- રસવલ્લરી-સુધા ભટ્ટ
વનાચ્છાદિત ટેકરીઓની હરિયાળી સમૃદ્ધિ
આ પૃથ્વી પટ ઉપર આડે અને ઊભે પટ્ટે ફેલાયેલા છવાયેલા પર્વતો અને ટેકરીઓ ઉપર પ્રૃતિએ પોતાનો હાથ એવી રીતે ફેરવ્યો કે એમાં ગુફાઓ બની જાણે કે ઓરડા ! ટાઢ, વરસાદ, તડકા, જ્વાળામુખી એ મા કુદરતનાં છીણી, હથોડી. ઉદાહરણો તો અપરંપાર છે પણ આપણે તો પેલા હાથીને શોધવા જઇએ એલિફન્ટાની ગુફામાં નહિ મળે ત્યાં હાથી. ભલે નામ ગુફાના ભાલે એલિફન્ટનું લાગ્યું પણ આંગણે જ કાળા પથ્થરની વિશાળ મોનોલિપિક (એક શિલા અથવા એકલ શિલા) મહાકાય વિરાટ પ્રતિમા હતી તે એકવાર મુંબઇના બારાના દરિયામાં ગબડી ગઇ'તી જેને પોર્ટુગિઝોએ શોધી કાઢેલી અને હવે તે વીરમાતા જિજાબાઈ ગાર્ડન (રાણીબાગ અથવા વિક્ટોરિયા ગાર્ડન) ભાયખલામાં છે. ફોર્ટ એરિયાના પેલા ગેઇટ વે ઑફ ઇન્ડિયા (એપોલો બંદર) પાછળની જેટ્ટી ઉપરથી એલિફન્ટાની ગુફાએ જવાય. લગભગ અગિયાર કિ.મી. પૂર્વોત્તરે મહારાષ્ટ્ર રાજ્યના જિલ્લા રાયગઢના તાલુકા ઉરણમાં આવેલ ધારાપુરી ટાપુએ જવા જહાજ મળે. ફેરીમાંથી ઉતરી ગુફા સુધી જવા પાછા આવવા ટૉય ટ્રેઇનની સુવિધા છે.
આ ટાપુ ઉપર જ્વાળામુખીનાં મૂળ સંઘરાયેલાં છે. દક્ષિણના જ્વાળામુખીની અસરને કારણે, દરિયાઈ હવાની ખારાશ અને તેના ભેજને કારણે આરંભથી જ સર્જન સાથે વિસર્જન (પથ્થરો ખવાઈ જવા તે) થવા માંડેલું હજારો લાખો વર્ષોની આ પ્રક્રિયા અને ઉપરથી જ્વાળામુખીની અસર અને પકડ ! આ ટાપુ અઢી કિ.મી. લાંબો છે. સાથે બે ટેકરીઓને સાંકડી ખીણો અને એવા જ કોતરો જાણે કે જુદી પાડતી હોય એવું લાગે.
યુનેસ્કોએ એલિફન્ટાને 'હેરિટેજ'નો દરજ્જો આપ્યો છે
ટેકરીઓની ઊંડાઈ ૧૫૦ મીટર છે. તે ઉત્તરથી દક્ષિણ તરફનો ઝોક ધરાવે છે. પશ્ચિમે તે સ્હેજ ઊંચી લાગે. વળી, દરિયાના સ્તર અને વહેણને કારણે પૂર્વ તરફનો ઝુકાવ દેખાય. ત્યારે ઊંચાઈ પણ ત્રાંસને કારણે થોડી વધુ દેખાય લગતી ૧૭૩ મીટર જેટલી. હા, પેલા પર્વત શિખરો પરની વન સમૃદ્ધિ પાછી અદ્ભુત ! એમાં કેરી, આમલી અને કરંજ વૃક્ષો લીલા લહેર કરે. આ ટાપુઓમાં મોગરાનાં વનો પણ પુષ્કળ જેમાં સાપનાં નિવાસ છે. એ દરિયાના કિનારે મેનગ્રોવનાં ઝુંડ સાથે રેતી અને કાદવ કુસ્તી કરે. આ બધા નાનાં નાનાં બંદરો ખૂણે ખાંચરે જોવા મળે. એમાં સેટ બંદર, મોરા બંદર, ધારાપુરી બંદર અને રાજ બંદર ભેગાં થઇ વર્ષો પેલાં વ્યવસાયની તકો પૂરી પાડતાં. વસાહતી પોર્ટુગીઝોએ આ ગુફાઓનું નામ 'એલિફન્ટે' માંથી 'એલિફન્ટા' કરેલું અને એ વખતે ખરે જ - અહીં હાથીઓનાં અનેક શિલ્પો હતાં. આ ટાપુ પર પોર્ટુગીઝોેએ પોતાનું થાણું સ્થાપેલું. ત્યાં સુધી પ્રથમ ગુફામાં પૂજા-પાઠ થતાં. એ હિંદુ મંદિરો હતાં. અચાનક પૂજા બંધ થઇ અને બ્રિટીશરોએ આ સ્થળનો કબજો લીધો. અલબત્ત, થોડું ઘણું ધ્યાન દઇ ૧૯૦૯ માં તેમણે એ સ્થાનને લોકપ્રિય બનાવ્યું. ૧૯૭૦માં ભારત સરકારે અહીં સમારકામ કરાવ્યાં. હવે આ સ્થળ ASI પુરાતત્ત્વ ખાતું સંભાળે છે. ઐતિહાસિક પશ્ચાદભૂમિકા કહે છે કે આ ગુફાઓ ૫થી ૮મી સદી દરમ્યાન બંધાયેલી અને કલાકૃતિઓથી સજાવાઈ હતી. કલચુરિ, કોંકણ મૌર્ય અને રાષ્ટ્રકુટ વંશો દ્વારા એનું સર્જન થયું, રખરખાવટ થઇ અને એનાં માન-પાન વધ્યાં.
