Get The App

કુદરતનો શાંત સાદ માટીનો સાર્ધ સંવાદ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
કુદરતનો શાંત સાદ માટીનો સાર્ધ સંવાદ 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- 'રખડુ કવિ'નું ભ્રમણ સર્જનાત્મક - કવિતા નિ:શબ્દ

કોઈપણ ઔપચારિક અભ્યાસક્રમને અનુસરીને કળાજ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે મુઝફ્ફર નગરના નાનકા ગામ 'નવલા'માં જન્મેલ ઝૈનુલ અબ્દીન નામનો તરવરિયો-ત્રીસ વર્ષનો નૌજવાન 'નોમેડિક પોએટ'ની ઓળખ ઓઢીને સરળ સહજતાથી ધરતીના ખોળાને ખૂંદીને, તેમાંથી અમૃતબુંદ મેળવીને ધન્ય થઈ ગયો છે અને એની નિર્દોષતા, સાદાઈ અને નિરાડંબરી વર્તણૂંક વડે તે સૌનો લાડીલો બની રહ્યો છે. ખેડુતપુત્ર ઝૈનુલ માટીને પોતાનું સર્વસ્વ માને છે. કુદરતમાં આસ્થા ધરાવે છે અને કોઈ ઇનામ-અકરામ, એવોર્ડ કે વળતરનો મહોતાજ નથી. પ્રસિદ્ધિની ખેવના વગર ભારતભરના ગામડાંઓમાંથી ધૂળ, બીજ, ઝાડની છાલ, ફાંક કે બખિયો જેવા ભરતકામના ટાંકા અને માત્ર ને માત્ર મૌન એકત્રિત કરે છે. તેની કળાકૃતિઓ સ્ટુડિયોમાં નહિ - બંધિયાર જગ્યામાં નહિ - પરંતુ ઉપર ગગન વિશાળ હોય એવા ખેતરોની હવામાં, માટીની યાદમાં અને ગામની નિ:શબ્દતામાં જન્મ લે છે. કળાનું વહેણ એમની કૃતિઓમાં નવી દિશે ફંટાયેલું દેખાય છે. તેઓ સુંદરતાની શોધમાં જતા નથી, પરંતુ જમીન સાથે સંધાયેલા અસ્તિત્વની તેમને ખોજ છે. તેમાં વૃક્ષ, વનરાજી, અંકુર, ડાળી, પાન, પુષ્પ, રેખાઓ, માટી, જળ આદિનું શાંત ઝરણું અનુભવાય છે. તેમની નિર્વિવાદ વિચારધારા સ્થિર આત્મવાણી અને અનોખી ભાષા તેમને ટોળામાં જુદા તારવે છે. બાળવયથી ખેતરની ખરબચડી માટી ખૂંદતી વખતે તેમનું વિસ્મય જાગૃત થયેલું. ઉત્સુકતા, અવલોકન અને સ્થિરતા તેમનાં ઘરેણાં છે. મિતભાષી ઝૈનુલ કૈનવાસ પર ખેડાણ કરે છે. બાગાનમાં જમીન ઉપરનાં વૃક્ષો ઉપરાંત જમીનતળમાં ફૂટેલાં-ઊંધી દિશાએ જતાં મૂળિયાં અને અંકુરોને તે પારદર્શકતાથી ચિત્રોમાં નિરૂપે છે.

