- રસવલ્લરી-સુધા ભટ્ટ
''આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ''
સ્વામી રામકૃષ્ણ પરમહંસજીની શિક્ષા-દીક્ષા, વિવિધ ધર્મોના વિચારો - સિદ્ધાંતોનું નવનીત, જન્મભૂમિ ભારતનું ગૌરવ અને શિકાગોની ધર્મસભામાં કરેલા પ્રવચનનું ભાતું ભેગું કરીને સ્વામી વિવેકાનંદે બેલુર મઠની જે પરિકલ્પના કરી તેનું લોકાર્પણ ૧૯૩૮માં ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિને દિને થયું. તે મંદિર, મસ્જિદ, ચર્ચ જેવું જુદા જુદા ખૂણેથી દેખાય છે. સ્થાપત્ય શૈલી અને પ્રતીકો અનેક ધર્મોના ભિન્ન ભિન્ન ગુણધર્મો દર્શાવે છે. પ્રસ્તુત મંદિરનું સ્થાપત્ય ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ જુદી જુદી વિચારસરણી, ચિંતન અને મનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મુખ્ય મંદિરના મુખ્ય દ્વાર સન્મુખ ઊભા રહીને અનિમેષ નજરે એ ઈમારતને નિહાળીએ ત્યારે મુખ્ય દ્વાર ઉપર મધ્યમાં એક અદ્ભુત મુદ્રાલેખ - પ્રતીકનાં દર્શન થાય. છતના આગળ પડતા ભાગ-ચંદરવા (કેનોપી)માં ''આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ'' પંક્તિ કંડારાયેલી છે જેનો અર્થ છે ''પોતાની મુક્તિ અર્થે અને વિશ્વના કલ્યાણ અર્થે'' - એટલે કે મિશન માનવના આધ્યાત્મિક વિકાસ માટે અને માનવતાની નિ:સ્વાર્થ સેવા માટે કટિબદ્ધ છે. સ્વામી વિવેકાનંદે વૈશ્વિક ફિલસૂફીને પ્રતીક રૂપે અહીં કોતરાવી છે. યોગના ચાર પ્રાથમિક પથને આધ્યાત્મિકતાના પ્રકાશ તરફ ઈશારો કરતા સૂચવ્યા છે. એમાં ચાર રૂપકો છે. (૧) વહેતું જળ તે નિ:સ્વાર્થ કર્મ યોગ. (૨) પૂર્ણ વિકસિત કમળફૂલ રૂપે ભક્તિયોગ. (૩) ક્ષિતિજે જ્ઞાનયોગ સ્વરૂપે ઉગતો સૂર્ય અને (૪) કુંડલિની શક્તિ - રાજયોગ રૂપે ગૂંચળું વળેલો સાપ. મધ્યમાં આત્મા કે પરમાત્મા રૂપે હંસ (પ્રાણ) ''નીરક્ષીર વિવેક''ને ઉજાગર કરે છે.
