- રસવલ્લરી-સુધા ભટ્ટ
બુંદી લઘુચિત્રો અને રાગમાળાની જુગલબંધી
રાજસ્થાનની વેરાન રણભૂમિમાં પ્રાણપૂરતી તેની મૂળ કળાનાં ઓવારણાં લેવા જઇએ ત્યારે સમાંતરે તેના કલાકારોને પણ પોંખવા પડે. અભાવોના અફાટ રણમાં રહેતા આવા કલાકર્મીઓ પાસે જે કલાદ્રષ્ટિ છે, જે લગન અને સમર્પણ છે એનાથી જ તો આ ભારતભૂમિ ધન્ય છે. કળાયાત્રી પ્રદીપભાઈના કેમેરાના લેન્સમાંથી જેનાં દર્શન થાય છે, એમની સરળ વહેતી કલમમાંથી જે આચમની પ્રાપ્ત થાય છે તેના નિચોડરૂપે આગલી પ્રસ્તાવનાને મૂર્તરૂપ આપી બુંદી ચિત્રશૈલી અને રાગમાળાનાં નિરૂપણ યુક્ત લઘુચિત્રો અને ભીંતચિત્રોને માણવા હોય તો ચાલો, બુંદી, કોટા, બનારસથી પ્રાપ્ત અમીરસ ઘાટે, રણની રેતમાં રમણ કરીએ. રાજસ્થાનમાં રાજવી સ્થાપત્યો બેશુમાર છે. એમાંથી સોંસરવા નિસરીએ અને કલારસ સંગમમાં ચરણ પખાળીએ તો ઊંચે કિલ્લા પરના ઢોળાવ પરથી અતિસુંદર કુદરતી દ્રશ્યોને નેણ થકી પીએ ! ત્રણસો વર્ષો સુધી બંધાતા રહેલા કિલ્લાવાળા મહેલોમાં ગઢ પેલેસ ઉપરાંત બાદલ મહલ અને ફૂલમહલ જાણે કે એકમેકની ઉપર થપ્પીરૂપે બનેલાં જણાય. એની અંદર ચમત્કારસમ કથા-વાર્તાઓનાં આવર્તનોમાં પ્રણય, યુદ્ધ, દેવી-દેવતાઓ, રાજચિહ્નો અને પૌરાણિક કથાનકો ચિત્રો સ્વરૂપે એકમેકમાં સમાયેલાં અનુભવાય. એ રાજવીઓએ સમય સાથે પેઇન્ટિંગની બદલાયેલી પેટર્નને પણ આવકારી. રાગ-રાગિણી આધારિત ચિત્રોને ૧૬૦૭થી ૧૬૩૧ દરમ્યાન રાવ રતનસિંહે આવકાર્યાં જે રાવ માધોસિંહના રાજ સુધી રાગ-રાગિણી કેન્દ્રમાં રહ્યા. મુઘલ બાદશાહ શાહજહાઁના જોડીદાર જેવા આ રાજાના સમયમાં બાગ-બગીચા, ફુવારા, ફૂલ આદિનાં અંકનોએ કલાકારોનું ધ્યાન ખેંચ્યું.
