- રસવલ્લરી-સુધા ભટ્ટ
અંતરદીપ્તિના થરકાટમાં જ કલાનું મહાત્મ્ય
દેશનો દરવાજો એટલે મુંબઈ. ત્યાંથી આખી દુનિયાની બારીઓ ખુલી જાય. સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી કલાના અમીરસ ઘૂંટ પીને રઝાએ યુરોપની વાટ પકડી અને અનેક દેશોના ઓવારે હથેળીમાં કલાંજલિ ભરી પીધી. અંતે ફ્રાંસના પેરિસમાં એમણે સંસાર અને કલાસારને પોતાનું સર્વસ્વ ધરી દીધું. ફ્રેન્ચ કલાકાર યુવતી જેની મોંગીલાટ સહ હોડીનું સુકાન સંભાળ્યું અને નીકળી પડયા ચિત્રકલાની લાંબી સફરે - જેમાં વિવિધ ચિત્રશૈલીઓ એમણે હસ્તગત કરી. લેન્ડસ્કેપ, ટાઉનસ્કેપ અને મનમાં રમતાં નિસર્ગ ચિત્રોને જળ રંગોમાં ડૂબકી મરાવી પોતે પણ રંગ છોળોમાં નાહ્યા. પેરિસમાં છ દાયકાના સાતત્યપૂર્ણ નિવાસમાં પ્રયોગાત્મક વલણ અપનાવી, કલાકારોની બેથી વધુ પેઢીઓને પ્રોત્સાહન મળે તેવી તેમની કારકિર્દી ઘડી. એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) કળા અને અભિવ્યક્તિવાદે તેમને ઢંઢોળ્યા. સાહિત્યકલા અને કલા સાહિત્યે એમને હંમેશ આકર્ષ્યા. કલા આરાધનાનું આકર્ષણ અને તેની જિજ્ઞાસા તેમના માટે એક અસાધારણ તત્વ હતું. કવિતાઓ, વિચારકણિકાઓ, ભાષા, સાદા-સીધા વિચારો, રચનાત્મકતાએ એમને સ્પષ્ટ વક્તા બનાવ્યા. તેમનામાં સતર્ક દ્રષ્ટિ, સહજતા, ભલમનસાઈ, પ્રબળ ઉદારતા હતી છતાં કોઈની ઉપર પોતાના વિચારો લાદવાની કુટેવ નહિ જ. કલા-કલાકારો માટે છૂટથી મુઠ્ઠી ખોલનારા એસ.એચ. રઝાનાં ચિત્રો કદાચ નાનાં લાગે પરંતુ તે ચંદરવા જેવા સુશોભિત લાગે. તે સુઘડ અને મનોહર હોય. આ કલાકારમાં વિરાટનું સ્પંદન સતત અનુભવાય. અંતરમાં નિરંતર કલાની આગ હતી. તેમના કલાનુભવ અને કલા સાધનાએ તેમને ઉદાર, ઉમંગી, ઉદ્દાત્ત, નિર્મળ, તેજસ્વી અને શ્રધ્ધાવાન બનાવ્યા. ''આત્માની ધધખ'' નામનું તેમનું આત્મકથનાત્મક પુસ્તક ગુજરાતીમાં શ્રી અનિલ રેલિયાએ ''આર્ચર હાઉસ''ના નેજા હેઠળ પ્રકાશિત કર્યું છે.