માટીના તાણાવાણામાં વણાયાં આત્મા અને મૌન

પ્રસ્તુત સંગ્રહ સર્જનાત્મકતાની પરાકાષ્ટાનું દર્શન કરાવે છે. માધ્યમ અનેરાં, માટી, રેતી, પથ્થર, ખનિજદ્રવ્ય, જૈવિક-પ્રાકૃતિક તત્વો, દોરી, સૂતળી, કાથી અને આવશ્યકતાની પૂર્તિ કાજે ક્વચિત્ રાસાયણિક રંગો - પિગમેન્ટ્સ, બાળપણની ધૂન આજેય બરકરાર રાખતા આ કળાકર્મી પોતાના પદચાપને પારખીને નીકળી પડે છે અને ઉપરોક્ત બધી સામગ્રીનો ઉચિત ઉપયોગ કરી અનેક રૂપકો સર્જે છે અને વચ્ચે વચ્ચે જે સીવેલી રેખાઓ દેખાય છે તેનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરે છે. નિસર્જનાં તત્વો ઘણીવાર એળે જાય છે. આપણે એને ફેંકી દઈએ ત્યાંથી જ સત્ય આરંભાય છે. એમાં ભાવના છે, ભક્તિ છે, ધૂળમાં ગોપાયેલા છે રસ્તાના અવશેષો, દોરો ભૂતકાળને જોડતો સેતુ બની જાય છે. કલાકૃતિ સ્વયમ્ શાંતિ ઝંખે છે. તેને સમજુ ભાવક ખપે છે. કુદરતના વિશાળ ખોળામાં આખુંય બ્રહ્માંડ સમાયેલું છે. કલા પોતે પોતાને પ્રદર્શિત કરતી નથી. આપણે તેને કેટલીક હળવાશથી તરાશીએ છીએ એ મુદ્દો મહત્વનો છે. આ આપણા ઠેર ઠેર વિચરતા કવિના હૃદયમાં, વાચામાં, કળામાં મૌન શબ્દો અભિવ્યક્તિ બની પુષ્પ જેમ પાંગર્યો. તેમની દુનિયા નિરાળી, ખેતીનું વિશ્વ વેગળું અને એ સૌને જોડે તે સક્ષમ કલાકાર. માટીને પ્રેમ કરતો માનવી ધરાતળનું સઘળું ચાહે છે. એનું અસ્તિત્વ માત્ર શોભાનું નિમિત્ત બને છે. ચાલો, એ સ્વયમ્ સ્ફૂર્તિ બિન તાલીમી કલાકાર નોમેડિક પોએટના ચિત્ર કેનવાસમાં લટાર મારી 

આવીએ: અનેકાનેક ઝીણી-મોટી ભાતવાળાં નાજુક નમણાં ચિત્રોના પ્રદેશમાં શ્વાસીએ. એક ચિત્રમાં ખેતરની પશ્ચાદ્ભૂમાં ચીસ પાડયા છે તેનો મનોમન સ્પર્શ કરીએ. ગ્રે શેઈડના આશ્વાસન હેઠળ અહીં લીલોતરીનો જન્મ થાય છે. ઝીણું વિચારીને મોટું વ્યક્ત કરનાર આ કલાકાર સાચો હોં ! અંતરનાં બારણાં ઉઘડે. વચ્ચે માનવ પંજો 'ઘણી ખમ્મા' કહે.

દરેક યુગમાં કળા સરતાજ કરે સઘળે રાજ

નિસર્ગ સાથે ગેલ કરતો આ કવિ તૂટક તૂટક ભરતકામ કરે, અંકુરને નિરખી રાજીનો રેડ થઈ જાય અને એને કેનવાસમાં ઉતારી દે. અન્ય ચિત્રમાં કથ્થઈ રંગની ઝાંય જોડે બારીક રેખાઓ જમીનના પડમાં ગૂંથાયેલી લાગે. નાજુક અંકુરો સુમનાકારે માટીમાં વાદળી ફેરવી હોય તેમ ઝીણી ભાત રચે-પરપોટાં જેવી વેરાયેલી માટી પંચમહાભૂતમાં ભળી જવાનો ભાવ વ્યક્ત કરે. જીવનમાં રેખાનું મહત્વ જીવ અને શિવ સુધી દોરી જાય. સમાંતર લકીરો પૃથ્વીનો ભાવ રજુ કરે. શ્વેત પાતળી લકીરો પૃથ્વીના શાંત છતાં ફળદ્રૂપ જીવનનો ચિતાર આપે. ભૌમિતિક આકારો આ કવિની અને કૃદરતની સહજતાનું પ્રમાણ છે. અન્ય ચિત્રમાં આછા વાદળી સાથે શ્યામલ લકીરો કલાત્મક ભાત રચે છે અને ઊભા થયેલા અંકુરો જાણે કે પરિવાર રચે છે. કઈ શોધની ઝંખના છે આ કલાકારને ? વણઝારાની જેમ ભમતો આ માનવી માટીનો મન પામવાની મનીષામાં અનન્ય સાહસ કરે છે. જે ધરાનું ધાવણ પીને ઉછરીએ અને એને જ પાછું આ શરીર સોંપી દઈએ - કૃષ્ણાર્પણ કરીએ અને પંચમહાભૂતનું ચક્ર ચાલુ એ જ સંદેશો. જ્ઞાનના ભાર વગર સમજાવેલા સત્યને પચાવતો ઝૈનુલ ભૂમિપુત્ર કવિ નવરચનામાં રચ્યો પચ્યો રહે છે. ઊંડી વિચારધારાને આપે એ કુદરતી રંગો વડે નિખાર ! ઘોર અંધારી રાતલડી જેવી ભૂમિની દિશા અને દશા પલટાય એની રાહ છે રંગબહારના નિરૂપણમાં. અન્ય આછા કથ્થઈ રંગની લીલા વાળા ચિત્રમાં ખેતીના તબક્કાઓને છતા કરતો આ કલાકાર નાની ઉંમરે કાંઈક પામી ગયો છે - ભાળી ગયો છે - હળવાશથી !