ચિત્રશાળા એ ચિત્રોનું પરમધામ છે
પ્રસ્તુત ચિત્રોમાં સ્ત્રી પાત્રો તીણાં નાકવાળાં, બદામઆકારનાં નેત્રો, પતલી કમરિયા, નાનાં નાજુક ગોળ ચહેરાવાળા હોય જેમના પોષાકમાં લાંબા કોટ ટાઈપના ઘાઘરા રંગદાર હોય. બુંદી શૈલીનું અન્ય અગત્યનું અંગ એ છે કે તેમાં વૃક્ષો પુષ્પો, તળાવો, અઢળક કમલફૂલ, બતક અને હંસ પણ મુખ્ય વિષય બને. ભીંતચિત્રોની શૃંખલામાં 'ચિત્રશાળા' ખાતે કૃષ્ણ-રાધા રાસલીલા, વસ્ત્રહરણ કરતા નટખટ કૃષ્ણ ટર્કીશ ગ્રીન, શ્વેતશ્યામ રંગોમાં વિશાળ શ્રેણી દેખાય. કાગળ ઉપરનાં એ ચિત્રો અસાધારણ રંગભર વાર્તા જમાવે છે. સોનેરી કિનાર વડે શોભતા ચિત્રો પાત્રોના ચહેરાની કળાને પણ ઘટ્ટ ચમકીલા રંગોની જમાવટ કરે છે. લઘુચિત્રોની ગોઠવણી મ્યુરલ કે કોલાજની યાદ અપાવે. એમાંનાં દરેક પ્લાસ્ટર ઉપરથી ઉપાડીને પેપર પર લગાવાયાં છે જે સંપૂર્ણ ચિત્ર તરીકે પોતાનામાં મ્હાલે છે. આ અનંત સૌંદર્ય અને કથામાંડણી બ્લ્યૂ અને ગ્રીન સહિત શ્વેતરંગોની લ્હાણી કરે છે. રાજસ્થાનમાં છૂટી છવાઈ શૈલીઓ હિંદુ, પશ્ચિમ ભારતીય કે જૈન શૈલીમાં વિભાજિત થયેલી. તેમાં પૂર્વ તરફથી ઇસ્લામિક ચિત્રોની છાયા રેખાઓ પણ વસાઈ. પાશ્ચાત્ય શૈલી અને ધાર્મિક પાશ પણ તેને લાગ્યાં. જો કે આરંભથી રાજપૂત ચિત્રો અતિશુદ્ધ સ્વરૂપે થતાં જેમાં લોકશૈલીનાં પ્રતિબિંબ હતાં. પ્રથમ સદીમાં બૌદ્ધ,હિંદુ અને જૈન શૈલીની અસર હતી. તો, એ સમયે રાગમાળા અંતર્ગત સ્ત્રી-પુરુષના આત્મા અને દિવ્યતાનાં આંતર સંબંધોનાં રૂપક ચિત્રાણ પણ મળેલાં. એમાં કરકરા રંગોનો પ્રયોગ મુઘલ અસર હેઠળ થયેલો. વારાણસીની 'ચુનાર સેટ' રાગમાળા શ્રેણીમાં રાગ દીપક, રાગિણી કેદાર ઘેરા રંગ સંયોજનમાં અને પૌરાણિક પાત્રો તથા નૈસર્ગિક વાતાવરણમાં માણવા મળ્યા.
'રાગમાળા'માં ચિત્રો સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતની સંગત
લઘુચિત્રોમાં અને રાગમાળા ચિત્રોમાં ઝીણાં ચિત્રણ અને આલેખન એ જ તેની વિશેષતા અને લાક્ષણિકતા છે એટલે જ રંગ છટા અને ઝાંય તેના વિષયનાનુસાર ઉપસી આવે. લઘુચિત્રોમાં રાગમાળાનો સમાવેશ થાય. એમાં શાસ્ત્રીય રાગ આધારિત પ્રતીકાત્મક ચિત્રોની રસલ્હાણ આપણને ધન્ય કરી દે. એમાં પ્રસંગ ચિત્રો અને વર્ણનાત્મક ચિત્રોમાં અનેરી આભા ઊભી થાય જે રસિકોનું મન ભરી દે હરી લે ! અનેક ચિત્રોને કાળક્રમાનુસાર જોવા મળે ત્યારે અધધ...