Get The App

મુંબઈના દેવી મહાલક્ષ્મી આઈનો આયનો .

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈના દેવી મહાલક્ષ્મી આઈનો આયનો                           . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

મંદિર માટે ઉત્તમ જળપ્લાવિત વિસ્તાર

સ્થાપત્ય રચના માટે જ્યારે ભૂમિની શોધ ચાલતી હોય ત્યારે સ્થપતિઓ અને ધાર્મિક માર્ગદર્શકોની પસંદ પાણીદાર વિસ્તારો પર પહેલી ઉતરે. પર્વતો અને કુદરતી વૈભવથી છલકાતી જમીનો પર પણ એમની આંખ ઠરે. તો ભૂલાભાઈ દેસાઈ રોડ પર મુંબઇનાં મહાલક્ષ્મી માનું મંદિર 'મુંબઈકર' માટે દેવી 'મહાત્મ્ય'ની એ કેન્દ્રવર્તી દેવી છે. મુંબઈગરાઓ અને મુલાકાતીઓ માટે દેવી દર્શન, અટન, સમુદ્રદર્શન, ભ્રમણ માટેનું એ અગત્યનું સ્થળ છે. અતિથિઓ માટે એ જરા હટકે જગ્યા છે. હા, તો અરબી સમુદ્રના કાંઠે મહાલતું પ્રસ્તુત મંદિર ધર્મ અને અધ્યાત્મને જોડતું એક પવિત્ર સ્થાન છે. તેનો ઇતિહાસ પણ સ્હેજ રોચક તો ખરો જ ! કહેવાય છે કે આ મંદિરની રચના અઢારમી સદીના અંતે આશરે ૧૭૬૧ થી ૧૭૭૧ દરમ્યાન થઈ હતી. કોળી માછીમારો મુંબઈના સાત ટાપુઓ પર રહેતા હતા એને જોડવાનું બ્રિટીશ અધિકારીઓ વિચાર્યું હતું પણ 'શુભકાર્યમાં સો વિઘ્ન' મુજબ કામમાં ભલીવાર ન આવવાથી સૌ ચિંતિત હતા. એ પ્રકલ્પમાં પ્રવૃત્ત ભારતીય ઇજનેર રામજી પ્રભુને કોઈ દૈવી સંકેત અને પ્રેરણા લીધા તેમણે વરલી નજીકના દરિયામાંથી ત્રણ મૂર્તિઓને બહાર કઢાવી ટેકરી પર સ્થાપિત કરવાની નેમ લીધી અને કાર્ય સિધ્ધ થયું તેથી મંદિર નિર્માણ કરાવ્યું. ૧૮૩૧માં ધાકજી દાદાજી નામના વેપારીએ એનું પુન:નિર્માણ કરાવ્યું. આ મંદિરના સ્થાપત્યમાં ભક્તિ, શ્રધ્ધા અને કલાનો ત્રિવેણી સંગમ છે. ભારતીય વારસાને અનુરૂપ એનું સ્થાપત્ય મનહર છે એ ઉત્કૃષ્ટ- જીવંત ઉદાહરણ છે - જે ખરે જ અદ્વિતીય- અનુપમ છે ! અતિ અલંકૃત નહિ છતાં સાદગીપૂર્ણ સૌંદર્ય હૃદયમાં ઊંડી છાપ છોડી જાય !

