Get The App

ચિત્રમય કથા-કથાત્મક ચિત્રપોથી

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ચિત્રમય કથા-કથાત્મક ચિત્રપોથી 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

ચિત્રો થકી નિયમાવાયેલી વાર્તાકથનકળા

ભારતનો કોઈ પ્રદેશ એવો નથી જ્યાં એની આગવી ચિત્ર કળા ન હોય. હા, દરેક ચિત્રકળામાં રેખા-લકીર-લીટીનું મહત્વ મળે. લાસ્યભરપૂર લલિતકળા હોય કે ભૌમિતિક ભાત... એને અનુરૂપ એનું વિશ્વ તો ઉજળું જ રહેવાનું ! ભાષા, વાણી, લિપિ જેટલી જ તાકાત ચિત્રમાં સમાયેલી છે. પ્રાચીન કળાઓ અને સાહિત્યના પ્રસાર-પ્રચારમાં ચિત્રોનો બહુ મોટો ફાળો છે. ધર્મને સુપેરે સમજાવી જાણે છે ચિત્રો ! આ કળા અનેક શૈલીઓ લઈને આવે છે જે માનવવિચારોની દ્યોતક છે. એટલે જ ચિત્રકથાની પ્રથા શરૂ થઈ દેશભરમાં. પટ્ટચિત્રો, ફડ, સ્ક્રોલ તરીકે પ્રચલિત થયેલી ચિત્રકથાઓ એમના કર્તા કલાકારો સાથે દેશમાં ઘૂમવા લાગી અને કલા તથા કલાકાર - બન્ને 'વણઝારા' બની ગયાં. દેશની દશે દિશાએ કલાયાત્રાઓ છેલ્લાં પાંચસો-સાતસો વર્ષોથી લોકપ્રિય બની ગઈ અને તેથી જ તે 'લોકકલા'નું સ્વરૂપ પામી. કારવાઁ સાથે યાત્રા સાથે જોડાતાં જોડાતાં આ બન્ને કળાનું ચલિત અને મૌખિકરૂપ સંગીત સાથે એટલે કે સ્વર, લય, સૂર, તાલ સાથે જોડાઈ ગયું. ગુજરાતની ભવાઈ, મહારાષ્ટ્રની તમાશા, ઉત્તર-પૂર્વે જાતરા, દક્ષિણની કચેરી (સભા) જેવી લોકકલા સાથે ચિત્રકથાનું નામ જોડાઈ ગયું. એમાંય, મહારાષ્ટ્રમાં ઠાકર વનવાસી પ્રજાએ ધાર્મિક ચિત્રો બનાવવાનો આરંભ પાંચ-સાત સદીઓ પૂર્વે કર્યો. તેમણે સાલ વૃક્ષના પાનને ગૂંથી, તેના પર ચૂનો, કાજળ તથા કોંકણની લાલ માટીનો વિનિયોગ કરી પૌરાણિક પ્રસંગો અને પાત્રોને લક્ષમાં રાખી 'ચિત્રકથી'નાં સર્જન કર્યાં. જનમાનસમાં રહેલી ધાર્મિક લાગણીઓને માન આપી તે સમયના રાજા જયંતે બાર, પંદર અને અઢાર ઇંચ કદનાં કાગળો કલાકારોને પૂરા પાડયા અને તેમને ચિત્રમાં કથાઓ વણી લેવાની પ્રેરણા આપી. જોખમમાં મૂકાઈ ગયેલી આદિવાસીઓની વાર્તાકથન કળાને ઉગારી લીધી.