લસરકો :

ધરતીમાતાના હૃદયમાં મચેલી હલચલ બોલે છે.

સર્જન તત્વ એ ધરતીની અભિવ્યક્તિ છે.

બીજ, જળ, પવન, તાપ, છાંયો, કાળજી, વત્સલતા,

ખુશી એ જ તો એની સર્વોપરિ શક્તિ છે.

કલા માટીનો પડછાયો છે : 

કલમ વિના લખાયેલી કવિતા છે.

આ નવયુગની પ્રસાદીરૂપે આપણને કળાક્ષેત્રે કંઈક નવું જ નવલું નજરાણું પ્રાપ્ત થતું રહે છે તેના કારણમાં એટલું જ કહી શકાય કે વિવિધ કળા પરત્વે આપણે હવે વધુ જાગ્રત થયા છીએ. કળા એ માત્ર આંખની, મનની કે હૃદયની મિજબાની જ નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે એક જુદી ઓળખ લઈને પોતાના સાચા સ્વરૂપને બહેલાવવાની કોશિશ કરી રહી છે. પાશ્ચાત્ય દેશોએ આજથી સો કે તેથી વધુ વર્ષો પહેલાં કળાનું સાચું સ્થાન કયું અને ક્યાં હોવું જોઈએ એનો યજ્ઞા આદરેલો. કળાને જીવનમાં મુખ્ય તરણે સાથે સ્થાન મળવું જોઈએ એની સભાનતા અન્ય દેશોમાં આંટા માર્યા પછી ભારત દેશમાં આવેલી. કદાચ, આપણાં પૂર્વસૂરિઓ આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની ભાંજગડમાં વ્યસ્ત હતાં અને તેથી કળાને આપણે ઉવેખેલી કદાચ એ આડે હાથે મૂકાઈ ગયેલી. આમ તો, આપણી સંસ્કૃતિ વિશેના સંશોધનો અને અધ્યયનોના પરિણામે આપણને જાણ તો થઈ જ ગયેલી છે કે ભારતમાં જ્ઞાન-વિજ્ઞાન, વ્યવસાય અને કળાના પ્રત્યેક ક્ષેત્રને ખેડવાના ઉપક્રમો હજારો વર્ષોથી જ હતાં પણ અગ્રીમતા આપતી વખતે કદાચ કળાક્ષેત્ર ઉવેખાયું તેવો પણ એક મત છે. ખેર ! એક બાજુ આધુનિકતમ ટેકનિકયુક્ત યુગ અને સામી બાજુ વૈવિધ્યસભર કળા વિષયક વિપુલ ખેડાણ સાંપ્રત યુગમાં દેખાઈ, સંભળાઈ અને અનુભવાઈ રહ્યું છે ત્યારે આપણી મૂળ કળા ધીમા પણ મક્કમ પગલે આગેકૂચ કરી રહી છે. ટેકનોલોજીએ પણ તેને ખભે ઉપાડી લીધી છે એ લટકામાં. કળાનાં રખોપાં કરતી અનેક સંસ્થાઓમાંની એક ડી.આર.એસ. (અમદાવાદ) નવી ચિત્રકળા અને હસ્તકળા સાથે હસ્તધૂનન કરી રહી છે. ધન્વીભાઈ અને ચૈત્યભાઈ કળાનાં પોંખણાં કરે !