વચ્ચે ખાંચમાં આરસની તકતીમાં શહીદ વંદના છે.
પથ્થરની આ ઇમારત કુલ બે માળની છે. ગૉથિક રિવાઇવલ શૈલીનાં બારી બારણાં ગોળ થાંભલા કુંભી અને કેપિટલ (મથોડા) ધરાવે છે જેમાં આંકા-વળિયા ભાત દેખાય. માથે જાળીઓ, ઓરડામાં સ્તંભોની હાર અને તેને વળગતી કમાનો ભવ્ય આકાર પ્રકાર રજુ કરે છે. સાથે સાથે વચ્ચે કઠેડા ચર્ચની શોભા બને છે. સેંકડોની સંખ્યામાં સ્ટેનગ્લાસની બારીઓમાં ફૂલપત્તી અને વિશિષ્ટ વ્યક્તિઓનાં રૂપચિત્રો જોવા મળે. અમુક પથ્થરનાં અને કેટલાંક ધાતુ શિલ્પ દેખાય; તો, છતમાં એ સમયે ઉપયોગમાં આવતા લાકડાના પાટડા વળાંકો સહિત શોભે જે ગૂંથણી જેવા લાગે. મુખ્ય ખંડની અંદર પડતી બાલ્કનીમાં બાઈબલના બોધનાં અંકન જોવા મળે. એની આસપાસ ફૂલબુટ્ટા અને ફૂલવેલ, પાનની ભાત શોભે. વર્ષોનાં વહાણાં વાયાં તેથી આ ભવ્યતમ ઊંચા મિનારાવાળી દૂરથી દેખાતી ઇમારતને લૂણો લાગેલો. ૬૪ જેટલી કાચની બારીઓ જર્જરિત થયેલી અને હેરિટેજની જાળવણી સારુ અહીં પણ કેટલીક કાર્યવાહી થઇ. કાચ, લાકડાના છાપરા, તૂટેલા મોઝિક, દ્વારા મંડપ, પ્રભુને ભોગ ધરાવવા માટેનું ટેબલ, બેલ ટાવર આદિને રિપેર કરી પુન: રંગરોગાન કરાવાયા. આઠેય ઘંટને ફરીથી સજાવાયા અને પોરબંદર લાઈમ સ્ટોન લાવ્યા. દીવાલો અને ખારા પાણીથી બગડેલી ભીંતો પર લેપ લગાડવામાં આવ્યા. ચાલો, સ્થાપત્ય કળાનાં માનપાન થયાં એને માટે આનંદીએ.
લસરકો :
જેટલી કાળજી અને હોંશ નવા બાંધકામની એટલી જ ચિંતા નવીનીકરણની કરીએ તો એ નિર્જીવનો જીવ બચે.
કળા સંતાકૂકડી રમે તો કરીએ ''હાઉક'' !
વિશ્વસ્તરે કળાના વિવિધ પ્રકારો યુગોથી પોતાનાં અસ્તિત્વને સાચવીને બેઠા છે. અલબત્ત, સમયનો લૂણો લાગવાથી સ્થાપત્ય, શિલ્પ, ચિત્રાદિ કળાને ઘણું નુકસાન પણ વેઠવાનું આવ્યું છે; પણ એનો ઉપાય તો છે જ ને ! પહેલાં તો એ કળા ક્યાં છુપાઈને બેઠી છે એ શોધવું પડે અને પછી તેની ઓળખ કરીને એની વર્તમાન પરિસ્થિતિ કેવી છે એનું નિરીક્ષણ કરવું પડે. આખું દ્રશ્ય સ્પષ્ટ થાય પછી તેની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપીને, તેને સંજીવની પાઈને, તેને સજીવન કરવી પડે. આપણા દેશની પ્રાચીન સમયની કળા ઉવેખાયેલી ને તે ઓઝલ પાછળ અદ્રશ્ય થઇ ગઇ હતી જેની ભારતવાસીઓને ખબર જ ન હતી. અજંતા ઇલોરા, ખજુરાહો અને હિમાલયની ગોદમાં ને પર્વતોની ગુફાઓમાંથી કળાનું એ કાચું સોનું મળી આવ્યું હતું. રસિકોને માટે એ ધન્ય ક્ષણ હતી પરંતુ એની પરિસ્થિતિ નાજુક હતી અને હજી ઘણાં એવાય ક્ષેત્રો છે જેને તપાસીને તેને કસોટીની એરણ પર ચડાવવાનાં છે. બીજી બાજુ ભારત દેશ ઉપર અનેક વિદેશીઓએ વારાફરતી રાજ કરેલું એ દરમ્યાન એ લોકોએ પણ કલાત્મક સ્થાપત્યો સ્થાપેલાં. અન્ય કળાવિદ્યાઓ પર હાથ અજમાવેલો એને પણ સૈકાઓનાં વ્હાણાં વાઈ ગયાં છે હવે; તેથી એના પુન:નિર્માણ કે જિર્ણોધ્ધારનો સમય પાકી ગયો છે. આમ, મૂળ ભારતીય અને અન્ય સંસ્કૃતિનાં કલાકર્મોને ખોળે લઇને એને યોગ્ય સારવાર આપીને પ્રકાશમાં લાવવાની તાતી જરૂરિયાત છે. પરદેશીઓએ સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો, વિષયક અને શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરી તેની નોંધ આપણે ન લઇએ અને એની માવજત ન કરીએ તો આપણે નગુણા કહેવાઇએ.


