Get The App

બાણગંગા તળાવ મંદિર સ્થાપત્ય સૌંદર્ય

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
બાણગંગા તળાવ મંદિર સ્થાપત્ય સૌંદર્ય 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

તળાવના પૂર્વોત્તર છેડે શુધ્ધ પેટા જળનો કુદરતી ઝરો

પ્રસ્તુત કલાકાર સર્જિત અન્ય એક ચિત્રમાં રામાયણનો સંદર્ભ જોવા મળે. બાણાવળી રામ ચિંતિત મુખમુદ્રામાં દરિયાઈ જીવો અને જળના વમળો વચ્ચે રેતીમાં ઊભેલા ભાસે. અધીરા આ રાજા રામ બાણ છોડે. આછા ઘેરા વાદળી રંગના આ ચિત્રના પશ્ચાદભૂમાં એકદમ આછા વાદળી રંગની રેખાઓ જળ તરંગ જેવી શોભે. રામનો ચહેરો પીળો-સોનેરી અને આભાય એવી જ. જમણો પગ ભોંય સોતો અને ડાબો અધીરો ઊભો પગ એમના ચિત્તમાં ચાલતી વ્યથાનું વર્ણન કરે. અહીં જ તો એમણે પાતાળગંગાને બરકવા માટે બાણ મારેલું ! તળાવની વચ્ચોવચ્ચ એક ધ્વજસ્તંભ છે - જેને મેરૂ પર્વતની ઉપમા આપ્યેલી છે. તે શારીરિક, આધ્યાત્મિક અને માનસિકતાના પ્રતીક સમાન છે. તળાવના ઉત્તર છેડે પાણી ભરાવવાનો વાલ્વ અને ઓવરફલો માટેની સગવડ છે જે અરબી સમુદ્રમાં વહી જાય. અહીં કુદરત પણ મહેરબાન છે. વિવિધ પ્રકારની માછલીઓ જીવંતતાનો સંદેશો આપે છે. વૃક્ષો, પશુ અને પંખીઓનું પણ માનીતું સ્થળ. અલબત્ત, સમયના બદલાવ અને વધુ પડતા શહેરીકરણની અસર પણ દેખાયા વગર રહે નહિ. હા, એક સમયે પેલા મીઠા પાણીના ઝરામાંથી આસપાસનાં ઘરોમાં પાણી પહોંચાડવામાં આવતું. તળાવના પથ્થરનાં પગથિયાં સુંદર ભાત સર્જે છે. કિનારે કિનારે જઈએ તો અનેક સ્થળે પ્રાચીન મંદિર, મૂર્તિઓ, પાળિયા, પથ્થરોના ભગ્નાવશેષો પડયા છે. તેમાં ઘોડા, ઘોડેસ્વાર જેવી આકૃતિઓય ખરી. કેસરી સિંદૂરના જાડા પડવાળા લેપથી આ સ્મૃતિ પાષાણો નિર્જીવ છતાં સજીવ શા ભાસે. આ અવશેષો વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી પણ એવું કલ્પી શકાય કે રણભૂમિમાં વીરગતિ પામેલાઓના એ પાળિયાઓ હશે ! નિરાળા આ ઘાટ પર સમાધિઓ અને સંસ્મરણો સજીવન થાય !