વિષયો મળે. બુંદી સંગ્રહના એક મનોહર મહેલની અંદર પ્રવેશ પહેલાં જ આછા કથ્થઇ અને સફેદ રંગના સાયુજ્યમાં રેખાંકનો અને લિપિ મોજ કરાવે. મુઘલ શૈલીનાં સ્થાપત્યોની પ્રતિકૃતિ સમાન રસળતી રેખાઓ ભીંતોને કેવાં અજવાળી દે ! અન્ય એક ચિત્રમાં ઝરોખા સંગ ભીંતો પરનાં ચિત્રો ખાનેદાર છવાયેલાં દેખાય. વાદળી, કથ્થઇ રેખાંકન શ્રેણીબધ્ધ પ્રસંગચિત્રો વડે કોલાજ સર્જે ! સુંદર વેલબુટ્ટાદાર કિનારી અને યુદ્ધનાં દ્રશ્યો પણ કંડારાયેલાં હોય ! જૈવિક રંગોની કમાલેય કેવી પાછી - બીજા એક ચિત્રમાં વાદળી પશ્ચાદભૂમાં નાયિકા ભેદનાં સ્વરૂપોની ઝાંખી થાય. તેમાંય કિનાર અને પ્રસંગો શોભે ! અરે ! યુદ્ધમાત્ર મેદાનમાં થોડાં થાય છે ? એ તો મનમાંય ઉલ્કાપાત કરે એવાં સમરાંગણનાં ચિત્રોની ઝીણી રેખાઓ એટલી તો બોલકી કે ભાવક બોલવાનું મૂકી દે અને એકી ટશે રણનીતિ માટે પ્રીતિ સેવે ! નાજુક નમણી નાયિકાઓ. પદ્મિની, ચિત્રીણી, શંખિણી, હસ્તિની વગેરે દરબારીઓને અતિપ્રિય અને ખંડિતા, અભિસારિકા આદિ નાયિકાઓ ઉપરાંત 'કવિપ્રિયા' ગણાતા વિષયો - બારમાસ, ઉત્સવપ્રિયા વગેરે રસિકોનાં મન ન મોહી લે તો જ નવાઈ !
લસરકો -
ચારેકોરની કળાનાં સ્નેહમિલન સર્જે
કેવી કળા ધારા !
મળે એમ માનવિયુંનાં મન જો - તો વહે
માનવતાની રસધારા !!
કળાના ગુલાલની રંગ છોળો
કળાવિશ્વ અનેરું, અદ્વિતીય અને રૂડું-રૂપાળું છે. એ એટલું વિશાળ છે કે એમાં અનેકાનેક વ્યક્તિઓ, તત્ત્વો, કલાવિધિઓ, ટેકનોલોજી અને સાધન સામગ્રીનું મહત્ત્વ છે. કળાની સાર-સંભાળ, એને અપાતો રાજ્યાશ્રય જે તે સમયે કળાને જીવાડનાર જડીબુટ્ટી તરીકે ઓળખાતા જેટલું મહત્ત્વ કળા અને કળાકારનું છે એટલું જ મહત્ત્વ એને ઓળખીને ઓળખાવનારોનું છે. અલબત્ત, એક અફસોસની વાત એ છે કે ઓળખ મુખ્ય કલાકારની થતી રહી છે; એના આશ્રયદાતાની થઇ છે પરંતુ નાના કહેવાતા કલાકારોની મહેનત, એની ચીવટ, એના શ્રમ સમયની યોગ્ય નોંધ લેવાઈ નથી. ખેર ! આખરે તો સૌના સાથ સહકાર વિના યુગ પ્રવર્તક કલા અને કલાકારો ખરેખર અધૂરાં છે. પણ હા; સમાજમાં એવો પણ એક વર્ગ છે ેજ સ્વયમ કલાકાર નથી પણ કલાના 'પારેખ' છે - પારખુ છે. કદર કંમત માત્ર ધનથી થતી નથી પરંતુ એ સિવાય કળાને જીવાડનાર અને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરનારા પણ એવા અઠંગ કલાપ્રેમીઓ ધૂળધોયાની અદાથી, ચાળણીએ ચાળી, સૂપડે સોઇને રસિકજનોના ચરણે એ કળાપ્રસાદ પીરસે છે ત્યારે કળાનું એક વર્તુળપૂર્ણ થાય છે અને તે પૂર્ણચન્દ્રની જેમ પ્રકાશે છે. વડોદરાના પ્રદીપભાઈ ઝવેરીએ આ ધરખમ પ્રકલ્પો હાથ ધરી, પ્રવાસના માધ્યમે અને કેમેરાના સહારે કંઇ કેટલીય અનૂઠી કળાનાં થાણાંને ઉજળાં કરીને ભાવકોને ન્યાલ કરી દીધાં છે અને એ પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે સાહિત્ય અને તસવીરો ઉલટભેર હોંશથી ઝવેરીની અદાથી વહેંચ્યાં છે.