ચિત્રકથી કળા છે આનંદદાયિની, જ્ઞાનદાયિની, બોધદાયિની

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના પિંગુળી ગામના વસાહતીઓ પાસે પ્રસ્તુત કળાનાં મૂળિયાં યથાવત્ સચવાયેલાં છે. આમ તો આવી માહિતી જુદા જુદા પ્લેટફોર્મ્સ પરથી પ્રસારિત થતી રહેતી હોય છે પરંતુ જો આપણા ગુજરાતના જ કલાકાર-વડોદરાના પરમેન્દ્ર ગજ્જર 'પરમ' પ્રત્યક્ષ મુલાકાતે પિંગુળી-સિંધુદુર્ગ હકીકતના આધારે પહોંચી જઈને આ લુપ્ત થતી જતી કળાને વિશ્વ સમક્ષ મૂકતા હોય તો એનાથી રૂડું બીજું શું ? અહીં તેઓ અટકતા નથી. 'ચિત્રકથી' કળાના બહુ ઓછા કલાકારો હાલ આ ક્ષેત્રે પ્રવૃત્ત છે. એમાંના એક વરિષ્ટ કલાકાર પદ્મશ્રી પરશુરામ ગંગાવણે પાસેથી એમણે માહિતીનો ખજાનો મેળવ્યો, એ અંગેની કેટલીક ટેકનીક્સની જાણકારી મેળવી, દ્રશ્યાંકનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું, પૌરાણિક સાહિત્ય સાગરમાં તરતા પાત્રરત્નો વિશે એમણે વિગતવાર માહિતી મેળવી. એટલું જ નહિ - રંગો અને રામાયણ-મહાભારતના પ્રસંગોની પ્રસ્તુતિને મનભરીને માણી, જાણી અને કલાક્ષેત્રના મિત્રો અને રસિકો સારુ ટોપલો ભરીને અચરજનું ભાથું બાંધીને વતન આવ્યા. આ વારસાને એમણે શબ્દસ્થ અને ચિત્રસ્થ કર્યો. તો, ચિત્ર અને શબ્દની સેવા કરતા આ કળાકારે 'ચિત્રકથી'-પિંગુળી ગામની કળાને હૃદયસ્થ કરી. આ સંગીતમય પ્રસ્તુતિ ઠાકર સમાજના 

કળાકારો અલગ અલગ ચિત્રાંકનો દ્વારા રજુ કરે છે. વર્ણન કરનાર - વ્યક્ત કરનાર કલાકાર લહેકાદાર શૈલીમાં ગદ્ય તો રજુ કરે જ સાથે સાથે ટુનટુના (નાની વાંસળી), હુકુકુ (ઢોલ) અને તાનપુરા કે વીણા જેવા તારવાદ્યનો સુરૂચિપૂર્ણ ઉપયોગ કરે છે. મહારાષ્ટ્ર, આન્ધ્ર, કર્ણાટક તથા આસપાસના વિસ્તારોમાં આ કથા ચિત્રો દેખા દે છે. ભાવકો સમક્ષ એક પછી એક ચિત્ર રજુ કરી, સરકાવતા જઈને કળાકારો ખરી જમાવટ કરે છે !

છૂટા છૂટા ચિત્રોની થપ્પીને કહેવાય 'પોથી'

કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજે આ કળાને પુન: જીવન બક્ષ્યું હતું અને આ કળાકારો ચલિત પ્રસ્તુતિ દરમ્યાન માહિતી મેળવતા અને શિવાજી મહારાજ સારુ જાસૂસનો રોલ પણ કરતા. મહારાષ્ટ્રની આ પૌરાણિક કળામાં સમૂહગાન પણ થાય. કલાકારો વાર્તાના વર્ણન માટે પ્રથમ તો ગીતો સેટ કરે અને પછી ચિત્રો બનાવે. જે પ્રસ્તુતિને ટેકો કરે. અગાઉ પ્રત્યેક કાર્યક્રમમાં પચાસ ચિત્રોનો ઉપયોગ થતો. હવે લગભગ પચીસેક ચિત્રોમાં કલાકારો વાર્તાનો સમાવેશ કરે છે. પરશુરામ ગંગાવણે પરિવારસહ આ વારસો સાચવવા કટિબદ્ધ છે. તેમણે પોતાની મૂળ ગમાણો (ગાયનું ઘર) સંગ્રહસ્થાનમાં તબદીલ કરી છે. જ્યાં એ નાનકડી જગ્યાનાં ચિત્રકથીનાં ચિત્રો, કઠપૂતળીઓ અને અન્ય કલાકૃતિઓ વેચાતી મળે. સિંધુ દૂર્ગ જિલ્લામાં જ 'ગૌડેવાડા' ગામમાં દીવાલ પર ચિત્રકથી કળાનાં નિરૂપણ જોવા મળે - જે ધરતીથી છ ફૂટ ઊંચા હોય છે. આ વાડામાં મધ્યસ્થ પ્રાંગણમાં એક નાનું મંદિર અવશ્ય જોવા મળે. જ્યાં પૌરાણિક ચિત્રકથી મૂળ સ્વરૂપે રજુ થતી હતી ત્યાં હવે તે પુન: જીવિત થતી અને જીવંત થતી તાદ્દશ્ય થાય છે. અહીં ઠેર ઠેર 'દસ્તકારી હાટ સમિતિ' આ વારસાની સાચવણી કરતી દેખાય. આ ચિત્રોમાં 'બોલ્ડ સ્ટ્રોક'ની મઝા છે. ઘાટા ઘેરા રંગો, પાત્રોના મુખભાવ, પશ્ચાદ્ભૂ નો રંગ પીળો, પાત્રોની વેશસજ્જા, આભૂષણ, કેશકલાપ, કુદરતનું નિરૂપણ, સ્થાપત્યોની ઝલક હાથવણાટના કાગળ ઉપર કમાલનાં કામણ કરતા જોવા મળે છે... આ તો માત્ર પરિચય હો !!