વિવેકાનંદના ચિંતનનું ઘમ્મર વલોણું
સ્થાપત્યનો આત્મા વિવેકાનંદનો. સ્થૂલ સ્વરૂપ સ્વામી વિજ્ઞાનાનંદજીએ આપ્યું અને સ્થપતિ માર્ટિન બર્ને બાંધ્યું. હા, મિસ જોસેફાઈન મેકલોડ સ્વામી વિવેકાનંદને અમેરિકામાં મળ્યા પછી ભારત પધાર્યાં અને ચાળીસ વર્ષ સુધી રામકૃષ્ણ મિશનમાં તેમણે અગત્યનો સેવાયજ્ઞા આદર્યો. દરેક ભક્તને (દરેક ધર્મના) ઘરઆંગણે આવ્યાની અનુભૂતિ થાય એવો અવકાશ છે અહીં. ગ્લોબલ મોઝેક અને સ્થાપત્ય સંકલન સ્થાપત્યનાં ચાવીરૂપ તત્ત્વો બન્યાં છે. ત્યારે આ ભવ્ય ઈમારતનું ઝીણવટભર્યું નિરીક્ષણ મન ભરી દે ! મુખ્ય પ્રવેશે ઘડીક થંભીને આંખોથી મંદિરની ઊંચાઈ માપીએ. લગભગ એકસોબાર ફિટની ઊંચાઈ છે આ મઠની. કુલ લગભગ તેંત્રીસ હજાર ચોરસ ફિટનો વિસ્તાર આવરી લે છે, મુખ્યત્વે પીળાશ પડતા રેતિયા-ચૂનાર પથ્થરોનું આ બાંધકામ આગળના ભાગે સિમેન્ટ પણ ધરાવે છે. ઊંચું પ્રવેશદ્વાર (મુખ્ય) ઘોડાની નાળ જેવી કમાનનો પડઘો પાડે છે - જે અજંતાની ગુફા જેવો છે. બહારના બે મોટા દ્વાર સાંચીના બૌદ્ધ સ્તુપ જેવા છે. આ સંરચનામાં પ્રવેશ દ્વારે દક્ષિણ ભારતીય ગોપુરમ્ જેવી રચના છે. બૌદ્ધ સ્તંભો ઉપર ત્રણ રાજપુત અને મુગલ શૈલીના ગુંબજો સોહે છે. એ જાણે કે કોઈ ગ્રામ્ય કમળપુકુર હોય એવો આભાસ કરાવે ! મધ્યમાં પેલા મુદ્રાલેખની ઉપર હિંદુ સ્થાપત્યની છાંટ દેખાય એની બરાબર ઉપર શિવલિંગની પ્રતિકૃતિ છે. ખ્રિસ્તી ગ્રાઉન્ડ પ્લાનમાં ખ્રિસ્તી દેવળનો વચલો મુખ્ય ભાગ અને લેટિન ક્રોસ દેખાય. તેનો આંતરિક ભાગ રોમના પીટર બેસેલિકા જેવો ભાસે ! આ નટ મંદિરનો મોટો ખંડ સ્તંભો સહિત ચર્ચ જેવો જ લાગે. રવેશના એ સ્તંભોની હારમાળા ડોરિક અથવા ગ્રીક શૈલીનાં છે. સાથે જોડાયેલા છે મુગલ શૈલીના બારી અને ગેલેરીના કઠેડા - જેમાં નાજુક નમણી જાળીઓ.
ફત્તેહપુર સિક્રી જેવા ઝૂલતા ઝરૂખા અને ગવાક્ષ
અંદર સુશોભિત બ્રેકેટસ (મદલ) ઉપર બીમ છે જે મદુરાઈના મિનાક્ષી મંદિરની યાદ અપાવે. તેના સ્તંભો ઉપર ઓડીશી કળાની નકશી-કોતરણી ચમકે, રાજસ્થાનના મહેલો જેવી ઝૂલતી બાલ્કનીઓ નટ મંદિર ઉપર વિલસે. તો, યુરોપિયન રેનેસાં પ્રકારનો મધ્યસ્થ ગુંબજ ફલોરેન્સના ડુઓમો જેવો જ છે. ભારતીય પરંપરા અને પાશ્ચાત્ય કળાનો અનેરો સંગમ !
ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણા પથ બૌદ્ધ ચૈત્ય અને ખ્રિસ્તી ચર્ચ જેવી ત્રાંસી જાળીઓ ધરાવે છે. નવગ્રહનાં શિલ્પો મંદિરની સૌથી ઉપર અર્ધગોળાકારે શોભે ! મંદિર શિખરે સોનેરી કળશ પૂર્ણવિકસિત શતદલ કમળ ઉપર બિરાજમાન છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર જેવા પૂર્વ-પશ્ચિમ દરવાજે ગ્વાલિયર કિલ્લાના મંદિર જેવો ઘાટ ધરાવે છે. ઉપરની બાજુએ અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો કોતરાયેલાં છે. પ્રાર્થના ખંડમાં અતિ વિશાળ અને શિલ્પી ગોપીનાથ પાંડેએ સર્જેલા સ્વામી રામકૃષ્ણના આરસના શિલ્પનું મહત્ત્વ ઝાઝું છે. સો પાંખડીઓ વાળું આ શિલ્પ ડમરૂ આકારના માર્બલના ચબૂતરા પર દર્શન દે છે જેમાં એમાં આ ગરવા ગુરુના સચવાયેલા અંશો છે. આગળ એક હંસજોડું પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંની સજાવટ અને દીવાલો પર પણ ચિત્રકાર નંદલાલ બોઝની કળા પ્રસ્તુત છે. મંદિરનું કાષ્ટકામ ઝીણી કોતરણીયુક્ત છે જે બર્માટીકમાંથી બનાવાયું છે. મઠની અંદરનું પ્રકાશ - આયોજન કળાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
લસરકો :
આ ક્રાંતિકારી સ્થાપત્યની કળાધારા મસ્જિદની કમાનોમાંથી થઈ, મંદિરના શિખરોમાં પ્રવેશી, ચર્ચના સ્તંભોમાં રસરૂપે સરકીને વહે છે. ગંતવ્યસ્થાન તો એક અને અનોખું જ રહે છે.
વૈશ્વિક શ્રધ્ધાનું સ્થાપત્ય રૂપ તે બેલુર મઠ
માનવીને જીવન જીવવા માટે કોઈ કારણની જરૂર પડે છે, તેને બળ પણ ખપે છે. મોટે ભાગે તો આપણે ભૌતિક સગવડો માટે સતત વલખાં મારતાં હોઈએ છીએ ત્યારે જીવનના કોઈ પડાવને પગથારે હોઈએ છીએ - ત્યારે દુન્યવી ચીજવસ્તુઓ પ્રત્યે અભાવ પણ થાય અને ધર્મ, આસ્થા, માનવસેવા, જીવદયા, ભક્તિ પ્રત્યે આસક્તિ ઈત્યાદિમાં જીવ પરોવાય. એના પગલે શિક્ષણ, કળાના વિવિધ પ્રકારો, ઉત્સવો અને કુદરતી આપત્તિ સામે લડવા કટિબદ્ધ થવા માટેની વૃત્તિ પણ થાય. બહુ જ સુંદર અને નોંધવાલાયક હકીકત એ છે કે આમાંના કેટલાંય તત્ત્વો સ્વાભાવિક રીતે જ એકમેક સંગ ઓળઘોળ થતાં અનુભવાય. ધર્મસ્થાનો સાથે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર કળા અને સાહિત્યનાં અનુસંધાન થાય. સંગીત, નૃત્ય, નાટય, પટચિત્ર, શોભાયાત્રા રથ આદિ જોડાઈ જાય. ભજન, કીર્તન, પદ, ધોળ વગેરે ગાયકો પ્રસ્તુત કરે ત્યારે કેટકેટલાં વાદ્યો એ ક્ષેત્રમાં પ્રવેશે ! શો ચમત્કાર થાય છે ત્યારે ? શ્રધ્ધા, આસ્થા, ધર્મ સાથે અનેકાનેક કળાઓનો સંગમ ! અને ત્યારે સમજાય છે મનુષ્યને તેના જીવનનું સાર્થક્ય ! સાથે સાથે અનેક ધર્મોના તત્ત્વોને સ્વીકારવાની વૃત્તિ જાગે, એકબીજાની કળાને માનની દ્રષ્ટિએ જોઈને સમજવાનું મન થાય ત્યારે માનવ જન્મ મળ્યાનો આનંદ બેવડાય. આ બધાં જ તત્ત્વો સાથે ફિલસૂફી, આધ્યાત્મિક વિચારસરણી પૂજા-પાઠનો તાલમેળ સંધાય ત્યારે કૂપમંડકુ વૃત્તિનો ક્ષય થાય. આ જ તો એ જાગૃતિનો સંદેશો હતો જે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે વહેવડાવ્યો!