આધ્યાત્મિકતાના શાંત સૂરમાં લીન રઝા સાહેબ
કળા અને કુદરત સાથેના સામંજસ્યને કારણે અને પાશ્ચાત્ય તથા ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક કલાના પ્રેમી અને કલાકારે અભિવ્યક્તિ કરતા રૂપચિત્રોય બનાવ્યાં. લાગણીશીલ રંગો, તેજસ્વી આધ્યાત્મિક યાત્રા, ગરિમાયુક્ત શિસ્તના આગ્રહી આ કલાકાર સામગ્રી અને કલાત્મકતા માટે સદા ઉત્સુક રહ્યા. આનંદ, રંગ, ઉત્સવ, ઉજવણું એ એમન સ્વભાવ. લેખક તરીકે પણ અભ્યાસુઓએ એમને બિરદાવ્યા. સદાય શાંતિરસ સાધનામાં ડૂબેલા એસ.એચ. રઝાને પ્રાથમિક શિક્ષણના ગુરુની સહજ યાદ આવ્યા કરતી તેથી શૈલીની ઘણીય શ્રેણીઓનું ઉજમણું કરી, આંતરસૂઝે એમને અમૂર્તતાની યાત્રા કરાવી. એ પછીના પડાવે ભારતમાં દ્રશ્યાભિવ્યક્તિનું અભિનવ સ્વરૂપ પ્રેરણાસ્ત્રોત બની તેમને તાંત્રિક કલા તરફ વાળ્યા. ગુરુજીએ એમને બિંદુમાં સિંધુ તત્વ દેખાડયું હતું એ સ્વરૂપને તેમણે બિંદુ સ્વરૂપે સ્વીકાર્યું. વૈશ્વિક છતાં ઊંડાણથી વ્યક્તિગત આધ્યાત્મિક ''સાઉન્ડ થેરાપી''ને તેઓ વર્યા. મૂળ શાંતિ બિંદુ ચિત્રોના માધ્યમથી યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ વળ્યા. બિંદુનું વળગણ એમને ઘેરા અને અમૂર્ત ચિત્રો તરફ લઈ ગયું. આધુનિક વાદ સાથે આ મહાન છતાં વિનમ્ર કલાકારે વાદળી, ગ્રે, કથ્થઈ ઉપરાંત લાલ, પીળા, ભૂરા, કાળા, લીલા, કેસરી પેસ્ટલ રંગો અને ઘેરા રંગોમાં પોતાનો જીવ પરોવ્યો અને અન્યની ઉત્સુકતાને આકર્ષી. આ બહુરંગી ચિત્રો કેનવાસ પર વિશ્વ ઊભું કરવા સક્ષમ છે. હજારો વર્ષો પુરાણી આ ઊંડા ધ્યાનમાં ઘેનની અવસ્થામાં - આંતર ચેતના સાથે હસ્તધૂનન કરતી કળામાં રસિકોને અવકાશમાં લઈ જવાની તાકાત ધરાવે છે. જંગલમાં ઉછરેલા સૃષ્ટિની સુગંધ અને તેના જ રંગોમાં રંગાયેલા રઝા સાહેબની કલામાં ઘર, ગામ, જંગલની છાયા અને બાળપણની નિર્દોષતા સમાયેલાં છે. ભારતમાં ભલે તેમણે અપ્રતીમ સ્થાપત્યોને હૈયા સરસા ચાંપ્યાં પણ જાણે કે પુનર્જન્મ થયો હોય એમ આ ઝળકેલા બિંદુને શિરમોર કલામાં નિરૂપ્યું. આ નવી પ્રેરણાએ એમને જાણે કે ભૌમિતિક આકારો તરફ
વાળ્યા - જેમાં અવકાશ અને સમયના ખ્યાલને તેમણે ઉચ્ચ સ્થાન બક્ષ્યું. એ બન્યું એમના જીવનનું કેન્દ્ર !
ભારતીય પ્રતીકવાદ અને પાશ્ચાત્ય અભિવ્યક્તિવાદ
રઝા સરનાં ચિત્રોને એરિગ્રાફીનો સ્પર્શ કરાવી કલા સંગ્રાહક શ્રી અનિલ રેલિયા અને મનન એમની કલાને વૈશ્વિક બનાવવામાં નિમિત્ત બન્યા. આગળ વધતાં આ બિંદુ કલામાં એસ.એચ. રઝાએ પોતાના ઊંચા વિચારોને પોષવા કુદરતના ભેદ અને મર્મ પામવા ચિત્રોમાં કુંડલિની, નાગ અને પૌરાણિક કથાનાં થીમ ઉમેર્યાં, એની સાથે એકાકાર થઈ બિંદુને કેન્દ્ર સ્થાને મૂકી નવા પ્રતીકોને વધાવ્યાં, બિંદુને તેઓ જન્મ, આરંભ, અનંત, કેન્દ્ર, સંતુલન આદિ સ્વરૂપે પણ ઓળખાવતા. આથી આદિ ભારતીય પરંપરા પણ જીવંત થઈ. વર્તુળ અખંડ હોય, શાંતિનું પ્રતીક હોય, તે પોતાનામાં સંપૂર્ણ હોય ! કાયમ માટે આગવી શૈલી ઊભી કરી એમાં વર્તુળની રચના તો જુઓ. બિંદુ નક્કર હોય, છેદવાળું - વોશર કે કાણા પૈસા જેવું હોય, રિંગ જેવું હોય, જલેબી જેવું પણ મળે. સાથે સાથે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, લંબગોળ, આંખ, નાગ, પૃથ્વી, સૂર્ય, બારણું આદિ પ્રતીકો પણ ખરાં. આ નિશાનીઓ ભારતીય સંસ્કૃતિમાંથી પ્રગટી છે તેવા એનાં માન-સન્માન ! સળંગ પોત જેવા એકમેકમાં ભળેલાં, સંતાયેલાં અને સંકળાયેલાં ! ઘેરા રંગોના આટાપાટામાં વણી લીધેલાં ચિંતનસભર આકાશે - પ્રકારોવાળાં આ માનનીય કલાકારનાં ચિત્રોમાં અનંત બિંદુ એક્રેલિક અને તૈલ રંગોમાં સમાયાં છે. ત્રિકોણની ગતિ જાણે કે શિખરસ્થ લાગે, એને ઊંધો કરીને તેમણે પૃથ્વીનું મહત્વ પણ જતાવ્યું છે. આ સર્વે આકારો સાથે રેખાઓનું સ્થાન પણ અવિચળ ! દરેક આકારના રંગને ઉજાગર કરે આસપાસની રેખાના રંગ. સેહ પૂરતાં રંગ અને વિરોધી રંગ ચિત્રમાં અનેરી આભા ઊભી કરે, તો કેટલાક ચિત્રોમાં નગર દ્રશ્યો, વૃક્ષો, નદી અને સુશોભન સામગ્રી પણ શોભે ! વાહ ! બધું જ ડેકોરેટિવ. અનેક પ્રદર્શનો અને પદ્મવિભૂષણ સુધીના એવોર્ડઝની શોભા વધારી છે એસ.એચ. રઝા સાહેબે ! સલામ !