સરહદો ઓળંગીને આવેલી કળાઓને-શૈલીઓનો મેળાવડો

મંદિરની પ્રાથમિક રચનામાં ઈંટ, ચૂના, રેતી જેવી પ્રચલિત સામગ્રીનો ઉપયોગ થયો છે અને તેના બાહ્ય સ્વરૂપને 'સતના' નામના પથ્થરથી સજાવાયું છે - જે મંદિરને સાદાઈમાં પણ ભવ્ય અને સુંદર ઓપ આપે છે. પ્રથમ નજરે ઈમારતમાં આડી લાંબી પરસાળ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સહિત ભાવિકોને આવકારે છે. દરવાજે અર્ધગોળાકાર કમાન અને પડખે કમળફુલ તથા સ્વાગત મુદ્રામાં ઊભેલા બે હાથીઓ આસ્તિકોને આવકારતા જણાય. ભીંતે શુભ અને લાભ અદ્રશ્ય છતાં મનમાં શુભની લાગણી થાય જ. પ્રવેશે વિશાળ મંડપ મંદિરની મહત્તા, ભવ્યતા અને શક્તિનો અહેસાસ કરાવે. આ સભામંડપને પરંપરાગત કમાનો અને હાથીશિર્ષ યુક્ત મદલ છે. આ મંડપના બાંધકામમાં રાજસ્થાનના જેસલમેરના પીળા પથ્થરોએ પ્રાણ પૂર્યા છે. ઉપર આરસની નકશી-કોતરણી શોભે. પાસે જ ગર્ભગૃહની સન્મુખ મહાલક્ષ્મીનું વાહન-ચાંદી મઢ્યો સિંહ ગૌરવથી બિરાજમાન છે. સ્તંભોને જોડતા મદલ અને શ્વેત તોરણ પણ ધ્યાનાકર્ષક લગે,. ખંડને ટેકો આપતા સ્તંભો હારબંધ શોભામાં અભિવૃધ્ધિ કરે. અંતરાલમાં ગણેશજી, હનુમાનજી, સુશોભિત મંચ પર ત્રણે દેવીઓને મળવાનું ઈજન આપે. પવિત્ર ગર્ભગૃહમાં મહિષાસુર મર્દિની સ્વરૂપ મહાકાલી, ધન-ઐશ્વર્ય અને સમૃધ્ધિની દેવી મહાલક્ષ્મી તથા જ્ઞાન, શિક્ષણ અને સાહિત્યની દેવી સરસ્વતીનાં થાનક છે. બધી જ મૂર્તિઓ નાકની નથણી, સુવર્ણ અલંકારો અને મોતીની માળાઓથી શૃંગારિત છે. વચેટ મહાલક્ષ્મીજી-વિષ્ણુપત્ની કમળનાં શતદલ આસન પર બિરાજેલાં છે. મંડપમાં આરસ-તો ગર્ભગૃહમાં ચાંદીની દીવાલો 'શ્રીયંત્ર' અને 'લક્ષ્મીયંત્ર' સહ સમૃધ્ધિનું સ્વાગત કરે છે.

સભા મંડપ ઉપર પિરામિડાકારે નાનું શિખર શોભે

ગર્ભગૃહ શિરે ૭૬ ફૂટ ઊંચું મુખ્ય શિખર તેની અણિયાળી ટોચ સહ સાંપ્રત અને મિશ્ર સ્થાપત્ય શૈલીની સેહ પૂરાવે. આપણા સમૃધ્ધ વારસાનાં દર્શન અને હસ્તકલાનો જાદુ આ મંદિરની ગીચ નકશી- કોતરણીમાં 

પ્રતિબિંબિત થાય છે. ૧૫ મીટરની ઊંચાઈએ ઊંચો કળશ, લાંબા કાષ્ટ ધ્વજ દંડ અને ધ્વજ સ્તંભ સાથે સોહે છે. ગુજરાતની સોલંકી અને ચાલુક્ય સ્થાપત્ય શૈલી અહીં ઝળકે છે ત્યારે એને 'મહાગુજરાત'નું બિરૂદ આપવું પડે. હજી તો મુંબઈ રાજય પણ નહોતુ કહેવાતું એવા કાળે સળંગ ભારતના આ પશ્ચિમ કિનારે ક્યાં ગુજરાત કે મહારાષ્ટ્ર એવા ભેદ હતા ? એવે સમયે આ મંદિર સ્થાપત્ય દેશમાં અનેકતામાં એકતાનો સંદેશો આપે એનાથી ગૌરવાન્વિત થઈ જવાય ! પરિસરમાં પાછી ઝળકે પેલી દીપમાળા ઊચા નકશીદાર પથ્થરનાં મંચ પર અજવાળાં પાથરે ! એનાં કિરણો શૃંગાર ચોરી, મંડપને વળોટીને ગર્ભગૃહમાં પહોંચે ત્યાં તો ત્રિદેવીનાં રૂપેરી ઓઢણાં ય ઝબકારા મારે. મંદિર ફરતે સ્તંભો અને મથાળે મુગટ જેવા શિખરને પણ એના થકી પ્રકાશનો શણગાર થઈ જાય આપો આપ ! શિખરની રચનાના આરંભે યજ્ઞાવેદી જેવી ચડ-ઉતર થતી રચના પગથિયાંનો આભાસ આપે અને દક્ષિણેશ્વરનું શિખર યાદ આવી જાય. હા, બંગાળમાં સ્તો ! છે ને 'મેરા દેશ મહાન !' નમન છે પ્રાચીન સ્થાપત્ય વારસોન,