જીવનદાત્રી નદી ગંગા ફળદ્રુપતાની દેવી

ઈતિહાસ અને સંસ્કૃતિમાં એક સામ્ય છે. સમય  સાથે એ બન્નેમાં બદલાવ આવ્યા જ કરે છે અને સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો તથા અનેક કલાઓના કાયાકલ્પ થતા રહે છે. જિર્ણોધ્ધાર અને સમારકામમાં ભરતી આવતી જાય તેમ તેમ સ્મારકો અને સંરચનાઓ ખોળિયા બદલે ! ક્યાંક મૂળ ઈમારતનાં એંધાણ વરતાય તો ક્યાંક વળી સંધુય નવું નક્કોર ! હા... પણ મોટે ભાગે વારંવાર નામકરણ ન થાય. એવા કેટલાક મંદિરો અને મઠ આ ઘાટ ઉપર છે જેણે જનમાનસ પર ઊંડી અસર છોડી છે. લગભગ પાંત્રીસ ધર્મસ્થાનોમાંથી કેટલાક નમૂનારૂપ સ્થાપત્યોની નોંધ લઈ શકાય. પછી તો જેવી જેની પસંદ. ''થોડામાં ઘણું'' સમજીને બાકીનાં દર્શન માટે રૂબરૂ સદેહે જવાય જ ને વળી ! મુંબઈ તો સૌને હૃદયસ્થ હોય. એક સમયે આ સ્થળ એનું અગત્યનું આકર્ષણ કેન્દ્ર હતું. એક જબરૃં મંદિર - નામે જબ્રેશ્વર મહાદેવ છે... ૬ ગલીના નાકેથી દેખાય. જ્યાં ભોંયમાં પથ્થરો જડયા છે. મલબાર હિલની પશ્ચિમે, અરબી સમુદ્રના વળાંકે ટેકરીની કિનારીએ નામ પ્રમાણે ગુણ ધરાવતું હોય એમ આ મુખ્ય મંદિરોમાંનું એક - અહીં વટથી બિરાજમાન છે. ૧૮૪૦માં વેપારી નાથુરામ રામદાસે બંધાવેલું. સભામંડપમાં નંદી અને હનુમાનનાં પૂજા-આરતી થાય અને ગર્ભગૃહમાં પથ્થરનું લિંગ છે. સમગ્રતયા લાલ, પીળા, લીલા, ભૂરા, ગુલાબી, કથ્થઈ રંગની શોભા ધરાવતા આ મંદિરને નીચું ગોળ ગુંબજ જેવું (મુગલ શૈલીનું) નાનું સુશોભન છે. સાથે સાથે નાગર શૈલીનું ઊંચું પિરામિડલ શિખર છે જેને આમલક અને કળશ છે. તેની રચનાાં વચ્ચે વચ્ચે અનેક નાના શિખરો, આમલક, કુંભ છે. ભીંત ઉપર અનેક દેવીદેવતાઓનાં શિલ્પો ધ્યાન ખેંચે. અત્યંત અલંકૃત આ મંદિરે જાણે કે શિલ્પોનાં તોરણો ધ્વજ સહિત અડીખમ ઊભા છે.

એક એકથી ચડિયાતા કલાપૂર્ણ દ્રશ્યોની ઝાંખી

જબ્રેશ્વર મહાદેવના શિખરે કોતરણી - નકશી સ્વરૂપે સંગીતકારો, સિંહ, વાંદરા અને હાથીઓ જોવા મળે. સભામંડપની બાહરી દીવાલે કમાનમાં મકરમુખ અને સ્તંભની ચોરસ પીઠિકા પર ફૂલ, વળિયા, પાન શોભે છે. સ્તંભના કેપિટલ (મથોડા) પર સુંદર આકૃતિઓ બહુરંગે દીસે. એમાં પાંખોવાળી દિવ્ય નૃત્યાંગના સ્થાનિક કોળી શૈલીની મહારાષ્ટ્રિયન સાડીમાં જોવા લાયક લાગે - જે ત્રિભંગમાં ઊભી છે. શ્યામ પાષાણનું આ મંદિર ડાબે ગર્ભગૃહ અને જમણે મંડપ સહિત ગલીના ઢાળ પર સંકોચાઈને ઊભું છે. આ મંદિરનું મુખ્ય દ્વાર સાઇડથી ખુલે છે - સન્મુખ નહિ. આ સ્થાપત્ય ત્રણ બાજુએથી એક મકાનને વળગેલું છે. લોક વાયકા મુજબ આ જબરજસ્તીથી બંધાયેલ મંદિરનું નામ જબ્રેશ્વર એટલા માટે જ પડયું.