લસરકો :
''નિ:સંદેહ સત્ય, બુદ્ધિ, તર્ક અને વ્યવસ્થિત ઉન્માદના શિખરે વસેલી દિવ્યશક્તિ'' - અન્તર્જ્યોતિ જ કલાકર્મનું શ્રેષ્ઠ સાધન છે.
- સૈયદ હૈદર રઝા.
કલા એક આધ્યાત્મિક કર્મ છે
આપણા દેશની અનેક સમસ્યાઓમાંની એક સમસ્યા છે તે એના યુવાધનનું દેશ છોડીને જવું. પછી તે એક વૈજ્ઞાનિક, ડોક્ટર, એન્જિનિયર, અભિનેતા, નેતા, સાહિત્યકાર, વેપારી કે કલાના કોઈપણ ક્ષેત્રના કર્મી-મર્મી કેમ ન હોય ? કારણ વિવિધ હોઈ શકે, પરંતુ પરિણામ તો એક છે : દેશને નુકસાન. એમાં જો વિદ્યાર્થીઓ વધુ અભ્યાસાર્થે પરદેશ જાય તો એના મૂળ અભ્યાસાર્થે દેશે ઉઠાવેલા ખર્ચનો દુરુપયોગ થયો કહેવાય. ખેર, આપણે તો ''સર્વે સુખિન: ભવન્તુ''માં માનનારા એવું આશ્વાસન લઈએ - કે હશે ! જ્યાં એ વ્યક્તિ જશે ત્યાંથી કાંઈક પામીને આવશે. જ્ઞાન, અનુભવ, ધન-દૌલત, ઈજજત-આબરૂ, માન-સન્માન ઈત્યાદિ. હા, કંઈ કેટલાય ક્ષેત્રોના અનુભવીઓ સ્વદેશ પરત ફરીને ભારતમાં સુખ, સંતોષ અને શાંતિની જિંદગી જીવે છે છે ને ! એ તો એક નિર્વિવાદ વાત છે કે એમની મોટી મોટી સખાવતો શિક્ષણક્ષેત્રે, હોસ્પિટલોમાં, સેવાકીય અને કલાના પ્રદેશમાં સંજીવનીનું કાર્ય કરે છે, અને તેથી જ પેલું પરદેશ ગમન અને પાછું સ્વદેશ આગમન લાગતા-વળગતા સૌને - અને તેમને પોતાને પણ ફળે છે. આવું જ કંઈક ચિત્રકલા ક્ષેત્રે બન્યું. મધ્યપ્રદેશના અંતરિયાળ ગામ કક્કૈયામાં જન્મી, દમોહ શહેરમાં હાઈસ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરી, નાગપુર સ્કૂલ ઓફ આર્ટમાંથી (ચિત્રકલા મહાવિદ્યાલય) સ્નાતક થઈ એક ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જરનો દીકરો સૈયદ હૈદર રઝા જીવનની ગધાપસીચીની ઉંમર સુધીમાં તો વૈશ્વિક કેનવાસ પર મુક્ત લસરકા મારવા તૈયાર થઈ ગયો હતો. કલાની ભૂખ-તરસ ભાંગવા આ એસ.એચ. રઝાના નામે. કલાકાર તરીકે સ્થાપિત થઈ ચૂકેલા રઝા કલાવનમાં ભોમિયા વિના એકલપંડે રઝળપાટ કરવા નીકળી પડયા.