લસરકો

ચિત્રકથી કળા કાગળ, કથા, ચિત્રો અને જીવનની સંજીવની છે

કળા જેટલી જૂની એટલી તેની કિંમત વધુ

આદિકાળથી અભિવ્યક્તિના ઉત્તમ અને ઉચ્ચતમ સાધન તરીકે ચિત્રકળાનો ક્રમાંક પ્રથમ જ આવ્યો છે. પછી તે કળાને કોઈ સ્થાનિક કે શાસ્ત્રીય નામ અપાયું હોય કે ન અપાયું હોય. એશિયા સહિત વિશ્વના અનેક ખંડોમાં આ કળા વિહરી છે, વિકસી છે અને વિલસી છે. માનવીના મન-મસ્તિષ્કમાં ચાલતા વિચારો, નિરીક્ષણ, અનુભવ આદિએ એને કળા તરફ દોરવ્યો છે. જે ચિત્રોને તેનાં નામાંકન પ્રાપ્ત થયાં છે તે ક્યાં તો ભૌગોલિક નામ-ઠામ કે સ્થાન ઉપર આધારિત છે. કેટલાંકનો છેડો શાસ્ત્રીય કળા તરફ ઇશારો કરે છે, તો કેટલાંક ચિત્રો ઉપર વિદેશી કળાનો પડછાયો ઝળુંબતો સ્પષ્ટ દેખાય છે. બાકી 'લોક ચિત્ર કલા' ને નામે જેનાં નામ અને કામ (હૃદયમાં ઘર કરી ગયાં છે તે ચિત્રોને ઓળખનાર રસિકજનોની સંખ્યા મોટી છે... આખે આખા ગામ, પરગણા કે વિસ્તારો એમાં-એનાં સૌંદર્યમાં ગળાડૂબ છે અને તેનાં માનપાન વધી ગયાં છે. આધુનિક યુગમાં 'હેરિટેજ'નો દરજ્જો કળાને ઊંચેરાં માન-પાન-સ્થાન અપાવે છે અને એની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો-ઉછાળો-શેરબજારના શેરની જેમ વિશ્વવ્યાપી થઈ જાય છે. તાજેતરમાં જ કલાકારવર્ય રાજા રવિ વર્માના 'બાલકૃષ્ણ, જશોદા, ગાય' વાળા ચિત્રની અધધ. કિંમત ભારતના કલાપ્રેમી ઉદ્યોપતિએ ચૂકવી તેની નોંધ વિશ્વ આખાએ લીધી છે. ચિત્રયાત્રા આરંભથી જ અનોખી રહેલી છે. એના માધ્યમમાં અપાર વૈવિધ્ય હોય છે. ભોજપત્ર, કાગળ, કાપડ, કાષ્ઠ, કાચ, ભીંત અને હવે તો સિન્થેટિક સપાટીઓ પર પણ રંગરસ ઢોળાય છે. વળી, જૈવિક-કુદરતી રંગો, ખનિજ, રેતી, કોલસો, માટી વગેરેમાંથી બને અને સિન્થેટિક (રાસાયણિક) રંગોની બોલબાલાય કાંઈ ઓછી નથી. હવે, ચિત્રો બોલકાં બને અને તેને કલાકારોનો સાથ મળે ત્યારે શું થાય ?