સમયનો માર અને દરિયાની ખારી હવા કલા પર હાવી
નવાઈ એ વાતની લાગે કે પર્વતોમાં પોલાણોમાં થતી હલચલોને કારણે એનાં ઘાટઘૂટમાં ફેરફાર થતા જણાય. એનો લાભ લઇ પાંચની સહીથી તેમાં મંદિરોનાં નિર્માણ થવા લાગ્યાં.
પુરાણોની કથા અનુસારનાં શિલ્પો જ્યારે કલાકારોએ ઘડયાં ત્યારે તેમાં રંગપૂરણીની સાથે તેમણે જીવ પણ રેડયા. આશરે બસ્સો એક પગથિયાં ચડીએ અને એક પછી એક ગુફા નજર સમક્ષ ખુલતી જાય. આડે પટ્ટે બહોળા અને પહોળા હાથે ફેલાયેલી આ સુંદરતમ ગુફાઓ ગનહિલ અને સ્તુપ હિલ ઉપર બિછાવાયેલી છે. અહીંનું સૌંદર્ય સટીક, વિગતવાર નકશી કોતરણીથી ભરચક છે જેમાં ચાવી રૂપ સ્થાપત્યો અને શિલ્પોનો વૈભવ છે. ભારતની કળા અહીં નિખાર પામી છે જેનું મૂલ્ય વૈશ્વિક સ્તરે પોંખાયું છે. આ કળા પ્રતિનિધિ કળા છે. નાના એવા આ ટાપુ પર અસંખ્ય પ્રાચીન પુરાતત્ત્વીય ભગ્નાવશેષો બુલંદ બાંધકામનો પુરાવો આપે છે. બીજી સદીના પૌરાણિક સમયથી આ કળા અહીં વેરાયેલી પડી છે. સ્થાપત્ય કળાના અદ્ભુત વિકાસનું આ નજરાણું છે. એલિફન્ટા એ લાંબી ગાળાની પરંપરા છે. છતાં એમાં તાજગીસભર નવીનીકરણ પણ દેખાય. રસાત્મક સૌંદર્ય અને શિલ્પકળા વિવિધ રસોની દ્યોતક છે. ઘણી ઊંચાઈએ કળાનાં અદ્ભુત દર્શન થાય જેમાં ભારતની ફિલસૂફી અને આદ્યાત્મિકતાની ઝાંખી પણ થાય. મુલાકાત માટે તૈયાર ને ?!
લસરકો
તત્કાલીન આધુનિક રૉક કટ સ્થાપત્યની સાત મુખ્ય ગુફાઓમાં કુદરત સાથે તાલમેલ સાધી હસ્તધૂનન કરાવતા કુશળ કલાકારો.
કળારાણીનાં થાણાં ક્યાં ક્યાં નથી હોતાં?
કળારાણીનાં થાણાં ક્યાં ક્યાં હોય છે એનો લાંબો વિચાર કરીએ તો જવાબ હૃદયમાંથી પ્રગટ થાય. ઉપરોક્ત પેટા શીર્ષકમાં એનો ટૂંકમાં ઉત્તર આવી જાય છે; ભલે ને પછી આપણે એની યાદી બનાવવા બેસીએ તો એ લાંબીલચક બની જાય ! પરંતુ એનો એક સચોટ પ્રત્યુત્તર એ પણ છે કે કળાનું મુખ્ય નિવાસસ્થાન તો હૃદયમાં જ હોય છે. પછી તે પંચેન્દ્રિયમાંય વસી શકે છે અને ધીમે ધીમે દ્રષ્ટિ સમક્ષ આખુંય બ્રહ્માંડ ખુલી જાય ! સૌથી પહેલી નજર પડે પ્રકૃતિ તરફ તેનાં તત્ત્વો તરફ અને તેની ઝીણી ઝીણી ખાસિયતો તરફ કુદરતની મહેર અનેકવિધ રીતે આપણે જોઈ શકીએ મા'ણી શકીએ અને ક્યારેક એ ભાવવાચક સંજ્ઞા બનીને અદ્રશ્ય હોવાનો પણ અહેસાસ કરાવે. પરંતુ જે નજરે ચડે છે એનું શું ? પર્વતો, વન-ઉપવન, નદી, નાળાં, ઝરણાં, સાગર, પુકુર અને તે સૌનાં વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો ધરતી અને અંબરમાં સમાયેલાં અનુભવાય. એમાંય પાછું જીવન ધબકતું જોનારા વિશિષ્ટ શક્તિ ધરાવનારા કલાકારોની છઠ્ઠી ઇન્દ્રિય એવી સચોટ હોય કે એને કણકણમાં 'ભગવાન' કલાના લિબાસમાં દેખાય. કુદરતના તત્ત્વોનાં આકાર, કદ, રંગ-રૂપ. ગંધ, પોત એને એવા આકર્ષે કે એનાથી સર્જન કર્યા વિના રહેવાય જ નહિ. પર્વતોમાં બનેલી કુદરતી ગુફાઓમાં જ્યારે પથ્થરો સંગ છીણી, હથોડી, ટાંકણાં અને રંગ અનેરા ખેલ ખેલ્યાં હશે ત્યારે એ માનવકલાને કુદરતે પણ બિરદાવી હશે.