લસરકો

ષોડશનામી મહાલક્ષ્મીનાં મંદિરમાં મિશ્ર

સ્થાપત્ય શૈલી : શાસ્ત્રીય પ્રાચીન હિંદુ મંદિર

શૈલી, નાગર શૈલી, સાંપ્રત શૈલી, ગુજરાત મંદિર શૈલી, ઉત્તર ભારતીય શૈલીનું અનોખું સંમિશ્રણ

 - સુધા ભટ્ટ

સર્વજ્ઞો સર્વવરદે સર્વ દુ:ખ હરે દેવી મહાલક્ષ્મી નમો નમ:

પ્રાચીનથી લઈને અર્વાચીન. અતિ અર્વાચીન સમય સુધી ઇતિહાસે હંમેશ હામી પૂરાવી છે અને તેણે પોતાની ફરજ સુપેરે નિભાવી છે. ઇતિહાસનું કામ આપણને સાંપ્રત સમયમાંથી ભૂતકાળ સુધી દોરી જવાનું છે. આપણા દેશમાં તો ઇતિહાસ સચવાયો છે. તેના સ્થાપત્યોમાં, શિલ્પોમાં અને શિલાલેખોમાં. અલબત્ત, સાહિત્યે પણ કમાલ કરી છે. તેના દરેક સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ડોકિયાં કરે અને જે- તે સમયનો ચિતાર છતો થઈ જાય. પછી વિષય ગમે તે હોય- ભાષા અનેકવિધ હોય. પણ જ્ઞાનનો ભંડાર તો તે ઠલવે જ. એક બીજો ફાયદો. એ પુરાણા અનુભવો આપણને ભાવિમાં વસવાની સૂઝ પાડે, વર્તમાનને સુધારવામાં મદદ કરે. જેને કારણે આપણે ભૂતકાળની સમૃધ્ધિ જેમાં છલોછલ ઠલવાઈ છે. સચવાઈ છે. એના તરાપે ભવસાગર તરી જવાની કોશિશ કરીએ. અરે ! એટલા બહોળા અને વિસ્તૃત સમય સાગરમાં આપણે કેટલાં હલેસાં મારીએ ? અનંત..અનંત...! અને ભાળ મળે અગણિત છૂપાં રત્નોની ! મંદિર સ્થાપત્યને સંભારીએ તો ભારત ભૂમિ એ શ્રધ્ધા, અધ્યાત્મ અને કળાથી રળિયાત છે એમ કહેવામાં બે મત નથી. મોહમયી નગરી મુંબઈ ગમે તેટલી આધુનિક હોય, ફેશનથી તરબતર હોય અને મનોરંજનથી ભરપૂર હોય તોય એના શ્રધ્ધાળુ નાગરિકો કદી દેવદર્શન ન ચૂકે. તહેવારો- ઉત્સવોમાં જીવ રેડી દે, માનવતાનાં કાર્યોમાં પાછા ન પડે અને જીવંત તો એટલા કે ચાલુ લોકલ ટ્રેઈનમાં પણ ભક્તિ સરિતા વહાવી એમાં ડૂબકી લગાવે. મુંબઈના વરલી નજીકના વિસ્તારમાં મહાલક્ષ્મી પરામાં મહાલક્ષ્મી સ્ટેશન નજીક ઊંચા મોજાં ઉછળે છે એના કાંઠે, ખારી હવામાં ખારી વાછંટથી કૃતકૃત્ય થતા મહાલક્ષ્મી મંદિરે પહોંચીએ.