વાલકેશ્વર વેંકટેશ બાલાજી મંદિર

૧૭૮૧માં બંધાયેલ આ મંદિરને પૌરાણિક ગુંબજ છે. જે પાનવેલ ભાત ધરાવે છે. દીપસ્તંભ ધરાવતા આ મંદિરને દક્ષિણ (મહારાષ્ટ્ર)ના પેશ્વા વંશે બંધાવ્યું હતું. પેશ્વા શૈલીની આ સંરચનામાં પ્રવેશ દ્વારે કમાનદાર નગાર ખાનું છે. મેંગલોરી નળિયાવાળું ઊંચું છાપરું તે ધરાવે છે. ઊંચી છત અને અસમપ્રમાણતાને કારણે તેનું પ્રવેશદ્વાર સાઇડમાં (ઑફ સેન્ટર) છે. પ્રસ્તુત મંદિરમાં પ્રદક્ષિણા પથ છે. કાષ્ટ સ્તંભો પર અતિ ભવ્ય નકશી દેખાય. તેની કમાનની પેલનમાં પેશ્વા સ્થાપત્ય શૈલીની છાયા વરતાય છે. ગર્ભગૃહમાં દ્વારની બન્ને બાજુ ગોખલામાં હનુમાનજી અને ગણેશ ધનુષ-બાણ અને મુગટ સહિત છે. રાજસ્થાની આરસથી સજાવાયેલ આ સ્થળ પ્રભાવી બન્યું છે.

અન્ય મુખ્ય  મંદિરો તરફ પ્રયાણ...

લસરકો

પર્યાવરણના આધારે પ્રાકૃતિક તત્ત્વો, ચિત્રાદિ કળા, પુરાણો, લખાણઓ સમાજ સાથે સંવાદ કરવાનો અભિગમ ધરાવે છે.

પ્રાચીનતા અને અર્વાચીનતાનો સુભગ સુમેળ

આપણી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર આજની ઘડીને પણ રળિયામણી બનાવે છે તે આપણા માટે ગૌરવની વાત છે - પછી ભલે તે મુંબઈ જેવા વ્યસ્ત અને મસ્ત શહેરની વાત કેમ ન હોય ? દેશની આ આર્થિક રાજધાનીએ ઘણું ઘણું આપ્યું છે એમાંનું આ પણ એક સબળ અંગ છે. બાણગંગા તળાવના તીરે આપણે ઊભા છીએ અને એક પછી એક કૌતુકને માણી રહ્યા છીએ ત્યારે ભર કોલાહલમાં શાંતિનો શ્વાસ લઈ શકાય એવા અનેક ખૂણા અહીં હોવાનો અનુભવ થાય. અહીં નીર ફરતે નાના મોટા તીર્થો, ઘરો, નાનકડી હાટડીઓ, વૃક્ષો, ગલિયારા ઇતિહાસને દોહરાવે છે. ઉત્સુક રસિકો અને ધાર્મિક વિધિ-વિધાનમાં માનતા ભાવકો અહીં દેખા દે છે. માટી ખૂંદતા અને પાણીમાં પડતાં બાળકોની કિલકારીથી વાતાવરણ ભર્યું ભર્યું લાગે. કાલાતીત મંદિરો અહીં સદીઓથી ઊભા છે. ઘાટ ઉપર મંદિરના મહત્વ મુજબ વિભાગો પાડેલા છે. ખાસ વિધિ અને પ્રસંગો મુજબ જગ્યા ફાળવવામાં આવી છે. સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા આ સ્થળે અઢારમી સદી સુધી તો ઘેરું જંગલ હતું. બારમી સદીથી આ શ્રી સ્થળે વૈવિધ્યપૂર્ણ ઉપક્રમો શરૂ થયેલા. મોટે ભાગે અહીં યાત્રાળુઓ અને મલબારી ચાંચિયાઓ ઇષ્ટ દેવતાને શ્રધ્ધાપૂર્વક નમન કરવા આવતા. અહીં અર્વાચીન યુગમાં કલાકાર શિલો શિવ સુલેમાને ભીંતચિત્રો પ્રદર્શિત કર્યાં છે. પવિત્ર દેવી ગંગાનું વૉલ મ્યુરલ સ્ત્રી સ્વરૂપે છે. જે ચતુર્ભુજ છે. એક હાથમાં કમળ, એક હાથમાં ઘડો. અન્ય બે હસ્ત નૃત્ય મુદ્રામાં નાજુક નમણા મુખારવિંદ સહ શોભે છે. કલાત્મક મુદ્રા, અંગ મરોડદાર, આસન મત્સ્ય, સાળુ પીળો, બેઠક દરિયો હિલોળા લે. શિરે અણિયાળો મુકુટ, શાંત મુખ મુદ્રા. ઝીણી વિગતો સાથે ગ્રે અને પીળા રંગની કમાલ રસિકોને આકર્ષે.